
બાળકને સલાહ આપવાની પદ્ધતિ
આંઠ વર્ષના પ્રતિકના મમ્મી-પપ્પા મળવા આવ્યા હતા કે પ્રતિક ખુબ જ ચીડાઈ જાય છે. નાની નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે. પોતાનું ધાર્યું જ કરે છે અને ઘણીવાર અમારી સાથે સરખી રીતે વાત પણ કરતો નથી. તેને કઈક સમજાવો અને સલાહ આપો. બાળકોને પાંચ વર્ષ થઇ જાય પછી તેઓ માતાપિતાની સલાહ થી કઈ શીખતા નથી કે સુધરતા નથી. તેઓ માતાપિતાના વર્તનને અનુસરીને શીખે છે. તેઓ દુન્વયી ઘટનાઓ માંથી પોતે કરેલી ભૂલોમાંથી કઈક શીખે છે. સલાહ તો બાળક અને માતાપિતા વચ્ચે અંતર વધારે છે. ખુબ સલાહ આપનારા માતાપિતા અને બાળક વચ્ચે સાયુજ્ય સંધાતું જ નથી, ઉલટું અંતર વધે છે. બાળકોને એમ લાગે છે કે માતાપિતા તેઓને સમજી શકતા નથી. પાંચ વર્ષ થઇ જાય ત્યારે માતાપિતાએ ઓછુ બોલી અને મૌનની ભાષાથી બાળકને શીખવવાની કળા કેળવવી પડે. તેમના મિત્ર બનીને તેમને એ વિશ્વાસ અપાવવો પડે કે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ તેઓ બાળકની સાથે જ છે અને આ વિશ્વાસ ક્યારેય અતિશય સલાહ-સુચન આપનારા માતાપિતા મેળવી નહીં શકે. આનો અર્થ એ પણ નથી કે આ ઉંમરનાં બાળકોને કોઈ જ સલાહ નાં આપવી. તેમને સલાહ આપવાની પદ્ધતિ વિશે આપણે અહીં વાત કરીશું. પ્રતિકના ઘરે તેના મમ્મી-પપ્પા અને દાદા-દાદી એમ ચાર વડીલો વચ્ચે તે એકલો નાનું બાળક હતો. દરેકની અપેક્ષા પ્રતિક માટે અલગ અલગ રીતે અને વધુ હોય તે સ્વાભાવિક છે. એક આંઠ વર્ષનું નાનું બાળક અને તેને સલાહ આપનાર ચાર પુખ્ત વડીલો હોય તે સ્થિતિ વધુ ચિંતાજનક ગણાય. ચારમાંથી કોઈ પણ વડીલ કોઈ પણ સમયે બાળકને કોઈ પણ પ્રકારની સલાહ આપી શકે તે વાતાવરણ ઘરમાં હોય તો તે બાળક માટે ખુબ ભયજનક ગણાય. ચારેય માંથી કોઈ પણ એક જણે બાળકને સલાહ આપવાની જવાબદારી લેવી જોઈએ. તે પણ દિવસના કોઈ એક ચોક્કસ સમયે જ સલાહ આપવાની. એટલે ધારોકે પહેલા દાદીએ જવાબદારી લીધી છે તો તેઓ ફકત સાંજે આંઠથી દસની વચ્ચે જ સલાહ આપશે. બાળક સલાહના ભારમાંથી કેટલો મુક્ત થયેલો ગણાય. તેને ૨૨ કલાક કોઈજ સલાહ નહીં આપે અને બે કલાક દરમ્યાન કોઈ એક જ વ્યક્તિ સલાહ આપશે. બાકીના ત્રણેય ને કોઈ વસ્તુની સલાહ આપવી હોય તો તેઓ જેણે સલાહ આપવાની જવાબદારી લીધી છે તેને પોતે શું સલાહ આપવા માંગે છે તે કહેશે પણ તેઓ બાળકને કોઈ જ સલાહ નહીં આપે. હવે ધારોકે બાળક કોઈ પણ ભૂલ બપોરે બે વાગે કરે અને તેની સલાહ તેને રાત્રે આંઠ વાગ્યે મળવાની હોય તો તે હંમેશા સાચી પદ્ધતિથી સલાહ મળશે. કારણકે બાળક ભૂલ કરે અને માતાપિતા તરત કઈક કહે તે હંમેશા ગુસ્સામાં જ કહેવાય પણ એજ વસ્તુ થોડા કલાકો પછી કહેવાની હોય તો તે સાચી પદ્ધતિમાં કહેવાય. ઘણીવાર રાત્રે આંઠ વાગ્યે બાળકને સલાહ આપવાનો સમય થાય અને તેને કુલ ચાર કે પાંચ પ્રકારની વસ્તુઓ બાબતે ટોકવાનો હોય તો સલાહ આપનાર વ્યક્તિને જ થશે કે આવી વસ્તુઓ તેને ક્યાં કહેવી? આવું તો બાળકો કરે પણ ખરા. આથી બાળક પર બિનજરૂરી સલાહનું ભારણ ઘટી જશે. હવે પ્રતીકને ફક્ત જરુરી જ સલાહ કોઈ એક જ વ્યક્તિ દ્વારા અને કોઈ એક ચોક્કસ સમયે જ સારી અને સાચી પદ્ધતિ થી કહેવામાં આવી. ધીરે ધીરે ઘરના વડીલોને પ્રતીકમાં ફેરફાર દેખાયો. તેમણે અનુભવ્યું કે જે ઓછી પણ જરુરી સલાહ પ્રતીકને કહેવામાં આવતી તે તો પ્રતિક માનતો પણ જે નહતી કહેવામાં આવતી તેનું પણ તે પાલન ધ્યાન રાખીને કરતો. ઘરના પાંચેય સભ્યો વચ્ચે હસી-ખુશી અને પ્રેમાળ સંબંધો સ્થપાઈ ગયા.
લેખકDivya
on November 23, 2017 at 1:42 am -
Sir Always your guidances are useful for us
We follow this for our child
Thank you….
લેખકDr. Ashish Chokshi
on November 23, 2017 at 10:42 pm -
thanks