મુલાકાતી નંબર: 430,126

Ebook
ધાત્રી માતાની પીડાદાયક તકલીફ – નીપલ પર ચીરા પડવા.
ધાવણ આપતી માતામાં શરૂઆત નાં દિવસોમાં આ તકલીફ ઘણીવાર જોવા મળે છે. તબીબી ભાષામાં તેને crack nipple અથવા sore nipple કહે છે. કારણો: ધાવણ લેતા બાળકની ધાવણ લેતા વખતની અયોગ્ય સ્થિતિ, ધાવણ લેતી વખતે માતાના ખોળામાં બાળકની અયોગ્ય સ્થિતિ, વારંવાર અને બહુ લાંબા સમય સુધી એક જ સ્તન પર ચૂસવું, નીપલ નું ફંગસ ચેપ, ધાવણ આપવા માટે બહારની ટોટી નાં વધુ પડતા ઉપયોગ થી બાળક સાચી અને કુત્રિમ નીપલ નો ભેદ પારખી ના શકે જેવા સામાન્ય કારણો ગણી શકાય. અયોગ્ય રીતે બ્રેસ્ટ પંપ વાપરવો, સ્તન સાફ કરવા વધારે પડતો સાબુ નો ઉપયોગ, નીપલ નું સુકાઈ જવું ( dry nipple અથવા eczema), સગર્ભાવસ્થા દરમ્યાન અયોગ્ય રીતે નીપલ પર મસાજ કરવો, નવજાત શિશુને તાળવા સાથે જોડાયેલી જીભ હોવી જેવા ઓછી શક્યતાવાળા પરંતુ અગત્યના અન્ય કારણો કહી શકાય. બાળક ધાવણ લેતું હોય અને કોઈ પણ કારણસર માતા એકદમ જ બાળકને નીપલ ચુસતું બંધ કરાવવા માટે અયોગ્ય રીતે ખેંચે અને આવું વારંવાર થાય તો પણ નીપલ પર ચીરા પડે છે. ( બાળકની ધાવણ લેવાની પ્રક્રિયા ચાલુ હોય અને પહેલું બાળક રડે, માતાએ કોઈનો ફોન લેવો હોય, ડોરબેલ વાગે અને માતા ઘરમાં એકલી હોય આવી પરિસ્થિતિઓમાં પણ માતાએ ખુબ ધીરજથી ધીરે ધીરે બાળકને સ્તનથી અલગ કરવું.) લક્ષણો : નીપલ પર ચીરા હશે ત્યારે માતા નો ધાવણ આપવાનો અનુભવ ખુબ દુખદ હશે. બાળક જેવું ધાવણ લેવાનું ચાલુ કરશે તેની સાથે જ માતાને સ્તન તેમજ નીપલ પર અસહ્ય દુખાવો ચાલુ થશે. નીપલ નાં ફંગસ ચેપ માં નીપલ લાલ, સુકી જોવા મળે, નીપલ પર ખંજવાળ આવે. ક્યારેક ચીરામાંથી લોહી પણ નીકળે. લોહી નીકળે તેની સાથે દુખાવો હોય તો તુરંત ડોક્ટરને બતાવવું. પરતું બાળક નાં જન્મ બાદ પહેલા ત્રણ-ચાર દિવસ દરમ્યાન પાતળું પીળું પાણી જેવું કોલોસ્ટ્રમ આવે તેની સાથે લોહી આવે પરંતુ માતાને દુખાવો ના થતો હોય તો ગભરાવાની જરૂર નથી. નીપલ ની આજુબાજુ માં લોહી નો પ્રવાહ વધવાથી પણ બાળકનાં જન્મ બાદ શરૂઆતમાં ત્રણ-ચાર દિવસ દરમ્યાન ધાવણ સાથે લોહી આવે છે જે થોડા દિવસોમાં જ બંધ થઇ જાય છે.

રક્ષણ તેમજ સારવાર :

  • નીપલ ને વધુ સાબુ થી કે વધારે વખત સાફ કરવાથી નીપલ ને ચીકાશયુક્ત અને ભીની રાખતા સ્નિગ્ધ તત્વો (lubricants) નાશ પામશે. આથી સ્તન અને નીપલ ને દિવસમાં એકજ વાર હૂંફાળા પાણીથી સાફ કરવું.
  • બાળકને ધાવણ આપતી વખતે બાળકની ચૂસવાની પદ્ધતિ (attachment) અને બાળકની માતાનાં ખોળામાં યોગ્ય સ્થિતિ ને ડોક્ટર પાસે શીખી લેવી.
  • માતાની નીપલ અથવા બાળક ની જીભ પર ફંગસજન્ય ચેપ હોય તો તેની ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરવી.
  • માતાનું શરૂઆતનું ધાવણ જેને કોલોસ્ટ્રમ કહે છે, તેમાંય જે પાછળ નું ધાવણ હોય (hind milk) તેમાં પુષ્કળ માત્રામાં ચરબીજન્ય પોષકતત્વો હોય છે જે ચિરાને રૂઝાવા માં મદદરૂપ થાય છે. આ પાછળનું ધાવણ અર્થાત hind milk અલગ વાડકામાં કાઢી તેને ચીરા પર લગાવી શકાય.
  • ધાવણ આપતી વખતે પહેલા સામાન્ય બાજુથી ધાવણ આપવું ત્યારબાદ ચીરાવાળી બાજુએથી ધાવણ આપવું. બાળકની ભૂખ સંતોષાઈ જાય પછી તે ઓછા જોરથી ચુસસે.
  • ઉપર જણાવેલી અમુક પરિસ્થિતિ જેમાં માતાએ એકદમ જ બાળકને નીપલ ચુસતું છોડાવવું પડે તેમાં ખુબ ધીરજથી ધીમે ધીમે બાળકને સ્તનથી અલગ કરવું. શક્ય હોય તો બાળક નીપલ ચુસતું હોય ત્યારે માતાએ તેની ટચલી આંગળી બાળકના મોમાં રાખવી. બાળકનું ધ્યાન ટચલી આંગળીના ટેરવાને ચૂસવામાં હોય ત્યારે તેને નીપલથી અલગ કરવું. સ્તનથી અલગ થયા બાદ ધીરે ધીરે ટચલી આંગળીનું ટેરવું પણ બાળકનાં મોમાંથી બહાર કાઢી લેવું.
  • જો બાળક રડે તો તેને થોડું EBM આપવું. આમ કરવાથી અમુક બાળકોને લાંબો સમય નીપલ ચૂસવાની આદત હોય છે તે પણ છુટી જશે.
  • થોડા દિવસ ચીરાવાળી બાજુને આરામ આપવો. ચિરાવાળી બાજુને પુરતી હવા મળે તેનું ધ્યાન રાખવું. ત્યાં બાળક ને ચુસાડવું નહીં પરંતુ ત્યાંથી કાઢેલું દૂધ (EBM) બાળકને વાડકી-ચમચી થી આપવું.
  • ચીરાવાળી નીપલ પર ઘી,કોપરેલ કે egg oil પણ લગાવી શકાય. ધાવણ આપતા પહેલા આઈસપેક સ્તન પર ઘસવાથી થોડો દુખાવો ઓછો થશે.
  • નીપલ પર ચીરા પડે ત્યારે ધાવણ આપતી માતા એ ખુબ શાંતિથી કામ લેવું. ગભરાવું નહીં. ધાવણ આપવાનું ચાલુ રાખવું. તે છોડવાનો વિચાર કરવો નહીં. કારણકે આ માત્ર થોડા દિવસો નો જ પ્રશ્ન છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો