મુલાકાતી નંબર: 430,069

Ebook
ઉપરનો ખોરાક ક્યારથી? અને કેવી રીતે ?

પ્રથમ છ માસ ફક્ત ધાવણ

 • જન્મ બાદ પુરા મહિને જન્મેલા તંદુરસ્ત બાળકને પ્રથમ છ માસ ફક્ત ધાવણ જ આપવું જોઈએ. પ્રથમ છ માસ ફક્ત ધાવણ નવજાતશિશુની પોષણની બધી જ જરૂરિયાત તો પૂરી કરે જ છે, ઉપરાંત ફક્ત ધાવણ લીધેલા બાળકની રોગપ્રતિકારક શક્તિ તથા તેમની બુદ્ધિપ્રતિભા(IQ) અસાધારણ હોય છે. પહેલા ચાર મહિના એકલું ધાવણ અને પાંચમાં મહિને ઉપરનો ખોરાક ચાલુ કર્યો હોય એવા બાળક કરતા એકલું ધાવણ છ માસ આપેલ બાળકમાં શ્વસનતંત્ર અને આંતરડાના રોગોનું પ્રમાણ નહીંવત જોવા મળ્યું છે. ડોક્ટર અને ઘરના સભ્યોની ફરજ બને છે કે ધાત્રી માતાને છ મહિના એકલું ધાવણ આપવા પ્રોત્સાહિત કરવી.
 • છ માસબાદ ઉપરનો ખોરાક ચાલુ કરવો પણ તેટલો જ જરૂરી છે તે પ્રક્રિયાને weaning કહે છે અને ઉપરથી અપાતા ખોરાકને complementary feeding કહે છે.
 • પ્રથમ છ માસ દરમ્યાન બાળકને ફક્ત ચુસવાનું જ આવડે છે. છ માસ બાદ બાળકને ચાવવા અને ગળતા આવડે છે. હવે તે મોમાં લીધેલું બહુ ઓછુ પાછુ બહાર કાઢે છે. આઠ કે નવ મહિનાના બાળકને હોઠથી ચમચી સાફ કરતા આવડે છે. જીભથી લીધેલા ખોરાકને બે દાંત વચ્ચે ચાવતા આવડે છે.
 • આમ છ માસે ઉપરથી પ્રવાહી ખોરાક, સાત માસે અર્ધઘટ્ટ અને આઠ કે નવ માસથી ઘટ્ટ ખોરાક( ચમચી માંથી લસરી ના પડે તેટલો ઘટ્ટ) આપી શકાય.

ખોરાકમાં શું આપી શકાય અને ખોરાક કેવો હોવો જોઈએ

 • શરૂઆત શાકભાજીના સૂપ કે જ્યુસ આપી કરી શકાય.
 • બાળકને સાતમાં મહિને ફક્ત પ્રવાહી જ આપવું જોઈએ તેવું જરૂરી નથી. એકદમ પ્રવાહી ખોરાક જેમકે ફક્ત દાળ, ભાત, મગનું પાણી અથવા ફળો અને શાકભાજીના રસ બાળકની ભૂખ તથા કેલેરીની જરૂરિયાત પૂરી કરી શકે નહીં.
 • બાળકને સાતથી આંઠમાં મહિને સીધ્ધો જ અર્ધઘટ્ટ, ગાળેલો, ઢીલો, પોચો ખોરાક જેમ કે રાબ(ગુજરાતી), પોરેજ, કાંજી, થુલી, દલિયા, રાગી(બંગાળી), નાચણી(મહારાષ્ટ્રીયન), લચકો દાળ, બાફેલું બટાકું, બાફેલું સફરજન, બાફેલું શક્કરિયું, તુવેરદાળ-ચોખા-મગની દાળનું મિશ્રણ પાવડર આપી શકાય તેમાં પાણી,દૂધ,દહી,ઘી તેમજ માતાનું ધાવણ ઉમેરી શકાય.
 • બાળકને નવથી દસમાં મહિને બધાજ ઢીલા ફળો(કેળું, સફરજન, ચીકુ, કેરી ,પપૈયું), ચોળેલા દાળભાત, ખીચડી, દાળમાં બોળેલી રોટલી, બાફેલું ઈંડું, મોરૈયો તેમજ પૂરણપોળીનું પુરણ આપી શકાય.
 • ખોરાક ઢીલો, પોચો અને બાળક સહેલાઈથી ગળી શકે તેવો હોવો જોઈએ. વધુ રેસાયુક્ત ના હોવો જોઈએ.
 • બાળકને બને ત્યાં સુધી ઘરનો જ બનાવેલ, તાજો, ઢીલો, પોચો ખોરાક આપવો.

ખોરાકમાં શું ઉમેરી શકાય

 • ઉપરથી અપાતી વસ્તુઓમાં માતાનું દૂધ ઉમેરી શકાય.
 • ઘરમાં હાજર વસ્તુઓમાંથી જ બાળક માટે સુંદર ખોરાક તૈયાર કરી શકાય.
 • ઉપરના ખોરાકને ચમચીથી એકરસ બનાવી તેમાં ખાંડ, મધ, ગોળ, લીંબુ, મીઠું ઉમેરી શકાય.
 • તેલ અને ઘી ઉમેરવાથી શિશુને કેલરી તો મળે જ છે ઉપરાંત પચાવવામાં પણ સહેલું પડે છે.
 • ખાંડ, મીઠું અને ગોળ એક વર્ષ સુધી ના અપાય તે માન્યતા ખોટી છે. વિવિધ સ્વાદ માટે તો જરૂરી છે જ. પાછળથી ઉમેરેલા ખાંડ અને ગોળ વધારાની શક્તિ પણ આપે છે.
 • લીલા અને પીળા ફળો અને શાકભાજી બાળકની આંખ, વાળ અને ચામડીને સુંદર બનાવે છે.

ઉપરના પાવડરના ડબ્બા

 • ખુબ ઓછા વજનવાળું બાળક હોય જેને ચૂસવામાં અને ગળવામાં તકલીફ હોય તેવા બાળકોને જ બાળકોના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેને અનુકુળ પાવડરના ડબ્બાનું દૂધ ચાલુ કરવું.
 • ધાત્રી માતાને આપવા પડતા વિશેષ ખોરાક, દૂધ, ફળો તેમજ શાકભાજીનો ખર્ચો, ઉપરના દૂધ અને ડબ્બા પર ચઢેલા બાળકો માટે થતા દૂધ-ડબ્બાના ખર્ચથી ઘણો જ ઓછો હોય છે.
 • છ થી નવ માસ વચ્ચે બજારના ડબ્બા લાવવાથી તે આપવામાં સરળતા રહે છે અને બાળકને લેવામાં પણ સરળતા રહે છે પરંતુ બાદમાં બાળકો ઘરનું ખાવા શીખતા નથી. ડબ્બાનું ઢીલું પોચું જેવું સતત ખાઈને તેમની ચાવવાની ક્ષમતા પણ નબળી પડે છે. આથી બજારના ડબ્બા કોઈ પણ રીતે ઘરના ખોરાકને તોલે ના આવે.
 • બજારના ડબ્બા મોંઘા પણ પડે. ( જો ડબ્બા નો ભાવ ૪૦૦ ગ્રામના ૪૦૦રૂ હોય તો છ માસ ના બાળક માટે રોજના ૧૦૦ગ્રામ પાવડરની જરૂરિયાત પ્રમાણે રોજનો ૧૦૦રૂ ખર્ચો થયો. ૧૦૦રૂ માં અત્યારની મોંઘવારીમાં પણ ચાર માણસના કુટુંબને ૧ દિવસમાં માં શાકભાજી, ફળો અને કઠોળ પૂરું પાડી શકાય )
 • ઘરના ખોરાક જેટલી વિભિન્નતા ક્યારેય પાવડરના ડબ્બામાં હોઈ ના શકે. એની ટેવ પડ્યા પછી બાળક ઘરનો ચાવવો પડે તેવો ખોરાક પસંદ કરતુ નથી.
 • બહારના પાવડરના ડબ્બાની કંપનીઓ માતા-પિતાને ગેરમાર્ગે પણ દોરે છે. જેમકે તેમનો પાવડર માતાનાં દુધનો પર્યાય છે જ્યારે હકીકત એ છે કે માતાનાં દુધનો પર્યાય દુનિયાની કોઈ જ કંપનીનો પાવડર નથી.
 • પાવડરના ડબ્બાની જાહેરાતોમાં લખેલું હોય છે કે ઉપરનો ખોરાક ૪ મહિને ચાલુ કરવો જોઈએ જ્યારે UNICEF અને WHO જેવી સંસ્થાઓએ પણ પહેલા છ માસ ફક્ત માતાનું દૂધ લેવાનું સુચન કર્યું છે.
 • પાવડરના ડબ્બા ઉપર તંદુરસ્ત બાળકનું ચિત્ર એ રીતે આપેલું હોય છે કે જાણે એ પાવડર ખાઈને બાળક ખુબ તંદુરસ્ત થશે. હકીકતમાં માતાનું દૂધ જ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે સંપૂર્ણ આહાર છે. છ માસ પછી પણ બાળકને ઘરનો જ બનાવેલ આહાર અપાય.
 • પાવડરની કપનીઓ તેમના પાવડરમાં ઘરની બનાવેલી વસ્તુઓ ભેગી કરીને કેમ બનાવાય તે ખોટી રીતે શીખવે છે. પાવડરના ડબ્બાની કપનીઓ બાળકના માનસિક વિકાસની તો વાત જ નથી કરતી. આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો જોઇને ભારતની અભણ તેમજ ગરીબ પ્રજા પણ ૪૦૦રૂનો પાવડરનો ડબ્બો લેવા પ્રેરાય તે બહુ દુખદ કહી શકાય.
 • છ માસ પછી બાળકને હંમેશા તાજો જ ખોરાક બનાવીને આપવો જોઈએ જે પાવડરના ડબ્બા આપી શકવાના નથી.
 • પાવડરના ડબ્બા દૂધ પર આધારિત બન્યા હોય છે જે બાળક માટે સંતુલિત આહાર ના કહેવાય. જે રાબ, વિવિધ દાળ અને ઢીલા પોચા ફળોમાં બાળકને મળવાનું છે તે પાવડરના ડબ્બામાં ક્યારેય મળવાનું નથી.

બોટલથી દૂધ

 • છ માસ બાદ ધાવણ ઉપરાંત ઉપરનો ખોરાક ચાલુ કરતી વખતે શીશી પણ ચાલુ કરવી જ જોઈએ, શીશીથી જ બાળકનું પેટ ભરાય તે ખોટી માન્યતા છે.
 • શીશીથી દૂધ પીનાર બાળકોને બહારનું ચાવીને ખાવાનું થોડું અઘરું પડે છે. પછી તેઓ દૂધ વધુ પીતા થઇ જાય છે. ધીરે ધીરે માતા પણ દૂધ ઉપરાંત અન્ય સૂપ અને જ્યુસ પણ બાળકને શીશીથી આપતા શીખી જાય છે. તે ખોટું છે.
 • શીશીથી દૂધ પીનાર બાળકો ધાવણ પણ ઝડપથી છોડી દે છે. બીમાર પણ વધુ પડે છે તેમજ તેઓમાં થોડું ચિડીયાપણું વધુ જોવા મળે છે.

આટલું કરો

 • સાતમાં આઠમાં મહિને અર્ધઘટ્ટ ખોરાક દિવસમાં ૨ થી ૩ વખત આપી શકાય.
 • પ્રવાહી ( જ્યુસ, સૂપ, મગ-દાળનું પાણી, સફરજનનો રસ )દિવસમાં ૨ થી ૩ વખત આપી શકાય.
 • લોહતત્વ, વિટામીન D તથા વિટામીન A ના ટીપા બાળરોગ નિષ્ણાતની સલાહ પ્રમાણે લેવા.
 • ઉપરનો ખોરાક બાળકને છ માસ પુરા થાય એટલે ચાલુ થઇ જ જવો જોઈએ.
 • ઉપરનો ખોરાક ચાલુ કર્યા બાદ પણ ધાવણ તો ચાલુ રાખવું જ જોઈએ. ધાવણ પોણા બે થી બે વર્ષ સુધી ચાલુ રાખી શકાય અને રાખવું જ જોઈએ.
 • બાળકને ઉપરનું ખાવાનું આપતા માતાએ ખુબ ધીરજ રાખવી. ક્યારેક બાળક ખાવાનું પાછુ કાઢે તેનો મતલબ એ નથી કે તેને નથી ભાવતું.
 • બાળકને તેના મોટા ભાઈ-બહેન કે અન્ય કુટુંબીજન સાથે જમવા બેસાડવો. તે અન્ય સભ્યોને જમતા જોઈ તેને પણ પ્રોત્સાહન મળે છે.
 • તે સક્રિય અને જાગૃત હોય ત્યારે જ તેને જમવા આપવું. તેનો ઊંઘનો સમય થયો હોય અથવા થાકેલો હોય તે સમયે તેને ખાવાનું આપવાથી તેને ભૂખ હશે તો પણ તે ચીડિયું રહેશે અને ખાશે નહીં.
 • બાળક માંદુ હોય ત્યારે બને કે તે ઓછો જથ્થો લેશે. આ સમયે તેને થોડો જથ્થો પણ વારંવાર આપવો પડે. ખાવામાં વિવિધતા વધુ લાવવી પડે. ખાવાનું આપનારે ખુબ જ ધીરજ રાખવી પડે. ઓછુ ખાય તો પ્રવાહીનું અને ધાવણનું પ્રમાણ વધારી દેવું.
 • શાકભાજીને વ્યવસ્થિત સાફ કરીને સૂપમાં અથવા ઢીલું, પોચું કરીને વાપરવું જોઈએ. શાકભાજીમાં લોહતત્વનું પ્રમાણ વધુ હોય છે.
 • બાળકનો ખોરાક બનાવો તે વાસણ એકદમ ચોખ્ખુ હોવું જોઈએ. ખોરાક તાજો હોવો જોઈએ અને તેની ઘટ્ટતા પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ.
 • શિશુની અલગ પ્લેટ, થાળી અને વાડકી રાખવાથી તેણે કેટલો જથ્થો ખાધો તે પણ જાણી શકાય અને તેને જાતે ખાવાની પ્રેરણા પણ મળે છે.
 • છ થી નવ માસ વચ્ચે એક જ ટાઈમે એક જ પ્રકારનો આહાર, નવ થી પંદર માસ વચ્ચે એક સાથે બે પ્રકારના આહાર, ૧૫ માસ બાદ એક સાથે ત્રણ પ્રકારના આહાર આપવાથી બાળક આનંદ સાથે આહાર લેશે.
 • ઉપરના આહારમાં બધાજ પ્રકારની દાળ જેમ કે તુવેર, ચણા, મગ, ઈંડા વગેરેમાં પ્રોટીન સાથે વિટામીન પણ પૂરતા પ્રમાણમાં હોય છે.
 • ખવડાવતી વખતે ગીતો ગાઈ શકાય, બુચકારા બોલાવી શકાય, બાળકને તેના લાડકા નામથી બોલાવી શકાય, અમુક ચિત્રો બતાવી શકાય અને રમકડાના અવાજો પણ કરી શકાય. આ વર્તણુકથી બાળકને ખાવામાં પ્રોત્સાહન મળે છે અને તે પણ સમજી શકે છે કે ખવડાવનાર વ્યક્તિ તેને પ્રેમ કરે છે.

આટલું ના કરો

 • આ સમયના ખોરાકમાં બોટલ, ડબ્બા અને બિસ્કિટનો ઉપયોગ ટાળવો.
 • ઉપરનો ખોરાક બાળકને છ માસથી બહુ વહેલો પણ ચાલુ ના કરવો, બહુ મોડો પણ ના કરવો. ( બહુ વહેલું ચાલુ કરવાથી પાચનતંત્રમાં તકલીફ થાય છે તેજ રીતે મોડો ચાલુ કરવાથી બાળક કુપોષણનું શિકાર બને છે)
 • સાતમાં આઠમાં મહિને ઝડપથી મસાલા અને મરચાનો ઉપયોગ ના કરવો.
 • ઉપરના આહારને અતિ પાતળો પણ ના કરી દેવો જેનાથી તેને કેલરી ઓછી મળે.
 • બાળકને ચા, કોફી અને સોડા જેવા પીણા ના આપવા.
 • બજારમાં બાળક માટે તૈયાર ખોરાક ટીનમાં, પેકેટમાં કે જારમાં મળે છે. તેના પર બહુ આધાર ના રાખવો કારણકે તે વધુ વાપરવાથી બાળકને ઘરનો ખોરાક નહીં ભાવે અને માતા પણ ઘરના ખોરાકમાં વિવિધતા લાવવાને બદલે બહારથી તૈયાર પેકેટ લાવતી થઇ જાય છે. વળી આ ખોરાક થોડા ખર્ચાળ પણ હોય છે. તેના પર ‘natural’, ‘no preservative’ અને ‘no food color’ લખ્યું હોય છે તેવું હંમેશા હોતું નથી.
 • મોંઘા ફળો વધુ શક્તિ અને પ્રોટીન નથી આપતા. ફળોમાં વિટામીન A, વિટામીન C અને ખનીજ તત્વો જરૂર હોય છે પણ સાથે ઘઉં, ચોખા, દાળ તેમજ બાજરીનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
 • બાળકને નજર ચૂકવીને, જબરદસ્તીથી કે મોમાં ખોસીને ક્યારેય ના ખવડાવવું. તેણે ના લેવું હોય તો છોડી દો. થોડા સમય પછી તે ખાશે. કોઈ એક વસ્તુ ના જ ખાય તો તેનો પ્રયત્ન થોડા દિવસ માટે મૂકી દો. થોડા દિવસ પછી કોઈ વસ્તુ સાથે મિક્સ કરીને તે ખાશે. તો પણ ના ખાય તો છોડી દેવું પણ દબાણથી તો ના જ આપવું.
 • બાળક કદાચ દબાણથી ખાઈ પણ લેશે. પણ દબાણથી ખાધેલા ખોરાકથી તેનામાં એક અણગમો અને ડરની ભાવના જાગે છે. ( ખોરાક લેતા બાળક આનંદ અનુભવવું જોઈએ ) માતા બાળક સામે હકારાત્મક પ્રતિભાવ, હસવું, ‘ ચાલ મોઢું ખોલ અને સરસ, મઝાનું કોણ ખાશે?’ તેમ બોલી શકે. પણ તેમ બોલ્યા પછી પણ બાળક પ્રતિભાવ ના આપે તો છોડી દેવું, દબાણ ના કરવું.
 • માંદુ બાળક ઓછુ જ ખાશે. તેને જરાય દબાણ ના કરવું. માંદગીમાંથી સુધારાપર તે આવશે એટલે ચોક્કસ ખાશે. ઘણી વાર બાળકની માંદગીમાં માતાને થાય કે થોડું તો તેણે ખાવું જ જોઈએ. એમ વિચારી તેના પર દબાણ થાય તો બાળક ઉલટીઓ ચાલુ કરી દેશે.
 • કોઈ ચોક્કસ ખાવાનું ખાઈ બાળકને કોઈ એલર્જી થતી હોય અથવા સદતું ના હોય તેવું માતાને લાગે તો તે ખોરાક છોડી દેવો. ઘણી માતા કહે છે મારા મોટા દીકરાને કેળાંથી કશું નથી થતું અને નાનાને કેળા ખાઈ શરદી થાય છે અને સીરસ (એલર્જી) જેવું નીકળે છે.

અન્ય જાણવા જેવી વસ્તુઓ

 • છઠ્ઠા મહિને બાળકના જઠરની સાઈઝ ૧૫૦મિલી થી ૨૦૦ મિલી જેટલો ખોરાક સમાવી શકે તેવી હોય છે.
 • ખુબ પ્રવાહી ખોરાક જ સહેલાઈથી પચે તે માન્યતા ખોટી છે.
 • ખોરાકની ઘટ્ટતા અને જથ્થો ધીરે ધીરે વધારવી.
 • પાણી ઉકાળેલું અને ગાળેલું જ આપવું.
 • ઘણી વાર બાળક તરસ્યું હોય તો પણ રડે, ક્યારેક તે જમતા જમતા પણ રડશે. જમવાની વચ્ચે તેને થોડું પાણી આપવાથી તે શાંત થઇ જશે અને પાછુ જમવા લાગશે.
 • પાણી એ ખોરાક કે ધાવણની જગ્યા ના લેવું જોઈએ. જો પાણી આપો તો પણ ખાઈ લીધા પછી છેલ્લે આપવું. વધુ પાણી પી ને તેને ખાવાની જગ્યા ના રહે તેવું ના થવું જોઈએ.
 • દોઢથી બે વર્ષની વચ્ચે બાળકનો ખોરાક તેની માતાનાં ખોરાક કરતા અડધી માત્રામાં હોય છે.
 • એક વર્ષ બાદ બાળકના આહારમાં રોજના ૫૦ગ્રામ જેટલું શાક-ભાજીનું પ્રમાણ હોવું જ જોઈએ. તો જ તેની વિટામીન A, લોહતત્વ અને રેસાની રોજીંદી જરૂરિયાત સંતોષાશે.
 • છ થી આઠ માસના બાળકને ૮૦૦થી ૯૦૦ કેલરી રોજની જોઈએ. આમાં ૨/૩ ભાગની એટલે ૫૦૦થી ૬૦૦ કેલરી તો માત્ર ધાવણ( ૨૪ કલાકમાં ૫ થી ૬ વખત) મારફતે જ મળી જાય છે.
 • છ માસે બાળકનું પાચનતંત્ર ઉપરનો ખોરાક પચાવવા તૈયાર થઇ ગયું હોય છે. છ માસ બાદ બાળકને ઉપરનો ખોરાક આપવાનું ચાલુ કરવાથી બાળકને શ્વસનતંત્ર કે આંતરડાના રોગો થવાની સંભાવના નહીંવત રહે છે.
 • યાદ રહે કે ઉપરનો ખોરાક આપવાનો ચાલુ કરીએ કે બાળક ચાલતું થાય એટલે ધાવણ બંધ નથી કરવાનું. ધાવણ તો બે વર્ષ સુધી કે તેના પછી પણ આપી શકાય અને આપવું જ જોઈએ. (માત્ર ૨૦% માતા જ નવ માસ બાદ ધાવણ ચાલુ રાખે છે)
 • ઘરના તાજા રાંધેલા ખોરાકથી જ લાંબાગાળે બાળક તંદુરસ્ત રહે છે અને પરિવારને શાંતિ રહે છે.
 • જે બાળકો છ થી નવ માસ વચ્ચે ફક્ત ઘરનું જ ખાય છે તે પછીથી ( ૨ થી ૩ વર્ષ વચ્ચે ) પણ ઘરનું અન્ય ખાતા ઝડપથી શીખી જાય છે. નવ માસ પછી તેમના માટે અલગ ના બનાવ્યું હોય પરંતુ ઘરના અન્ય સભ્યો માટે જે બનાવ્યું હોય તેમાં ઘટ્ટતાનું અને સ્વાદનું ધ્યાન રાખવું.

ઉપરનું દૂધ

 • છ થી નવ માસ વચ્ચે ઓછા ફેટ વાળું દૂધ ખીચડી, રાબ જેવી વસ્તુઓમાં ઉમેરી શકાય.
 • એકલું દૂધ બને તો નવ માસ બાદ જ આપવું. એકલું દૂધ વહેલું ચાલુ કરવામાં એલર્જી, કફ અને ઝાડા થવાની સંભાવના રહે છે.
 • બને તેટલું બહારનું દૂધ વધુમાં વધુ આપવું તે માન્યતા ખોટી છે. દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે પણ લોહતત્વ તેમાં પુરતું નથી.
 • કુટુંબમાં એલર્જી અને દમ ની બિમારી હોય તો દૂધ બને તેટલું મોડું જ ચાલુ કરવું.
 • દૂધ ઓછા ફેટ વાળું, પાણી ઉમેર્યા વિનાનું, તેમાં ઉભરો લાવીને, ખાંડ ઉમેરી શકાય અને વાડકી ચમચીથી જ આપવું.
 • છ થી નવ માસ દરમ્યાન છાસ કે દહીનું ઘોરવું આપી શકાય.
જે માતા બાળકના છ માસથી બે વર્ષની વચ્ચે તેના માટે ઘરે બનાવેલા ખોરાક જ આપે છે તે માતા તેના બાળકની બે થી છ વર્ષની ઉમર વખતે ઘરે જ વિવિધ નાસ્તા અને ખોરાક બનાવવામાં નિપુણતા મેળવી લે છે. જે માતા બાળકના છ માસથી બે વર્ષની વચ્ચે શીશી અને પાવડરના ડબ્બા પર ઘણો આધાર રાખે છે તે માતા બાળકના બે થી છ વર્ષની ઉમર વખતે બજારુ નાસ્તા, વેફર, નુડલ્સ અને બિસ્કિટો આપવા પ્રેરાય છે.
  ( દિવ્યભાસ્કર ૧૦/૦૬/૨૦૦૮ )

2 ટિપ્પણીઓ

 1. લેખકર્ડા. માયા જોશી

  on September 15, 2017 at 4:29 pm - Reply

  અતિ સુંદર માહિતી આપેલ છે… આભાર

  • લેખકDr.Ashish Chokshi

   on September 16, 2017 at 10:30 pm - Reply

   Dr.Ashish Chokshi

   આભાર. ડો. માયાબહેન. સુચન કે અન્ય માહિતી હોય તો જણાવશો.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો