Ebook
32 હું તેને આપેલું પ્રોમિસ તોડીસ નહીં
લગભગ ૨૦૧૨ના વર્ષનો ઉનાળો શરૂ થયો હતો. વૈશાખી વાયરો હજુ સહન થાય એવો હતો. આપણે ક્રિકેટમાં વર્લ્ડકપ જીતેલા તેના ઉન્માદમાંથી હજુ લોકો બહાર આવ્યા ન હતા. બપોરના સમયે પાલડી વિસ્તારમાંથી એક બાળકને ઉલટીની ફરિયાદ સાથે એક ભાઈ લઇ આવ્યા. પાલડી વિસ્તારનું અંતર મારી હોસ્પિટલથી લગભગ ૧૦ કી.મી. જેટલું થાય. બાળકમાં થોડા ડીહાયડ્રેશનના (શરીર માંથી પાણી ઘટવાના) લક્ષણો દેખાયા. ગરમીની શરૂઆત, બાળકને સતત ઉલટીઓ ચાલુ હતી ઉપરાંત તે મોઢેથી ખાસ કાઈ ખાઈ પી શકતો ન હતો. આ બધું જોતા મે તેઓને મારી હોસ્પિટલમાં જ દાખલ થઇ જવાની સલાહ આપી. હોસ્પિટલમાં દાખલ થવું કોઈને પણ ગમે નહીં. દાખલ થવાનું સાંભળીને આ બાળક ના મોઢા પર પણ અણગમાના ભાવ કળી શકાયા. તેના પિતાજીએ મારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના બાળકને ‘આપણે દાખલ નહીં થઈએ’ તેવો જવાબ આપી દીધો. તેમની આ વર્તણુકથી મને પણ થોડું આશ્ચર્ય થયું. ભાઈએ મને કહ્યું, ‘અમે ઘરેથી નીકળ્યા ત્યારે એ આવવા પણ તૈયાર ન હતો અને ખુબ રડતો હતો. આથી મેં તેને પ્રોમિસ આપ્યું હતું કે તું દવાખાને ચાલ, ડોક્ટર તને કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન નહીં આપે અને તને દાખલ પણ નહીં કરે. મારાથી આવું ખોટું પ્રોમિસ અપાય નહીં. આ માટે હું તમારી માફી માંગુ છું. હું અત્યારે તો તેને આપેલું પ્રોમિસ તોડી નહીં જ શકું. હું તેને પાછો ઘરે લઇ જાઉં છું અને કલાકમાં પાછો આવું છું. મને આવવા જવાનો ધક્કો થાય તેનો વાંધો નથી.’ મને તેમની પાછા જવાની વાત પર ખુબ આશ્ચર્ય થયું કે આ લોકો છેક પાલડી આ ગરમીમાં ક્યાં જશે અને પાછા આવશે.? એમની જગ્યાએ અન્ય કોઈ પણ માતાપિતા હોય તો તેઓ પોતાના બાળકને સમજાવે કે દાખલ થઇ જા આપણે છેક પાલડી પાછા ક્યાં જઈશું? આ ભાઈ પોતે પોતાના બાળકને આપેલું વચનને વળગી રહેવા માંગે છે એ વાત અંદરથી તો મને પણ બહુ ગમી. પછી તો મેં જ તે બાળકને હોસ્પિટલમાંથી ઉલટીની દવા પીવડાવવાની સુચના મારા સ્ટાફને આપી. એ ભાઈને ઘરે પહોંચી ORS નું પ્રવાહી અને સફરજન વગેરે આપી પાછા ફરવાની સલાહ પણ આપી. લગભગ એક કલાક બાદ એ ભાઈનો તેમના ઘરેથી ફોન આવ્યો કે, ‘બાળકને દાખલ ના કર્યો તેનાથી જાણે તેનામાં કોઈ ચમત્કારિક શક્તિસંચય થયો હોય તેવું લાગે છે. મે તમારી સુચના મુજબ ORS અને હળવો ખોરાક પણ આપ્યો છે. બાળકને પછી ઉલટી થઇ નથી. હવે તો તે ઘરમાં રમે છે અને દોડાદોડી પણ કરે છે. હું સહેજ તડકો ઓછો થાય એટલે તમને બતાવવા ફરીથી આવું છું’. ઢળતી સંધ્યાએ જ્યારે તેઓ ફરીથી આવ્યા ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે ખરેખર બાળક સ્વસ્થ હતું. ચાર કલાક પહેલા જે બાળકને દાખલ કરવા કરવા જેવું લાગતું હતું હવે તેનામાં ડીહાયડ્રેશનના કોઈ જ ચિન્હો ન હતા. મેં તેમને જરૂરી દવાઓ અને ખોરાક વિશે સમજાવી ઘરે જવામાં વાંધો નથી કહ્યું. આપણા દેશમાં માતાપિતાને બાળકોને આપેલા પ્રોમિસનું મહત્વ નથી. કોઈ પણ કામ તું કર અથવા આટલો ટાર્ગેટ પૂરો કર તો અમે તને આ વસ્તુ અપાવશું એવું પ્રોમિસ તો માતાપિતાથી તરત નીકળી જાય છે, પણ જયારે બાળક તેમણે સોંપેલું કામ પૂરું કરે તો ‘Take it granted’ લેવાય છે. કોઈ પણ બીમાર વ્યક્તિ માટે ડોક્ટરની દવા ઉપરાંત કુટુંબીજનોના પ્રેમ, હુંફ, સમય અને લાગણીભર્યા શબ્દો તેના સારા થવાની પ્રક્રિયાને એક ઇંધણ પૂરું પાડી વેગવંતો બનાવે છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો