મુલાકાતી નંબર: 430,026

Ebook
૨૧ નવેમ્બર ૧૯૯૩ના દિવસે અમદાવાદના મેમનગર વિસ્તારમાં કલરવ બાળકોની હોસ્પિટલ ચાલુ કરી. નવજાતશિશુ અને બાળકોના ડોકટરના વ્યવસાય માટે ઈશ્વરે મને યોગ્ય ગણ્યો તેને હું મારું અહોભાગ્ય ગણું છું. મારી બાળરોગ નિષ્ણાત તરીકેની પ્રેક્ટીસ ચાલુ કરી ત્યારે મને ખબર જ ન હતી કે આ સફર આટલું બધું શીખવનારી હશે. આ સફરમાં ભારતભ્રમણ કર્યા વગર મને આપણા દેશના બધા જ રાજ્યના, અલગ અલગ વ્યવસાયના અને વિવિધ જાતિના લોકોને મળવાનો મોકો મળ્યો. આ સફરમાં મને બાળદર્દી અને તેમના માતાપિતા સાથેની બધા જ પ્રકારની લાગણી અનુભવવાની તક મળી. ક્યાંક પ્રેમની અતિશયોક્તિ હતી તો ક્યાંક અંતરનો ઉમળકો હતો, ક્યાંક ગુસ્સો પણ હતો, ક્યાંક પાંપણની પાછળ સંતાયેલા આંસુ હતા અને ક્યાંક કુટુંબીજન જેવું પોતીકાપણું પણ હતું. બાળક, યુવાન અને વડીલો એમ ત્રણેય પેઢી સાથે નાતો બાંધવાની તક આપતા આ વ્યવસાયે જીવનના બધાજ રંગોનું દર્શન કરાવ્યું. બાળકોની પાસેથી નિર્દોષ અને નિખાલસ રહેવાનું, યુવાન માતાપિતા પાસેથી જોમ અને જુસ્સા સાથે પડકારો ઝીલી લેવાનું અને વડીલો પાસેથી સરળ રહેવાનું શીખી શકાયું. દરેકે દરેક બાળદર્દી પાસે કોઈક ને કોઈક સંદેશો હતો, કઈક ને કઈક નવું શીખવાનું હતું. કલરવ હોસ્પિટલે તેની બાલ્યાવસ્થા પૂરી કરી અને ટીનએઈજ અવસ્થા શરુ કરી ત્યારે મને લેખન કાર્ય કરવાનો મોકો મળ્યો. બાળદર્દીઓ સાથેના અનુભવોને શબ્દદેહ આપવાનો અનુભવ પણ સુંદર રહ્યો. ન્યુઝપેપર, રેડિઓ અને શાળા-કોલેજોમાં ‘હેલ્થ અવેરનેસ’ પ્રોગ્રામોમાં સંકળાવાથી સમાજના બહોળા વર્ગને વધુ નજીકથી જાણી-સમજી શકાયો. હવે કલરવ બાળકોની હોસ્પિટલ ૨૩માં વર્ષમાં પ્રવેશી છે. આ સમયે કોમ્પ્યુટરના માધ્યમ દવારા દર્દીઓ અને વાચકો સાથે જોડાવાનું ગમશે.
ઈ-બુક ડાઉનલોડ કરો