
વેકેશન શરુ થયું અને ૧૫ વર્ષની તનીષાને તેના પિતા સાથે વધુ સમય ગાળવાની તક મળી. તે તેના પિતા સવારે ઉઠી ચાલવા જતી. તેમની ઓફિસે પણ જઈ આવી અને સાંજે પણ તેના પિતા પાછા આવે એટલે તેમની સાથે બેસી છાપામાં આવતા પોલિટિકલ પ્રશ્નોની ચર્ચા કરતી. બાપદીકરી બંનેને એકબીજાનું સાનિધ્ય ખુબ ગમતું. થોડા દિવસ બાદ તનીષા તેના પિતા સાથે તેને મનમાં આવે તે બધા જ પ્રશ્નોની મુક્ત મને ચર્ચા કરવા લાગી. તેના પિતા પણ તેને બધું જ ખુબ સરસ રીતે સમજાવતા. એક દિવસ ગભરાતા તનીષાએ હિંમત કરી પોતાના પિતાને એક વાત કરી. ‘અમારા સ્પોર્ટ્સના જે શિક્ષક છે તે વાતવાતમાં મારા ખભા પર હાથ મુકે છે અને મને અડવાનો પ્રયત્ન કરે છે.’ તેના પિતા તનીષાની વાત સાંભળી ચોંકી ગયા, તરત જ સ્વસ્થતા કેળવી શાંતિથી બધી વિગત તેમણે સાંભળી. તેમણે તેમની દીકરીને ખુબ સુંદર સલાહ આપી. આ વસ્તુ છ મહિના પહેલા બની હતી. તારે સૌથી પહેલા તો આવી કોઈ પણ વસ્તુ બને કે તરત તારા ક્લાસ ટીચર કે સ્કુલના પ્રિન્સિપાલની ઓફીસમાં જઈ તેમને જણાવવી જોઈએ. તે પછી ઘરે આવી તારી મમ્મીને આ ઘટનાની જાણ કરવી જોઈએ. તારે મમ્મી અને પપ્પાને તારા શ્રેષ્ઠ મિત્ર સમજવા જોઈએ. તેઓ પણ આ પ્રશ્ને સ્કુલમાં આવી પ્રિન્સિપાલને મળી તેમણે શું પગલા લીધા તે વિશે પૂછપરછ કરી શકે છે. આપણે છાપામાં પણ સ્કૂલોમાં બનતી આવી ઘટના વિશે વાંચીએ છીએ. ટીનએઈજ દીકરીઓ માટે આ ઘટના બે વસ્તુ તરફ ધ્યાન દોરે છે. પહેલું તો સંતાનોની ટીનએઈજ ચાલુ થાય એટલે માતાપિતાએ તેમના નિખાલસ મિત્ર બનવું જોઈએ. તેમને સલાહ ઓછી અને સાંભળવા વધુ જોઈએ. તેઓ સ્કુલ કે કોલેજમાં તેમની સાથે બનતી બધી જ ઘટના તેમના માતાપિતા સાથે શેર કરે તેવા ટીનએઈજ બાળકો અને તેમના માતાપિતા વચ્ચે સંબંધો હોવા જોઈએ. તેમનાથી કોઈ ભૂલ પણ થાય તો પણ તેમને શાંતિથી સાંભળો. આ સમયે તેઓ માતાપિતા પાસેથી જે શીખશે તેની અસર જીવનભર રહેતી હોય છે. તેમની ભૂલોમાં પણ તેમને શ્રેષ્ઠ શીખવવાની માતાપિતા પાસે તક હોય છે. કઈ પણ વસ્તુ માતાપિતાને કહેતા તેમને ગભરામણ કે ડર ના લાગવો જોઈએ. બીજી વસ્તુ સ્કુલમાં પણ ક્લાસ ટીચર અને પ્રિન્સીપાલે આવું કઈ પણ બને તો અમને જણાવજો તેવી ખાતરી અને હિંમત આપવી જોઈએ. મોટા ભાગના કિસ્સામાં આવું બને તો ટીનએઈજ છોકરીઓ સ્કુલમાં કે તેના માતાપિતાને આ ઘટના કહી શકતી નથી. આવું થાય એટલે લંપટ શિક્ષકોની હિંમત વધે છે. તેઓ આ વસ્તુને છોકરીની સંમતિ માની આગળ વધે છે. માત્ર વેકેશનમાં જ શું કામ હંમેશા માતાપિતા પાસે ટીનએઈજ બાળકો માટે સમય હોય અને સંવાદ થતો હોય તો તનીષા સાથે બની તેવી ઘટનાઓ બને નહીં.
પ્રતિશાદ આપો