મુલાકાતી નંબર: 430,124

Ebook
13 મોટા માણસોની નમ્રતા
૨૦૦૪ના વર્ષનો ઓગસ્ટ મહિનો હતો. મુશળધાર વરસાદ વચ્ચે એક નવજાતશિશુને જોવાનો ફોન (કોલ) આવ્યો. પ્રસુતા દક્ષિણ ભારતીય હતી. તેમના પતિ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રોફેસર હતા. બંનેની ઉંમર ૨૮ વર્ષથી ૩૦ વર્ષની આસપાસ હશે. તેમના પતિને લેબર પેઈન( પ્રસુતિ સમયે ગર્ભવતી સ્ત્રીને થતું દર્દ)ને અનુલક્ષીને થોડા પ્રશ્નો હતા. મેમનગરના સુભાષચોક પર આવેલા નંદન મેટરનીટી હોમના ગાયનેકોલોજિસ્ટે ખુબ સુંદર રીતે તેમની બધી જ મુંઝવણ દુર કરી તેમને હળવા કરી દીધા. નોર્મલ ડીલીવરી થઇ, બાળકનું રૂદન સાંભળતાજ માતાનાં મોઢા પર પરમ સંતોષની એક અનેરી અનુભૂતિ જોઈ શકાતી હતી. આ એવી ક્ષણ હોય છે જ્યારે માતા પ્રસુતિની પીડા અને જિંદગીના અન્ય દુખો થોડીકવાર માટે સંપૂર્ણ પણે ભૂલી જાય છે. નવજાતશિશુને ધરાઈને જોઈ લીધા બાદ તેમના સગાને મળવાનું થયું. તેમના પિતા એવા દક્ષિણ ભારતીય એક વડીલ મળ્યા જેઓનું ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ, તેમની મૃદુ વાતો સાંભળી તેમને મળનાર પણ નમ્ર થઇ જાય તેવો અન્ય માણસો સાથેનો તેમનો સૌમ્ય વ્યવહાર હતો. પછી તો આ નવા માતા પિતા પ્રસુતિગૃહમાં રહ્યા ત્યાં સુધી ત્રણ દિવસ નિયમિત તેમને મળવાનું થયું. શરૂઆતના દિવસોમાં બાળકને લઈને માતા પિતા અને સગાઓને ઘણા પ્રશ્નો હોય. નવજાતશિશુને ધાવણને અનુલક્ષીને સગાઓને પણ ઘણી મુંઝવણ થતી હોય. અહીં બાળકના માતા પિતા અને બાળકના ગ્રાન્ડપેરેન્ટસ ઘણા શાંત અને કોઓપરેટ હતા. સગા જ્યારે ડોક્ટર પર આંખ મુકીને વિશ્વાસ મૂકી દે ત્યારે ડોક્ટરને પણ તેમની સાથે કામ કરવાની મઝા આવે, સામેથી નવું કહેવાની ઈચ્છા થાય. ત્યારબાદ તે બાળકને બતાવવા પણ તેઓ પહેલા મહિનામાં લગભગ ત્રણ વખત આવ્યા. બહાર વેઇટિંગ રૂમમાં પણ તેઓ હોસ્પિટલના નિયમોને અનુકુળ થઈને જ વર્તતા. તેમની સાથેના વડીલ પણ બાળક રડતું ત્યારે તેને રમાડી તેને શાંત કરવાનો પ્રયત્ન કરતા. બાળકને ડોક્ટરને બતાવીને જતી વખતે તેમની આભાર માનવાની પધ્ધતિ પણ ખુબ યાદ રહી જાય તેવી હતી. મહિના બાદ તેમના વતન બેંગલોર જતા પહેલા ફરીથી બહેને આભાર માટે અને થોડા પ્રશ્નો માટે ફોન કર્યો હતો. એ વાતને લગભગ ત્રણ માસ વીતી ગયા હશે. જ્યાં આ બાળકનો જન્મ થયો હતો તે મેટરનીટી હોમના સિસ્ટર તેમના બાળકને બતાવવા આવ્યા હતા. વાતમાં વાત નીકળી અને સિસ્ટરે એ દક્ષિણ ભારતીય કુટુંબની ઓળખાળ આપતા કહ્યું, ‘તમે મળ્યા હતા તે બાળકના દાદા જેઓ ખુબ નમ્ર અને સૌમ્ય વડીલ હતા તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રીટાયર્ડ ગવર્નર હતા. બાળકની માતા તેમની વહુ હતી. માતાના પિતા પણ કર્ણાટક સરકારમાં ખુબ ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા.’ પોતાના પિતા દેશની સિવિલ સર્વિસમાં આટલા બધા આગળ પડતા હતા અને તેઓએ અહીં કોઈ ઓળખાણ જ ના આપી. માત્ર તેમની ગાડી પરથી અને બાળકના જન્મના દાખલા માટે પોતાની વિગત મેટરનીટી હોમમાં લખાવી પડે એટલે તેઓને ઓળખી શકાયા. આમ તો સામેની વ્યક્તિનું સ્ટેટસ ગમે તે હોય અમારે ડોક્ટર તરીકે તો દર્દીને જે સમજાવવાનું હોય તે પૂરી નિષ્ઠાથી અમે કહેતા જ હોઈએ છીએ. અહીં અમદાવાદમાં   દર્દીઓ પોતે શું હોદ્દો ધરાવે છે અને તેઓ કોના સગા છે તેવી ઓળખાણ નાની નાની વાતમાં ડોકટરોને આપતા હોય છે આથી અમે તેનાથી ટેવાયેલા હોઈએ છીએ. એક વાર એક દર્દીએ સમય લીધા પછી પાંચ મિનિટ જેટલો સમય રાહ જોવાની આવી ત્યારે તેણે જિલ્લા પંચાયતમાં તેના કાકા કામ કરે છે કહીને હોસ્પિટલના સ્ટાફ સાથે ખુબ માથાકૂટ કરી હતી તે યાદ આવી ગયું.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો