મુલાકાતી નંબર: 430,064

Ebook
16 હવે થોડું બીજા માટે જીવીએ
હવે થોડું બીજા માટે જીવીએ
જેમ બીજા છોકરાઓને ડોકટરનો ભય હોય તેમ ત્રણ વર્ષનો હર્ષિલ પણ કન્સલ્ટીંગ રૂમમાં આવી થોડું ગભરાતો હતો. સાથે તેના દાદી પણ હતા જે તેને ખુબ જ શાંતિથી ડોક્ટરના કાર્ય વિશે સમજણ આપી રહ્યા હતા. ડોક્ટર આપણા મિત્ર છે અને આપણે આપણા મિત્રની મદદ લેવા જ આવ્યા છીએ એમ ખુબ જ શાંતિથી દાદીની સમજાવટને લીધે હર્ષિલ શાંત થઇ ગયો. એકદમ સૌમ્ય અને શાંત વ્યક્તિત્વ ધરાવતા હર્ષિલના દાદી કલ્પનાબહેન ગાંધીને અગાઉ બે ત્રણ વખત મળવાનું થયું હતું, પણ આજે એમણે જે રીતે હર્ષિલને સમજાવ્યું અને શાંત પાડ્યો તે રીતે ખુબ જ ઓછા વડીલો તેમના પૌત્રો-પૌત્રીઓને સંભાળી શકતા હશે. હર્ષિલને તપાસી તેને પ્રીસ્ક્રીપ્શન આપી મેં કલ્પનાબહેનને કહ્યું કે તમને બાળકો ને સમજાવવાનો ખુબ જ અનુભવ લાગે છે. ખુબ જ સરસ રીતે તમે બાળકને મનાવી શકો છો. તેમણે કહ્યું કે બાળકો માટે તો વિશેષ અનુભવ નથી પણ ઈશ્વરે મને ત્રીસ જેટલા વડીલોની માટે કામ કરવાની તક આપી છે. હવે કલ્પનાબહેનના કાર્ય વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી. તેમણે કહ્યું, ‘લગભગ પાંચ વર્ષ પહેલા એક દિવસ મને વડીલોને મદદરૂપ થવાય એવું કોઈ પણ પ્રકારનું સામાજિક કાર્ય કરવાનો મનમાં વિચાર આવ્યો. મેં હર્ષિલના દાદા અને મારા પતિ નરેશભાઈને જણાવ્યું કે આપણે કોઈ જગ્યા લઇ રીટાયર્ડ વડીલો માટે ‘ડે કેર સેન્ટર’ અથવા વૃધ્ધાશ્રમ જેવી સંસ્થા શરુ કરીએ. મારા આર્કિટેક પતિએ પણ મારા વિચારને વધાવી લીધો. અમે અમારા પ્રોજેક્ટ માટે વર્કઆઉટ કર્યું તો બજેટ ઘણું વધી જતું હતું’. કહે છે ને જ્યારે તમે ખરા દિલથી બીજાને માટે કશું કરવા ઈચ્છો અને અંતઃકરણ પૂર્વક ઈશ્વર પાસે મદદની માંગણી કરો તો તમારો સાદ ઈશ્વર પાસે જરૂર પહોંચે છે. ભાગવત વિદ્યાપીઠના સંકુલમાં જ જીવન સંધ્યા સ્મૃતિ વૃધ્ધાશ્રમ આવેલ છે જેનું સંચાલન મુંબઈ સ્થિત મુંબાદેવી ટ્રસ્ટ કરે છે. વડીલો માટેની આ સંસ્થાનું રીનોવેશન કરાવવાનું હતું. ટ્રસ્ટે આ જવાબદારી નરેશભાઈને સોંપી. નરેશભાઈએ એક વર્ષના સમયમાં આશ્રમને નવા રૂપરંગથી સજી દીધું. આ સમયે ટ્રસ્ટના સંપર્કમાં કલ્પનાબહેન આવ્યા. ત્યારબાદ લગભગ સાડા ત્રણ વર્ષથી કલ્પનાબહેન ૩૦ જેટલા વડીલોના કુટુંબીજન, મિત્ર અને કેર ટેકરની જવાબદારી નિભાવી રહ્યા છે. અત્યારની જનરેશનને ઘરમાં બે વડીલો હોય તો પણ તેમને સંભાળવું અઘરું લાગે છે. વડીલોએ આખી જિંદગી તેમના સંતાનો માટે ખર્ચી નાખી હોય છે હવે ઢળતી જિંદગીમાં તેમની પાસે કશું હોતું નથી. આ સમયે તેઓ સંતાનોની જિંદગીમાંથી થોડા હાંસિયામાં ધકેલાઈ જાય છે. કોઈને કોઈ કારણસર આશ્રમમાં આવેલા વડીલો માટે હું સમય કાઢી શકીશ કે નહીં? અને મને આ કાર્ય ફાવશે કે કેમ? તેવો કલ્પનાબહેનને શરૂઆતમાં ડર હતો પણ ધીરે ધીરે આ કાર્ય તેમના જીવનનો એક ભાગ બની ગયું. વડીલોની રોજબરોજની જરૂરિયાત, તેમના માટે ભોજન, તેમની તબિયતની કાળજી રાખવાનું કામ કલ્પનાબહેને ખુબ ગમતું. તેઓએ કહ્યું, ‘મને તો જાણે ૩૦ માતાપિતાનો પ્રેમ એક સાથે મળી ગયો. હું દરેકની સુખદુઃખની વાતો સાંભળતી. અમે બધા મહિનામાં એક વાર કોઈને કોઈ જગ્યાએ પિકનિક કરીએ. એક ધાર્મિક જગ્યાએ પણ જઈએ. અમે અમદાવાદની નજીકના લગભગ બધા જ ધાર્મિક સ્થળોની મુલાકાતે જઇ આવ્યા છીએ. અમે રીવરફ્રન્ટ, કાંકરિયા તળાવ પણ બધા સાથે જઇ આવેલા છીએ. આમતો હું વડીલોને મદદ કરવા જતી. પણ દરેક વખતે તેઓ પાસેથી મને કઈક ને કઈક નવું જ શીખવા મળતું. પહેલા હું નાની નાની વાતમાં ચિડાઈ જતી. મારું એ ચિડિયાપણું તો ક્યાય ગાયબ થઇ ગયું છે અને હું ખુબ જ શાંત થઇ ગઈ. આ કામ કરતાં કરતાં મારા અંતરાત્માને જે આંનદ મળ્યો તે હું વર્ણવી શકું તેમ નથી. પરમ સંતોષની દિવ્ય અનુભૂતિ તો પરોપકારના કામમાંથી જ થાય છે. હું મારા અંગત સ્ટ્રગલવાળા કામો પણ ખુબ સરળતાથી કરી શકતી થઇ ગઈ . આશ્રમમાં જઈને આવતી તો ક્યારેય મને થાક લાગતો જ નહીં. મારામાં જાણે નવી ચેતના, નવી ઉર્જાનો સંચાર થયો. અહીં આશ્રમને સમાજના જુદા જુદા વર્ગોનો સહકાર પણ ઘણો સાંપડે છે. ઘણા લોકો તેમના પરિવારના કોઈ સભ્યના જન્મ દિવસે અહીં આવે. વડીલો માટે અંતાક્ષરી, ભજનો કે ક્વિઝ જેવા પ્રોગ્રામો કરે અને અમારી સાથે જમે. અમને એટલું બધું સારું લાગે. ઘણી કોલેજ ના સ્ટુડન્ટ પણ અહીં અવારનવાર આવે.’ આશ્રમના વડીલોને કોઈ તેમને સાંભળે, કોઈ તેમની સાથે વાતો કરે તે ખુબ જ ગમતું હોય છે. કોઈના પણ જીવનમાં વ્યક્તિગત સહારો આપવા જેવું ઉમદા કાર્ય એક પણ નથી. કલ્પના બહેને તેમની વાત પૂરી કરતાં કહ્યું, ‘આપણે આપણી જિંદગી આપણી રીતે જીવ્યા. હવે થોડું બીજા માટે જીવીએ તો તે જિંદગી માટેનો મોટો સંતોષ રહેશે.’ હવે સમજાયું કે કલ્પના બહેનમાં હર્ષિલને આટલી શાંતિથી કેમ સમજાવી શક્યા. કલ્પનાબહેનનું કામ જોઈ ૧૯૫૯માં આવેલ રાજકપૂરની એક ફિલ્મ ‘અનાડી’ ના એક ગીત ની પંક્તિ માં આવેલ શબ્દો ....’કિસીકા દર્દ મિલ શકે તો લે ઉધાર...કિસીકે વાસતે હો તેરે દિલમે પ્યાર......જીના ઇસીકા નામ હૈ ..’ નું સ્મરણ થઇ જાય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો