મુલાકાતી નંબર: 430,128

Ebook
અમિતાભ બચ્ચન – ૧૯૬૯ થી ૨૦૧૯ – અડધી સદીની સંઘર્ષયાત્રા 
images ૧૨ મે ૧૯૬૯ : આજના દિવસે દેશભરમાં મૃણાલસેને બનાવેલ અને ઉત્પલ દત્ત અભિનિત ‘ભુવન સોમ’ નામનું હિન્દી પિક્ચર રજુ થયું  હતું. ખુબ ઓછા જાણીતા આ પિકચરમાં લોકોએ એક ઘેરો છતાં  સાંભળવો ગમે તેવો અવાજ પડદા પર પ્રથમ વખત સાંભળ્યો. સમય જતા ‘મેગા સ્ટાર’, ‘બિગ બી’, ‘મહાનાયક’, ‘એન્ગ્રી યંગ મેન’, ‘સ્ટાર ઓફ મિલેનિયમ’, ‘શહેનશાહ ઓફ બોલીવુડ’ જેવા વિશષણો જેને મળ્યા છે તે અમિતાભ બચ્ચનનો આ અવાજ હતો. તેઓએ જેમાં પ્રથમ વખત અભિનય આપ્યો અને લોકો તેમને જેનાથી ઓળખતા થયા તે ‘સાત હિન્દુસ્તાની’ તે જ સાલમાં નવેમ્બરમાં રજુ થયું. આમ હિન્દી પિક્ચરની અમિતાભ બચ્ચનની સફર ‘સાત હિન્દુસ્તાની’ પહેલા ૧૨ મે ૧૯૬૯થી ચાલુ થઈ ગણાય જે ઘટનાને આજે ૫૦ વર્ષ પુરા થયા. ૧૨ મે ૧૯૭૩ : આગલા દિવસે ૧૧ મે એ રજુ થયેલ ‘જંજીર’ની અને પિકચરના પાત્ર ‘વિજય’ની ચર્ચા દેશભરમાં શરૂ થઈ ગઈ હતી. અમિતાભજીએ કુલ ૨૦ વખત ‘વિજય’ નામથી હિન્દી પિક્ચરોમાં કામ કર્યું. મોટાભાગના પિકચરોમાં ‘વિજય’ને સંઘર્ષ કરતો અને સામજિક દુષણો સામે લડતો બતાવ્યો છે. લોકોએ પોતાની તકલીફો ‘વિજય’માં જોઈ. ૧૨ મે ૧૯૭૮ : આજના દિવસે ‘ડોન’ પિક્ચર રીલીઝ થયું. દેશભરમાં ઉનાળુ વેકેશન હોઈ  લોકો તેમને જોવા ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવવા સવારથીજ લાઈનમાં ઉભા રહેતા. દેશભરમાં પ્રગટ થતા બધી જ ભાષાના મેગેઝીનોની કવર સ્ટોરીમાં તેઓ છવાઈ ગયા હતા. છેલ્લા ૨૩ દિવસમાં તેમના રજુ થયેલા ત્રણ પિકચરો ક્સ્મેવાદે, ત્રિશુલ અને ડોને તેમને લોકપ્રિયતાના ચરમ શિખરે પહોંચાડી દીધા. આજ વર્ષમાં ઓક્ટોબરમાં રજુ થયેલ ‘મુક્કદરકા સિકંદર’ પિક્ચરે ફરીથી લોકોને અમિતાભ નામથી હિપ્નોટાઈઝ કર્યા. તે વખતે લોકો અમિતાભજીના ફોટા પોતાના પર્સમાં રાખતા. આ પિકચરો ભારતના ઘણા થિયેટરોમાં ૫૦૦ દિવસ ચાલ્યા. મે ૨૦૦૦ : આ જ વ્યક્તિને ઘર ચલાવવા અને રોજબરોજના સામાન્ય બિલો, સ્ટાફના પગારો ચુકવવા પણ મુશ્કેલી નડતી હતી. પોતાની ABCL કંપની દેવાના ભાર હેઠળ હતી. લેણદારોના ફોનો વધી ગયા હતા. ‘મુહાબત્તે’ નું શુટિંગ ચાલી રહ્યું હતું. તે સિવાય કોઈ પણ પ્રકારનું કામ મળતું ન હતું. ‘તેમનો યુગ પૂરો થઈ ગયો છે’ તેવા લેખો મેગેઝીનોમાં છપાતા હતા. આ જ સમયે તેમને એક નવા પ્રકારના ટીવી પ્રોગ્રામની ઓફર થઈ. ક્વિઝ પ્રોગ્રામ ‘ કૌન બનેગા કરોડપતિ’ માટે કામ કરવાની ઓફર તે વખતના સુપરસ્ટારો ઠુકરાવી ચુક્યા હતા. તેમના નજીકના મિત્રોએ પણ તેમને સલાહ આપી કે તમે અત્યાર સુધી સફળ અદાકાર તરીકે કામ કર્યું છે, સામાન્ય જ્ઞાનના નવતર પ્રોગ્રામને હોસ્ટ કરવો તમારું કામ નથી. તમે પૈસાથી તો ખલાસ થઈ જ ચુક્યા છો હવે તમે ઈજ્જતથી પણ ખતમ થઈ જશો. પણ તેમણે આ પ્રોગ્રામ માટે કામ કરવાની હા પાડી. પોતાની અદાકારી, અવાજ, શારીરિક હાવભાવ, અને આગવી સૂઝબુઝને કામે લગાડી આ પ્રોગ્રામનું શુટિંગ જુન ૨૦૦૦માં શરૂ કર્યું. છેવટે ૩ જુલાઈ ૨૦૦૦ ના રોજ ટચુકડા પરદે(ટીવીમાં) આ પ્રોગ્રામ ભારતભરમાં રજુ થયો. પછીનો ઇતિહાસ તો બધા જાણે છે. ૧૨ મે ૨૦૧૯ : આજે ૭૭ વર્ષની વય અને ફક્ત ૨૫% જ કાર્યરત લીવર સાથે થોડા સમય અગાઉ રજુ થયેલ ‘બદલા’ પિક્ચર લગભગ ૧૦૦ કરોડના કલેક્શનની નજીક આવી ગયું છે. છેલ્લી ત્રણ જનરેશન તેમની ફેન રહી ચુકી છે.  ૧૯૮૨માં ‘કુલી’ના સેટ પર ઈજા પામ્યા પછી વેન્ટીલેટર પર રહી, ૬૦ બોટલ બ્લ્ડના સહારે નવો જન્મ પ્રાપ્ત થયો. અભિષેક બચ્ચનના મત પ્રમાણે પોતાના જીવનમાં પણ ‘રીયલ હીરો’ રહ્યા હોય તે વ્યક્તિને જ ઈશ્વર એક જ જીવનમાં બે વખત જન્મ આપે છે. હિપેટાયટીસ બી, ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ, માયસ્થેનિયા ગ્રેવીસ, ટીબી તેમજ દમ જેવી બીમારીઓમાંથી પસાર થવા છતાં રોજના ૧૫ થી ૧૬ કલાક આ ઉંમરે પણ કાર્યરત રહે છે આથી જ સતત ૫૦ વર્ષ સુધી એક જ ફિલ્ડમાં સતત સફળતા આપી શક્યા. એક જ ફિલ્ડમાં ૫૦ વર્ષ કામ કરી સફળ રહ્યા હોય તેવી વ્યક્તિઓ દેશમાં નહીં પણ દુનિયામાં પણ બહુ જુજ જોવા મળશે. તેમણે સાબિત કર્યું કે માત્ર સફળ થવાથી લોકપ્રિયતા મળે પણ લાંબા સમય સુધી સતત સફળ રહેવાથી લોકોના હ્રદયમાં સ્થાન મળે. પોલિયોના ટીપા, ટીબી અને હિપેટાયટીસ બી ની જાગૃતિ માટે તેમણે આપેલું પ્રદાન અમુલ્ય છે. તેમણે સૌથી વધુ ૧૬ જેટલા હિન્દી પિકચરમાં ડબલરોલમાં કામ કર્યું. ‘શહેનશાહ’નો ડાયલોગ રિશ્તે મેં હમ તુમ્હારે બાપ લગતે હૈ,  ‘અગ્નિપથ’માં શામકો પાંચ બજે મૌત કે સાથ એપોઈન્ટમેન્ટ હૈ.. ડાયલોગ બચ્ચનના ટ્રેડમાર્ક બની ગયા. ‘બાગબાન’ના અભિનય અને સંવાદોએ ઘણા વડીલોને રડાવ્યા. તેમના જીવનમાં પણ સંખ્યાબંધ ઉતાર ચઢાવ આવ્યા. નિષ્ફળ રાજકીય કારકિર્દી પછી ૧૯૯૬માં પોતે સ્થાપેલી કંપની ABCL ખોટમાં ગઈ. આજ કંપનીએ નિર્માણ કરેલું ‘મૃત્યુદાતા’ નિષ્ફળ ગયું. ત્યારબાદ ૧૯૯૯માં આવેલ ‘લાલ બાદશાહ’ અને ‘હિન્દુસ્તાન કી કસમ’ સંપૂર્ણ નિષ્ફળ ગયા. અમિતાભ બચ્ચન હવે ખતમ થઈ ગયા છે અને ૩૦ વર્ષની તેમની કારકિર્દીની માહિતી આપતા આર્ટીકલ્સ વિવિધ સામાયિકોએ છાપી નાખ્યા. બોફર્સ મુદ્દે પણ નામ આવ્યું. એ પછી હતાશાને ખંખેરી તેઓ ફરી ઉભા થયા અને કોઈ પણ સુપરસ્ટારને શરમાવે તે રીતે બીજા ૨૦ વર્ષ ફરી કારકિર્દી લંબાવી. કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે માત્ર ઈચ્છા હોય તે ના ચાલે મગજમાં ભડભડતી આગ હોવી જોઈએ. જે પણ કામ મળે તેમાં દિલથી સમર્પિત થઈને ખુંપી જાવ, ગળાડૂબ થઈ જાવ અને નિચોવાઈ જાવ. ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ કક્ષાના એવોર્ડ મેળવનાર અમિતાભ બચ્ચન ફિલ્મ જગતની એક માત્ર વ્યક્તિ છે કે જેને અલગ અલગ પ્રકારના એવોર્ડ ૧૯૭૦ થી શરૂ કરી ૨૦૧૦ સુધીમાં સતત પાંચ દાયકા સુધી મેળવ્યા હોય. તેમણે સાબિત કરી બતાવ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ જાય ત્યારેપણ પ્રયત્નો છોડવા નહીં કારણકે રાખ થઈ ગયા પછી પણ ઉભા થવાના જે પ્રયત્નો કરે છે ત્યારે કોઈ દૈવી શક્તિ હાથ પકડવા મદદે આવે છે અને ચારે બાજુ અંધકારમય ભાસતા રસ્તા પર પણ ઠોકરો ખાઈને આગળ વધવાનું ચાલુ રાખવાથી એક રસ્તો ચોક્કસ મળી આવશે જેના બીજા છેડે તેજ પ્રકાશ હોય. સમય અને પરિસ્થિતિ બદલાઈ જાય ત્યારે શ્રધ્ધા અને પ્રયત્નો ચોક્કસ સાથ આપે છે. સફળ થવા સાથે બહુ નમ્ર પણ રહેવું પડે. ૧૯૯૮ માં આવેલ ‘બડે મિયાં છોટે મિયાં’ ના સેટ પર તેઓ સમયસર પહોંચી ગયા પછી પિકચરના અન્ય અભિનેતા ગોવિંદાના આવવાની છ કલાક રાહ જોઈ. છ કલાક બાદ ગોવિંદાના આવ્યા બાદ એક પણ શબ્દ બોલ્યા વિના તે દિવસનું શુટિંગ પૂરું કર્યું. ૨૦૧૫ માં આવેલ ‘પીકુ’ પિકચરના શુટિંગ દરમ્યાન તેમણે કહ્યું, ‘હું ઘણી બધી વસ્તુ ઈરફાનખાન પાસેથી શીખ્યો.’ કોઈ પણ ફિલ્ડમાં ૪૬ વર્ષ કામ કર્યા પછી તમારાથી ખુબ જુનિયર સાથી પાસેથી પણ તમે શીખો છો એ નમ્રતા જ ટોચ પર પહોંચાડી શકે. આ જ પિક્ચરની અભિનેત્રી દીપિકા પદુકોણે કહ્યું, ‘પિકચરના ઘણા સીનમાં હું ભૂલી જતી કે તેઓ મારા રીયલ ફાધર નથી.’  આ વાતો તેમની અભિનય ક્ષમતા બતાવે છે. તેઓનો પિતાપ્રેમ અનેરો છે. કોઈ પણ સમયે કોઈ વ્યક્તિ તેમના પિતા લિખિત ‘મધુશાલા’ની વાત કરે ત્યારે આજુબાજુનું ભાન ભૂલી જઈ ભાવુક થઈ જતા હોય છે. ઘરે ગયા પછી તેમના પ્રિય પેટ ડોગ સાથે સમય વિતાવવો, સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેવું, વહેલી સવારે ક્યારેક જુહુ સ્થિત જીમમાં પહોંચી જવું, દર રવિવારે બપોરે ઘરની બહાર લોકોને મળવું, જરૂરિયાતમંદ ખેડૂતોને પણ સતત મદદ કરતા રહેવી તે તેમના વ્યક્તિત્વના અન્ય પાસાઓ છે. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ લક્ષ્ય પ્રાપ્તિના પ્રયત્નો છોડશો નહીં કારણકે બને કે જ્યારે કંટાળીને તમે લક્ષ્ય પ્રાપ્તિના પ્રયત્નો છોડો તે જગ્યાએથી તમારી મંઝિલ એક ફૂટ દુર જ હોય. તેમના જ પિક્ચર ‘ખુદા ગવાહ’ નો એક ડાયલોગ ‘ અજમાઇશ કડી હૈ, ઈમ્તેહા મુશ્કિલ લેકિન હોશલા બુલંદ’ રીયલ લાઈફમાં પણ બુલંદ હોશલા સાથે તેઓ આગળ વધતા રહ્યા. લાસ્ટ બોલ : ‘હું સેટ પર જાણે ફસડાઈને પડ્યો હોઉં તેવું મારું સ્વાસ્થ્ય ઘણી વખત હોય છે. પણ જેવા ત્રણ શબ્દો લાઈટ, સાઉન્ડ અને એક્શન મારા કાને પડે છે ને જાણે ચેતના અને ઉર્જાનો ઝટકો શરીરના કણકણમાં ફરી વળે છે. જેવો શોટ ઓકે થાય છે તે સાથે ફરી કઈક તત્વ ઉડી ગયું હોય તેમ નરમ ઘેંસ જેવો હું થઈ જાઉં છું.’  અમિતાભ બચ્ચન.  drashishchokshi.com  

3 ટિપ્પણીઓ

  1. લેખકDr. Anil K. Patel

    on May 19, 2019 at 5:20 pm - Reply

    Excellent article!!

  2. લેખકNirav Dani

    on May 20, 2019 at 9:58 pm - Reply

    Wah, excellent compilation… and what a use of Gujarati vocabulary…

    • લેખકDr. Ashish Chokshi

      on May 21, 2019 at 10:26 pm - Reply

      Dr. Ashish Chokshi

      આભાર નીરવભાઈ – કોઈ વ્યક્તિની ૫૦ વર્ષની કારકિર્દી એક જીવતી જાગતી યુનિવર્સીટી જેવી હોય છે. તેમાંથી આપણે જેટલું શીખવા મળે તેટલું ઓછુ છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો