
ત્રણ વર્ષનો યશ કન્સલ્ટીંગ રૂમમાં પ્રવેશ્યો ત્યારથી તેનું ધ્યાન સ્ટેથોસસ્કોપ પર હતું. તે કેવી રીતે વપરાય અને તેનાથી ધબકારા કેવા સંભળાય તે વિશે તેને ખુબ ઉત્સુકતા હતી. તેની મમ્મીએ તેને સ્ટેથોસસ્કોપ મૂકી દેવા કહ્યું. પાંચ વર્ષની પ્રાચીની મમ્મીની ફરિયાદ હતી કે તેણે પોતાના વાળ કાતરથી કાપ્યા, પછી મારે તેને ખુબ બોલવું પડ્યું. ચાર વર્ષના પાર્થની મમ્મીએ પણ કહ્યું કે એકવાર ટુથપેસ્ટ તેના હાથમાં આવી ગઈ હતી તો આખી પેસ્ટ તેણે દબાવી બહાર કાઢી દીધી. ત્રણથી સાત વર્ષના બાળકોના માતાપિતા સાથે આવા પ્રસંગો અવારનવાર બને છે. તેમાં માતાપિતાએ ગભરાવાની કે આ ઘટનાઓને ફરિયાદ સ્વરૂપે લેવાની જરૂર નથી. ત્રણથી સાત વર્ષના બાળકોમાં કુતુહુલવૃત્તિ ઘણી હોય છે. કોઈ વસ્તુને અડવાથી કે ખોલવાથી શું થાય છે તે જાણવા માટે તેઓ ખુબ આતુર હોય છે. ઘણીવાર શીશીના ઢાંકણા ખોલી નાખી પછી બંધ કરવાનો પણ પ્રયત્ન તેઓ કરતા હોય છે. તેમના હાથમાં કોઈ ચાવી કે ટીવીનો રીમોર્ટ હાથમાં આવી જાય પછી ચાવીથી કોઈ ખાનું ખોલવાનો કે રીમોર્ટથી ટીવી ચાલુ કરવાનો પ્રયત્ન તેઓ કરતા હોય છે. માંડ બે વર્ષનું બાળક પણ મોબાઈલના ઘણા ફંક્શન જાણતું હોય છે. આ ઉંમરે તેમની ક્તુહુલવૃત્તિને યોગ્ય દિશામાં વાળવી જોઈએ. તેમને અટકાવવાની જરૂર નથી પણ તેમની સાથે બેસીને જે તે સાધન કેવી રીતે વપરાય તે સમજાવવાથી તે આ સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરાય તે ખુબ ઝડપથી શીખી જશે. તેને અટકાવવાથી કે તું આમ નાં કરીશ કહેવાથી તે માતાપિતાનું ધ્યાન ના જાય અને પોતે ધારેલું કરવું તેમ કરવા પ્રેરાશે. આ ઉંમરે તેને પુસ્તકો બતાવી કોઈ વસ્તુ શિખવાડયા કરતા જીવંત બતાવી સમજાવવું વધુ ફાયદાકારક રહેશે. પુસ્તકમાં ફળ, ફૂલ કે પક્ષીઓ બતાવ્યા કરતા સાચી વસ્તુ બતાવવાથી તે ઝડપથી શીખી જશે. ઘણા માતાપિતા અમુક વસ્તુઓ બાળકના હાથમાં ના જાય તે માટે સંતાડી દેતા હોય છે. ઘણા બાળકો અમુક વસ્તુઓ જેમકે રબર, ચણા કે દાણા પોતાના નાક કે કાનમાં નાખી દેતા હોય છે. આ પણ તેમની કુતુહુલવૃત્તિનું પરિણામ છે. આમ વસ્તુઓ સંતાડ્યા કરતા તે વસ્તુ શું તકલીફ કરી શકે તે બતાવી તેનો યોગ્ય ઉપયોગ કેમ કરી શકાય તે બતાવવું જોઈએ. જેટલું ભણવું જરૂરી છે તેટલું જ જરૂરી અન્ય કૌશલ્યોનો વિકાસ થાય તે જરૂરી છે. અન્ય કૌશલ્યોનો વિકાસ થવાથી તે વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. આમ ત્રણથી સાત વર્ષનું બાળક જ્યાં ત્યાં અડે, થોડું તોફાન કરે થોડા પ્રશ્નો વધુ પૂછે તો માતાપિતાએ સંયમ રાખી તેને સમજાવવું અને શીખવાડવું. આ ઉંમરે આ બધુ કરે તેને ફરિયાદ કરતા તક ગણવી.
પ્રતિશાદ આપો