મુલાકાતી નંબર: 430,119

Ebook
આફતને અવસરમાં અને તકલીફને તકમાં બદલનાર લલિતાપવાર
૧૯૪૨ ના વર્ષમાં ‘જંગ-એ-આઝાદી’ નામની હિન્દી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. હિન્દી ફિલ્મમાં હજુ નવા આવેલા હીરો ભગવાને(ભગવાન દાદાએ) ૨૬ વર્ષની તે સમયની ટોચની હિરોઈન લલિતા પવારને લાફો મારવાનો સીન હતો. ભગવાને હિરોઈન લલિતા પવારને એટલી જોરથી થપ્પડ મારી કે લલિતાજી સ્ટેજ પરથી પડી ગયા, તેમના ડાબા કાનમાંથી લોહી નીકળ્યું અને ડાબી આંખને ગંભીર રીતે નુકસાન થયું. ત્રણ વર્ષની સારવાર બાદ ડાબી આંખ સારી ના થઈ પરંતુ ડાબી આંખની ફેસિયલ નસનું કાયમી પેરાલિસીસ થયું જેનાથી ડાબી આંખ ઝીણી અને સતત ફરકતી થઈ ગઈ. બીજું કોઈ પણ હોય તો નિરાશ થઈ અભિનય છોડી દે પણ લલિતા પવારે આ તકલીફને એક તકમાં બદલી નાખી. ૧૯૨૮ થી ૧૯૪૨ સુધીમાં લગભગ ૧૦૦ જેટલી મૂંગી ફિલ્મો તથા શરૂ થયેલી બોલતી ફિલ્મોમાં હિરોઈન તરીકે અભિનય કર્યો હતો. હવે તેમણે માતા અને સાસુના કેરેક્ટર રોલ કરવા માંડ્યા. મરાઠી ફિલ્મ ‘સાસુરબસીન’ અને ગુજરાતી ફિલ્મ ‘મહેંદી રંગ લાયેગી’માં તેમણે નિભાવેલા સાસુના રોલ યાદગાર હતા. પડદા પર સાસુ તરીકે તેઓ જ્યારે બોલતા, ‘મેરી છટ્ટી પર આ કે તો સાપ ભી રસ્સી બન જાતા હૈ’ અને ‘મેરી ઝુબાન સે ઉગલા હુઆ ઝહર ભી અમૃત બન જાતા હૈ’ ત્યારે પિક્ચર જોનારી દરેક માતા ભગવાનને પ્રાર્થના કરતી કે તેમની દીકરીને આવી વઢકણી સાસુ ના મળે. ૧૯૨૮માં ‘રાજા હરિશ્ચંદ્ર’ થી શરૂ કરી ૧૯૯૭માં આવેલ ‘ભાઈ’ પિક્ચર સુધીના સાત દાયકામાં લગભગ ૭૦૦ જેટલી ફિલ્મમાં બધાજ પ્રકારના રોલ કર્યા. તેમણે પ્રેક્ષકોને હસાવ્યા, રડાવ્યા, ડરાવ્યા અને સાસુ તરીકેના રોલમાં લોકોને ગુસ્સે પણ કર્યા. શરૂઆતમાં ૧૯૨૮ થી ૧૯૪૧ વચ્ચે તેમણે સંત દામાજી, હિંમતે મર્દા, દિલેર જીગર, નેતાજી પાલકર અને ગોરા કુંભાર જેવી સુપર હિટ ફિલ્મો આપી. ૧૯૫૫માં આવેલ ફિલ્મ શ્રી-૪૨૦ માં કેળા વેચનાર મરાઠી બાઈના રોલમાં ‘આંઠ આનામાં ડઝન પણ બે આનામાં બે કેળા મળશે’ ડાયલોગ બોલવાની તેમની સ્ટાઈલથી દર્શકોના દિલમાં તેઓ છવાઈ જતા. તે પછી તો ૧૯૫૯માં અનાડી ફિલ્મમાં તેમણે ભજવેલા મિસિસ ડીસોઝાના પાત્ર માટે તેમને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ૧૯૬૧માં સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ મળ્યો. આ જ વર્ષે ભારત સરકારે તેમનું ‘ફર્સ્ટ ઇન્ડિયન લેડી ઓફ ઇન્ડીયન સિનેમા’ તરીકે પણ સન્માન કર્યું. તેમણે પ્રોફેસર, દાગ, સુજાતા, સસુરાલ, ઘરાના, તેમજ સો દિન સાસ કે જેવી ફિલ્મોમાં યાદગાર રોલ નિભાવ્યા હતા. તેમણે રાજકપૂર, દિલીપકુમાર અને દેવઆનંદની માતા ના રોલ પણ નિભાવ્યા હતા. તેમની સાથે કામ કરનાર તબસ્સુમ અને અરુણા ઈરાની કહેતા શુટિંગ વખતે તેઓ અમને જોક કહી હસાવતા પણ ખરા અને અમારી સાથે પત્તા પણ રમતા. બહુ સરળ હ્રદયના લલિતા પવાર અમુક પિકચરમાં તેમના ફક્ત થોડી મિનિટો ના જ રોલ હોય તો નિર્માતાને કહેતા કે મારા માટે મોંઘી હોટલનો ખર્ચ ના કરતા હું ક્યાંક નાની જગ્યાએ રહીશ. સ્ટંટ ફિલ્મોથી શરુ કરી રોમાન્સ, ઐતિહાસિક, ધાર્મિક અને સામાજિક એમ દરેક પ્રકારની ફિલ્મમાં તેમણે કામ કર્યું. ૧૯૮૭માં રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં મંથરાનું પાત્ર ભજવતા તેઓ ડાયલોગ બોલતા ત્યારે ભારતભરમાં ટીવી સેટ સામે બેઠેલા શાંત થઈ જતા અને તેઓ શું બોલે છે તે ધ્યાનથી સાંભળતા. મહેશભટ્ટે તેમના માટે કહ્યું, ‘લલિતા પવાર માત્ર હિન્દી ફિલ્મ માટે નહીં પણ ભારત દેશનું ઘરેણું કહી શકાય.’ તેમની આત્મકથામાં તેમણે કહ્યું હતું કે, ‘ઘણીવાર મને લાગ્યું કે હવે હિન્દી ફિલ્મ માટે મારો નાતો પૂરો થઈ ગયો છે. પણ કોઈ અદ્રશ્ય બળના પ્રતાપે હું હિન્દી ફિલ્મોમાં વહેતી નદીની જેમ વહી રહી છું.’ ૧૯૭૪માં આવેલ ફિલ્મ ‘નયા દિન નયી રાત’માં પાગલખાનામાં વઢકણી સાસુ તરીકે તે જ્યા ભાદુરીને ધક્કો મારીને કહે છે, ‘તારે ઘરના આટલા કામો કરી નાખવાના, મારા પગ દબાવવાના અને તારા માટેની રસોઈમાં ઘી નહીં નંખાય કારણકે તું તારા પિયરથી ઘી લાવી નથી.’ ત્યારે દર્શકો થોડા સમય માટે ભૂલી જ જતા કે આ ફિલ્મ છે અને લલિતાપવાર અસલી સાસુ નથી. આને કહેવાય કે જીવનમાં ગમે તેટલી ખરાબ આફત કેમ નથી આવતી તેને હિંમતથી અવસરમાં ફેરવી નાખવી. ઈશ્વરે આપેલા કોઈ પણ પ્રકારના સમય અને રોલને આનંદથી નિભાવવો. તેઓ ૧૯૯૮માં પુનામાં તેમના ઘરમાં જ મૃત્યુ પામ્યા ત્યારે પડોશીઓને તથા મુંબઈ રહેલા પરિવારજનોને બે દિવસ પછી તેમના નિધનની જાણ થઈ હતી. ૧૮ એપ્રિલે તેમની ૧૦૩મી જન્મ જયંતિ હતી.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો