મુલાકાતી નંબર: 430,124

Ebook
એક ડોક્ટરની વાર્તા
મોટાની અલ્પતા અને નાનાની મોટાઈ .... સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં એક સર્જન ડો. પિયુષ શાહ અને તેમના ગાયનેકોલોજિસ્ટ પત્ની ડો.અલ્પા શાહ લગભગ ૨૦ વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. એક દિવસ સાંજની OPD પૂરી કરી ઘરે આવી બંને જણા જમતા હતા અને હોસ્પિટલથી એક પેશન્ટ માટે ફોન આવ્યો. ફોન ડો.અલ્પા માટેનો હતો. પ્રસુતિના છેલ્લા દિવસો અને દુખાવા સાથે એક પેશન્ટ હોસ્પિટલ આવેલ. આવો ફોન આવે તો ડો. પતિ-પત્ની હંમેશા સાથે જ હોસ્પિટલ જતા. કેટલીવાર લાગશે તેનું કાઈ નક્કી નહીં અને કદાચ સિઝેરિયન કરવું પડે તો પત્નીને મદદરૂપ થઇ શકાય એ આશયથી ડો.પિયુષ પણ સાથે જતા. હોસ્પિટલ પહોચી ડો.અલ્પા પેશન્ટને પ્રસુતિરૂમમાં લઇ તેમના કામમાં લાગી ગયા. ડો.પિયુષ કન્સલ્ટીંગરૂમમાં છાપા વાંચી સમય પસાર કરતા હતા. થોડીવાર પછી તેમણે તેમના સ્ટાફને પેશન્ટ પાસેથી રૂ. ૫૦૦૦ એડવાન્સ લેવાની સુચના આપી. પેશન્ટને મળી સ્ટાફે ડો.પિયુષને જણાવ્યું કે હાલ તેમની પાસે પૈસા નથી, કાલે તે જમા કરાવી દેશે. ડો.પીયુશે થોડું કડક થઇ સ્ટાફને જણાવ્યું કે એવું નહીં ચાલે અત્યારે એમની પાસે જેટલા પૈસા હોય જમા કરાવે અને બાકીના કાલે આપે. થોડીવાર પછી સ્ટાફ તેના હાથમાં થોડી ૧૦૦ રૂની, થોડી ૫૦ રૂની અને થોડી ૧૦ રૂની ચોળાયેલી નોટો સાથે રૂમમાં આવ્યા અને ડો. ને જણાવ્યું કે હાલ બધું જ થઇ તેમની પાસે ૧૧૭૦રૂ નીકળ્યા છે બાકીના પછીથી આપશે. ડો.પિયુષને અકળામણ થઇ, તેમણે સગાને કન્સલ્ટીંગ રૂમમાં બોલાવવાની સુચના આપી. થોડીવાર પછી થોડી અંદર ઉતરી ગયેલી આંખો, ઘસાયેલા કોલરવાળું શર્ટ અને લઘરવઘર કપડા સાથે એક ભાઈ રૂમમાં આવ્યા. ડો.પીયુશે તેમને થોડી કડક ભાષામાં કહ્યું, ‘પત્નીને છેલ્લા દિવસો જાય છે તો પૈસા ભેગા કરવાની ખબર નથી પડતી. પ્રાઈવેટ હોસ્પિટલમાં બાળકને જન્મ અપાવવો હોય, ડોક્ટર ઈમરજન્સીમાં આવે તેવી આશા રાખતા હો તો થોડા મહિના અગાઉથી પૈસા ની વ્યવસ્થા કરવી જોઈએ ને.’ દર્દીના પતિએ બે હાથ જોડી ડો.પિયુષને કહ્યું, ‘ગરીબ છું, મજુરી કરું છું, જેમતેમ કરીને કુટુંબનું પૂરું કરું છું. ઉધાર લાવીને પણ તમારું બિલ પૂરું કરી જ દઈશ. થોડો અમારા જેવા માટે દયાભાવ રાખજો.’ હવે ડો.પિયુષ થોડા કુણા થયા અને સગાને કહ્યું, ‘યાદ રાખીને બિલ ભરી દે જે અને રજા લે ત્યારે બરાબર સરનામું લખાવીને જજે.’ સગા રૂમની બહાર ગયા પછી ડો.પિયુષને થયું કે આ માણસને જરૂર ક્યાંક જોયો છે. તેનો ચહેરો પરિચિત છે. તેમણે ફરી એ ભાઈને બોલાવ્યા અને તે શું કરે છે અને ક્યાં છે તે પૂછ્યું. દર્દીના સગાએ થોડા ખુશ થઇ ઉત્સાહ થી કહ્યું, ‘અહીં ગામની બહાર શેરડીનો સંચો છે.’ ડો.પીયુશે પૂછ્યું, ‘એસ.ટી સ્ટેન્ડની બાજુમાં?’ દર્દીના પતિએ કહ્યું, ‘હા એ જ સંચો મારો છે. તમે ભૂલી ગયા સાહેબ? એક વાર તમે મારે ત્યાં શેરડીનો રસ પીવા આવ્યા હતા.’ હવે ડો.પિયુષનાં સ્મૃતિપટ પર લગભગ ત્રણ મહિના પહેલાનો પ્રસંગ યાદ આવ્યો. તેઓ બહારગામથી પાછા આવતા હતા. ગામમાં પ્રવેશતા જ તેમને હોસ્પિટલમાંથી તાત્કાલિક આવવા માટે ફોન આવેલ. ડો.પિયુષને થાક સાથે ખુબ તરસ પણ લાગેલ. તેમની નજર આ શેરડીના રસના સંચા પર પડી. તેમણે ગાડી થોભાવી ફટાફટ એક ગ્લાસ રસ આપવા કહ્યું. શેરડીના રસવાળાએ તરત સ્વચ્છ ગ્લાસમાં ફીણવાળો તાજો રસ આપ્યો. એ ગ્લાસ ગટગટાવી ડો.પીયુષે બીજા ગ્લાસની માંગણી કરી. રસવાળાએ તેમના ગ્લાસમાં જ તેની તપેલીમાંથી બાકીનો રસ ઠલવ્યો પણ પોણો ગ્લાસ ભરાયો. એ પણ ડો.પિયુષ પી ગયા. સરસ મઝાનો ઠંડો શેરડીનો રસ પી ને ડો.પિયુષ ફ્રેશ થઇ ગયા અને રસવાળાને પૈસા માટે પૂછ્યું. રસવાળાએ ૧૦રૂ માંગ્યા. ડો.પિયુષે ખીસામાં પર્સ લેવા હાથ નાખતા પૂછ્યું, ‘કેમ ૧૦ જ રૂપિયા? મેં તો બે ગ્લાસ પીધા છે.” પેલાએ જવાબ આપ્યો, ‘સાહેબ બીજો ગ્લાસ પૂરો ક્યાં આપ્યો છે. તપેલીમાં હતો એટલો આપ્યો.’ ડો.પિયુષને માણસની ઈમાનદારી માટે સારું લાગ્યું સાથે તેમણે જોયું કે પોતાના પર્સમાં ફક્ત ૫૦૦રૂ ની જ નોટો છે. છુટા ૧૦રૂ નથી. રસવાળાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેની પાસે પણ ૫૦૦રૂ ના છુટા હતા નહીં. ડો.પિયુષ કહે એ પહેલા જ તેણે કહ્યું, ‘કાઈ વાંધો નહીં સાહેબ તમે જાવ. તમને મોડું થશે. આ બાજુ ક્યારેક નીકળો અને યાદ આવે તો પૈસા આપી જજો.’ ડો.પિયુષ પોતાની હોસ્પિટલ જવા નીકળી ગયા. હવે પાછા વર્તમાનમાં આવતા ડો.પિયુષને પોતાના પર શરમ આવી તેઓ મનોમન વિચારતા હતા, ‘આ માણસ માટે ૧૦રૂ પણ કેટલી મોટી વસ્તુ હતી. મારી પાસે છુટા ન હતા તો પણ મને એક પણ વાક્ય તેણે સંભળાવ્યું નહીં. યાદ આવે તો જ પૈસા આપી જવા કહ્યું. લગભગ બે ગ્લાસ રસ પીવડાવી એક જ ગ્લાસના પૈસા માંગ્યા. મારું સરનામું કે પૈસા આપી જવા માટે કોઈ ખાતરી માંગી નહીં. અહીં રૂમમાં પહેલા બોલાવ્યો ત્યારે પણ તે તો મને ઓળખી જ ગયો હતો પણ મેં તેના સંચા પર મફત રસ પીધો અને ત્રણ ત્રણ મહિના થઇ ગયા. મને તેના પૈસા આપવાનું યાદ આવ્યું નથી તે વાત પણ તે યાદ નથી કરતો. ખરેખર પ્રભુ ભલે એ પૈસાથી ગરીબ છે પણ વિશાળ હૃદય, ઈમાનદારી અને સજ્જનતામાં મારાથી ઘણો જ અમીર છે.’

2 ટિપ્પણીઓ

 1. લેખકDharmendra Kruplani

  on May 16, 2016 at 10:00 am - Reply

  In our day to day life we meet this kind of person and we don’t realise how big they are.
  Really heart touching insident.

  • લેખકDr.Ashish Chokshi

   on May 16, 2016 at 1:50 pm - Reply

   Dr.Ashish Chokshi

   આભાર ધર્મેન્દ્રભાઈ ..બરાબર છે..આપણી સાથે સંકળાયેલા નાના માણસોના હદયને આપણે નજીકથી જોયા હોતા નથી. જો તેમની નજીક જઈ તેમના જીવનને જોઈશું તો આપણને જીવનના ઘણા પાસા વિશે જાણવા મળતું હોય છે. પર્વતની ટોચે જવાનો રસ્તો પર્વતની તળેટીમાંથી જ પસાર થતો હોય છે…..આભાર

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો