Ebook
11 એક સુંદર ભેટ
પોતાના બાળકનો જન્મદિવસ દરેક માતાપિતાને ગમે. બાળક પ્રથમ વર્ષ પૂરું કરે ત્યારે તો માતાપિતાનો આનંદ ચરમસીમા પર હોય છે. બાળક પહેલું વર્ષ પૂરું કરે ત્યારે માતાપિતાને બાળકને એક વર્ષ સુધી પહોચાડ્યાનો આંનદ તથા તેમના પેરેન્ટિંગની એક વર્ષની કસોટી સફળતાપૂર્વક પૂરી થયાનો એમ બેવડો આંનદ હોય છે. આ સમયે માતાપિતાને એક ખાસ મુંઝવણ હોય કે બાળકને શું ભેટ આપવી? કોઈ સુંદર ડ્રેસ લાવશે, તો કોઈ સુંદર રમકડાં લાવશે. ઘણા ગણતરીપૂર્વક બચત ખાતા ખોલાવતા હોય છે. દર વર્ષે અમુક પૈસા મુકીએ તો બાળક ૧૮ વર્ષનું થાય ત્યારે વ્યાજ સહિત આટલા રૂપિયા મળશે તેવી ઘણા માતાપિતાની ગણતરી હોય છે. અમુક માતાપિતા ઇન્સ્યોરન્સ પોલિસી પણ લેતા હોય છે. આમ દરેક માતાપિતા પોતપોતાની રીતે બાળકનો જન્મદિવસ ઉજવી તેને સુંદર ભેટ આપી તે દિવસ યાદગાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પ્રથમ વર્ષગાંઠ જાય પછી જ્યારે પણ હોસ્પિટલ આવવાનું થાય ત્યારે હોંશે હોંશે તેઓએ કેવી રીતે પોતાના લાડ્લાનો જન્મદિવસ ઉજવ્યો તે વાત કરતા હોય, ફોટા પણ બતાવતા હોય. આ બધામાં એક વ્યક્તિએ તેમની દીકરી એક વર્ષની થઇ ત્યારે તેને સુંદર ભેટ આપી હતી તે મને યાદ રહી ગઈ હતી. હાલ તેમની દીકરી ટીનએઈજમાં પ્રવેશી અને તેઓ આવ્યા ત્યારે મેં તેમને તેમની દીકરીને તેઓએ પહેલા વર્ષે જે ભેટ આપી હતી અને જે સંકલ્પ કર્યો હતો તે ચાલુ છે કે નહીં તે પૂછ્યું? તેમણે હજુ ભેટ આપવાનું કાર્ય ચાલુ છે અને તેમાં ઘણી નવી વસ્તુઓ ઉમેરી છે તેમ જણાવ્યું. તેઓ કઈ રીતે ભેટ આપે છે તે જાણીએ, મઝા આવશે. એમની દીકરી એક વર્ષની થઇ એટલે એમણે દીકરીને એક પશુ-પંખીનાં ચિત્રો વાળું પુસ્તક ભેટમાં આપ્યું. બીજા વર્ષે ફૂલ-ઝાડ અને વાહનોના ચિત્રો સાથે અવાજ આવે તેવું પુસ્તક ભેટમાં આપ્યું. ત્રીજા વર્ષે ત્રણ, ચોથા વર્ષે ચાર ....એમ તેની ઉમર પ્રમાણે તે જ સંખ્યામાં અલગ અલગ વિષયોને આવરી લેતા પુસ્તકો તેઓ ભેટમાં આપે છે. તેમની દીકરી ૨૦ વર્ષ પુરા કરશે ત્યારે તેની પાસે લગભગ ૨૨૦ જેટલા સુંદર પુસ્તકો હશે. કેટલો સુંદર વિચાર, અને કેટલી સુંદર સંસ્કારરૂપી વારસાની અમુલ્ય ભેટ. પાંચમાં વર્ષ પછી તેમણે પુસ્તકોની ભેટમાં પોતે લખેલી એક ડાયરી ઉમેરવા માંડી. એ ડાયરીમાં તેમની દીકરી સાથેના આખા વર્ષના યાદગાર પ્રસંગો, ફોટા તેમજ તેની ઉમરને અનુરૂપ સારા સુવાક્યો પણ હોય. તેમનું કહેવું હતું કે મેં પોતે બનાવેલી ડાયરીનું દીકરીને વિશેષ મહત્વ રહેતું. દીકરી લગભગ રોજ તે ડાયરી જુવે, પાનાં ફેરવે તે જોઈ મને ખુબ આંનદ થતો. ૧૦માં વર્ષે તેમણે બીજો નવો ઉમેરો કર્યો. આખા વર્ષમાં છાપામાં આવેલ સામાન્ય જ્ઞાન અને વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેમજ વર્ષના છેલ્લા દિવસોમાં છાપામાં આવતી દેશ વિદેશની અગત્યની ઘટનાઓ ની એક ફાઈલ પણ બનાવીને તેઓ પોતાની દીકરીને ભેટ આપતા. ટીન એઈજમાં તે પ્રવેશી ત્યારે શહેરની પ્રતિષ્ઠિત લાયબ્રેરીની મેમ્બરશીપ ભેટમાં આપી. તે ૧૫ વર્ષની થશે એટલે ચારિત્ર્ય ઘડતર કરતા માતૃભાષાના બે મેગેઝીનોનું લવાજમ લાઈફટાઈમનું ભેટમાં આપીશ તેવું તેમણે જણાવ્યું. તેમની દીકરી ભણવામાં અને સામાન્ય જ્ઞાનમાં ખુબ આગળ છે. જ્યારે પણ મારા ચેમ્બરમાં આવે ત્યારે ખુબ સરસ રીતે સામે બેસે અને સુંદર વાતો કરે, મને પણ તેને મળવું ખુબ ગમે. ભલે વાત નાની પણ વિચારવા જેવી ખરી. માતાપિતા માટે કોઈ ભૌતિક ભેટ જેમકે મોબાઈલ, ડ્રેસ કે રમકડાં ખરીદવા સરળ છે. પણ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિનો બાળકોને વારસો મળે કે જે તેમનું ચારિત્ર્ય ઘડતર કરે તેવી ભેટનું બાળકોને મહત્વ ઘણું હોય છે અને આવી ભેટ તેમને જિંદગીભર મદદરૂપ થવાની હોય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો