મુલાકાતી નંબર: 430,088

Ebook
સ્તનપાનથી માતાને થતા ફાયદા
  • ધાવણથી બાળકને થતા ફાયદા વિશે તો ઘણું જાણીએ છીએ. પરંતુ ધાવણ આપવાથી માતાને થતા ફાયદા વિશે જાણીએ.
  • પ્રસુતિ બાદ માતાએ બને તેટલું ઝડપથી ધાવણ આપવાનો પ્રયત્ન કરવો. તેનાથી માતાનાં શરીરમાં બે અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધે છે. એક ઓક્સિટોસીન અને બીજું પ્રોલેકટીન.
  • ઓક્સિટોસીન નામનો અંતઃસ્ત્રાવ જન્મ બાદ ગર્ભાશયનાં સંકોચનની પ્રક્રિયા ઝડપી બનાવે છે. ગર્ભાશયનાં સંકોચનને લીધે નાળ ઝડપથી નીકળે છે. પ્રસુતિ બાદ વધારાનું લોહી વહેતું અટકે છે. આથી માતાનાં શરીરમાંથી લોહતત્વ, પ્રોટીન તેમજ અન્ય પોષક તત્વો શરીરમાંથી લોહી રૂપે વહી જતા અટકે છે. ઓક્સિટોસીનને લવ હોર્મોન પણ કહે છે. તે માતાનાં શરીરને આ રીતે મૂળ સ્વરૂપમાં લાવવા ઉપરાંત માતાની ચિંતા, ડર અને ગભરાટને પણ દુર કરે છે.
  • પ્રોલેકટીન નામનો અંતઃસ્ત્રાવ માતાનાં શરીરમાં ધાવણ બનાવવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. પ્રોલેકટીનથી માતાનાં શરીરમાં દુધનો જથ્થો વધે છે. જેમ બાળક માતાની નીપલ વધુ ચુસસે તેમ માતાનાં શરીરમાં વધુ પ્રોલેકટીન બનશે. આથી બાળકની ધાવણની જરૂરિયાત સારી રીતે પૂરી થશે.
  • પ્રોલેકટીનને લીધે માતાનાં શરીરમાં અંડાશયનું કાર્ય મંદ પડી જાય છે જેનાથી બીજી પ્રેગ્નન્સી સામે રક્ષણ મળે છે. જે માતા રાત-દિવસ પહેલા છ મહિના ફક્ત ધાવણ જ આપે છે તે માતા ૯૮% કિસ્સામાં સફળતાપૂર્વક બીજી પ્રેગ્નન્સીથી મુક્ત રહી શકે છે. તબીબી ભાષામાં તેને ‘લેક્ટેશન એમેનોરિયા’ કહે છે. આમ બે બાળકો વચ્ચેનો ગાળો રાખવામાં પણ સ્તનપાન મદદરૂપ થઈ શકે છે.
  • ધાવણ ના આપનાર માતા કરતાં ધાત્રી માતામાં કુદરતી રીતે વજન ઘટવાની તેમજ શરીરનાં અન્ય અંગોનું મૂળ અવસ્થામાં કાર્યરત થવાની પ્રક્રિયા ઝડપી જોવા મળે છે. ધાવણ આપવાથી માતાનાં શરીરનું ફિગર બગડી જશે તેવી માન્યતા ખોટી છે. ઉલટું ધાવણ આપનાર માતાનાં શરીરની ચરબી ઝડપથી ઓગળે છે લગભગ ૪ થી ૫ કી.ગ્રા. વજન ઘટે છે. આથી માતાનું મૂળ ફિગર ઝડપથી આવી શકે છે.
  • ધાત્રી માતાને તેની મોટી ઉંમરે સ્તનનું, ગર્ભાશયનું, અંડાશયનું કેન્સર, હાડકા પોચા અને બરડ થવા (osteoporosis) તેમજ ફાઈબ્રોઈડ થવાની શક્યતા ખુબ ઘટી જાય છે. તેને લોહીનું ઊંચું દબાણ, હૃદયનાં રોગો તેમજ મધુપ્રમેહ (ડાયાબિટીસ) થવાની સંભાવના પણ ઘટી જાય છે.
  • ધાવણ આપવાથી માતાનો કાર્યબોજ, શક્તિ, સમય અને પૈસા બચે છે. ઉપરથી દૂધ આપવામાં અથવા બોટલથી દૂધ આપવામાં ઘણી કડાકૂટ છે. બાળકને ચેપ લાગવાનો ભય રહે છે. ખર્ચો પણ વધુ થાય છે.
  • સફળ, લાંબો સમય (લગભગ બે વર્ષ સુધી) સ્તનપાન આપવાથી બાળક અને માતા બન્નેમાં સંતોષની લાગણી જન્મે છે. બંનેને એકબીજા માટે લાગણીભર્યો માનસિક સંબંધ બંધાય છે. આ બાળક મોટું થાય ત્યારે તે અને માતા એકબીજાને સારી રીતે સમજી શકે છે. એક વર્ષનું બાળક થાય પછી પણ ધાવણ આપવાનું ચાલુ રાખવાથી માનસિક ફાયદો વધુ થાય છે. આ વખતે બાળક માતાને બરાબર જોતું, સમજતું થઇ ગયું હોય છે. તેને જરૂર હોય ત્યારે તેને ધાવણ દ્વારા સંતોષ મળે છે આથી બાળક અને માતા બન્ને એકબીજાને વધુ સારી રીતે સમજી શકે છે.
  • સર્વિસ કરતી માતા EBM (Expressed breast milk) અર્થાત પોતાનું જ કાઢેલું ધાવણ ઘરે કાઢી, સાચવી રાખી શકે છે. માતા સર્વિસ પર હોય છતાં પણ ઘરે બાળકને રાખનાર કોઈ પણ વ્યક્તિ માતાની ગેરહાજરીમાં તેના બાળકને તેનું જ દૂધ આપી શકે છે. EBM આપતી માતામાં તેના કામમાં તેમજ ફરજમાં તેને એક સંતોષ મળે છે કે પોતાની ગેરહાજરીમાં પણ પોતાના બાળકને પોતાનું જ દૂધ મળે છે. સર્વિસને લીધે તેનું બાળક પોતાના દૂધથી વંચિત રહી ગયું એવા નકારાત્મક વિચારોથી માતા દુર રહી શકે છે.
( દિવ્ય ભાસ્કર ૦૫/૦૮/૨૦૧૫)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો