મુલાકાતી નંબર: 430,071

Ebook
સ્તનપાન શરૂ કરતી વખતની પ્રાથમિક જાણકારી
 • જન્મબાદ પહેલા કલાકમાં જ બને તેટલું ઝડપથી ધાવણ આપવાનો પ્રયત્ન કરવો.
 • પહેલા છ મહિના ફક્ત ધાવણ આપવું, પાણીની પણ જરૂર નથી.
 • પહેલા ૨ થી ૩ દિવસ પાતળું, પીળું પાણી જેવું ધાવણ આવશે, તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષકતત્વો તેમજ એન્ટીબોડીઝ હોય છે. તેને કોલોસ્ટ્રમ કહે છે.
 • શરૂઆતનાં ૧૦ થી ૧૨ દિવસ ધાવણ આપવાનું કોઈ સમયપત્રક નથી હોતું, પણ બાળક માંગે તેટલીવાર, વારંવાર તેને ચુસાડવું (sukling) કરાવવું.
 • બાળક જેમ વધુ ચુસસે તેમ વધુ ધાવણ આવશે.
 • ઉપરથી કોઈ જ ઘસારા, ગળથૂથી, ગોળ અને મધના પાણી તથા દુધની ની શરૂઆતમાં તથા બાદમાં બિલકુલ જરૂર નથી.
 • શરૂઆતના દિવસોમાં માતાએ પોતાના બાળકને પોતાની સાથે જ આડા પડખે વારંવાર રાખવું.
 • ધાવણ આપતા પહેલા માતાએ હાથથી સ્તનને પકડવું પછી નીચલા હોઠ પર ડીટડી ફેરવવી. બાળક બગાસું ખાતું હોય તેમ તેનું આખું મો ખોલશે. માતાએ ડીટડી તરત બાળકના મુખમાં ભરાવવી. બાળકની જીભ નીચે છે તે ખાતરી કરી લઇ બાળકને પોતાની નિકટ લેવું. માતાએ બાળકને સ્તન પાસે લાવવાનું છે સ્તનને બાળક પાસે નહીં તે વાત ખાસ ધ્યાનમાં રાખવી.
 • બને ત્યાં સુધી માતાએ ધાવણ બેસીને જ આપવું જોઈએ. બન્ને બાજુ થઈને ૧૮ થી ૨૦ મિનિટમાં બાળકને સંતોષ થઇ જતો હોય છે. બાળકની ૯૦% થી ૯૫% જરૂરિયાત તો પહેલી ૧૦ મિનિટ થી ૧૨ મિનિટમાં જ પૂરી થઇ જતી હોય છે. બાકીની ૫% થી ૧૦% જરૂરિયાત માટે તે બીજી ૫-૭ મિનિટ જેટલો સમય લે છે. જો તે પછી પણ તે ચૂસ્યા કરે અને સ્તન છોડે નહીં તો તેના મોમાં માતાએ આંગળી રાખી બાળકને સ્તનથી અલગ કરવું. જો તેણે યોગ્ય પધ્ધતિથી ધાવણ લીધું હશે અને તેને સંતોષ હશે તો તે સ્તનથી અલગ થયા બાદ રડશે નહીં અને પાછુ સ્તનની નજીક લઇ જતા તે ફરી ચુસસે નહીં.. પરંતુ તે અયોગ્ય પધ્ધતિથી ચુસતું હશે તો તે સ્તનથી અલગ થયા પછી રડશે અને સ્તન પાસે લઇ જતા પાછુ ચૂસવા લાગશે.
 • બાળકને સુતા સુતા ધાવણ આપવું નહીં.
 • બાળકને દૂધ પહેલા એક સ્તનથી આપવું. જ્યારે તે એક સ્તન સંપૂર્ણ ખાલી થઇ જાય પછી જ બીજા સ્તનથી પીવડાવવું. ફરી વાર સ્તનપાન ચાલુ કરો ત્યારે આગલી વખતે જે બાજુએ છેલ્લે આપ્યું હોય તે બાજુથી સ્તનપાન ચાલુ કરવું. જેનાથી બંને બાજુનાં સ્તન પુરેપુરા ખાલી થાય. બાળકને પૂરેપૂરું પોષણ મળે અને સ્તનમાં દૂધ ભરાઈ જવાની કે ગાંઠ થવાની સંભાવના રહે નહીં.
 • જે બાળક દહીનાં ફોદા જેવું વારંવાર મોમાંથી બહાર કાઢે તેમાં ચિંતા ના કરવી. બાળક તેના જઠરની દૂધ સમાવવાની જગ્યા કરતા પણ વધુ દૂધ લઇ લે તો પણ દહીનાં ફોદા જેવું નીકળે. આ બાળકોને શક્ય હોય તો ધાવણ આપતા પહેલા પણ એક-બે મિનિટ ખભે રાખી ઓડકાર ખવડાવવો જેથી વધારાની હવા જઠરમાંથી બહાર નીકળી જાય અને નવા ધાવણ માટે જઠરમાં પુરતી જગ્યા રહે.
 • શક્ય હોય ધાવણ આપ્યા બાદ બાળકને ખભે રાખી ૧૦ થી ૧૨ મિનિટ થાબડી શકાય. ત્યારબાદ બાળકને ઊંધું પણ સુવાડી શકાય.
 • શરૂઆતના દિવસોમાં બાળક ધાવણ લેવાનું શરૂ તો કરશે પણ વચ્ચે વચ્ચે તે સુઈ જશે. આ બાળકોને કાનની પાછળ આંગળી ફેરવીને, તેની પીઠ પર હાથ ફેરવીને અથવા પગના તળિયે ગલી કરીને તેમને સુઈ જાય તો જાગ્રત કરવા પડે છે.
 • બાળકને પોતાની ધાવવાની શૈલી સ્થાપવા દેવી. ઘણીવાર તે દર કલાકે કલાકે ધાવશે. ઘણીવાર તે ૩ થી ૪ કલાકે પણ ધાવણ માંગશે. ઘડીયાળના કાંટે જ ચાલવાની જરૂર નથી. ઘણી માતા ૨ કલાક થાય એટલે ઊંઘતા બાળકને પણ જગાડી ધાવણ આપવાનો પ્રયત્ન કરે છે. આ વખતે બાળક લેશે નહીં અને રડ્યા કરશે. દરેક બાજુ ૧૨ થી ૧૫ મિનિટ એટલે કુલ ૨૫ થી ૩૦ મિનિટ માટે બાળક ધાવે અને પછી રડે નહીં તો તે બરાબર પધ્ધતિથી ધાવી રહ્યું છે તેમ માનવું. દરેક બાજુ ૧૫ થી ૨૦ મિનિટ એમ કુલ ૩૦ થી ૪૦ મિનિટ ધાવીને પછી પણ રડ્યા કરે તો તેને ધાવણ યોગ્ય રીતે નથી મળી રહ્યું તેમ માનવું.
 • પહેલા ૬ માસ ફક્ત ધાવણ જ આપવું જોઈએ ( EXCLUSIVE BREAST FEEDING ). સાતમાં મહિનાથી ધાવણ + ઢીલો પોચો અર્ધઘટ્ટ ખોરાક અપાય. ૧૦ માં મહિનાથી ધાવણ + ઘરમાં બનતી દરેક વસ્તુ આપી શકાય. લાંબો સમય ધાવણ લેનાર બાળકની રોગપ્રતિકારક શક્તિ તેમજ બુદ્ધિપ્રતિભા વધે તે ફાયદા તો છે જ ઉપરાંત લાંબો સમય ધાવણ આપનાર માતામાં સર્વાઈકલ કેન્સર તેમજ બ્રેસ્ટ કેન્સર જેવા રોગો પણ ટાળી શકાય. આ માતાને હૃદયરોગ થવાની સંભાવના પણ નહિવત રહે છે. માતા અને બાળક વચ્ચે એક અદભુત સેતુ રચાય છે.
 • બોટલથી દૂધ આપવું એટલે તકલીફોને સામે ચાલીને આમંત્રણ. બોટલને બાળકનો દુશ્મન ગણી શકાય. બાળકને શીશીથી દુર જ રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારનો ચેપ વારંવાર લાગવો, બાળક મોટું થતું જાય છતા ચાવીને ખાતા ના શીખે, ચીડિયો સ્વભાવ, વારંવાર દાંત સડવા, અમુક કિસ્સામાં બોલવાના સ્નાયુ પર પણ અસર પડવી જેવી તકલીફો શીશીથી દૂધ લેતા બાળકોમાં થઇ શકે છે.
 • આથી જ દરેક માતાએ પોતાના બાળકના જન્મ બાદ ધાવણ બને તેટલું ઝડપથી ચાલુ કરવું જોઈએ, વારંવાર ધાવણ આપવું જોઈએ, એકલું ધાવણ છ માસ સુધી તેમજ લાંબો સમય ધાવણ આપી માતુત્વની પૂર્ણતાનો આનંદ મેળવવો જોઈએ જેનાથી બાળકનો શારીરિક, માનસિક વિકાસ તેમજ બુદ્ધિપ્રતિભા નો સર્વાંગી વિકાસ શક્ય બને.
( દિવ્યભાસ્કર ૩૧/૦૭/૨૦૧૨ )  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો