Ebook
7 બીજા જે કરી શકે છે તે બધું જ અમે પણ કરી શકીએ છીએ….
બીજા જે કરી શકે છે તે બધું જ અમે પણ કરી શકીએ છીએ….
૧૦ વર્ષની સીફા સલીમભાઈ ગનીયાણી જે જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે તે મારે ત્યાં ટાયફોઇડની સારવાર માટે ત્રણ દિવસ રોકાઈ ગઈ( ૦૯/૦૨/૨૦૧૬ થી ૧૧/૦૨/૨૦૧૬). ત્રણ દિવસ તેને મળતા તેની સાથે વાતો કરતાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને પડતી મુશ્કેલીઓને, તેમના સંઘર્ષને અને તેમના પ્રશ્નોને સમજી શકાયું. આમ તો નેત્રહિનતા એ ભૌતિક ઘટના છે વિકલાંગતા નથી. કોઈ પણ વ્યક્તિ માટે જ્ઞાન, કુશળતા અને સમજશક્તિ મેળવવા માટે આંખ મહત્વનું અંગ છે. પ્રજ્ઞાચક્ષુ લોકો પોતાની સ્પર્શ, સુગંધ અને શ્રવણ જેવી સંવેદનાઓને વધુ કેળવી પોતાની શક્તિઓ વધારે છે. સીફાને મળવું મને ખુબ જ ગમતું કારણકે રોજ સવારે મળતા તે ખુબ સુંદર પ્રાર્થના સંભળાવે અને સ્વભાવે પણ તે ખુબ વાતોડીયણ. તેની મીઠી વાતો સાંભળીને દિવસની શરૂઆત ખુબ સુંદર થતી. સીફાને મળવા તેની સહેલીઓ પણ હોસ્પિટલમાં આવી હતી. તેઓની સાથે વાત કરતાં અને હાલ સંસ્થાના સક્રિય કાર્યકરોને મળતા પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ સામનો કરવી પડતી સમસ્યાઓ વિશે નજીકથી જાણી શકાયું. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને સૌથી વધુ સમસ્યા શિક્ષણમાં પડે છે. અપૂરતા પુસ્તકો, સંદર્ભ સાહિત્યનો અભાવ, પ્રાયોગિક કાર્યનો અભાવ, અને રીડર તેમજ રાઈટર સમયસર ના મળવા જેવી પરાવલંબિતતા સામે આ લોકોએ ઝઝૂમવું પડે છે. બ્રેઇલ લિપિમાં પૂરતા પુસ્તકો ના મળે, બીજા શીખવે ત્યાં સુધી રાહ જોઇને પણ આખા વર્ષભર ભણીને તૈયારી કરી હોય અને પરીક્ષા સમયે જ રાઈટર ના મળે કે અચાનક જ તે પેપર લખવા આવી શકે તેમ નથી તેવું જણાવી દે ત્યારે પણ હિંમત ટકાવી રાખવા માટે કેટલું મજબુત મનોબળ જોઈએ તેનો વિચાર કરો. અંધત્વ અભિશાપનું કે કર્મનું ફળ છે તેવી સામાજિક માન્યતા ખુબ પીડાજનક છે. જાતીય સિક્ષણ મેળવવામાં, કુદરતી સૌંદર્ય માણવામાં, ડ્રેસ પહેરે ત્યારે રંગ ઓળખવામાં, આર્થિક લેવડદેવડમાં, રમતગમતમાં, વસ્તુની ગુણવત્તા નક્કી કરવામાં, મનોરંજન મેળવવામાં અને અંતરની સંક્લ્પ્નાઓ જેવી વિશેષ સમસ્યાઓનો તેઓએ સામનો કરવો પડે છે. ૧૯૫૪માં શ્રી વિનોદાબહેન દેસાઈએ સંસ્થાના મૂળ રોપ્યા હતા. હાલ લગભગ ૨૦૦ જેટલી અંધ દીકરીઓના જીવનમાં આશાના ઉજાસ પાથરી તેમના શારીરિક, માનસિક, શૈક્ષણિક, સામાજિક અને આર્થિક તેમ સર્વાંગી વિકાસ માટે મેમનગર ખાતે આવેલ ‘કંચનગૌરી મંગળદાસ અંધક્ન્યાશ્રમ’ સંસ્થા ૧૯૬૬થી કાર્યરત છે. આ સંસ્થા માને છે કે અંધ દીકરીઓને ભલે આંખ ના હોય પણ તેમની પાસે પાંખ (પ્રકાશ) તો છે જ ને. આ વાતને આ સંસ્થા જ્ઞાનના દીપ પ્રગટાવી સાકાર કરે છે. સંસ્થાના આંગણમાં પ્રવેશ કરતા જ દીકરીને પોતીકાપણાનો અહેસાસ મહેસુસ થાય છે. ઘર જેવું જ રહેવાનું હુંફાળું વાતાવરણ, પ્રેમમય ગમ્મત સાથે મળતું જ્ઞાન અને પોતાનાજ જેવીજ મળેલી સહિયરો સાથે તેની જીવન કેળવણી ખુબ સરસ રીતે આગળ ધપે છે. સંસ્થામાં એક સુંદર બગીચો પણ છે. આંખ હોવી એક વાત છે અને તેને યોગ્ય દ્રષ્ટી મળવી તે ખુબ અગત્યની વાત છે. આ સંસ્થા તેની આંખની ઉણપને દ્રષ્ટીમાં પરિવર્તિત કરે છે. તેનાથી પ્રજ્ઞાચક્ષુ દીકરીને આગળ વધવાની તક મળે છે. સંસ્થામાં મળતી નિશુલ્ક રહેવા, જમવા તેમજ અભ્યાસની સગવડ દીકરીને અને તેના માતાપિતાને નિશ્ચિંત બનાવે છે. ફ્રેન્ચ આર્કિટેકટ બર્નાડ કોને પ્રજ્ઞાચક્ષુ બહેનોની નાનામાં નાની જરૂરિયાતો ધ્યાનમાં રાખી આ સંસ્થાની ડીઝાઈન બનાવી છે. આ સંસ્થામાં જ મોબિલીટી પાર્ક છે. ઈશ્વરની ઓળખ માટે મંદિર છે. આ સંસ્થા અંધ બહેનોને પોતા, પગલુછણીયા, ફાઈલ,અને રાખડી તેમજ નાસ્તા બનાવતા શીખવે છે. આ દીકરીઓએ બનાવેલી વિવિધ ચીકીનો સ્વાદ તમે એક વાર માણો પછી વારંવાર મંગાવો તે નક્કી. મોટાભાગની બહેનો સુંદર ગાઈ શકે છે અને કોઈનું કોઈ સંગીતનું સાધન વગાડી પણ શકે છે. આ બહેનોની ટીમ જ્યારે ભજન કે કોઈ પિકચરનું ગીત સંગીતના સથવારે વગાડે કે ગાય તે જોવું તે એક લહાવો છે. સંસ્થામાં જ આ બહેનો માટે હોમ સાયન્સ, કોમ્પ્યુટર, મસાજ અને ટેલીફોન ઓપરેટરનું વિશેષ સિક્ષણ મેળવી શકે તે માટે વિવિધ કોર્ષ ચાલે છે. લગભગ ૫૦ જેટલા વિવિધ વિષયોમાં નિષ્ણાત શિક્ષકો હાલ આ સંસ્થા સાથે જોડાયેલા છે. જે બહેનો સંપૂર્ણ અંધ નથી અને જેમનું વિઝન ઓછું છે તેમના માટે ખાસ લોવિઝન કૉર્સ ચાલે છે. હવે ઘણી દીકરીઓ ગ્રેજ્યુએટ થઇ બેંકમાં પણ સર્વિસ કરે છે. સંસ્થા ભણાવવા ઉપરાંત આ બહેનોને શક્ય તેટલી અન્ય મદદ જેમકે આંખના અને મોતિયાના ઓપરેશન કરાવવા, દર વર્ષે ગુજરાતના વિવિધ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવું જેવી મદદ કરે છે. આ સંસ્થાની આ બહેનો માટે મદદની પ્રવૃત્તિ માત્ર ભણતર અને આર્થિક રીતે પગભર થાય ત્યાં સુધી અટકી નથી. ૧૯૯૬ના વર્ષથી ભણીગણીને તૈયાર થયેલી દીકરી માટે યોગ્ય પાત્ર શોધી તેના માતાપિતાની પરવાનગી સાથે લગ્ન કરાવવાનું પણ શરુ કર્યું. આ વર્ષ(૨૦૧૬) સુધીમાં કુલ ૧૦૦ થી વધુ અંધ બહેનો તેમનું લગ્નજીવન પણ શરુ કરી શકી. લગ્ન કરાવી દીકરીઓ ઘર ચલાવી શકે અને ફૂલોની, કોડિયાની, નાસ્તાની નાની મોટી દુકાન શરુ કરી શકે તે માટે પણ સંસ્થા મદદ કરે છે. ડીસેમ્બર ૨૦૧૧માં અંધ બહેનો માટે ‘ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન’ થઇ તેમાં આ સંસ્થાની બહેનોનો બીજો નંબર આવ્યો. હવે સંસ્થા જે અંધ બહેનો ૫૦ વર્ષથી મોટી છે અને એકલી છે તેના ભવિષ્ય માટે પણ વિચારી રહી છે. દ્રષ્ટીહિન દીકરીઓના જીવનમાં દીપ પ્રગટાવી ઉજાસ પાથરનાર સંસ્થાના ટ્રસ્ટીગણ થી માંડી તમામ કર્મચારીગણ જેઓ પોતાના પ્રાણ રેડીને આ સેવાયજ્ઞની ધૂણીને હંમેશા પ્રજ્વલિત રાખે છે તેમને શત શત વંદન. આપને પણ નમ્ર વિનંતિ છે કે આપ પણ આ દીકરીઓની તાલીમનો વિશ્વાસ રાખી મોકો મળે તો તેમને કામ કરવાની તક આપજો.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો