મુલાકાતી નંબર: 430,108

Ebook
36 બાળરાજા અને ડોક્ટર વચ્ચેની કેટલીક હળવી પળો
‘તેના પપ્પા તો ઘરમાં વિઝીટીંગ ફાધર છે” - બાળરાજા અને ડોક્ટર વચ્ચેની કેટલીક હળવી પળો છેલ્લે મારા તથા મારા અન્ય બાળરોગના નિષ્ણાત મિત્રોના તેમના બાળદર્દીઓ સાથેના હસીમજાકવાળા કેટલાક અનુભવો વાંચીને હળવા થઈને પુસ્તકની વાંચન સફર પૂરી કરીએ.
  • જ્યારે પણ બાળકને કહેવામાં આવે ‘જીભ બતાવો’ ત્યારે સાથે આવેલા દર્દીના સગા તરફ એક નજર કરવામાં આવે, તો અનાયાસે જ દરેકના મોઢામાંથી પણ થોડી જીભ બહાર આવેલી જોવા મળે છે.
  • મારા એક બાળરોગ નિષ્ણાત મિત્ર તેમના બાળકને લેવા સ્કુલે ગયા હતા. પટાંગણમાં રમતા નાના ભુલકાઓમાં રોકકળ મચી ગઈ. તેમની પાસે નિયમિત જતા ચાર-પાંચ બાળકો રડવા માંડ્યા. તેમને રડતા જોઈ અન્ય કેટલાક બાળકો પણ રડવા માંડ્યા. છેવટે શાળાના સંચાલકોએ વિનમ્રતાથી ડોક્ટરને સ્કુલની છેક અંદર સુધી આવવાની મનાઈ કરી.
  • એક દર્દીના ઘરે તેની ફોઈનું સગપણ જેની સાથે થયું, તે જ નામ તેમના ડોક્ટરનું પણ હતું. નવા થયેલા ફુઆના ચોકલેટ, બિસ્કિટ સહિત અથાગ પ્રયત્નો છતા કેટલાય દિવસો સુધી આ બાળક તેમની સામે આંખમાં આંખ પરોવી શકતું નહોતું. ડોક્ટરનું જ નામ ધરાવનારી બધી વ્યક્તિઓ પ્રત્યે કદાચ તેને પૂર્વગ્રહ બંધાઈ ગયો હશે.
  • એક વખત રવિ નામના દર્દીએ બે-ત્રણ દિવસના ટૂંકા ગાળામાં જ ડોક્ટર પાસે ફરી આવવાનું થયું. ડોકટરથી સાહજિક રીતે પુછાઈ ગયું, રવી ફરીથી? દર્દીના સગાનો વ્યંગસભર ચોટદાર જવાબ... ‘શું થાય સાહેબ... રવિ તમારો અને મચ્છરોનો માનીતો છે.... ‘
  • સિંધી જ્ઞાતિજનો મધને ‘માખી’ કહેતા હોવાથી નવા નવા બાળરોગ નિષ્ણાતને સિંધી દર્દીના સગા જ્યારે એમ કહે કે ‘દવા હમ માખી કે સાથ પિલા દેતે હૈ’. સાંભળીને ચક્કર આવી જતા હોય છે.
  • એક બહેન તાવ ઉતારવાની દવા ‘ક્રોસીન’નું નામ ભૂલી ગયા હતા. ડોકટરે જ્યારે પૂછ્યું? ‘તાવ ઉતારવા તમે શું આપ્યું?’ બહેને ખુબ મથામણ કરી કહ્યું, ‘કઈક કેરોસીન જેવું હતું, સાહેબ’
  • એક ડોક્ટર એક બાળકના મમ્મી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. ફોન પર ઘણું જ ડિસ્ટર્બન્સ આવતું હતું. ડોકટરે બાળકના મમ્મીને પૂછ્યું, ‘બાળક સ્કુલ જાય છે?’ બાળકની મમ્મીએ જવાબ આપ્યો, ‘હા..બાળકને સ્ટુલ થાય છે..’
  • એક બાળરોગ નિષ્ણાતની વ્યક્તિઓના ચહેરાને યાદ રાખવાની સ્મરણશક્તિ ઓછી હશે. આથી તેમનાથી બાળકના પિતાને પુછાઈ ગયું, ‘પહેલી વખત આવ્યા?’ પિતાનો ચોટદાર જવાબ, ‘સાહેબ, તમે ૧૫ વર્ષ પહેલા દવાખાનું ચાલુ કર્યું ત્યારે તમે ૩૦ રૂ લેતા હતા, અત્યારે તમે ૨૫૦ રૂ લો છો. તમારો દરેક ભાવવધારો મેં આપેલો છે.’
  • એક બાળકને રૂમમાંથી બહાર નીકળતા ડોકટરે બાય કહ્યું. બાળકે કોઈ પ્રતિભાવ ન આપ્યો. એના પિતાએ ચોખવટ કરી. ‘એના પપ્પાએ જ્યાં પૈસા આપવા પડે ત્યાં એ બાય નથી કહેતો.’
  • ત્રણ મહિનાના નવજાત શિશુ વિશે ડોક્ટર પૂછે કે હસે છે? દર્દીના સગાનો ખુબ ઉત્તેજિત થઇ જવાબ, ‘અરે હસે છે શું..સાહેબ, એ તો વાતો કરે છે.’
  • બાળરોગ તજજ્ઞો ફોન પર નિયમિત જવાબ આપતા હોય છે. તેમના ધર્મપત્ની તેમના ફોન પરના જવાબ સાંભળીને જ અડધા ડોક્ટર થઇ ગયા હોય છે. જ્યારે ડોક્ટર દર્દીને સામેથી પૂછે શું થયું છે? ઝાડા થયા છે? ત્યારે તેમના પત્ની જેઓ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા નથી તેઓ તેમના બાળકોને નજીક લાવી કહેતા હોય છે. તમારા પપ્પા હવે આ દવા લખાવશે. તમને એ જાણી આશ્ચર્ય થશે...મોટા ભાગે તેમના પત્નીનું અનુમાન સાચું હોય છે.
  • દરેક પિતાએ ચેતી જવા જેવી વાત : મમ્મીપપ્પા સાથે આવેલા એક બાળકને ડોકટરે બાળકના પિતા સામે જોઇને પ્રશ્ન કર્યો, ‘શું થયું?’ બાળકના મમ્મી બોલ્યા, ‘મને પૂછો, તેમને નહીં ખબર હોય. તેના પપ્પા તો ઘરમાં વિઝીટીંગ ફાધર છે.’
   ( દિવ્યભાસ્કર : ઓગસ્ટ ૨૦૧૧ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો