મુલાકાતી નંબર: 430,125

Ebook
31 સ્વજનના મૃત્યુની સમજ
ભારતીય સમાજમાં મૃત્યુને પણ એક સંસ્કાર તરીકે ગણાવાય છે. મૃત્યુનો અર્થ અને જનાર વ્યક્તિ હવે ક્યારેય પાછી નહીં આવે તે સમજ બાળકોને લગભગ સાતમાં વર્ષ પછી પડે છે. ઘરમાં ખુબ જ શોકમય વાતાવરણ હોય છતાં પણ નજીકની કોઈ પણ એક વ્યક્તિએ બાળકોએ પૂછેલા બધાજ પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી અવશ્ય લેવી. ‘ ઉંમરના લીધે આપણા શરીરનાં અંગોનું કાર્ય ધીરે ધીરે નબળું પડે છે અને સમય જતાં બંધ પણ થાય છે’ તેવી સમજ ઉંમરલાયક વયક્તિ માટે સમજાવી શકાય. જો અવસાન પામેલ વ્યક્તિ કાકા,મામા કે માતાપિતા જેવી વ્યક્તિ માંથી હોય તો પહેલા તેમને થયેલ કોઈ રોગ અથવા અકસ્માત વિશે સમજણ આપવી. સાથે એવા રોગ થનાર કે એવા જ અકસ્માત થનાર અને હોસ્પિટલમાં દાખલ થનાર દરેક વ્યક્તિ હંમેશા મૃત્યુ જ પામે એવું હોતું નથી એ પણ તેને સમજાવવું. વ્યક્તિની અચાનક ગેરહાજરી સ્વીકારતા તેને પણ સમય તો લાગે જ ને. યોગ્ય સમયે, યોગ્ય સમજણ આપી હોવા છતા શરૂઆતમાં બાળક દુઃખી થશે અને રડશે પરંતુ અવસાન પામનાર સ્વજનની ગેરહાજરી તે ઝડપથી સ્વીકારતું થશે. બાળક માટે પણ જ્યારે આ ઘટના પહેલીવાર બને ત્યારે ખુબ આઘાતજનક હોય છે. તે જેની સાથે મોટું થયું છે, રમ્યું છે, જમ્યું છે અને સુતું છે એવી વ્યક્તિની અચાનક ગેરહાજરી તે સ્વીકારી શકતું નથી. ભૂખ ઓછી થઇ જવી, ઓછુ રમવું, અચાનક ગુસ્સે થવું, શોખની વસ્તુમાં રસ ના બતાવવો તેમજ સ્કુલમાં અયોગ્ય વર્તણુક કરવી જેવા લક્ષણો બાળકોમાં બે મહિના રહેતા હોય છે પછી તે સ્વજનની ગેરહાજરી સ્વીકારતું થઇ જાય છે. મૃત્યુ પામનાર વ્યક્તિ વિદેશ ગયા છે, ભગવાનને ઘરે ગયા છે અને થોડા દિવસ બાદ પાછા આવશે તેમ ખોટું જણાવવાની બાળકોને જરૂર નથી. સાથે આવા પ્રશ્નો ના પુછાય, તું નાનો છે, તું હમણાં આઘો જા અથવા હું પછીથી જવાબ આપીશ તેવી વર્તણુક તેનાં મનમાં બીજા હજાર પ્રશ્નો ઉભા કરશે. મૃતકની વિધિ, ક્રિયાઓ, સત્સંગ તેમજ ભજનો વગેરેમાં બાળકને હાજર રાખવું જોઈએ અને દરેકની મહત્વતા સમજાવવી જોઈએ. આને લીધે મૃતકે જીવન દરમ્યાન કરેલા સારા કાર્યો કે સારા ગુણોને બાળક પણ આદર્શ માની પોતાના જીવનમાં મોટા થયા પછી ઉતારવાનો પ્રયત્ન કરે તેવું બને. સ્વજનના મૃત્યુ બાદ આવતા તહેવારો, પ્રસંગો, રજાના દિવસો તેમજ કોઈનું સારું રીઝલ્ટ આવે તેવા દિવસોએ બાળક સ્વજનને યાદ કરી સુનમુન બની જાય, શાંત થઇ જાય અથવા વધુ ચીડિયું થઇ જાય તેવું બને પરંતુ આ સ્થિતિ થોડા કલાકોથી એક કે બે દિવસ પુરતી જ હોય છે. તેના આ સમયને શાંતિથી પસાર થવા દેવામાં મદદ કરવી. તેની સાથે રહી કે તેની સાથે સુઈ જઇ તેને ઓછા પ્રશ્નો પૂછવા અને હુંફ આપવી. જનાર વડીલોની અમુક નકારાત્મક બાબતોને બાળકના માતાપિતાએ હસીને હળવાશથી લેવી. ખુબ ગંભીરતાથી લીધેલી ને વારંવાર યાદ કરેલી વડીલોની નકારાત્મક બાબતોને કારણે બાળકના મનમાં બધાજ વડીલો આવા જ હોય તેવો પૂર્વગ્રહ બંધાઈ જાય છે. ક્યારેક બાળક સીધું જ પૂછશે, ‘ મૃત્યુ અથવા મરી જવું એટલે શું?’ તેનો યોગ્ય જવાબ મારી દ્રષ્ટિએ આવો હોઈ શકે. ‘મૃત્યુ એટલે શરીરનું રોજીંદા કામ કરતુ અટકી જવું. શરીર હવે ચાલશે નહીં, બોલશે નહીં, જમશે નહીં અને હલશે નહીં.’ બાળક દવારા પૂછાતો બીજો સામાન્ય પ્રશ્ન કે ‘તમે (મમ્મી અને પપ્પા) ક્યારે મરી જશો?’ તેનો જવાબ આ પ્રમાણે હોઈ શકે, ‘ભગવાને આપણને લાંબુ જીવન આપ્યું છે. હું જ્યારે મરી જઈશ ત્યારે તારા બાળકો મોટા થઇ ગયા હશે.’ આ રીતે બાળકોને સમજાવી શકાય. સારા પ્રસંગો અને તહેવારોએ વડીલના ગુણોને હકારાત્મક રીતે યાદ કરવાથી બાળક તે ગુણોને પોતાના જીવનમાં ઉતારવાનો શ્રેષ્ઠ પ્રયત્ન તો કરે છે જ અને કોઈક સામાજિક પ્રસંગમાં તેનાં દાદા-દાદી કે કુટુંબના નામથી તેની ઓળખાણ થાય તો તે ગર્વ પણ અનુભવે છે. બાળકોને મૃતકને ભૂલી જવાનું શીખવવાનું નથી પરંતુ તેમને વારંવાર યાદ કરીને તેમની ગેરહાજરી સ્વીકારતા શીખવવાનું છે. ( દિવ્યભાસ્કર : ૨૬/૦૫/૨૦૧૩ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો