મુલાકાતી નંબર: 430,122

Ebook
સલાહ, સમીક્ષા, ટીકા અને અવગણના
  આશરે ૩૦ વર્ષ પહેલા એક નવા એનેસ્થેટીસ્ટ ઓપરેશન પૂરું થાય એટલે તરત હોસ્પિટલમાંથી વિદાય લેતા, તેમને એક સર્જન સલાહ આપી રહ્યા હતા કે ઓપરેશન પૂરું થાય પછી પણ પેશન્ટ રૂમમાં શિફ્ટ થાય ત્યાં સુધી પેશન્ટનું  અમુક ધ્યાન તમે રાખો તેવી અમારી સર્જન ડોકટરોની અપેક્ષા હોય છે. હવે ૩૦ વર્ષ પછી આ એનેસ્થેટીસ્ટ ઘણા સિનિયર થઈ ગયા છે. તેઓની સાથે એક મદદનિશ ડોક્ટર હોય છે છતાં ૩૦ વર્ષ પહેલા મળેલી સલાહનું પાલન કરે છે. જેણે જીવનમાં સુંદર કામ કરવું જ છે, કામ બતાવીને આગળ વધવું છે તેઓ પોતાના સાથી, મિત્ર, પતિ, પત્ની  કે સિનિયરની સલાહથી ક્યારેય તેઓ અણગમો વ્યક્ત નથી કરતા. અન્ય દ્વારા મળેલા સલાહ-સૂચનથી પોતાના કૌશલ્યની ધાર વધુ અણીદાર બનાવે છે. જે વ્યક્તિઓને અન્યની સલાહ-સૂચન અથવા પોતાની ભૂલો પ્રત્યે કોઈ સમીક્ષા કરે તે ગમે નહીં તે વ્યક્તિઓ જીવનમાં આગળ વધવાનો પોતાનો જ રસ્તો બંધ કરી દેતા હોય છે. અમુક વ્યક્તિઓને ટેવ હોય છે કે તેમની ભૂલ તેમને ખુબ આદરપૂર્વક અને તેમનું ગૌરવ જાળવી કહેવામાં આવે તો પણ તે ભૂલ કેમ પડી તેના કારણો રજુ કરી ભૂલ પડી શકે તેવું સાબિત કરવાના પ્રયત્નો કરતા હોય છે. પોતાની ભૂલ સહજ પણે સ્વીકારી તેમાં સુધારો લાવી ફરી આવું ન થાય તે પ્રત્યે તેમનું ધ્યાન હોતું નથી પણ ભૂલનો બચાવ કરવામાં તેઓ પોતાની શક્તિ ખર્ચતા હોય છે. આવી વ્યક્તિઓ પ્રત્યે તેમની સાથે સંકળાયેલ વ્યક્તિઓ, તેમના સિનિયર કે કુટુંબીજનના મનમાં એક પ્રકારનો અણગમો ઉભો થતો હોય છે. વર્ષો પછી એકના એક કામમાં પણ તેઓ ત્યાના ત્યાં જ હોય છે. ભૂલો ન સ્વીકારી પોતાના જ આગળ વધવાના રસ્તા તેઓએ બંધ કરી દીધા હોય છે. ૧૯૯૯નો ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો હતો. તે વખતે ઇંગ્લેન્ડના પ્રખ્યાત ઓપનર જયોફ્રી બોયકોટે પોતાની કોલમમાં સચિન તેન્દુલકરની હળવી શૈલીમાં આલોચના કરી. આલોચના અને ટીકા શબ્દમાં ખુબ નજીવું અંતર છે. આ પહેલા સચિન તેન્દુલકર ઘણી શ્રેષ્ઠ ઇનિંગ રમી ચુક્યા હતા અને વિશ્વભરમાં પોતાની ઓળખ પણ પ્રસ્થાપિત કરી ચુક્યા હતા. ઘણા ભારતીય ક્રિકેટ ચાહકોને જયોફ્રી બોયકોટની સચિન તેંદુલકર માટેની ટીકા નહીં ગમી હોય. આ સમયે સુનીલ ગવાસ્કરે પોતાની કોલમમાં સુંદર પ્રતિભાવ આપતા લખ્યું, ‘અત્યાર સુધી સચિનને વિશ્વભરમાં લોકો માત્ર ઓળખતા હતા. પણ જયોફ્રી બોયકોટે સચિનની રમતની નોંધ લેવી પડી આથી તેણે પોતાની જાતને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં પોતાની જાતને સાબિત કરી દીધી.’ ટીકા કે આલોચના પણ જેવી તેવી વ્યક્તિની ના થાય. જે શ્રેષ્ઠ પ્રદાન કરી રહ્યો હોય અને લોકો જેની પાસે વધુ અપેક્ષા રાખી રહ્યા હોય તેનું કામ દરેક લોકોના ધ્યાનમાં હોય જ. આ વ્યક્તિની જ ભૂલો પ્રત્યે વધુ ટીકા થવાની સંભાવના હોય. આ ટીકાઓને શિખરે પહોંચવા માટેનું પગથિયું ગણી તેઓ આગળ વધતા હોય છે. ટીકાઓમાંથી પોતાની ભૂલ શોધી, સ્વીકારી પછી મનમાં રાખ્યા વિના અવગણીને આગળ વધવાની તેમની ક્ષમતા જ તેમને સફળતાના શિખરે પહોંચવામાં મદદ કરે છે. તમારી સમીક્ષા, ટીકા કે આલોચના થાય ત્યારે માનવું કે હવે કઈક નવું કરી બતાવવાની તક તમને મળી છે. અહીં ભૂલને બચાવવા કે દબાવવાનો પ્રયત્નમાં સમય તો બગડે જ છે ઉપરાંત લોકોની નજરમાં વધુ મૂર્ખતા સાબિત થાય છે. પોતાના અવાજથી નહીં પણ આવડતથી પોતાનું વ્યક્તિત્વ ઊંચું રાખવાની ટેવ પાડવી જોઈએ. ૨૦૧૫ માં અમિતાભ બચ્ચન અને ઈરફાનખાન અભિનિત ‘પીકુ’ ફિલ્મ રજુ થઈ. વધુ જાણીતા ન હોય તેવા એક સામાન્ય અખબારની નાની કોલમમાં એવું લખાણ હતું કે આ ફિલ્મમાં ઈરફાનખાનનો અભિનય ખુબ નેચરલ લાગે છે અને બચ્ચન સાહેબના અભિનયમાં ક્યાંક કુત્રીમતા દેખાય છે. એવું કહેવાય છે કે અમિતાભ બચ્ચને તરત ઈરફાનખાન અને ડાયરેક્ટર સુજિત સરકાર સાથે મિટિંગ કરી પોતાના અભિનયમાં ક્યાં ફેરફાર કરવો તે સલાહ માંગી. પોતાનાથી કારકિર્દીમાં ૨૦ થી ૨૫ વર્ષ નાના અભિનેતા અને ડાયરેકટરની સમય આવ્યે સલાહ લેવામાં નાનપ ન અનુભવનાર જ ‘મહાનાયક’ના વિશેષણથી લોકોના હ્રદયમાં સ્થાન પામે. સફળ વ્યક્તિઓ તેમના કામથી પછી પણ પહેલા તેમના ભૂલ સ્વીકારવાના નમ્ર સ્વભાવથી ઓળખાય છે. ભૂલ ન સ્વીકારનાર વ્યક્તિઓનું પણ કામ તો ચાલતું જ હોય છે પણ લોકોથી કઈક અલગ જ કરી બતાવી આગળ વધવાની તેમની પ્રગતિ રૂંધાઇ જતી હોય છે. તેઓએ ક્યારેક અનાદર અને અવગણના પણ સહન કરવા પડતા હોય છે. પોતાના જ ફિલ્ડમાં પોતાના પછી આવેલ જુનિયર લોકો પોતાનું કામ બતાવી, ભૂલો સ્વીકારી, કામમાં સુધારો લાવી ખુબ આગળ વધતા હોય છે. એ રેસમાં આ વ્યક્તિઓ ક્યાંય પાછળ રહી જાય છે અથવા વર્ષો પછી તેઓ હોય ત્યાને ત્યાં જ જોવા મળે છે. ભૂલનો સ્વીકાર કરવાથી પહેલા આનંદ પછી સંતોષ અને છેલ્લે પ્રતિષ્ઠા મળે છે. ૧૦ માં ધોરણના બે વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષામાં ૧૦૦ માંથી ૯૫ માર્ક્સ મેળવ્યા. તેમના શિક્ષકે તેમને બોલાવ્યા અને કહ્યું, ‘મને મળજો મારે તમને સલાહ-સૂચન આપવા છે.’ એક વિદ્યાર્થીના પિતાએ તેમના દીકરાને સલાહ આપી કે તારે તારા શિક્ષકને મળવાની કોઈ જ જરૂર નથી. ૯૫ માર્ક્સ ઓછા છે કે હજુ તેમને કોઈક સલાહ આપવી છે? તું ના જઈશ. બીજા વિધાર્થીના પિતાએ શિક્ષકને તું ખાસ મળવા જજે તેવી સલાહ આપી. બન્ને વિધાર્થીમાં નોલેજ તો એકસરખું જ હતું પણ શિક્ષક પાસે ગયેલ વિધાર્થીને શિક્ષકે બોર્ડની પરીક્ષામાં પેપર કેવી રીતે લખાય, પેપર ચકાસનારને કેવી રીતે ખુશ કરી શકાય, જગ્યા ક્યાં છોડાય તેમજ થોડા અઘરા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય તેવી વિશેષ ટેકનીકો શીખવાડી. બોર્ડના રીઝલ્ટમાં એકસરખું લખવા છતાં જે વિદ્યાર્થી પોતાના શિક્ષક પાસે નહોતો ગયો તેના ૧૦૦ માં થી ૯૨ માર્ક્સ આવ્યા અને જે વિધાર્થી ગયો હતો તેના ૧૦૦ માર્ક્સ પુરા આવ્યા. શિક્ષક ક્યારેય ૪૦ માર્ક્સ લાવનારને આ ટેકનીકો શીખવવા માટે બોલાવવાના નથી. તેમણે બોલાવ્યા ત્યારે તેઓ ભૂલો બતાવી આત્મવિશ્વાસ ઘટાડવા નહીં પણ લાખો વિધાર્થીઓમાં ૯૫ માર્ક્સવાળા વિધાર્થીઓ સારું શું કરી હજુ વધુ માર્ક્સ લાવી શકે તે જ હોય છે. સંવાદ, સલાહ અને સૂચન એ કોઈ પણ વ્યક્તિઓની કામગીરીનું મુલ્યાંકન માટેનો તંદુરસ્ત તબક્કો છે. સલાહ આપનાર વ્યક્તિઓ તમને ખુબ પ્રેમ કરે છે. તેમની ભાષા અપ્રિય હોય છતાં પણ તેઓ તમારા માટે તમે આગળ વધો તેવું સારું જ ઈચ્છે છે.  મોટેભાગે આ કામ માતાપિતા, શિક્ષકો કે મોટા ભાઈબહેનો અને પતિપત્ની વચ્ચે થતું હોય છે. સમીક્ષા, ટીકા અને આલોચનામાં તમારી કામગીરીના પોઝીટીવ અને નેગેટીવ બંને પાસા જોવાય છે. ટીકા કરનાર વ્યક્તિ તમારા જ ફિલ્ડનો અને તમારો પ્રતિસ્પર્ધી પણ હોઈ શકે. તમારા શ્રેષ્ઠ કામ છતાં થોડી આલોચના થાય તો જરાય અકળાવું નહીં. તમને આગળ વધવાની તક મળે છે. ટીકા સાચી કે ખોટી હોય બંનેમાં હોશિયાર વ્યક્તિઓ ફાયદો જ મેળવે છે. તેમાં બોલીને કે કહી બતાવીને જવાબ આપવાનો હોતો નથી. તમારી શ્રેષ્ઠ કામગીરી જ જવાબ આપશે. ટીકા સાચી હોય તો તેમાં સુધારો લાવી આગળ વધો. ખોટી હોય તો મૌન રાખી કામ કરો કારણકે જો તમે બોલશો તો શક્તિસંચય સામેના માણસમાં થશે. તમારું કામ શ્રેષ્ઠ હશે તો લોકો અન્યની ટીકાઓ અવગણીને પણ તમારી સાથે જ રહેશે. તમારે બોલીને સાબિત કરવાની જરૂર નથી. ઉલટું આગળ કીધું એમ સાબિત કરવા જતા સમય અને શક્તિ બગડે છે. સાચા ખોટાના ચક્કરમાં તમે ત્યાં જ રહો છો, પ્રગતિ રૂંધાઇ જાય છે અને તમારી નજર સામે જ અન્ય કોઈ વ્યક્તિ તમારાથી આગળ નીકળી જાય છે ત્યારે તમે કઈ જ કરી શકતા નથી. તમારા સ્વભાવ કરતા તમે નસીબને તમે કારણભૂત ગણો છો. એવું જ વર્તન ચાલુ રાખનારને છેલ્લે અનાદર, અવગણના અને ક્યારેક અપમાન સહન કરવાનો વારો આવે છે. (ડો.આશિષ ચોક્સી, બાળરોગ નિષ્ણાત, કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલ, મેમનગર, અમદાવાદ. ફોન. ૯૮૯૮૦૦૧૫૬૬)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો