મુલાકાતી નંબર: 430,107

Ebook
12 ઘડિયા આવી રીતે શિખાય
એમનું નામ રાકેશભાઈ પટેલ. વ્યવસાયે તેઓ ગણિતના શિક્ષક. લગભગ ૨૦૦૯ની સાલનો શિયાળો હતો. રાકેશભાઈની ૧૧ વર્ષની દીકરી ઝીલને ન્યુમોનિયાની સારવાર માટે મારી હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેમની દીકરીને પાંચ દિવસ મારી હોસ્પિટલમાં રાખી તે દરમ્યાન મને સુંદર વસ્તુ તેમની પાસેથી શીખવા મળી હતી. એક દિવસ તેમની દીકરીને જોવા હું તેમના રૂમમાં ગયો ત્યારે તેઓ તેમની દીકરીને ઘડિયા (tables) પૂછી રહ્યા હતાં તેવું મને લાગ્યું. તેમની ઘડિયા શિખવાડવાની પધ્ધતિ અલગ લાગી અને મને તે જાણવામાં રસ પડ્યો આથી મેં તેમને તેમની દીકરીને ભણાવવાનું ચાલુ રાખવા વિનંતિ કરી. તેઓની ઘડિયા વિશે પૂછવાની રીત ખુબ અદભુત હતી. બાળકને ગમ્મત મળે, તેણે વિચારવું પણ પડે અને બાળકને ભાર ના લાગે. તેઓ ૧૧ થી ૨૦ સુધીના ઘડિયામાંનો જવાબ બોલતા. તેમની દીકરીએ તે જવાબ કયા ઘડિયામાં અને ક્યાં આવે છે તે કહેવાનું. દા.ત તેઓ આંકડો બોલતા ૧૨૬. હવે ૧૨૬ જવાબ ૧૧ થી ૨૦ના ઘડિયામાં શેમાં આવશે તે તેમની દીકરીએ વિચારવું પડતું. જે આંકડો બે ઘડિયામાં આવે તો તેઓ કહી પણ દેતા. ૧૨૬ છે તે ૧૪ * ૯ કરતાં અને ૧૮ * ૭ કરતાં એમ બંનેના જવાબમાં આવે. તેમણે કહ્યું, ‘બાળકને આંકડો બોલતા જ ઝબકારો થઇ જવો જોઈએ કે આ આંકડો કયા ટેબલમાં અને ક્યાં આવે છે. ૧૪૪ બોલતા જ જો બાળકના મગજમાં ઝબકારો થઇ જાય કે ૧૬ * ૯ અને ૧૮ * ૮ બંને નો જવાબ ૧૪૪ છે તો બાળકને ગણિતમાં ૧૦૦ માંથી ૯૦ માર્ક્સ લાવતા કોઈ રોકી નહીં શકે. અત્યારે એવું થાય છે કે બાળકો પેપરમાં રકમ વાંચે કે ૧૩૩ પણ આ આંકડો કયા ટેબલમાં અને ક્યાં આવશે તે તેમને યાદ જ નથી આવતું. પછી બાળકો ૩ થી કે ૭ થી ભાગાકાર કરી પ્રયત્ન કરી જોતા હોય કે કોઈ ટેબલમાં આવી શકે છે?. આમ કરવામાં સમય પણ બગડે છે અને ભૂલ પડવાની સંભાવના પણ રહે છે. પણ તેને ૧૩૩ આંકડો રકમમાં જોતા જ જો ખ્યાલ આવી જાય કે ૧૯ * ૭ નો જવાબ ૧૩૩ છે તો તે ઝડપથી દાખલો તો પૂરો કરી જ શકશે ઉપરાંત બાળકનો આત્મવિશ્વાસ પણ વધશે. ઘણીવાર એવું પણ બને છે કે બાળકને ૧૧ થી ૨૦ સુધીના ઘડિયા બોલવાનું કહેવામાં આવે તો તે ઘડિયા ફટાફટ સાચા બોલી નાખે પણ પેપરમાં આંકડો કયા ટેબલમાં આવશે તે યાદ ના આવે. માતાપિતા બાળક સાથે રમતા રમતા, ગાડીમાં સાથે બહાર જતા કે ઘરનું કામ કરતાં પાંચ મિનિટનો સમય કાઢી જો રોજ આ રીતે ટેબલ પૂછવાનું ચાલુ રાખે તો છ માસમાં જ બાળકમાં ઘડિયા પરની પકડ આવી જશે.’ રાકેશભાઈની વાત એકદમ સાચી હતી અને આપણા બાળકો માટે અનુસરવા જેવી પણ લાગી. અત્યારે બધા પાસે મોબાઈલ ફોન હોય જ છે. જરૂર પડે કે તરત મોબાઈલના કેલ્ક્યુલેટર એપ્લીકેશનમાં જઇ જવાબ મેળવી લેવા બાળકો ટેવાઈ ગયા હોય છે. પણ માતા-પિતાએ એ ભૂલવું ના જોઈએ કે બાળકોમાં ઘડિયાનું જ્ઞાન હોવું તે પાયાની અને વ્યવહારિક વસ્તુ છે. આ જ્ઞાનમાં સંપુર્ણતા હશે તો જ બાળક જીવનમાં ઘણો આગળ આવી શકશે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો