
માનવજીવનનો સૌથી સુંદર સાદ ... ‘માં’
નાનપણમાં જ પોતાના બાળકને વીરરસભરી શૌર્યગાથા સંભળાવી ત્યારે જીજીબાઇ શિવાજીનું સર્જન કરી શક્યા. પાંચ – છ વર્ષના બાળકને સત્ય અને અહિંસાની વાતો કરી ત્યારે પુતળીબાઇ ગાંધીજીનું સર્જન કરી શક્યા. જ્યાં સુધી લક્ષ પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી થાક્યા વિના ધ્યેયપ્રાપ્તિ માટે સંઘર્ષ કરવો જ તે વાત ભુવનેશ્વરી દેવીએ પોતાના બાળકને કરી તો તે મોટો થઈ સ્વામી વિવેકાનંદ બન્યો. શાળા તેમજ આખી દુનિયાએ જે બાળકમાંથી વિશ્વાસ ગુમાવી દીધો પણ માત્ર નેન્સી મેથ્યુ એલિયટને જ તેના બાળકમાં અપાર શ્રધ્ધા હતી તો થોમસ આલ્વા એડીસનનું સર્જન થયું. ગમે તેટલા પડકારો અને વિપરિત સંજોગો સામે સ્વસ્થ રહેવું અને પોતાનામાં વિશ્વાસ રાખવો તેવી સમજણ શોભા વર્તમાને આપી તો અભિનંદનનું સર્જન થયું.
અલગ અલગ સમયે ઉપરોક્ત સ્ત્રીઓએ શ્રધ્ધા, ભક્તિ, શક્તિ, તપ, ત્યાગ, સમર્પણ, પ્રતિક્ષા અને સહન કરવાના ગુણો બતાવી વિશ્વપ્રસિદ્ધ હસ્તીઓનું નિર્માણ કર્યું જેના ફળ દુનિયાભરને કોઈકને કોઈક રીતે મળ્યા. આ બધી પ્રગટ થયેલી સામે અપ્રગટ થયેલી ઘણી વાર્તાઓ દુનિયાની દરેક માતાઓની હોય છે. જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે અને બાળકને જન્મ આપે છે તે ક્ષણથી જ ઉપરોક્ત ગુણો તેનામાં આપોઆપ આવી જતા હોય છે. હવે એ સ્ત્રીને લોકો ‘માતા’ નામથી ઓળખે છે. ‘માં’ શબ્દ બોલો ત્યારે આપોઆપ જ નાભિમાં એક વિશેષ પ્રકારના સ્પંદનો (વાઈબ્રેશન)નો અનુભવ થાય છે. આથી જ માનવજીવનનો હોઠ પરનો સૌથી સુંદર સાદ ‘માં’ કહેવાય છે.
માં પોતે ઉદાસ થઈ શકે છે પણ પોતાના સંતાનોને ક્યારેય નિરાશ નથી કરતી. દુનિયાનો માત્ર એક જ સંબંધ જે સંપૂર્ણપણે શત પ્રતિશત બિનશરતી છે તે માં અને તેના સંતાનોનો છે. માતા અને પિતા બંને પોતાના બાળકો માટે સમય, શક્તિ, નાણા, પરસેવો અને જરૂર પડે તો રક્ત પણ વહાવે છે પણ ભગવાને એક વસ્તુ આપવાની શક્તિ અખંડિત પણે ફક્ત માં ને જ આપી છે અને તે છે તેનું ‘ધાવણ’. ધાવણ લેતા બાળક માટે સુખનું સરનામું એટલે ‘માં’ ની હુંફાળી ગોદ. આ ગોદમાં જ રહીને તે સામા પૂરે લડી જીવનના ઝંઝાવાતો સામે લડવાની આવડત કેળવે છે.
વોટ્સઅપ પર એક નાની વાર્તા વાંચી હતી. તેમાં બહાર વરસાદ આવે છે અને છોકરો પલળીને પાછો આવે છે ત્યારે પિતા તેને ધમકાવે છે કે, ‘છત્રી વિના કેમ ગયો.?’ મોટી બહેન તેને કહે છે કે, ‘આવા સમયે બહાર જવાય?’ અને માતા એમ કહે છે કે, ‘મારો દીકરો નીકળ્યો ત્યારે જ વરસાદ કેમ આવ્યો?’ રહેવાની જે જગ્યામાં માં ની હાજરી હોય તે જગ્યા ‘ઘર’ કહેવાય અને જે જગ્યામાં માં ની હાજરી ના હોય તે જગ્યાને માત્ર રહેવાની સગવડ કહેવાય. એક રોટલી ના બે ભાગ હોય અને બે બાળકો હોય તો મને ભૂખ નથી તેવું કહેનાર વ્યક્તિ માત્ર ‘માં’ જ હોઈ શકે. દરેક બાળકે યાદ રાખવું જોઈએ કે
દુનિયાના કોઈ ભગવાનને ભજવાથી ‘માં’ નહીં મળે પણ ‘માં’ ને ભજવાથી દુનિયાના દરેક ભગવાન મળશે.
(ડો. આશિષ ચોક્સી : દિવ્યભાસ્કર : મધુરિમા : ૧૯/૦૩/૨૦૧૮)
પ્રતિશાદ આપો