મુલાકાતી નંબર: 430,089

Ebook
18 એ તો મારા દાદા છે
લગભગ બે વર્ષ પહેલાના ઓગસ્ટનો મહિનો હતો. બપોરના સમયે બહાર અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. મારી હોસ્પિટલની નજીક આવેલ એક સોસાયટીમાંથી એક છ વર્ષના અભિનવ નામના બાળકને ઝાડા-ઉલટી માટે દાખલ કર્યું હતું. હું તેમના રૂમમાં અભિનવને જોવા રાઉન્ડ પર ગયો ત્યારે બાળક પાસે તેની માતા અને એક વડીલ દાદા પ્રમોદભાઈ બેઠા હતા. મેં બાળકને તપાસી પ્રમોદભાઈને ખબર પૂછ્યા. પ્રમોદભાઈને હું ઘણા વર્ષોથી ઓળખું. તેઓ ‘બેંક ઓફ બરોડા’ના નિવૃત્ત કર્મચારી હતા. તેમના પૌત્રો-પૌત્રીઓને અવાર નવાર બતાવવા આવે. ઘણા સેવાભાવી, ઘસાઈને ઉજળા થવામાં માનનારા. બન્ને જણા એક જ સોસાયટીમાં જ રહેતા હોઈ એકબીજાને ઓળખતા હોઈ શકે એમ મે માન્યું, છતાં મારાથી પ્રમોદભાઈને પુછાઈ ગયું, ‘તમે અભિનવને કેવી રીતે ઓળખો?’ દાદા જવાબ આપે તે પહેલા જ અભિનવે જવાબ આપ્યો, ‘એ તો મારા દાદા છે.’ એ વખતે તરત પ્રમોદભાઈ એ ઉભા થઇ અભિનવના માથે હાથ ફેરવ્યો. હું પ્રમોદભાઈના બધા જ ગ્રાન્ડ ચિલ્ડ્રન્સને ખુબ સારી રીતે ઓળખતો હતો. અભિનવ તેમનો સાચો પૌત્ર નથી તે મને ચોક્કસ ખ્યાલ હતો. અભિનવ નાનું છોકરું છે આથી કોઈ પણ વડીલને દાદા કહે તેમ માનીને હું રૂમની બહાર નીકળી ગયો. થોડા સમય પછી અભિનવની માતા મારા કન્સલ્ટીંગ રૂમમાં આવ્યા. તેમણે કહ્યું, ‘અભિનવના સાચા દાદા સુરેશભાઈ નો સ્વર્ગવાસ થયો ત્યારે અભિનવ છ માસનો હતો. સુરેશભાઈ અને પ્રમોદભાઈ ખાસ મિત્રો હતા. પ્રમોદભાઈ લગભગ રોજ અમારે ઘરે આવે. તેમના મિત્ર એટલે મારા સસરાના નિધન પછી પણ તેમણે અમારા ઘરે આવવાનું ચાલુ રાખ્યું. અમારા ઘરના નાના મોટા કામો જેમકે લાઈટબિલ ભરવું, ટેલીફોન બિલ ભરવું, વિમાને લગતા કામ, બેંકના કામો વગેરે તેઓ જ કરે. મને ક્યારેય મારા સસરા આ દુનિયામાં નથી તેવું લાગવા જ દીધું નથી. મને તેઓ પાસેથી એક પિતાનો પ્રેમ મળ્યો છે. અભિનવ મોટો થતો ગયો તેમ પ્રમોદભાઈને દાદા કહીને બોલાવતો. પ્રમોદભાઈને પણ તેની સાથે બહુ ગમતું. તેને ક્યારેક સ્કુલે લેવા-મુકવા પણ તેઓ જ જાય. હજુ અભિનવ તેમને સાચા દાદા જ માને છે. સુરેશદાદાને તો તે સમજણો થયો પછી જોયા પણ નથી.’ અભિનવની માતાની વાત સાંભળી મને પ્રમોદભાઈ પ્રત્યે ખુબ આદરભાવ થયો. દાનેશ્વરી વ્યક્તિઓ પૈસાનું દાન કરી જાણે. પરોપકારી વ્યક્તિઓ કોઈના માટે સમય કાઢી શકે. નિસ્વાર્થભાવે એક છ વર્ષના બાળકના જીવનમાં એક વ્યક્તિની ખોટ વિશાળ પુણ્યકારી હૃદય ધરાવતી એક વિભૂતિ જ કરી શકે. પછી જ્યારે અભિનવને રજા આપી અને પ્રમોદભાઈ બિલ ચૂકવવા આવ્યા ત્યારે તેમની દિનચર્યા અને કામ જાણી નિવૃત્ત થયા પછી સમયનો કેવો સદુપયોગ કરાય તે હું તેમની પાસેથી શીખ્યો. તેઓ પૂ. પાંડુરંગ દાદાએ સુચવેલા સ્વાધ્યાય કાર્યમાં જોડાયેલા છે, તેમના જેવા ત્રણ-ચાર વડીલોના બેન્કનાં કામો, બિલો ભરવાના, પેન્શન લાવી આપવાના તેમજ દવા લાવી આપવાના કામો તેઓ કરે છે. ૭૯ વર્ષની ઉંમરે રોજ સવારે ત્રણ કિલોમીટર ચાલે છે. પોતાના ઘરમાં નાના મોટા કામો તેમજ શાક અને કરિયાણું લાવવાનું કામ તેઓ જ કરે છે. તેઓ જ્યારે અમદાવાદની બહાર જાય તો છ થી સાત કુટુંબોને તેમની ખોટ સાલે છે. મ્યુઝીકલ નાઈટના શોખીન એવા પ્રમોદભાઈ સદા હસતા રહે અને ઈશ્વરે હંમેશા તેમને સ્વસ્થ રાખ્યા છે. તેમની ઉંમરના ઘણા વડીલો ઘરમાં બોજ બનીને અપ્રિય થતા જોયા છે. કોઈને મદદરૂપ થવાને બદલે તેઓ જ ઘરના સભ્યોમાં ઘણી બધી સમસ્યા ઉભી કરતા હોય છે. નાના બાળકોને પણ ધમકાવે, ટીવી જોઇને દિવસમાં ચાર-પાંચ કપ ચા પી ને દિવસો પસાર કરતા હોય છે. તેવા વડીલો માટે પ્રમોદભાઈ નું પ્રેરણાદાયી જીવન એક દ્રષ્ટાંત રૂપ કહી શકાય. ગયા અઠવાડિયે જ જાણીતા લેખક શ્રી ગુણવંત શાહનો એક નિવૃત્તિ પર નો લેખ (૨૪/૦૧/૨૦૧૬ ના દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં) વાંચ્યો હતો. તેમાનો સંદેશ અહીં લખું છું. “રળિયામણી નિવૃત્તિ એટલે આથમતા સૂરજનો રંગવૈભવ. નિવૃત્તિ પછી જ્ઞાન અને ભક્તિના સથવારે જ દરેક કર્મ કરવું. મનગમતા કાર્યમાંથી મળતા આનંદની સાથે જ સાધનાની આનંદયાત્રા ચાલુ થઇ જાય છે. નિવૃત્તિ પછીની પવૃત્તિ એક જીવન રસાયણ તરીકેનું કામ કરે છે. વળગણમુક્ત ઘડપણ એટલે આનંદનો ફૂઆરો અને વળગણયુક્ત ઘડપણ એટલે બેડોળ થાંભલો. ટકટક કરે તે ડોસો અને વાર્તા કહે તે દાદા. ‘સંતાનો તરફથી થતો અનાદર’ એ નિવૃત્તિ પછીની સૌથી દારુણ ઘટના છે. હરામની કમાણી કરનારા પિતાશ્રી પ્રત્યે સંતાનોને અંદરથી આદર નથી હોતો. નિવૃત્ત માણસ પોતાની મરજી વિના સુખી ન થઇ શકે. નિવૃત્તિમય પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમય નિવૃત્તિ વચ્ચેની ખાલી જગ્યામાં જ નિજાનંદનો નિવાસ થયેલો હોય છે. આ આંનદયાત્રાને અંતે મળતું મૃત્યુ એટલે જીવનનો ઉત્સવ અને મૃત્યુનો મહોત્સવ.“ ( પ્રમોદભાઈ ઓળખ છુપાવવા માંગતા હોવાથી પાત્રોના નામ બદલ્યા છે )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો