મુલાકાતી નંબર: 430,105

Ebook
5 માતા પિતાના ઝગડા અને બાળક
જે માતાપિતાને અવાર નવાર ઝગડા થતા હોય તે માતાપિતાના બાળકને ઉછેર માટે પણ અલગ અલગ વિચારો હોય છે. આથી સંતાનને માતાપિતાનો નહીં પરંતુ બે અલગ વિચારો ધરાવનારી વ્યક્તિઓનો પ્રેમ મળે છે. આ પ્રેમની સંયુક્ત શક્તિ અડધી થઇ જાય છે. જ્યારે માતાપિતાનાં સંયુક્ત પ્રેમમાં પ્રચંડ શક્તિ હોય છે. પતિ પત્નીની એકબીજાને સહન કરવાની ખરી કસોટી બાળકના જન્મ પછી જ થાય છે. સફળ બાળકના માતાપિતા થવું સહેલું નથી. માતાપિતાની સામાજિક, આર્થિક અને વ્યવસાયિક જવાબદારીઓનું દબાણ બાળકનાં જન્મ બાદ વધી જતું હોય છે. બાળકના જન્મ પછી માતાપિતાએ એકબીજાને સહન કરવાની બાબતમાં વધુ ઉદાર બનવું પડે છે. અને જો તેઓ આ ઉદારતા ના કેળવી શકે અને વારંવાર તેમના વચ્ચે તું તું, મે મે થયા કરે તો તેની આડઅસર નાના બાળકના વર્તન, ઊંઘ, ભૂખ, સ્પીચ અને માનસિક વિકાસ પર પડે છે. નાનું બાળક તે સમજી નથી શકતું કે જે બન્ને વ્યક્તિઓ તેને અલગ અલગ રીતે પ્રેમ કરે છે તે વ્યક્તિઓને કેમ બનતું નથી? બાળકના વિકસતા મગજની વિચારશક્તિ અન્ય દિશામાં ફંટાય છે. ઝગડતા માતાપિતાને ઝગડાના કારણમાં મોટે ભાગે એકબીજા પ્રત્યે વૈચારિક મતભેદ કરતા અન્ય કોઈ બાહ્ય પરિબળનું દબાણ કારણભૂત હોય છે. બાળકોના ઉછેરની જવાબદારી સાથે માતાપિતાનો એકબીજા માટે ફાળવવાતો સમય ઘટતો જાય છે. આને કારણે ઘણા કૌટુંબિક અને સામાજિક પ્રશ્નોની એકબીજા સાથે મોકળાશથી ચર્ચા જ થયેલી નથી હોતી. સમય જતા આ વણઉકેલાયેલા પ્રશ્નોની માતાપિતાની એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ વધતી જાય છે જે ધીરે ધીરે ઝગડાઓનું સ્વરૂપ પકડે છે. નાની નાની બાબતોમાં સંતાનની સામે જ ઝગડતા માતાપિતા સંતાનની નજરમાં સાચા સાબિત થવા સમાધાન અને સમજુતીથી પ્રશ્ન ઉકેલવાની જગ્યાએ પોતાની વાત સાચી છે તેવી વકીલાત તરફ ફંટાઈ જતા હોય છે જેને પરિણામે બાળકમાં પણ ચિડીઓ સ્વભાવ, મિત્રોમાં હળીમળી શકે નહીં તેવા ગુણો વિકસે છે. બાળકને સફળ સાથે સંસ્કારી બનાવવા બાળકની મહેનત ૨૫%, માતાપિતાના સમય-શક્તિ અને નાણા ૨૫%, તક-નસીબ ૨૫% અને છેલ્લે માતાપિતાના સહિયારા પ્રયત્નને ૨૫% આપવા પડે. એકબીજાની ભૂલો જતી કરનાર અથવા હળવાશથી લેનાર માતાપિતાના નસીબદાર બાળકોને છેલ્લા ૨૫%નો લાભ મળે છે. ઘણી વાર એક સરખી બુદ્ધિપ્રતિભા ધરાવનાર, એક જ ક્લાસમાં, એક જ શિક્ષક પાસે ભણનાર બે બાળકના પરિણામ અલગ અલગ હોય છે તેનું કારણ હોય છે તેમના ઘરનું વાતાવરણ. એક બીજા સાથે હસી મજાક કરનાર પ્રેમાળ માતાપિતાના સંતાનો પણ ખુબ ખુશ રહે છે પરિણામે તેઓ સામાજિક રીતે મળતાવડા, હસમુખા અને સરળ હોય છે. ઝગડતા માતાપિતાના સંતાનો માનવીય સંબંધોને ઉણપની અને શંકાની દ્રષ્ટિથી જોતા હોય છે. બાળકની સામે માતાપિતાએ એકબીજાને ઉતારી ના પાડવા, સતત ભૂલો ના કાઢવી. તેઓ એકલા હોય ત્યારે હળવાશથી સમસ્યાનું સમાધાન કરવું. બાળકની હાજરીમાં માતાપિતાએ એકબીજાના સારા ગુણોને યાદ કરી સન્માન આપવું. મારી દ્રષ્ટિએ બાળકનું ભણતર, કપડા, રમત-ગમત, સ્કુલ, તેના શોખ, પુસ્તકો જેવા બધ્ધાજ મુદ્દાઓમાં બન્નેએ સંયુક્ત નિર્ણયો ના લેવા જોઈએ. ૬૦% જેટલા મુદ્દામાં ફક્ત માતાને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. ૪૦% મુદ્દામાં પિતાએ માતાનો અભિપ્રાય લઇ નિર્ણય લેવો જોઈએ. બાળકનું બધુજ કામ ફક્ત માતા કરે અને સમય નથી એવા કારણસર પિતા બિલકુલ ધ્યાન ના આપે અને બાળકનું કશું પણ ખોટું થાય તો માતાને દોષિત ગણવામાં આવે તેવું પણ ના થવું જોઈએ. બે બાળકો થાય ત્યારે માતાપિતાએ તેમની અગત્યતાઓ બદલવી પડે, થોડું પ્લાનીંગ કરવું પડે, થોડું જતું કરવું પડે. એકબીજાના અખૂટ મહેનતવાળા પ્રયત્નો પણ જો અલગ અલગ રસ્તે હશે તો મંઝિલ ઘણી લાંબી અને વિકટ રહેશે. પરસ્પર પ્રેમ અને સહિયારા પ્રયત્નો બન્નેના સાથે હશે તો જ તેનું પરિણામ સફળ બાળકો રૂપે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળશે. બાળકો મોટા થાય તેમ માતાપિતાએ પણ શ્રેષ્ઠ મિત્રો બની રહેવાનું શીખવું પડતું હોય છે. શ્રેષ્ઠ મહેનત કરનારા સાથે શ્રેષ્ઠ માફ કરનારા અને જતું કરનારા માતાપિતા જ સફળ સંતાનોનું સર્જન કરી શકે છે. ( દિવ્યભાસ્કર : ઓગસ્ટ ૨૦૧૫ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો