મુલાકાતી નંબર: 430,016

Ebook
10 અમે પણ સપના જોઈએ છીએ
અમે પણ સપના જોઈએ છીએ
સામાન્ય સંજોગોમાં જે સફળતા મેળવે તેને સિધ્ધિ કહેવાય અને ઘણી બધી શારીરિક તેમજ માનસિક તકલીફો વચ્ચે જે સફળતા મેળવે તેણે ઇતિહાસ રચ્યો કહેવાય. દિવ્યા-૧૭ વર્ષ, આર્ટસના પ્રથમ વર્ષમાં હાલ ( જાન્યુઆરી ૨૦૧૬ ) અભ્યાસ કરે છે તેનો મુખ્ય વિષય છે અંગ્રેજી લિટરેચર. હિતેશ-૨૦ વર્ષ, આર્ટ્સના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે તેનો મુખ્ય વિષય અંગ્રેજી છે. મહેશ-૨૩ વર્ષ, તેમણે મુખ્ય વિષય અંગ્રેજી સાથે M.A કરી અભ્યાસ પૂરો કરેલ છે. પ્રથમ દ્રષ્ટિએ એમ લાગે કે આ બધા નામ સાથે તેમના અભ્યાસ વગેરે જાણીને નવું શું જાણવા મળે? વિશેષતા એ છે કે આ ત્રણેય ભાઈબહેન છે અને તેઓ જન્મથી જ દ્રષ્ટીવિહીન છે. ‘જ્યારે ઈશ્વર એક દરવાજો બંધ કરે છે ત્યારે બીજો દરવાજો અવશ્ય ખુલ્લો રાખે છે ફક્ત એ દરવાજો શોધતા આવડવું જોઈએ.’ હેલન કેલરના આ વિખ્યાત વિધાનને આ ત્રણે ભાઈબહેને આત્મસાત કરેલ છે. ખુલ્લો દરવાજો એ લોકો જ શોધી શકે જેઓ બંધ દરવાજાને હસતા મોઢે સ્વીકારી લે. ત્રણે ભાઈ બહેનો સંગીતમાં વિશારદ છે. તેમની સિધ્ધિઓ અને અન્યને પ્રેરણારૂપ બને તેવી તેમના જીવનની સંઘર્ષમય વાત પ્રથમ વખત ‘ટાઈમ્સ ઓફ ઇન્ડીયા’માં ૨૦૦૯ની સાલમાં આવી. ત્રણેય સાથે મારો નાતો ડોક્ટર અને દર્દી કરતા મિત્રો તરીકેનો વધુ રહ્યો. અમદાવાદના મેમનગર વિસ્તારના જાદવનગરમાં આવેલ અંબાજી માતાનું મંદિર એ તેમનું નિવાસસ્થાન. પિતા ભગવતી પ્રસાદ અને માતા કંચનબહેન ચૌબિસા અંબાજી માતાનાં પરમ ભક્ત. જ્યારે પણ તેઓ કોઈ શારીરિક તકલીફ સાથે આવે ત્યારે અચૂક એક પ્રાર્થના તો મને સંભળાવે જ. નાની દિવ્યા તો સુંદર કવિતાઓ પણ લખે છે. કોઈ પ્રકાશક તેનો કવિતા સંગ્રહ પ્રકાશિત કરે તે તકની તે રાહ જુએ છે. ૨૦૦૨ના વર્ષમાં સૌથી મોટો ભાઈ મહેશ સાયકલ ચલાવતો હોય અને આગળ દિવ્યા તથા પાછળ હિતેશ બેઠો હોય તેવો ત્રણ સવારીનો આંનદ લેતા ભાઈબહેનનો ફોટો ગુજરાત સમાચારે પ્રગટ કર્યો ત્યારે ઘણાને નવાઈ લાગી હતી કે કોઈ અંધ વ્યક્તિ સાયકલ ચલાવવા પર કાબુ કેમનો રાખી શકે? અને પાછુ ત્રણ સવારી. ૨૦૦૨માં ‘અમદાવાદ મેડીકલ એશોસિએશન’ ના માસિકમાં પણ તેમની વાત લખાઈ હતી. ૨૦૧૦માં દુરદર્શન પરના એક પ્રોગ્રામમાં દિવ્યા અને હિતેશે ઝડપથી બ્રેઇલ લીપી રીડીંગ કરી બતાવ્યું જે ઘણા લોકોએ વખાણ્યું હતું. ૨૦૧૧માં કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુકવાના પ્રસંગે ત્રણે ભાઈબહેનોએ ગીતસંગીતથી લોકોને ડોલાવ્યા તે માટે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે તેઓ સન્માનિત થયા અને એવોર્ડ પણ મળ્યો. છેક ભૂતાનમાં પણ તેમની સિદ્ધિઓની વાત પ્રગટ થયેલી છે. ૨૦૧૨માં રાજકોટ ખાતે એક વકૃત્વ હરિફાઈમાં દિવ્યા પ્રથમ આવી તે ઘટના ગુજરાતી દુરદર્શન પર પણ બતાવવામાં આવી હતી. હવે જો એમની સિદ્ધિઓ વિશે જ હું લખીશ તો ઘણા બધા પાનાં ભરાઈ જશે અને મૂળ વાત બાજુ પર રહી જશે. હું ઘણી વાર તેઓને કોઈ મદદરૂપ થવાના આશય સાથે મળ્યો છું ત્યારે મને તેમની પાસેથી કઈક નવું શીખવા મળ્યું હોય અને તેમના દવારા કોઈ મદદ મળી હોય તેવું હંમેશા લાગ્યું છે. તેમણે જીવનને કયારેય કોઈ ફરિયાદ રૂપે જોયું જ નથી. ઈશ્વરે જે આપ્યું છે તેનો સહર્ષ સ્વીકાર કરી કઈક મેળવવા પોતાની જાતને હંમેશા નીચોવી નાખી છે. બીજા જે કરી શકે તેવું અમે પણ કરી જ શકીએ છીએ તેવો તેમનો હંમેશના માટે અભિગમ રહ્યો છે. ભગવાને જેને પાંચે ઇન્દ્રિયો આપી છે તે સામાન્ય વ્યક્તિને કોઈ પણ હરિફાઈમાં હારવાની પણ શક્યતા દેખાતી હોય છે. આ ત્રણેય ભાઈબહેને જીવનના કોઈ પણ સંઘર્ષમાં હારવાની શક્યતાઓ જોઈ મેદાન છોડ્યું જ નથી આથી હંમેશા તેઓએ સફળતા જ મેળવી છે. તેમના સંઘર્ષમય જીવનપથ પરની સફરમાં સફળતા મેળવવાના ધ્યેય કરતા કઠિન સફરના રસ્તા પર આંનદ માણવાનો તેમનો અભિગમ ખુબ પ્રેરણાદાયક છે. હિતેશ અને મહેશ સાથે વાત કરતા એક વખત મેં પૂછ્યું હતું, ‘તમે સપના જોઈ શકો?’ તેમણે જવાબ આપેલ, ‘અમે કોઈ પણ વસ્તુને તેના આકાર પરથી તે કેવી દેખાતી હશે તે અનુમાન હંમેશા કરતા હોઈએ છીએ. કોઈ પણ ઘટના વિશે સાંભળીને તેમાં શું થયું હશે તેની કલ્પના કરતા હોઈએ છીએ. આમ અમે પણ સપના જોઈ શકીએ છીએ.’ તેમના ઘરમાં પડેલી ઘણી બધી ઓડીઓ કેસેટના ઢગલામાંથી તમે કોઈ એક કેસેટ લઇ તેને પૂછો કે આ કેસેટનું નામ શું? તરત જ હિતેશ કે મહેશ કેસેટ પર હાથ ફેરવશે, કેસેટ પર નાનો અમથો ઘસરકો કે ખાડો તેમને કઈ કેસેટ છે તે ઓળખવામાં મદદ કરશે અને તરત તેઓ કહેશે, ‘કિશોરકુમાર વોલ્યુમ ૩.’ હાલ જાદવનગરના લગભગ ૪૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને હિતેશ ભાઈ રોજ સાંજે અંબાજીમાતાનાં મંદિરમાં ટોકન ફી લઈને અંગેજી ભાષા શીખવે છે. તેઓ માટેના ખાસ ‘જોશ’ સોફ્ટવેરના ઉપયોગથી કાન પાસે સ્માર્ટફોન રાખી તેઓ વોટ્સઅપનો ઉપયોગ પણ કરે છે અને દુનિયાના સંપર્કમાં રહે છે. હાથ વગરની એક યુવતી પાયલોટ બનવા માંગતી હતી અને અથાગ સંઘર્ષ ને અંતે તે પાયલોટ બની શકી અને અમેરિકામાં ‘નાસા’ સાથે જોડાઈ તે સત્યઘટનાની વાત દિવ્યાએ મને વોટ્સઅપ પર મોકલી હતી. વાર્તાના અંતે લખ્યું હતું, ‘Never complain about the difficulties of life, because the director(GOD) always gives the hardest roles to his best actors.’

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો