મુલાકાતી નંબર: 430,120

Ebook
૩ પડકાર એ જ પ્રેરણા
એમનું નામ પ્રભાવતીબહેન કાંતિલાલ ગડેચા. સૌરાષ્ટ્રના અમરેલી નજીક કોઈ ગામના વતની. પુરા નામ સાથે પ્રભાવતીબહેન એટલા માટે યાદ રહ્યાં કારણકે તેમની મુલાકાત મારી હોસ્પિટલની એકદમ શરૂઆતના તબક્કામાં ૧૯૯૩ના ડીસેમ્બરમાં થઇ હતી. એ વખતે હોસ્પિટલમાં ખુબ ઓછો સ્ટાફ હોઈ નવા પેશન્ટની બધી વિગત, સરનામું વગેરે હું જાતે જ લખતો. પ્રભાવતીબહેન તે વખતે તેમના ૧૧ વર્ષના દીકરા પ્રકાશને લઈને આવતા. ગુજરાતી મિડીયમની એક શાળામાં ગુજરાતી વિષય જ તેઓ ભણાવતા. ખુબ જ નમ્ર, સરળ અને નામ પ્રમાણે પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા પ્રભાવતીબહેનના દીકરા પ્રકાશને વારંવાર ઉધરસ અને દમની તકલીફ રહેતી. લગભગ ૪ વર્ષ સુધી તેઓ મળતા રહ્યા. પછી અચાનક ૨૦૦૭ના વર્ષમાં તેઓ પ્રકાશના લગ્નની કંકોત્રી આપવા આવ્યા ત્યારે તેમને મળીને ઘણો જ આંનદ થયો સાથે પ્રકાશના પિતાજીના બે વર્ષ પહેલા સ્વર્ગવાસ થયાના દુખદ સમાચાર પણ તેમણે આપ્યા. ફરી ૨૦૦૯ના વર્ષમાં પ્રકાશના નવજાતશિશુને બતાવવા આવ્યા ત્યારે તેમણે કહ્યું, ‘આ બાળકને તમે જોઈ લો હવે પ્રકાશને કલકત્તામાં તેના ભણતરને અનુરૂપ સારી તક મળે છે આથી તેઓ ત્રણ સાથે હું પણ ત્યાં જાઉં છું. પ્રકાશની પત્ની શ્વેતાએ પણ કંપની સેક્રેટરીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોઈ તેને પણ ત્યાં કોઈ કામ મળી જશે. મારો સમય મારા પૌત્રને રાખવામાં જશે’. દીકરાના માટે થઈને પ્રભાવતીબહેને ૨૫ વર્ષની કારકિર્દી ધરાવતી તેમની શિક્ષિકા ની સર્વિસ છોડતા ક્ષણ માત્રનો પણ વિચાર ના કર્યો. એ વાતને ૬ વર્ષ વીતી ગયા હું પણ પ્રભાવતીબહેનને ભૂલી ગયો હતો. અચાનક ૨૦૧૫ના ડીસેમ્બર માસમાં કોઈ કૌટુંબિક લગ્નપ્રસંગે તેઓને અમદાવાદ આવવાનું થયું ત્યારે મને મળવા આવ્યા. એકલા જ આવેલા જોઈ મેં ટકોર પણ કરી કે ગ્રાન્ડ સન વિના એકલા? તેઓ સ્વસ્થ હતા અને થોડું હસ્યા પછી તેમની સંઘર્ષકથા કહી. ૨૦૦૯માં કલકત્તા પહોંચી ઘણું જ ઝડપથી બધું સરસ ગોઠવાઈ ગયું. નવી જગ્યા હોવા છતા પ્રકાશ અને શ્વેતા તેઓના વ્યવસાયમાં ખુબ સરસ ગોઠવાઈ ગયા હતા. તેમના દીકરા સાથે મારો સમય પણ સુંદર જતો હતો. હું ઈશ્વરનો મનોમન આભાર માનતી હતી પણ ઈશ્વરે અમારા પાસે કઈક અલગ જ કાર્ય કરાવવું હતું. પ્રકાશનો દીકરો આર્યમન ચાર માસનો થયો હશે. તેની રૂટિન તપાસ અને રસીકરણ માટે અમે કલકત્તામાં બાળકોના ડોક્ટર પાસે ગયા હતા. ડોકટરે આર્યમનનો માથાનો ઘેરાવો માપ્યો અને તેમને કઈક તકલીફ લાગી. C.T.SCAN કરાવી બાળકોના ન્યુરોફીઝીશિયનના અભિપ્રાય પછી નક્કી થયું કે આર્યમનને ‘સેરેબ્રલ પાલ્સી’ નામની તકલીફ છે. આ તકલીફમાં બાળકના મગજનો વિકાસ અટકી જાય છે. તેના માથાની સાઈઝ પણ નાની રહે છે. ધીરે ધીરે તેનો માનસિક વિકાસ પણ ક્ષતિગ્રસ્ત રહે છે. (હાલ આપણે છાપામાં બ્રાઝીલમાં ઝીકા વાયરસને કારણે ઘણા બધા નવજાતશિશુ સેરેબ્રલ પાલ્સીનો ભોગ બની રહ્યા છે તેના ફોટા આપણે જોઈએ છીએ તેવી તકલીફ). આ રોગનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી અને દર્દીને જીવનભર ‘સપોર્ટિવ કેર’ આપવી પડે છે. આર્યમનની તકલીફ સ્વીકારતા મને બે માસ લાગ્યા અને શ્વેતાને છ માસ લાગ્યા. અમારો દિવસ અને રાત હવે આર્યમનમાં જ પૂરો થતો. શ્વેતાએ તેની સર્વિસ છોડી દીધી હતી. ફિઝીઓથેરાપી, પ્લેથેરાપી, વોટરથેરાપી તેમજ સ્પીચથેરાપી જેવી સારવાર દવારા આર્યમનને બને તેટલો સામાન્ય બાળક બનાવવા અમે સાસુ વહુ ઝઝુમતા. આર્યમન બે વર્ષનો થવા આવ્યો ત્યારે બીજા બાળકોની જેમ તે સામાન્ય પ્લે સ્કુલમાં ના જઇ શક્યો તે વાસ્તવિકતાથી હું અને શ્વેતા હચમચી ગયા. અમે મન મક્કમ કરી નક્કી કર્યું કે અમારા ઘરમાં જ આ પ્રકારના બાળકો માટે પ્લે સ્કુલ શરુ કરીએ જેનાથી આર્યમનને મિત્રો મળી રહે. ૨૦૧૧ના જુન માસમાં શરૂ કરેલી અમારી સંસ્થામાં ખુબ જ ઝડપથી ચાર પાંચ બાળકો આવવા લાગ્યા. હું મૂળ શિક્ષિકા તો હતી જ, મારી સાથે મારી દીકરી સમાન શ્વેતા હતી. કહે છે ને કે જ્યારે તમે સમાજ અમે દુનિયા માટે કઈક કરવાના આશયથી કોઈ પણ કામનો શુભઆરંભ કરો તો ઈશ્વર સ્વયં તમારી પાસે આવીને ઉભા રહે છે. તેમની સંસ્થામાં એક દિવસ ઈશ્વર સ્વયં આવીને ઉભા રહ્યા. લગભગ ૨૦૧૧ની દિવાળીનો સમય હતો, એક પ્રખ્યાત વિદેશી ક્રિકેટરે ક્યાંકથી આ સંસ્થાના કાર્ય વિશે સાંભળી સંસ્થાના કાર્ય વિશે જોવા જાણવા તેઓ આવી પહોચ્યા. આ વિદેશી ક્રિકેટર કલકત્તાથી ખુબ પ્રભાવિત થયેલા છે. વર્ષમાં ત્રણ ચાર વખત તેઓ સેવાના ભાવ સાથે કલકત્તાની મુલાકાત અચૂક લે છે. આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન હમણાં શરુ થયું પણ ૨૦૧૧ના વર્ષમાં આ ક્રિકેટર વહેલી સવારના કલકત્તાની શેરીઓમાં સફાઈ કરતા હોય તેવી તસ્વીરો છાપામાં પ્રગટ થઇ હતી. ૨૦૧૨ના માર્ચ મહિનામાં જ્યારે આપણે ક્રિકેટ વર્લ્ડકપની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આ ક્રિકેટર કલકત્તાની કોઈ હોસ્પિટલમાં ખાસ પ્રકારની સુવિધાવાળા ખાટલા ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં વ્યસ્ત હતા. તેમની સંસ્થાની મુલાકાતના સમાચાર કલકત્તાના છાપામાં છપાયા પછી લોકોનું ધ્યાન આ સંસ્થા તરફ ગયું. હાલ લગભગ ૩૦ જેટલા સેરેબ્રલ પાલ્સીની તકલીફ ધરાવતા બાળકો સંસ્થામાં આવે છે. મને અને શ્વેતાને જીવનની નવી દિશા મળી ગઈ. આર્યમન પણ છ વર્ષનો થઇ ગયો છે અન્ય બાળકો સાથે ખુશ રહે છે. હવે આ જ દિશામાં આગળ વધવું છે કહી પ્રભાવતી બહેને વિદાય લીધી હતી. પ્રભાવતીબહેન એક વસ્તુ શીખવીને ગયા કે જ્યારે પણ જીવનમાં કોઈ પણ પડકાર કે દુઃખ આવે તો સૌથી પહેલા તેને સ્વીકારો, તેની સાથે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે નિચોવાઈ જાવ હવે તમે મેળવેલું સમાજને પણ મદદરૂપ થાય તેવા કોઈને કોઈ પ્રયત્ન કરો. ઈશ્વર સ્વયં તમારી પાસે આવશે તમને કોઈ માર્ગ બતાવશે અને પ્રકાશના તેજ કિરણોથી તમારું જીવન પ્રજવલિત થઇ જશે. આ લેખ આજે (૧ ફેબ્રુઆરી ૨૦૧૬) જ્યારે હું લખી રહ્યો છું ત્યારે આજના જ એક ગુજરાતી છાપામાં રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત લેખક આબિદ સુરતીનો લેખ વાંચવામાં આવ્યો. તેમણે લખ્યું છે, ‘પડકારથી વધુ પ્રેરક બીજું કશું નથી. પડકાર વિના જીવનમાં પ્રગતિ શક્ય નથી. પડકાર આવે ત્યારે જાતની અંદર જાણે વિજળી દોડવા માંડે છે. પડકારના સમયે દિલ અને દિમાગના દરવાજા ઉઘાડા રાખી રચનાત્મક કાર્યો કરવા એ જ પડકારનો સફળતાથી સામનો કરવાની ચાવી છે.’

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો