
ઘણીવાર માતાપિતા તેમના ટીનએઈજ બાળકોની ફરિયાદ કરતા હોય છે કે તેમને કશું કહી શકાતું નથી. તેમની ભૂલોમાં તેમને ધ્યાન દોરવામાં આવે તો તેમને ગમતું નથી. કોઈ વસ્તુની સલાહ આપીએ તો તેઓ કહે છે કે અમને અમારી રીતે કામ કરવા દો. અમારા પ્રશ્નોમાં બહુ માથું નાં મારો. અમારા થોડા નિર્ણય અમને જાતે લેવા દો. અમે અમારું કામ જાતે કરી લઈશું. કોલેજમાં શું ચાલે છે કે અભ્યાસ કેમનો ચાલે છે? તેવું પૂછીએ તો તેઓ કહે છે કે અમને પ્રશ્નો બહુ પૂછવાના નહીં. તેમને તેમના ખર્ચા વિશે કે તેમના મિત્રો વિશે કશું પૂછીએ તો ઘરમાં થોડું તંગ વાતાવરણ થઇ જાય છે. કાલે તો તેણે મને તેના રૂમમાં આવવાની ના પાડી અને હું ક્યાં જમ્યો તેવું પણ રોજ મને નહીં પૂછવાનું તેમ મારા દીકરાએ કહ્યું. તે આમ હોશિયાર છે, સ્વભાવમાં પણ ખુબ લાગણીશીલ છે. તેને અમારી ચિંતા પણ ઘણીવાર થતી હોય છે છતાં તેનું આવું બદલાયેલું સ્વરૂપ જોઈ અમને ઘણીવાર તેના ભવિષ્યની ચિંતા થાય છે. હવે ડોક્ટર સાહેબ તેને કોઈ વસ્તુ કહેવી હોય તો પણ બીક લાગે છે. તેને કોઈ મેસેજ કે સંદેશો આપવો હોય તો કઈ રીતે કહેવું? સાચી વાત છે તે માતાપિતાની. આજકાલ ટીનએઈજ બાળકોના માતાપિતાને સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય તો એ છે કે તેઓએ અચાનક અમારાથી એક અંતર કરી દીધું છે. એક જ ઘરમાં રહેતા હોવા છતાં તેની સાથે મોકળાશથી વાત થઇ શકતી નથી. ટીનએઈજ બાળકોને બહુ સલાહ કે અન્ય તેના સફળ મિત્રોના ઉદાહરણ ગમતા નથી. માતાપિતા પોતાનું જ ઉદાહરણ આપે તે પણ તેઓને ગમતું નથી. માતાપિતાએ ખર્ચેલા નાણા, સમય અને શક્તિની વાતોથી તેઓને કંટાળો આવે છે. તેઓ સાથે સલાહ વિનાનો સમય વિતાવવો જેથી તેઓની વધુ નજીક આવી શકાય. અહીં સલાહ ઓછી પણ તેમની ભૂલો તેમને વધુ શીખવશે. તે મોડો ઉઠે અને બસ ચુકી જાય અથવા સ્કુલમાં શિક્ષા થાય તો તે ઘટના તેમને વધુ શીખવશે. તેનું કઈ રહી જાય અથવા તે કોઈજ ભૂલ નાં કરે તેવી અપેક્ષા અને વર્તણુક માતાપિતાએ નાં કરવી. તેની પણ જો સલાહ કે અભિપ્રાય લેવામાં આવે તો તેને ગમશે અને તેનો આત્મવિશ્વાસ પણ વધશે. માતાપિતા તેના માટે કેટલું કરે છે અને કેવો ભોગ આપે છે તેની નોંધ તે લે જ છે તેના માટે માતાપિતાએ તેમનો આપેલ ભોગ કે તેમના કરેલા કામો વાંરવાર યાદ કરાવવાની જરૂર નથી. તેમને તેમના ગોલ કે ટારગેટ વાંરવાર યાદ નાં કરાવવા. દિવસમાં એકવાર સાથે જમવું અને તક મળે ત્યારે શોપિંગમાં કે ચાલવા તેની સાથે જવું. તે સમયે વાર્તા કે દ્રષ્ટાંતના માધ્યમથી તેમને સંદેશો આપી શકાય. સીધે સીધું કોઈ સલાહ સુચન કરો તે તેમને નહીં ગમે પણ વાર્તા કે ન્યુઝના સ્વરૂપમાં કહેવાયેલી વાત તેમના ગળે પણ ઉતરશે અને તેમને લાંબા સમય સુધી યાદ રહેશે. માતાપિતાનું સલાહ વિનાનું સાનિધ્ય જ ટીનએઈજ બાળકો અને માતાપિતાને એકબીજાની નજીક લાવે છે.
પ્રતિશાદ આપો