મુલાકાતી નંબર: 430,044

Ebook
મારુ સર્જન
43. ૨૫/૦૩/૨૦૨૦   માતાપિતાએ આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું?   ભારતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા 'કોરોના વાયરસ' ચેપને કારણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪/૦૩/૨૦૨૦ ના રોજ દેશના સર્વ નાગરિકો માટે ૨૧ દિવસનું લોકડાઉન અર્થાત ઘરમાં જ રહેવાનો આદેશ જાહેર કર્યો. ઘણા માતાપિતા એવું વિચારતા હતા કે આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું? માતાપિતાએ આ વાતને તકલીફ ન ગણવી પણ બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે મળેલી તક ગણવી. સામાન્ય દિવસોમાં માતાપિતા પાસે બાળકો માટે અઠવાડિયાનો ૧ કલાક કાઢવો પણ અઘરો હોય છે. આ સમયે કુદરતે એકસાથે કેટલા બધા કલાકો આપી દીધા. જો માતાપિતા પોતાના બાળકો માટે આ સમય દરમ્યાન એક દિવસમાં પોતાના કામ પતાવ્યા બાદ આંઠ કલાક ફાળવી શકે તેમ ગણીએ તો ૨૧ દિવસના ૧૬૮ કલાક થયા. આ પ્રમાણે એમ કહી શકાય કે તમે જે ત્રણ વર્ષમાં તમારા બાળકને સમય આપી શકવાના છો તેટલો સમય આ ૨૧ દિવસમાં આપી શકશો. હવે આ ૨૧ દિવસ દરમ્યાન માતાપિતા પોતાના બાળકોના જીવનને કેટલો સુંદર વણાંક કેવી આપી શકે છે તે જોઈએ.   આ સમય દરમ્યાન બાળકોને માતાપિતાની આદતો, કામ કરવાની પદ્ધતિઓ, સ્વભાવ, અને કપરા સમયમાં માનસિક સ્વસ્થતા કેવી રીતે રખાય તે નજીકથી જોવા મળશે. માતાપિતા બંને એકબીજાને કેટલું સન્માન આપે છે તે બાળકો જોશે. પિતા પોતાનો હોદ્દો બાજુ પર મૂકી ઘરમાં કેટલી મદદ કરે છે તે બાળકો જોશે. માતાપિતા મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે કે બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે તક ઝડપી લે છે તે અગત્યનું છે. આવા સમયે માતાપિતાએ દર ત્રણ કલાકે ૨૦ મિનિટ માટે મોબાઈલ ફોન જોવો તે મોબાઈલ વાપરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. દર દસ મિનિટે મોબાઈલ ફોન જોઈ 'કોરોના'વાયરસના સમાચાર અને લોકોએ ફોરવર્ડ કરેલા સમાચારથી સતત માહિતગાર રહેવું જરુરી નથી. તેનાથી નકારાત્મક અસર પણ થઈ શકે છે. કોઈ એક બુક સાથે વાંચવાની ચાલુ કરી શકાય. રોજ એક પ્રકરણ સાથે વાંચો તો ૨૧ દિવસમાં એકવીસ પ્રકરણ વંચાય. દરેક પ્રકરણ પછી માતાપિતા પોતાના વિચારો બાળકોને કહે તો બાળકોમાં નવા સુંદર વિચારોનું આરોપણ કરી શકાય. બાળકો માતાપિતાની વર્તણુક ૨૧ દિવસમાં જોશે તે તેઓ બીજા ૪૨ વર્ષ સુધી અનુસરસે. માતાપિતા સુંદર શિક્ષક બની શકે છે. જે કામ કોઈ પર્સનાલીટી ડેવલોપર નથી કરી શક્યા તે કામ માતાપિતા કરી શકશે. ઘરના કોઈ પણ કામ કોઈ વ્યક્તિએ કરવા જોઈએ અને કરી શકે છે તે દ્રષ્ટાંત બાળકોને મળી શકે છે. કપરી પરિસ્થિતિમાં વડીલોની જરૂરિયાત કેવી રીતે પૂરી કરી શકાય અને તેમને કેવી રીતે સન્માન આપી શકાય તે બાળકો જોશે. વડીલો પાસેથી શીખેલા અનુભવેલા પ્રસંગો બાળકોને કહો. માતાપિતાથી બાળકોને સલાહનો અતિરેક ના થઈ જાય તે ધ્યાન રાખવું પડે. આખા દિવસ માટે બાળકોને આપવા લાયક સલાહસૂચન એક સાથે જ એક વ્યક્તિ અડધા કલાકમાં સારા શબ્દો વાપરીને કહે તો ચોક્કસપણે બાળકોમાં ફેરફાર જોવા મળશે. આ ૨૧ દરમ્યાન તમને ગમેલી તમારા બાળકની રોજ એક શ્રેષ્ઠ વસ્તુ લખો. ત્રણ અઠવાડિયા બાદ તમને ગમેલી તેની શ્રેષ્ઠ ૨૧ વસ્તુઓ તેને બતાવો. તેના માટે જીવનભરનું સંભારણુ રહેશે. જે વસ્તુઓ તમે તેનામાં જોવા ઈચ્છો છો અથવા સુધારવા ઈચ્છો છો તે આવતા વર્ષોમાં ચોક્કસ જોવા મળશે. દરેક વસ્તુને દિવસ દરમ્યાન બેલેન્સડ ટાઈમ આપી જીવનના દરેક ક્ષેત્રોમાં બેલેન્સેડ રીતે  ઓલરાઉન્ડર દેખાવ કેવી રીતે કરી શકાય તે બાળકોને શીખવવાનો માતાપિતા પાસે આ ઉત્તમ સમય છે. વિજ્ઞાન, ધર્મ, રમતગમત, રાજકારણની અલકમલકની વાતો કરી બાળકના વ્યક્તિત્વને  વિકસાવી શકાય - વિસ્તારી શકાય. આ સમય જશે પછી મોટાભાગના માતાપિતાને અમુક સમય પછી એમ લાગશે કે આવો સમય ફરી આવે તો સારું. જીવનભરનો અફસોસ પણ પછીથી નાં રહી જાય કે અમે એ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ નાં  કર્યો તેમ ના થવું જોઈએ. વળી પોતાનો સ્વવિકાસ, બાળકોનો વિકાસ સાથે બહાર ન નીકળી દેશ સેવા આવો ઉત્તમ સમય કેટલી સદીઓ પછી આવતો હશે. 42. 24/03/2020 અમુક વ્યક્તિ ઘણી વિરાટ પ્રતિભા ધરાવતા હોય છે, જ્યારે તેઓ આપણી સાથે હોય ત્યારે આપણને તેમનું મહત્વ સમજાતું નથી હોતું. થોડા સમય માટેનો આપણી સાથેનો તેમનો સહવાસ આપણને જીવનભર માટે પ્રસંગોપાત પ્રેરણા, માર્ગદર્શન અને આત્મવિશ્વાસ પૂરો પાડતા હોય છે. કપરા સંજોગોમાંથી બહાર નીકળવાનું પ્રેરકબળ પૂરું પાડતા હોય છે. પુ.સાહેબજીની પ્રતિભા આવા યુગપુરુષ – મહાનપુરુષમાં ઘણી શકાય તેવી હતી. પુ. સાહેબજીના પુત્ર ડો. રાજેશભાઈ સાથે ૧૮ મહિના જેટલો સમય એક રૂમમાં રહેવાની તકની ગોઠવણ ઈશ્વરે કરી આપી તે માટે હું ઈશ્વરનો હંમેશ માટે આભારી રહીશ, કારણકે આ તકને લીધે જ મને પુ. સાહેબજી સાથે વાંરવાર મળવાનું શક્ય બનવાનું હતું. જુન ૧૯૮૪માં તબીબી વિદ્યાશાખામાં જામનગર ખાતે પ્રવેશ મળ્યો તે પહેલા જીવનને કોઈ ચોક્કસ દિશા કે ધ્યેય ન હતો, બસ જીવન એમ જ આગળ વધી રહ્યું હતું. રાજેશભાઈ સાથે એક રૂમમાં રહેવાની તક જીવનનો સુંદર વણાંક હતો.  આ ૧૮ માસ દરમ્યાન જીવનની ગાડીને કોઈ નિશ્ચિત ટ્રેક પર ચાલવાની પ્રેરણા મળી. ફેબ્રુઆરી ૧૯૮૬ માં M.B.B.S ના પ્રથમ વર્ષની પરીક્ષા આવી તે પહેલા ઘણી વખત સાહેબજીને મળવાની તક મળી. પ્રથમ વર્ષના અમારા ‘શરીરરચના’ (એનેટોમી) વિષયમાં ‘લીવરના રોગો’ પ્રકરણ પુ. સાહેબજી સાથે વાંચવાની – સમજવાની તક મળી. આ પ્રકરણ વાંચતા, એકની એક લીટી ત્રણ ચાર વખત વાંચવી, દરેક લીટી વચ્ચે એક મિનિટ અટકવું, આંખો બંધ કરી વાંચેલી લીટીને યાદ કરવી, વચ્ચે વચ્ચે ઊંડો શ્વાસ લેવો – આવી સાહેબજીની વાંચનની વિશિષ્ટ પદ્ધતિઓ સમજવા મળી. આ પ્રકારે વાંચવાથી વસ્તુ વિષયની મૂળમાં થી સમજ તેમજ તેને અન્ય મુદ્દા સાથે સાંકળવાની – ગ્રહણ કરવાની ક્ષમતામાં આપોઆપ વધારો થયો. ત્રીસ વર્ષ પહેલાની કોઈ ઘટના કે કોઈ વ્યક્તિ સાથેની તેમની મુલાકાત તેમને કેવી રીતે યાદ રહેતી હશે તે આ પ્રસંગ પરથી સમજી શકાય છે. પુ. સાહેબજીનું જ્ઞાન માત્ર આધ્યાત્મમાં જ ન હતું પણ શિક્ષણ, સમાજ ઉપયોગી વાતો, વ્યક્તિત્વવિકાસની વાતોમાં પણ હતું તેનો પરિચય થયો. પુ. સાહેબજીના પ્રેરણાદાયી પ્રવચનો આપતા આધ્યત્મગુરૂ, એક શિક્ષક, એક ડોક્ટર, એક મિત્ર અને એક પિતાનું હ્રદય ધરાવતા વિરાટ વ્યક્તિત્વના દર્શન ખુબ નજીકથી થયા. ફેબ્રુઆરી ૧૯૮૬ માં M.B.B.Sના પ્રથમ વર્ષની પરીક્ષા આવી. પુ. સાહેબજી રાજેશભાઈ અને મને મળવા કોબાથી આવતીકાલે આવશે તેવા સમાચાર મળ્યા. અમદાવાદથી જામનગર આવતી બસ વહેલી સવારે ૪.૩૦ વાગ્યે જામનગર આવી જાય. અમારી સાથેના અમદાવાદના વિધાર્થી મિત્રોના માતાપિતા પણ તેમને મળવા આ જ બસમાં આવતા. એ વખતે મોબાઈલ ફોન ન હતા. માતાપિતાને ત્રણ – ચાર માસ જેટલા સમય બાદ મળતા હોઈએ એટલે તેમની સાથે વાતો કરવાનો ખુબ ઉત્સાહ હોય. ‘પુ. સાહેબજી પણ કાલે સવારે આવશે એટલે એમને મળીશું અને વાતો કરીશું’, તેમ વાત કરતા કરતા હું અને રાજેશભાઈ અમારી હોસ્ટેલના રૂમમાં સુઈ ગયા. સવારે ૫.૩૦ વાગ્યે રાજેશભાઈની આંખ ખુલી અને સમય જોયો તો તેમને થયું, હજુ સુધી સાહેબજી કેમ આવ્યા નહી? અત્યાર સુધીમાં તો રૂમનું બારણું તેમણે ખખડાવ્યું હોય અને તેઓ આવી ગયા હોય. રાજેશભાઈ લાઈટ કરી રૂમ ખોલી બહાર ગયા તો તેમણે અદભુત દ્રશ્ય જોયું. સાહેબજી અને પુ. શર્મિષ્ઠા બહેન હોસ્ટેલની પરસાળમાં તેમની સાથેના સામાનને ઓશીકું બનાવી આરામ કરી રહ્યા હતા. અમે તેમને વંદન કરી જગાડ્યા. પુ. સાહેબજીએ કહ્યું, ‘પરીક્ષાનો સમય હતો. કદાચ તમે રાત્રે મોડે સુધી વાંચ્યું હોય. તમારી ઊંઘ પૂરી થાય એટલે થોડો સમય  અમે અહી, હોસ્ટેલની લોબીમાં જ આરામ ફરમાવાનું યોગ્ય માન્યું.’ કેટલી સરળતા અને અન્યને તકલીફ ના પહોંચે તેવો ઉચ્ચ અભિગમ તેમજ સાદાઈના દર્શન પુ. સાહેબજી પાસેથી શીખી શકાયા. પુ. સાહેબજી કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા ત્યારે તે વ્યક્તિ આશ્રમનું કામ કરનાર હરીજન હોય કે મોટા મિનિસ્ટર હોય તે વ્યક્તિના સ્તર પર જઈ તેના હ્રદયના ઊંડાણમાં પહોંચી તેની સાથે વાત કરતા. ગમે તે વ્યક્તિને પોતીકાપણું લાગતું. જુન ૨૦૦૬ માં મારા પિતા સુબોધભાઈ ચોક્સીને કમરના દર્દની તકલીફ થઈ હતી. પુ. સાહેબજી થોડાક કલાકો માટે અમદાવાદ આવેલ. તેમને માહિતી મળી કે આશિષના પિતા સુબોધભાઈને કમરના મણકાની તકલીફ છે અને તેઓ પથારીવશ છે. પુ. સાહેબજીએ રાજેશભાઈ સમક્ષ મારા પિતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. સવારે ૮.૩૦ વાગ્યે અચાનક સાહેબજીનું અમદાવાદ – મણીનગર ખાતે અમારા ઘરે આગમન થયું.  અડધા કલાકના રોકાણમાં તેઓએ ભજન ગાયા, પ્રભુભક્તિની તેમજ અલકમલકની વાતો કરી જેથી મારા પિતાના આત્મવિશ્વાસમાં અકલ્પ્ય વધારો થયો. એવું ન હતું કે પિતાનું દર્દ ગાયબ થયું પણ પિતાની દર્દ સહન કરવાની ક્ષમતામાં સાહેબજીના અડધા કલાકના સહવાસે ઘણો વધારો કર્યો. સમય અને સંજોગોને કેવી રીતે હકારાત્મક પરિસ્થિતિમાં બદલી શકાય તે પુ. સાહેબજી પાસેથી શીખી શકાયું. પુ. સાહેબજી પાસેથી જાણેલા – શીખેલા સિધાંતોનો અમલ કરવો શરૂઆતમાં અઘરો પડે પણ તેની આદત પડે પછી તે કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. ‘કામ કરતી વખતે ધ્યેય સતત સામે રાખો અને શક્ય હોય તો તમારું કામ કરતા કરતા કોઈ સમાજ ઉપયોગી કાર્ય પણ કરો. કોઈ દૈવી શક્તિ તમારું ધ્યેય પૂરું કરવા તમારી મદદે આવશે.’ પુ. સાહેબજીના આ શબ્દો મારા મગજ પર સતત અંકિત થયેલા છે. આ શબ્દોએ મારા કૌટુબિક, સામાજિક અને વ્યવસાયિક જીવનને સાર્થક બનાવ્યું છે. પ્રણામ પુ. સાહેબજીને. 41. ૨૪/૦૩/૨૦૨૦ માણસમાં કરેલું રોકાણ ઉગી નીકળે છે. એક ભાઈને મોટી કંપની. ઘણા કર્મચારીઓ કામ કરે. એક કર્મચારી કોઈ પણ કારણસર થોડા દેવામાં ફસાઈ ગયો. લેણદારો ખુબ વધી ગયા હતા. વ્યાજ પર વ્યાજ ચઢાવી રોજ માંગણી કરતા હતા. કર્મચારીએ પોતાના શેઠને વાત કરી શેઠ ૨૦ વર્ષથી તમારી સાથે કામ કરું છું. તમે મને ક્યારેય તકલીફ પડવા દીધી નથી. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મને જ્યારે પણ જોઈએ ત્યારે નાનીમોટી આર્થિક મદદ પણ તમે કરી છે. પણ આ વખતે મેં ઉધાર પૈસા અન્ય કોઈ પાસેથી લીધા હતા. તેને ચુકવવા બીજા પાસે લીધા. પછી ત્રીજા પાસે. એમ કરતા મારાથી ૫૦,૦૦૦ રૂપિયાનું દેવું થઈ ગયું છે. હવેથી હું કોઈ ભૂલ નહીં કરું આ મારું દેવું એક સાથે હું ચૂકવી શકું તેમાં તમે મને મદદ કરો. તમને હું પગારમાંથી થોડા થોડા કરી ચૂકવી દેવામાંથી બહાર આવી શકીશ પણ આ વ્યાજખોરો એવી રીતે વ્યાજ ચઢાવીને ગણે છે કે મેં ડબલથી વધુ પૈસા આપી દીધા હોવા છતાં મારું દેવું પૂરું જ નથી થતું. શેઠે વિચાર્યું કે આ માણસને ઘણી વખત મદદ કરી છે તેણે ચોક્કસ દરેક વખતે થોડાથોડા કરીને પાછા આપ્યા જરૂર છે પણ તેને દેવું કરવાની ટેવ પડી છે. આ વખતે તેને નથી આપવા જેથી તેને પણ પાઠ શીખવા મળે. શેઠે તેના ૨૦ વર્ષ જુના વિશ્વાસુ કર્માચારીને મદદ ના કરી. વ્યાજખોરોની ધમકીને હિસાબે છેવટે તે ભાઈએ શેઠની કંપની અને શહેર બન્ને છોડવા પડ્યા. શેઠે થોડા વખતમાં અન્ય કર્મચારીને રાખ્યો. તેણે થોડા મહિનાઓમાં જ શેઠનું દિલ અને વિશ્વાસ જીતી લીધા. જુના માણસ કરતા આ માણસ વધુ હોશિયાર હતો અને શેઠનું ઘણું અંગત કામ પણ કરી લેતો. શેઠની અંગત માહિતી જેમ કે બેંક એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ નંબર તેમ જ પાન કાર્ડ નંબર પણ તેને ખબર હતા. આ બધાનો ઉપયોગ કરી તેણે શેઠની ઘણી બધી જવાબદારીઓ પણ ઓછી કરી નાખી હતી. એક વખત શેઠ ત્રણ દિવસ માટે બહાર ગામ ગયા. પાછા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે નવા રાખેલ માણસે તેમના એકાઉન્ટમાંથી ૧૫ લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. શેઠની ગેરહાજરીમાં બેંકમાં sms સીસ્ટમમાં જરુરી ડોક્યુમેન્ટ આપી તેણે ફેરફાર કરાવ્યો હતો. જેથી મની ટ્રાન્સફર મેસેજ પણ શેઠના મોબાઈલમાં ના આવે. હવે શેઠને પસ્તાવો થયો કે મેં ૫૦,૦૦૦ રૂપિયા આપી જુના માણસને સાચવી લીધો હોત તો આ દિવસ ના આવત. ઘણીવાર આપણે આપણું રોકાણ પ્રોપર્ટી, સોનું, ડીપોઝીટોમાં કરીએ છીએ પણ માણસને પારખી ક્યાંક થોડું જતું કરી માણસમાં રોકાણ (મદદ) નથી કરતા. માણસને કરેલી મદદ એ તમારું અમુલ્ય રોકાણ છે. ક્યારે તે ઉગી નીકળશે તેની ખબર નથી હોતી. 40. ૨૪/૦૩/૨૦૨૦ શબ્દોની અસર પુરા વિશ્વમાં 'કોરોના' વાયરસનો ચેપ ફેલાયેલો છે. દવાખાના વાયરલ ઇન્ફેકશનથી ઉભરાય છે. એક હોસ્પિટલમાં એક પેશન્ટ એક ચોક્કસ ડોક્ટરને બતાવવા સ્ટાફ સાથે ઝગડી રહ્યા હતા. મારે આ જ ડોક્ટરને બતાવવું છે. સ્ટાફ સમજાવતા હતા, 'આ ડોક્ટરની આજની એપોઇન્ટમેન્ટ્સ પૂરી થઈ ગઈ છે. અમારે બહાર વૈટીંગમાં વધુ પેશન્ટ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. ઉપર અન્ય ડોક્ટર ફ્રી જ બેઠા છે.' પેશન્ટ જીદ પકડીને બેઠા હતા માને જ નહીં. બહાર વૈટીંગ રૂમમાં ત્રણથી ચાર પેશન્ટ બેઠા જ હતા. બહાર થતો અવાજ અંદર બેઠેલા ડોકટરે સાંભળ્યો. તેમણે તેમના સ્ટાફને બોલાવી વિગત જાણી અને પેશન્ટને તેમના કન્સલ્ટીંગ રૂમમાં મોકલવાનું કહ્યું. ડોકટરે ખુબ શાંતિથી પહેલા પેશન્ટને સાંભળ્યા પછી પેશન્ટને સમજાવતા કહ્યું, 'તમારી વાત સાચી છે. મને પણ તમારા બાળકને તપાસવું ગમશે. પણ હાલ બહાર વૈટીંગ રૂમમાં બેઠેલા ત્રણ ચાર પેશન્ટનો ચેપ તમારા લાડકવાયાને લાગી શકે છે એ વાત માટે તમે સમજુ છો. તમારા બાળકનો ચેપ પણ આ બેઠેલા બાળકોને ના લાગે તે આપણા સૌ ની ફરજ છે. ઉપર અન્ય ડોક્ટર બેઠા છે તે ખુબ કાબેલ છે. તેમની તપાસ બાદ તમને કોઈ પણ તકલીફ કે મૂંઝવણ રહે તો ચોક્કસ આપણે ફરી વાત કરીએ.' ડોક્ટરની સમજાવાની અને વાત કરવાની પદ્ધતિથી પેશન્ટ તરત ઉપર બેઠેલા અન્ય ડોક્ટરને બતાવવા તૈયાર થઈ ગયા. ઘણીવાર એક જ વસ્તુ ઝગડ્યા કરતા કે ઊંચા અવાજે વાત કર્યા કરતા સારા શબ્દો અને પેશન્ટને સમજાય તે રીતે તેની ભાષામાં વાત કરવાથી સામના માણસને સરસ રીતે સમજાવી શકાય તે ઉપરની વાત પરથી શીખવા મળ્યું. આ વાતમાં સૌથી સરસ ડોક્ટરનો અભિગમ 'તમે સમજુ છો' તે શબ્દોનો કહી શકાય. 'તમે સમજુ છો' તે સન્માનજનક શબ્દો કોઈ પણ વ્યક્તિને કોઈ વાતનો મુદ્દો ગળે ઉતારવા માટે પૂરતા છે. 39.    ૦૬/૦૧/૨૦૨૦ સલાહ, સમીક્ષા, ટીકા અને અવગણના આશરે ૩૦ વર્ષ પહેલા એક નવા એનેસ્થેટીસ્ટ ઓપરેશન પૂરું થાય એટલે તરત હોસ્પિટલમાંથી વિદાય લેતા, તેમને એક સર્જન સલાહ આપી રહ્યા હતા કે ઓપરેશન પૂરું થાય પછી પણ પેશન્ટ રૂમમાં શિફ્ટ થાય ત્યાં સુધી પેશન્ટનું  અમુક ધ્યાન તમે રાખો તેવી અમારી સર્જન ડોકટરોની અપેક્ષા હોય છે. હવે ૩૦ વર્ષ પછી આ એનેસ્થેટીસ્ટ ઘણા સિનિયર થઈ ગયા છે. તેઓની સાથે એક મદદનિશ ડોક્ટર હોય છે છતાં ૩૦ વર્ષ પહેલા મળેલી સલાહનું પાલન કરે છે. જેણે જીવનમાં સુંદર કામ કરવું જ છે, કામ બતાવીને આગળ વધવું છે તેઓ પોતાના સાથી, મિત્ર, પતિ, પત્ની  કે સિનિયરની સલાહથી ક્યારેય તેઓ અણગમો વ્યક્ત નથી કરતા. અન્ય દ્વારા મળેલા સલાહ-સૂચનથી પોતાના કૌશલ્યની ધાર વધુ અણીદાર બનાવે છે. જે વ્યક્તિઓને અન્યની સલાહ-સૂચન અથવા પોતાની ભૂલો પ્રત્યે કોઈ સમીક્ષા કરે તે ગમે નહીં તે વ્યક્તિઓ જીવનમાં આગળ વધવાનો પોતાનો જ રસ્તો બંધ કરી દેતા હોય છે. અમુક વ્યક્તિઓને ટેવ હોય છે કે તેમની ભૂલ તેમને ખુબ આદરપૂર્વક અને તેમનું ગૌરવ જાળવી કહેવામાં આવે તો પણ તે ભૂલ કેમ પડી તેના કારણો રજુ કરી ભૂલ પડી શકે તેવું સાબિત કરવાના પ્રયત્નો કરતા હોય છે. પોતાની ભૂલ સહજ પણે સ્વીકારી તેમાં સુધારો લાવી ફરી આવું ન થાય તે પ્રત્યે તેમનું ધ્યાન હોતું નથી પણ ભૂલનો બચાવ કરવામાં તેઓ પોતાની શક્તિ ખર્ચતા હોય છે. આવી વ્યક્તિઓ પ્રત્યે તેમની સાથે સંકળાયેલ વ્યક્તિઓ, તેમના સિનિયર કે કુટુંબીજનના મનમાં એક પ્રકારનો અણગમો ઉભો થતો હોય છે. વર્ષો પછી એકના એક કામમાં પણ તેઓ ત્યાના ત્યાં જ હોય છે. ભૂલો ન સ્વીકારી પોતાના જ આગળ વધવાના રસ્તા તેઓએ બંધ કરી દીધા હોય છે. ૧૯૯૯નો ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો હતો. તે વખતે ઇંગ્લેન્ડના પ્રખ્યાત ઓપનર જયોફ્રી બોયકોટે પોતાની કોલમમાં સચિન તેન્દુલકરની હળવી શૈલીમાં આલોચના કરી. આલોચના અને ટીકા શબ્દમાં ખુબ નજીવું અંતર છે. આ પહેલા સચિન તેન્દુલકર ઘણી શ્રેષ્ઠ ઇનિંગ રમી ચુક્યા હતા અને વિશ્વભરમાં પોતાની ઓળખ પણ પ્રસ્થાપિત કરી ચુક્યા હતા. ઘણા ભારતીય ક્રિકેટ ચાહકોને જયોફ્રી બોયકોટની સચિન તેંદુલકર માટેની ટીકા નહીં ગમી હોય. આ સમયે સુનીલ ગવાસ્કરે પોતાની કોલમમાં સુંદર પ્રતિભાવ આપતા લખ્યું, ‘અત્યાર સુધી સચિનને વિશ્વભરમાં લોકો માત્ર ઓળખતા હતા. પણ જયોફ્રી બોયકોટે સચિનની રમતની નોંધ લેવી પડી આથી તેણે પોતાની જાતને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં પોતાની જાતને સાબિત કરી દીધી.’ ટીકા કે આલોચના પણ જેવી તેવી વ્યક્તિની ના થાય. જે શ્રેષ્ઠ પ્રદાન કરી રહ્યો હોય અને લોકો જેની પાસે વધુ અપેક્ષા રાખી રહ્યા હોય તેનું કામ દરેક લોકોના ધ્યાનમાં હોય જ. આ વ્યક્તિની જ ભૂલો પ્રત્યે વધુ ટીકા થવાની સંભાવના હોય. આ ટીકાઓને શિખરે પહોંચવા માટેનું પગથિયું ગણી તેઓ આગળ વધતા હોય છે. ટીકાઓમાંથી પોતાની ભૂલ શોધી, સ્વીકારી પછી મનમાં રાખ્યા વિના અવગણીને આગળ વધવાની તેમની ક્ષમતા જ તેમને સફળતાના શિખરે પહોંચવામાં મદદ કરે છે. તમારી સમીક્ષા, ટીકા કે આલોચના થાય ત્યારે માનવું કે હવે કઈક નવું કરી બતાવવાની તક તમને મળી છે. અહીં ભૂલને બચાવવા કે દબાવવાનો પ્રયત્નમાં સમય તો બગડે જ છે ઉપરાંત લોકોની નજરમાં વધુ મૂર્ખતા સાબિત થાય છે. ૨૦૧૫ માં અમિતાભ બચ્ચન અને ઈરફાનખાન અભિનિત ‘પીકુ’ ફિલ્મ રજુ થઈ. વધુ જાણીતા ન હોય તેવા એક સામાન્ય અખબારની નાની કોલમમાં એવું લખાણ હતું કે આ ફિલ્મમાં ઈરફાનખાનનો અભિનય ખુબ નેચરલ લાગે છે અને બચ્ચન સાહેબના અભિનયમાં ક્યાંક કુત્રીમતા દેખાય છે. એવું કહેવાય છે કે અમિતાભ બચ્ચને તરત ઈરફાનખાન અને ડાયરેક્ટર સુજિત સરકાર સાથે મિટિંગ કરી પોતાના અભિનયમાં ક્યાં ફેરફાર કરવો તે સલાહ માંગી. પોતાનાથી કારકિર્દીમાં ૨૦ થી ૨૫ વર્ષ નાના અભિનેતા અને ડાયરેકટરની સમય આવ્યે સલાહ લેવામાં નાનપ ન અનુભવનાર જ ‘મહાનાયક’ના વિશેષણથી લોકોના હ્રદયમાં સ્થાન પામે. ભૂલ ન સ્વીકારનાર વ્યક્તિઓનું પણ કામ તો ચાલતું જ હોય છે પણ લોકોથી કઈક અલગ જ કરી બતાવી આગળ વધવાની તેમની પ્રગતિ રૂંધાઇ જતી હોય છે. તેઓએ ક્યારેક અનાદર અને અવગણના પણ સહન કરવા પડતા હોય છે. પોતાના જ ફિલ્ડમાં પોતાના પછી આવેલ જુનિયર લોકો પોતાનું કામ બતાવી, ભૂલો સ્વીકારી, કામમાં સુધારો લાવી ખુબ આગળ વધતા હોય છે. એ રેસમાં આ વ્યક્તિઓ ક્યાંય પાછળ રહી જાય છે અથવા વર્ષો પછી તેઓ હોય ત્યાને ત્યાં જ જોવા મળે છે. ૧૦ માં ધોરણના બે વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષામાં ૧૦૦ માંથી ૯૫ માર્ક્સ મેળવ્યા. તેમના શિક્ષકે તેમને બોલાવ્યા અને કહ્યું, ‘મને મળજો મારે તમને સલાહ-સૂચન આપવા છે.’ એક વિદ્યાર્થીના પિતાએ તેમના દીકરાને સલાહ આપી કે તારે તારા શિક્ષકને મળવાની કોઈ જ જરૂર નથી. ૯૫ માર્ક્સ ઓછા છે કે હજુ તેમને કોઈક સલાહ આપવી છે? તું ના જઈશ. બીજા વિધાર્થીના પિતાએ શિક્ષકને તું ખાસ મળવા જજે તેવી સલાહ આપી. બન્ને વિધાર્થીમાં નોલેજ તો એકસરખું જ હતું પણ શિક્ષક પાસે ગયેલ વિધાર્થીને શિક્ષકે બોર્ડની પરીક્ષામાં પેપર કેવી રીતે લખાય, પેપર ચકાસનારને કેવી રીતે ખુશ કરી શકાય, જગ્યા ક્યાં છોડાય તેમજ થોડા અઘરા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય તેવી વિશેષ ટેકનીકો શીખવાડી. બોર્ડના રીઝલ્ટમાં એકસરખું લખવા છતાં જે વિદ્યાર્થી પોતાના શિક્ષક પાસે નહોતો ગયો તેના ૧૦૦ માં થી ૯૨ માર્ક્સ આવ્યા અને જે વિધાર્થી ગયો હતો તેના ૧૦૦ માર્ક્સ પુરા આવ્યા. શિક્ષક ક્યારેય ૪૦ માર્ક્સ લાવનારને આ ટેકનીકો શીખવવા માટે બોલાવવાના નથી. તેમણે બોલાવ્યા ત્યારે તેઓ ભૂલો બતાવી આત્મવિશ્વાસ ઘટાડવા નહીં પણ લાખો વિધાર્થીઓમાં ૯૫ માર્ક્સવાળા વિધાર્થીઓ સારું શું કરી હજુ વધુ માર્ક્સ લાવી શકે તે જ હોય છે. સંવાદ, સલાહ અને સૂચન એ કોઈ પણ વ્યક્તિઓની કામગીરીનું મુલ્યાંકન માટેનો તંદુરસ્ત તબક્કો છે. સલાહ આપનાર વ્યક્તિઓ તમને ખુબ પ્રેમ કરે છે. તેમની ભાષા અપ્રિય હોય છતાં પણ તેઓ તમારા માટે તમે આગળ વધો તેવું સારું જ ઈચ્છે છે.  મોટેભાગે આ કામ માતાપિતા, શિક્ષકો કે મોટા ભાઈબહેનો અને પતિપત્ની વચ્ચે થતું હોય છે. સમીક્ષા, ટીકા અને આલોચનામાં તમારી કામગીરીના પોઝીટીવ અને નેગેટીવ બંને પાસા જોવાય છે. ટીકા કરનાર વ્યક્તિ તમારા જ ફિલ્ડનો અને તમારો પ્રતિસ્પર્ધી પણ હોઈ શકે. તમારા શ્રેષ્ઠ કામ છતાં થોડી આલોચના થાય તો જરાય અકળાવું નહીં. તમને આગળ વધવાની તક મળે છે. ટીકા સાચી કે ખોટી હોય બંનેમાં હોશિયાર વ્યક્તિઓ ફાયદો જ મેળવે છે. તેમાં બોલીને કે કહી બતાવીને જવાબ આપવાનો હોતો નથી. તમારી શ્રેષ્ઠ કામગીરી જ જવાબ આપશે. ટીકા સાચી હોય તો તેમાં સુધારો લાવી આગળ વધો. ખોટી હોય તો મૌન રાખી કામ કરો. તમારું કામ શ્રેષ્ઠ હશે તો લોકો અન્યની ટીકાઓ અવગણીને પણ તમારી સાથે રહેશે. તમારે બોલીને સાબિત કરવાની જરૂર નથી. ઉલટું આગળ કીધું એમ સાબિત કરવા જતા સમય અને શક્તિ બગડે છે. સાચા ખોટાના ચક્કરમાં તમે ત્યાં જ રહો છો, પ્રગતિ રૂંધાઇ જાય છે અને તમારી નજર સામે જ અન્ય કોઈ વ્યક્તિ તમારાથી આગળ નીકળી જાય છે ત્યારે તમે કઈ જ કરી શકતા નથી. તમારા સ્વભાવ કરતા તમે નસીબને તમે કારણભૂત ગણો છો. એવું જ વર્તન ચાલુ રાખનારને છેલ્લે અનાદર, અવગણના અને ક્યારેક અપમાન સહન કરવાનો વારો આવે છે. 38. બાળરાજા અને ડોક્ટર વચ્ચેની કેટલીક હળવી પળો
  • જ્યારે પણ બાળકને કહેવામાં આવે ‘જીભ બતાવો’ ત્યારે સાથે આવેલા દર્દીના સગા તરફ એક નજર કરવામાં આવે, તો અનાયાસે જ દરેકના મોઢામાંથી પણ થોડી જીભ બહાર આવેલી જોવા મળે છે.
  • મારા એક બાળરોગ નિષ્ણાત મિત્ર તેમના બાળકને લેવા સ્કુલે ગયા હતા. પટાંગણમાં રમતા નાના ભુલકાઓમાં રોકકળ મચી ગઈ. તેમની પાસે નિયમિત જતા ચાર-પાંચ બાળકો રડવા માંડ્યા. તેમને રડતા જોઈ અન્ય કેટલાક બાળકો પણ રડવા માંડ્યા. છેવટે શાળાના સંચાલકોએ વિનમ્રતાથી ડોક્ટરને સ્કુલની છેક અંદર સુધી આવવાની મનાઈ કરી.
  • એક દર્દીના ઘરે તેની ફોઈનું સગપણ જેની સાથે થયું, તે જ નામ તેમના ડોક્ટરનું પણ હતું. નવા થયેલા ફુઆના ચોકલેટ, બિસ્કિટ સહિત અથાગ પ્રયત્નો છતા કેટલાય દિવસો સુધી આ બાળક તેમની સામે આંખમાં આંખ પરોવી શકતું નહોતું. ડોક્ટરનું જ નામ ધરાવનારી બધી વ્યક્તિઓ પ્રત્યે કદાચ તેને પૂર્વગ્રહ બંધાઈ ગયો હશે.
  • એક વખત રવિ નામના દર્દીએ બે-ત્રણ દિવસના ટૂંકા ગાળામાં જ ડોક્ટર પાસે ફરી આવવાનું થયું. ડોકટરથી સાહજિક રીતે પુછાઈ ગયું, રવી ફરીથી? દર્દીના સગાનો વ્યંગસભર ચોટદાર જવાબ... ‘શું થાય સાહેબ... રવિ તમારો અને મચ્છરોનો માનીતો છે.... ‘
  • સિંધી જ્ઞાતિજનો મધને ‘માખી’ કહેતા હોવાથી નવા નવા બાળરોગ નિષ્ણાતને સિંધી દર્દીના સગા જ્યારે એમ કહે કે ‘દવા હમ માખી કે સાથ પિલા દેતે હૈ’. સાંભળીને ચક્કર આવી જતા હોય છે.
  • એક બહેન તાવ ઉતારવાની દવા ‘ક્રોસીન’નું નામ ભૂલી ગયા હતા. ડોકટરે જ્યારે પૂછ્યું? ‘તાવ ઉતારવા તમે શું આપ્યું?’ બહેને ખુબ મથામણ કરી કહ્યું, ‘કઈક કેરોસીન જેવું હતું, સાહેબ’
  • એક ડોક્ટર એક બાળકના મમ્મી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. ફોન પર ઘણું જ ડિસ્ટર્બન્સ આવતું હતું. ડોકટરે બાળકના મમ્મીને પૂછ્યું, ‘બાળક સ્કુલ જાય છે?’ બાળકની મમ્મીએ જવાબ આપ્યો, ‘હા..બાળકને સ્ટુલ થાય છે..’
  • એક બાળરોગ નિષ્ણાતની વ્યક્તિઓના ચહેરાને યાદ રાખવાની સ્મરણશક્તિ ઓછી હશે. આથી તેમનાથી બાળકના પિતાને પુછાઈ ગયું, ‘પહેલી વખત આવ્યા?’ પિતાનો ચોટદાર જવાબ, ‘સાહેબ, તમે ૧૫ વર્ષ પહેલા દવાખાનું ચાલુ કર્યું ત્યારે તમે ૩૦ રૂ લેતા હતા, અત્યારે તમે ૨૫૦ રૂ લો છો. તમારો દરેક ભાવવધારો મેં આપેલો છે.’
  • એક બાળકને રૂમમાંથી બહાર નીકળતા ડોકટરે બાય કહ્યું. બાળકે કોઈ પ્રતિભાવ ન આપ્યો. એના પિતાએ ચોખવટ કરી. ‘એના પપ્પાએ જ્યાં પૈસા આપવા પડે ત્યાં એ બાય નથી કહેતો.’
  • ત્રણ મહિનાના નવજાત શિશુ વિશે ડોક્ટર પૂછે કે હસે છે? દર્દીના સગાનો ખુબ ઉત્તેજિત થઇ જવાબ, ‘અરે હસે છે શું..સાહેબ, એ તો વાતો કરે છે.’
  • બાળરોગ તજજ્ઞો ફોન પર નિયમિત જવાબ આપતા હોય છે. તેમના ધર્મપત્ની તેમના ફોન પરના જવાબ સાંભળીને જ અડધા ડોક્ટર થઇ ગયા હોય છે. જ્યારે ડોક્ટર દર્દીને સામેથી પૂછે શું થયું છે? ઝાડા થયા છે? ત્યારે તેમના પત્ની જેઓ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા નથી તેઓ તેમના બાળકોને નજીક લાવી કહેતા હોય છે. તમારા પપ્પા હવે આ દવા લખાવશે. તમને એ જાણી આશ્ચર્ય થશે...મોટા ભાગે તેમના પત્નીનું અનુમાન સાચું હોય છે.
  • દરેક પિતાએ ચેતી જવા જેવી વાત : મમ્મીપપ્પા સાથે આવેલા એક બાળકને ડોકટરે બાળકના પિતા સામે જોઇને પ્રશ્ન કર્યો, ‘શું થયું?’ બાળકના મમ્મી બોલ્યા, ‘મને પૂછો, તેમને નહીં ખબર હોય. તેના પપ્પા તો ઘરમાં વિઝીટીંગ ફાધર છે.’
    (ડો આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી  તેમજ દિવ્યભાસ્કર : ઓગસ્ટ ૨૦૧૧) 37. દોરીની ગુંચ અને કાલા કપાસ થોડા સમય પહેલા એક સફળ ન્યુરોસર્જન મિત્રને મળવાનું થયું. વાત વાતમાં તેઓએ તેમના બાળપણના દિવસો યાદ કરતા કહ્યું, “નાના હતા ત્યારે ઉતરાયણ જાય પછી બાપુજી આખા ગામમાંથી દોરીની ગુંચો ભેગી કરાવે, મારે તે ઉકેલવાની અને તેનું પીલ્લું તેઓ ૧૦ પૈસામાં વેચતા. નાનપણના આ અનુભવને કારણે હવે મગજની અટપટી ગુંચો ઉકેલવાની સર્જરી અઘરી નથી લાગતી”. વાત નાની હતી પરંતુ દરેક માતાપિતાને એક સંદેશો આપનારી હતી. બાળકો નાનપણમાં મહેનત, શ્રમ અને તકલીફો લેતા હોય તો લેવા દેવી. ખુબ મહેનત બાદ માતાપિતા જે તબક્કે પહોચ્યા છે તે તબક્કે બાળકોને સીધાજ ઉચકીને મૂકી દેશો તો તેઓ ઘણા બધા ક્ષેત્રોમાં પાછળ રહી જશે. આગળ જતા માતાપિતાએ તૈયાર કરીને આપેલું સામ્રાજ્ય તેઓ સફળતાપૂર્વક લાંબો સમય ટકાવી શકશે નહીં. સુંદર અને મોટી ઈમારતના પાયા તો મજબૂત હોવાજ જોઈએ. બાળકો સફળ બને અને લાંબો સમય સફળ રહી શકે તેવી મંઝિલનું તેમનું નિર્માણ તો જ થશે જો નાનપણમાં તેઓએ બધાજ પ્રકારનો શ્રમ અને અસુવિધા ભોગવી હશે. મહાન અદાકાર રાજકપૂરજીએ પણ કહ્યું હતું કે ૧૯૩૫ થી ૧૯૪૫ના સમયમાં અર્થાત તેમનાં ટીન એઈજ ગાળામાં તેઓને પિતા પૃથ્વીરાજ કપૂરની સાથે તેમની નાટક મંડળીમાં ભારત ભ્રમણ કરવાનો મોકો તેમને મળ્યો હતો. નાનપણમાં જ થયેલું ભારતના અદના આદમીનું અને ગામડાનાં ભારતીય સમાજનું દર્શન તેમના બાળમાનસ પર ઊંડી અસર કરી ગયું હતું. સાથે તેઓએ પિતા પૃથ્વીરાજ કપૂરને પણ અતિશય શ્રમ કરતા, નાટકના નાના નાના પાસામાં ડૂબતા, અને નાના માણસ સાથે પણ માનવીય વ્યવહાર કરતા જોયા હતા. બાળકો ૫ થી ૧૫ વર્ષના તબક્કામાં ભણવા સિવાયની કોઈ પણ પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહે તો તેમને તેમની મનગમતી પ્રવૃત્તિ કરવા દેવી જેમકે નૃત્ય, રમત-ગમત, રસોઈ વગેરે. કારણકે આ ઉમરે તેમની વિચારશક્તિ અને કલ્પનાશક્તિ અદભુત હોય છે. તેમનું મગજ સર્જનાત્મક હોય છે અને તેઓ તેમના વિચારોને વાસ્તવિક સ્વરૂપમાં જોવા માટે પોતાનામાં રહેલી બધીજ શક્તિનો પુરેપુરો ઉપયોગ કરતા હોય છે. અનુંવંશશાસ્ત્રના પિતા ગણાતા મહાન વૈજ્ઞાનિક મેન્ડેલે પોતાના પિતા ફળબાગની ખેતી કરતા તેમની સાથે કલાકોના કલાકો રહેતા અને કલમ કરી ફળઝાડની ગુણવત્તા કેમ સુધારાય તે કામ તેમણે બાળપણમાં જ શીખી લીધું હતું. આજ પ્રેરણાથી આગળ જતા તેમણે વટાણાના છોડ પર અવનવા પ્રયોગો કર્યા. ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત રચનાર અન્ય મહાન વૈજ્ઞાનિક ન્યુટન પણ પોતાની ૫ થી ૧૫ વર્ષની ઉમર દરમ્યાન નાના પૈડાવાળા રમકડા અને રમકડાંની ગાડીઓ વચ્ચે કલાકોના કલાકો રૂમમાં ભરાઈ રહેતા હતા.                                             આ ઉમરે બાળકોમાં થતા અંતઃસ્ત્રાવોના ફેરફારોના લીધે તેમનામાં થોડી સાહસવૃત્તિ, થોડી જીદ, થોડી તોડફોડ કરવાની વૃત્તિ અને જીવનનો કોઈપણ પ્રકારના સ્ટ્રેસમુક્ત સમય હોય છે. આ ઉમરે તેમણે મેળવેલો અનુભવ કોઈ પણ વિદ્વાન શિક્ષકો કે કોઈ પણ મેનેજમેન્ટની કોલેજો તે પછી નહી આપી શકે. બાળક પોતે બસમાં કે અન્ય બાળકો સાથે સ્કૂલવાન દ્વારા સ્કૂલે જવા ઈચ્છતો હોય તો તેને તકલીફ પડશે તેવું વિચારી સામેથી તેને વાહનની ચાવી આપીને અથવા ડ્રાયવર દ્વારા સ્કૂલે મુકવા લેવાની વ્યવસ્થા કરવાની જરૂર હોતી નથી. છેલ્લે એક સર્જન મિત્રએ પોતાના વિશે કહેલું સાંભળવા જેવું અને પોતાના બાળક માટે યાદ રાખવા જેવું વાક્ય,” અમે નાના હતા ત્યારે ગામડામાં સળંગ ૮થી ૯ કલાક બેસી બે ગુણો કાલા-કપાસ ફોલતા આથી હવે સળંગ ૬ થી ૭ કલાક ઓપરેશન ટેબલ પર ઉભા રહી સર્જરી કરવાનો થાક કે કંટાળો આવતો નથી”. ( ડો.આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી તેમજ ફેબ્રુઆરી ૨૦૧૫ – દિવ્યભાસ્કર ) 36. હું તેને આપેલું પ્રોમિસ નહીં તોડું     લગભગ ૨૦૧૨ના વર્ષનો ઉનાળો શરૂ થયો હતો. વૈશાખી વાયરો હજુ સહન થાય એવો હતો. આપણે ક્રિકેટમાં વર્લ્ડકપ જીતેલા તેના ઉન્માદમાંથી હજુ લોકો બહાર આવ્યા ન હતા. બપોરના સમયે પાલડી વિસ્તારમાંથી એક બાળકને ઉલટીની ફરિયાદ સાથે એક ભાઈ લઇ  આવ્યા. પાલડી વિસ્તારનું અંતર મારી હોસ્પિટલથી લગભગ ૧૦ કી.મી. જેટલું થાય. બાળકમાં થોડા ડીહાયડ્રેશનના (શરીર માંથી પાણી ઘટવાના) લક્ષણો દેખાયા. ગરમીની શરૂઆત, બાળકને સતત ઉલટીઓ ચાલુ હતી ઉપરાંત તે મોઢેથી ખાસ કાઈ ખાઈ પી શકતો ન હતો. આ બધું જોતા મે તેઓને મારી હોસ્પિટલમાં જ દાખલ થઇ જવાની સલાહ આપી. હોસ્પિટલમાં દાખલ થવું કોઈને પણ ગમે નહીં. દાખલ થવાનું સાંભળીને આ બાળક ના મોઢા પર પણ અણગમાના ભાવ કળી શકાયા. તેના પિતાજીએ મારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના બાળકને ‘આપણે દાખલ નહીં થઈએ’ તેવો જવાબ આપી દીધો. તેમની આ વર્તણુકથી મને પણ થોડું આશ્ચર્ય થયું. ભાઈએ મને કહ્યું, ‘અમે ઘરેથી નીકળ્યા ત્યારે એ આવવા પણ તૈયાર ન હતો અને ખુબ રડતો હતો. આથી મેં તેને પ્રોમિસ આપ્યું હતું કે તું દવાખાને ચાલ, ડોક્ટર તને કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન નહીં આપે અને તને દાખલ પણ નહીં કરે. મારાથી આવું ખોટું પ્રોમિસ અપાય નહીં. આ માટે હું તમારી માફી માંગુ છું. હું અત્યારે તો તેને આપેલું પ્રોમિસ તોડી નહીં જ શકું. હું તેને પાછો ઘરે લઇ જાઉં છું અને કલાકમાં પાછો આવું છું. મને આવવા જવાનો ધક્કો થાય તેનો વાંધો નથી.’ મને તેમની પાછા જવાની વાત પર ખુબ આશ્ચર્ય થયું કે આ લોકો છેક પાલડી આ ગરમીમાં ક્યાં જશે અને પાછા આવશે.? એમની જગ્યાએ અન્ય કોઈ પણ માતાપિતા હોય તો તેઓ પોતાના બાળકને સમજાવે કે દાખલ થઇ જા આપણે છેક પાલડી પાછા ક્યાં જઈશું? આ ભાઈ પોતે પોતાના બાળકને આપેલું વચનને વળગી રહેવા માંગે છે એ વાત અંદરથી તો મને પણ બહુ ગમી. પછી તો મેં જ તે બાળકને  હોસ્પિટલમાંથી ઉલટીની દવા પીવડાવવાની સુચના મારા સ્ટાફને આપી. એ ભાઈને ઘરે પહોંચી ORS નું પ્રવાહી અને સફરજન વગેરે આપી પાછા ફરવાની સલાહ પણ આપી. લગભગ એક કલાક બાદ એ ભાઈનો તેમના ઘરેથી ફોન આવ્યો કે, ‘બાળકને દાખલ ના કર્યો તેનાથી જાણે તેનામાં કોઈ ચમત્કારિક શક્તિસંચય થયો હોય તેવું લાગે છે. મે તમારી સુચના મુજબ ORS અને હળવો ખોરાક પણ આપ્યો છે. બાળકને પછી ઉલટી થઇ નથી. હવે તો તે ઘરમાં રમે છે અને દોડાદોડી પણ કરે છે. હું સહેજ તડકો ઓછો થાય એટલે તમને બતાવવા ફરીથી આવું છું’. ઢળતી સંધ્યાએ જ્યારે તેઓ ફરીથી આવ્યા ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે ખરેખર બાળક સ્વસ્થ હતું. ચાર કલાક પહેલા જે બાળકને દાખલ કરવા કરવા જેવું લાગતું હતું હવે તેનામાં ડીહાયડ્રેશનના કોઈ જ ચિન્હો ન હતા. મેં તેમને જરૂરી દવાઓ અને ખોરાક વિશે સમજાવી ઘરે જવામાં વાંધો નથી કહ્યું. આપણા દેશમાં માતાપિતાને બાળકોને આપેલા પ્રોમિસનું મહત્વ નથી. કોઈ પણ કામ તું કર અથવા આટલો ટાર્ગેટ પૂરો કર તો અમે તને આ વસ્તુ અપાવશું એવું પ્રોમિસ તો માતાપિતાથી તરત નીકળી જાય છે, પણ જયારે બાળક તેમણે સોંપેલું કામ પૂરું કરે તો ‘Take it granted’ લેવાય છે. કોઈ પણ બીમાર વ્યક્તિ માટે ડોક્ટરની દવા ઉપરાંત કુટુંબીજનોના પ્રેમ, હુંફ, સમય અને લાગણીભર્યા શબ્દો તેના સારા થવાની પ્રક્રિયાને એક ઇંધણ પૂરું પાડી વેગવંતો બનાવે છે. (ડો.આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી) 35. મેડીકલ રિપ્રેઝન્ટેટિવ એક આદર્શ મિત્ર અમારા ડોક્ટરોના વ્યવસાયમાં અમારે ઘણા લોકોને રોજ મળવાનું થાય. એમાં જાણે અજાણે અમારાથી કોઈને અન્યાય થતો હોય તો તે વ્યક્તિ છે મેડીકલ રિપ્રેઝન્ટેટિવ. દર્દીઓ, અન્ય ડોક્ટર મિત્રો, કૌટુંબિક મિત્રો આ બધાની વચ્ચે અમે મેડીકલ રિપ્રેઝન્ટેટિવનું અમુલ્ય પ્રદાન અમારા વ્યવસાયમાં અજાણતાજ ભૂલી જઈએ છીએ. ડોકટરોને  નવા રીસર્ચ અને નવી દવાઓ વિશે ઘણું બધું શીખવાનું પણ તેમની પાસેથી મળતું હોય છે છતાં તેમણે ડોકટરોને મળવા ઘણી મહેનત કરવી પડતી હોય છે. ઠંડી, તડકો, વરસાદ વગેરે સહન કરીને પણ આ લોકો ડોક્ટર પાસે તેમની કંપનીની પ્રોડક્ટ બતાવવા આવતા હોય છે. પણ તેઓએ તો ચારે બાજુથી દબાણ જ સહન કરવાનું હોય છે. તેમની કંપનીએ આપેલ ટાર્ગેટ પૂરું કરવાનું દબાણ, ઉપરથી ઘણા ડોકટરોના પ્રતિક્ષારૂમમાં કલાકો રાહ જોયા પછી પણ ડોક્ટર તેમને મળવા માંડ બે-ત્રણ મિનિટનો સમય આપે. ઘણી વાર એવું બને કે તેઓએ એક કલાક રાહ જોયા પછી તેમનો વારો આવે ત્યારે જ ડોક્ટરને કોઈ ઈમરજન્સી પેશન્ટ આવે અને ડોકટરનો એક માત્ર એક શબ્દ ’sorry’ તેમને સાંભળવા મળે. એક મેડીકલ રિપ્રેઝન્ટેટિવ ઘણા વર્ષો પછી પોતાની કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર પહોચ્યા હતા, તેમણે એક વાર તેમનો અનુભવ કહ્યો હતો. મુંબઈમાં એક ખ્યાતનામ ડોક્ટર બધાજ પેશન્ટને મળ્યા પછી દિવસના અંતે છેલ્લે મેડીકલ રિપ્રેઝન્ટેટિવને મળે. આ સમય ઘણી વાર રાત્રે બાર કે સાડાબારનો પણ હોય. જો અમે છેલ્લી લોકલ ટ્રેન ચુકી જઈએ તો અમારે ઘરે પાછા ફરવા ટેક્ષીનો સહારો લેવો પડે. ડોકટરના કન્સલ્ટીંગ રૂમમાં તેમને મળતા બે કે ત્રણ મિનિટના સમયમાં તેમણે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી ડોક્ટરોના મગજમાં પોતાની કંપનીની પ્રોડક્ટ યાદ રહે તેવો પ્રયત્ન કરવાનો હોય. ઘણા મેડીકલ સ્ટોરવાળા તેમને દવાઓના પૈસા સમયસર ચુકવે નહીં. તેમના પોતાના ખાવાપીવાના ઠેકાણા નહીં. ઉપરથી હંમેશા કુટુંબીજનોનું સાંભળવાનું કે તમે ફેમિલીને પુરતો સમય આપતા નથી. ખરેખર આટલી શાંતિ, ધીરજ, અપમાનો સહન કરવા અને મૌન રાખવું જેવા બધાજ આદર્શ ગુણો ફક્ત આ જ વ્યવસાયમાં જોવા મળે છે. ઘણા નસીબદાર મેડિકલ રિપ્રેઝન્ટેટિવને આ અનુભવ પછી બેંકમાં કે અન્ય વ્યવસાયમાં તક મળી છે તેમાં તેઓએ આત્મસાત કરેલા આ ગુણોને લીધે ઘણા સફળ થયા છે. મને મારા ડોક્ટરના વ્યવસાય ને લીધે જે શ્રેષ્ઠ મિત્રો મળ્યા છે તેમાં ત્રણ થી ચાર મેડીકલ રિપ્રેઝન્ટેટિવ છે. જેમને મળીને મને ઘણું સારું લાગે છે અને તેમની પાસે બેસીને મને ઘણું શીખવા મળે છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે અડચણોને અવગણીને હકારાત્મક રીતે પોતાના બધાજ પ્રયત્નો થાક્યા વિના કરવાનું  આપણે મેડીકલ રિપ્રેઝન્ટેટિવ પાસેથી શીખવું જોઈએ. (ડો.આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી) 34. હિન્દી ફિલ્મના બાળગીતો દવારા  બાળકોને સંદેશ ૨૦૧૨ના ઉનાળાનો સમય હતો. મારા કન્સલ્ટીંગ રૂમમાં હંમેશા ધીમા અવાજે કોઈને કોઈ પ્રકારનું સંગીત વાગતું જ રહે છે. એક વડીલ તેમના ૪ વર્ષના દીકરાને લઈને બતાવવા આવ્યા હતા. તેમણે રૂમમાં વાગતા જુના ગીતો સાંભળ્યા. બાળકને બતાવીને જતા જતા તેમણે કહ્યું, ‘અમે થોડા મિત્રોએ ભેગા થઇને એક ક્લબ બનાવી છે અને જુના ગીતો સાંભળવા દર શનિવારે ભેગા થઈએ છીએ તમે પણ આવો.’ મને  હવેના શનિવારે મારે ક્યાં જવું તે સમજાવી આમંત્રણ આપી તેઓ જતા રહ્યા. હું તેમના સમયે જઇ શક્યો નહીં પરંતુ તેમણે ત્યારબાદ દર શનિવારે તેમના મિત્રો સાથેની જુના ગીતોની ક્લબમાં સાંભળેલા ગીતોની C.D મને આપવાનું ચાલુ કર્યું. મને તો ગયા વગર જ ખુબ સારા કલેક્શન અને અલગ અલગ થીમ સાથેના હિન્દી પિકચરોના ગીતો સાંભળવા મળતા. તેમણે આપેલા અલગ અલગ થીમના હિન્દી પિકચરોના ગીતોના કલેકશનમાં દેશભક્તિના ગીતો, ભજનો, બાળગીતો, સયુક્ત કુટુંબના ગીતો તેમજ જુદા જુદા ગાયકોની પણ થીમ રહેતી. અહીં તેમણે આપેલ હિન્દી પિક્ચરોમાં આવેલ બાળગીતો અને તેમાંથી આપણને શું સામાજિક સંદેશ મળે છે તે જણાવું છું. આ હિન્દી ગીતો બાળકોને બતાવવાથી તેમને આંનદ સાથે કઈક જીવનમાં ઉતારવાની તક મળશે. સાથે તેઓ ખુશીથી હળવાફૂલ તો થશે જ.
  • નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ......(૧૯૫૪) માં આવેલી ‘બુટપોલિશ’ ફિલ્મના આ ગીતમાં સંદેશ હતો કે ભીખમાં મોતી મળે તો પણ નહીં લઈએ. મુશ્કેલીનાં આંસુરૂપી મોતી મળશે તો ચાલશે, તેમાં મહેનત કરીશું.
  • ચુન ચુન કરતી આયી ચિડિયા....(૧૯૫૭) માં આવેલ ‘અબ દિલ્હી દુર નહીં’ ફિલ્મના આ ગીતમાં બાળકોનો પ્રાણીઓ સાથેનો નાતો ખુબીથી દર્શાવવામાં આવ્યો છે. અત્યારે પણ બાળકો માટેના એનિમેશન ગીતોમાં આ ગીત પ્રખ્યાત છે.
  • દાદી અમ્મા માન જાઓ ...........(૧૯૬૧) માં આવેલ ‘ઘરાના’ ફિલ્મના આ ગીતમાં બાળકો તેમની દાદીને ગુસ્સામાં ઠંડુ પાણી પી ગુસ્સો ઓછો કરવા કહે છે. સાથે તેઓ દાદીને કહે છે, ‘નાની નાની વાતો માં ગુસ્સો ના કરો. અમારી કોઈ ભૂલ હોય તો અમને માફ કરો અને અમને સારી વાર્તા કહો’.
  • તુમ્હી હો માતા પિતા તુમ્હી હો....(૧૯૬૨) માં આવેલ ‘મૈ ચુપ રહુંગી’ ફિલ્મના આ ગીતમાં બાળક ઈશ્વરને પ્રાર્થના કરી કહે છે ‘મારા બધા જ સંબંધ તારી સાથે છે. તે મને માતા, પિતા, ભાઈ અને મિત્રનો પ્રેમ આપ્યો છે’.
  • નન્હા મુન્ના રાહી હું ................ (૧૯૬૨) માં આવેલ ‘સન ઓફ ઇન્ડિયા’ ફિલ્મના આ ગીતમાં તો બાળકે ખુબ સુંદર સંદેશો આપતા કહ્યું છે, ‘મંઝિલ પૂરી નહીં થાય ત્યાં સુધી હું પાછા ડગ નહીં માંડુ. હિંમતથી આગળ વધી ચોક્કસ સફળતા પ્રાપ્ત કરીશ.
  • હમ ભી અગર બચ્ચે હોતે........(૧૯૬૪) માં આવેલ ‘દુર કી આવાઝ’ ફિલ્મના આ ગીતમાં મોટી વ્યક્તિએ બચપણને યાદ કર્યું છે. બાળકોને રોટલી અને નોકરીની ચિંતા હોતી નથી. તેમને તેમની દુનિયા માણવા દો. જેવો સુંદર સામાજિક સંદેશો આપ્યો છે.
  • બચ્ચે મન કે સચ્ચે................(૧૯૬૮) માં આવેલ ‘દો કલીયાં’ ફિલ્મના આ ગીતમાં બાળ કલાકાર નીતુસિંહે બાળકોની નિર્દોષતા વિશે કહ્યું કે, ‘તેઓ ઝડપથી માની જાય છે. તેઓ કયારેય ખોટું લગાડતા નથી. તેમને મન કોઈ નાનું-મોટું કે ઊંચ-નીચ નથી. એટલે જ ભગવાનને નાના બાળકો ગમે છે’.
  • પાપા જલ્દી આના................(૧૯૬૮) માં આવેલ ‘તકદીર’ ફિલ્મના આ ગીતમાં પપ્પા મોડે સુધી ઘરે આવે નહીં તો બાળકો સુતા નથી. તે વાત સમજાવતા કહેવામાં આવ્યું છે કે ‘પપ્પા તમે સાત સમુંદર દુરથી આવો ત્યારે અમારા માટે એક ગુડિયા લઈને જલ્દીથી આવી જજો.’
  • રોના કભી નહીં રોના...........(૧૯૭૨) માં આવેલ ‘અપના દેશ’ ફિલ્મના આ ગીતમાં રાજેશ ખન્નાએ જિંદગીના કોઈ પણ દુઃખમાં રડવું નહીં એવો સંદેશો આપ્યો.
  • જો રાત કો જલ્દી સોયે.........(૧૯૮૦) માં આવેલ ‘બિન માં કે બચ્ચે’ ફિલ્મના આ ગીતમાં જે બાળકો રાત્રે વહેલા સુઈ જાય છે તે બાળકોને દુનિયાના બધા જ પ્રકારના સુખ મળે છે તે વાત કહેવામાં આવી છે.
  • રોતે રોતે હસના શીખો .........(૧૯૮૩) માં આવેલ ‘અંધા કાનુન’ ફિલ્મના આ ગીતમાં અમિતાભ બચ્ચને જીવનના દરેક પ્રસંગોમાં હસતા રહી કામ કરવાની શિખામણ તેની નાની દીકરીને આપી. રડવા જેવી ઘટનાઓને પણ હસીને લેવાનું શીખવ્યું.
  • મેરે બડી..............................(૨૦૦૮) માં આવેલ ‘ભૂતનાથ’ ફિલ્મના આ ગીતમાં ફરી અમિતાભ બચ્ચને બાળપણમાં ‘થોડી શરારત કુછ શૈતાની કામ કરો કુછ ગરબડકા’ કહી બાલ્યાવસ્થામાં થોડા તોફાનો કરી લેવા સૂચવ્યું. કોઈ ગરબડવાળા કામો ના કર્યા હોય તો બાળપણ અધૂરું ગણાય. આ તોફાનો જ બાળકો તથા માતાપિતા માટે જીવનનું સંભારણું બની રહે છે. બાળકોના તોફાનો જ માતાપિતાના જીવનને જીવંત રાખે છે, તેઓ જ્યારે માંદા પડે છે તોફાનો કરતા નથી ત્યારે માતાપિતાને ગમતું નથી.
( ડો.આશિષ ચોકસી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી, also published in ‘Academy Of Pediatric Ahmedabad’ Journal  sept-oct 2014 issue ) 33. કોઈને કોઈ વડીલના સંસર્ગમાં હંમેશા રહેવું લગભગ ઈ.સ ૨૦૦૦ના વર્ષનો ઓગસ્ટ મહિનો હતો. મારા પૂ.પિતાશ્રી સુબોધભાઈનું પગની ઢાંકણી બદલવાનું ઓપરેશન ( knee replacement ) કરાવ્યું હતું. અમે ડોકટરો કોઈને પણ જરૂર હોય તો પુરતો સમય કાઢી શકીએ છીએ પણ અમારા જ કુટુંબીજનને જરૂર હોય તો અમારા માટે સમય કાઢવાનું ખુબ અઘરું પડે છે. આમ તો પહેલો ઓપરેશનનો દિવસ નીકળી જાય પછી દર્દીની ખાલી પોસ્ટ ઓપરેટીવ સંભાળ જ રાખવાની હોય. અને એ કામ જ્યાં ઓપરેશન થયું હતું તે હોસ્પિટલનો સ્ટાફ પુરતી કાળજી સાથે રાખતો જ હતો, છતાં મને થયું પપ્પા સાથે સમય ગાળવાનો આ ઉત્તમ મોકો છે. મેં મારો કન્સલ્ટીંગ સમય સવારનો અને સાંજનો એમ અલગ અલગ હતો તેના બદલે થોડા દિવસ પુરતો  બપોરે ૧૨ થી ૪ એમ સળંગ રાખવાનું વિચાર્યું જેથી સવારે અને સાંજે થોડો સમય પિતાજી સાથે રહી શકાય. શરૂઆતમાં ૨ થી ૩ દિવસ થોડું મને અને દર્દીઓને અઘરું પડ્યું, કારણકે જે વર્કિંગ પેરેન્ટસ હોય તેમને માટે આ સમયે આવવું થોડું મુશ્કેલ પડે. આ સમયે મેં અનુભવ્યું કે આ ગોઠવણને લીધે બાળદર્દીઓને લઈને તેમના ગ્રાન્ડપેરેન્ટસ વધુ આવતા હતા. તેમની સાથે કામ કરવાનો આ નવો જ અનુભવ હતો. પેરેન્ટસ તેમના વર્ક અને રોજબરોજની ઘરની જવાબદારીને લીધે હંમેશા થોડા સ્ટ્રેસમાં રહેતા હોય અને તેની અસર બાળક બીમાર પડે એટલે તેમનામાં પણ દેખાય. બાળક ક્યારે ઝડપથી સારું થશે?, કોઈ ટેસ્ટ કરાવવા હોય તો કરાવી લઈએ, એવી એન્ટીબાયોટીક આપો કે તે ઝડપથી સારો થઇ જાય વગેરે વિધાનો તેમના દબાણને લીધે તેઓમાં જોવા મળતા. ક્યારેક છોકરાને તાવ આવે તેટલી વાર બાળકના મમ્મી કે પપ્પાનો ફોન અમારા પર આવે. હવે ગ્રાન્ડપેરેન્ટસ સાથે કામ કરતી વખતે આખી અલગ જ પરિસ્થિતિ જોવા મળી. બિલકુલ શાંતિથી કામ કરવું. વધુ પ્રશ્નો પણ નહીં. તેમને ડોકટરોની કાર્યક્ષમતા પર પૂરો વિશ્વાસ હોય. જરૂરી જ દવા લખજો તેવું તેઓ કહેતા. કોઈ ટેસ્ટ માટે ત્રણ-ચાર દિવસ પછી હું સામેથી કહું તો જ કરાવે. બીજી વાર આવવું પડે તો પણ હસતા હસતા જ બતાવવા આવે. તેમને પણ ચિંતા તો થતી જ હોય પણ સામેની વ્યક્તિને આ ભાવ તેઓ કળાવા દેતા નહીં હોય. બહાર થોડું વેઈટીંગ વધુ આવે તો પણ ઉતાવળ નહીં. અમુક વડીલો તો સામે આવેને જ તેમનો હસતો ચહેરો જોઈ હ્રદયમાં હળવાશની લાગણી અનુભવાતી. અહીં માતાપિતાનો વાંક નથી પણ તેમના ઉતાવળિયા સ્વાભાવને તેમની પરિસ્થિતિ પ્રમાણે સમજી શકાય. ખરેખર વડીલો સાથેનો આ ફરજીયાત સંસર્ગ મને ખુબ ગમ્યો. માનસિક શાંતિથી કામ કરવાનું તેમની પાસેથી ઘણું શીખવા પણ મળ્યું. તેમને પણ તેમના ગ્રાન્ડ ચાઈલ્ડ માટે માતાપિતા જેટલી જ ચિંતા થતી હોય પણ જીવનના ઉતાર ચઢાવવાળા અનુભવના ભાથાને લીધે તેઓ ઘણી ધીરજથી બધું કામ કરી શકે. પછીથી પિતાજીને સારું થયા પછી પણ મેં આજ સુધી મારો નિયમિત સમય જ સવારે ૧૧ થી સાંજના ૫ સુધીનો કરી નાખ્યો કે જેથી હું વધુને વધુ વડીલોના સંપર્કમાં રહી શકું. તેમના પાસેથી મને સુંદર પુસ્તકો ભેટમાં મળ્યા છે. ઘણી વાર તેમના મોઢે ‘બેટા’ શબ્દ સાંભળીને  હું ધન્યતા અનુભવતો અને જીવનમાં ઉપયોગી ઘણી વસ્તુઓ શીખવા મળી. આપણે આપણું કામ શ્રેષ્ઠ અને માનસિક શાંતિથી કરવું હોય તો કોઈને કોઈ વડીલના સંસર્ગમાં હંમેશા રહેવું જોઈએ. (ડો.આશિષ ચોકસી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી' 32. રોજ એક પોઝીટીવ વાત લખવી એક વખત એક નવજાતશિશુ સાથે તેની માતા અને તેના પિતા કન્સલ્ટીંગ રૂમમાં બેઠા હતા. તેમની પાછળ એક વડીલ તેમના પૌત્ર માટે કોઈ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા તે બેઠા હતા. તેઓ આ નવા માતાપિતાની વાતો સાંભળતા હતા. માતા નવજાતશિશુને ધાવણ આપવામાં પડતી તકલીફો વિશે વાત કરતી હતી. માતાએ કહ્યું, ‘ઘરે સગાઓ આવે છે તેમાં તેઓની કેટલીક ટીપ્પણી મને બહુ હેરાન કરે છે.’ માતાની વાત સાચી હતી. ઘણી વાર સગાઓ તો એક વાક્ય બોલીને જતા રહે જેમકે, ‘તારું બાળક શ્યામ દેખાય છે. તારા બાળકને વાળ ઓછા છે. અમારા બાજુવાળાનું બાળક તો સામે જોઇને એવું હસે કે જાણે આપણી સામે વાતો કરે.’ આવા નકારાત્મક વાક્યો ધાવણ આપતી માતાનાં મગજમાં સતત ઘુમરાયા કરે. મારા બાળકમાં આ વસ્તુ કેમ નથી એવા નકારાત્મક વિચારોની અસર તેના ધાવણના પ્રવાહ અને જથ્થા પર પડે. માતાએ નકારાત્મક વિચારો ના કરવા એવું અમારી ડોક્ટરની ફરજના ભાગ રૂપે અમે માતાને સમજાવીએ. પણ માત્ર નકારાત્મક વિચારો ના કરો તેવું કહેવાથી કોઈના નકારાત્મક વિચારો અટકી જતા નથી. હવે માતાની વાત સાંભળી વડીલે વચ્ચે ઝુકાવ્યું. તેમણે મારી પરવાનગી લઇ માતાને એક સલાહ આપી. તેમણે કહ્યું, ‘બેટા, તું પાંચ મિનિટનો સમય કાઢી રોજ એક હકારાત્મક વસ્તુ એક ડાયરીમાં લખ. જ્યારે આપણે આપણા સાથે બનેલી દિવસની ઘટનાઓમાંથી હકારાત્મક વસ્તુ શોધીને લખીએ તે પછી આપણને અને આપણા મગજને હકારાત્મક વસ્તુઓ જ વિચારવાની ટેવ પડશે. તારે માત્ર એક જ હકારાત્મક વસ્તુ લખવી.’ દાદાની સલાહનું પરિણામ અદભુત હતું. ૧૫ દિવસ પછી તેઓ મને ફરી બતાવવા આવ્યા ત્યારે તેમણે તેમનો અનુભવ કહ્યો. ‘શરુઆતના બે-ત્રણ દિવસ કોઈ ફેર નહતો પડ્યો. ચોથા દિવસે એક હકારાત્મક વિચાર લખતા મેં અનુભવ્યું કે મારા સાથે દિવસ દરમ્યાન બનેલી ઘટનાઓમાંથી એક જ હકારાત્મક ઘટના મારે શોધવાની હતી. પણ મારી સાથે તો ઘણી બધી હકારાત્મક ઘટના બનતી હતી. તેમાંથી સારામાં સારી એક જ ઘટના લખવાની હતી. ધીરે ધીરે મારી સાથે બધું જ સારું જ થતું હતું. મને ધાવણ પણ સારું આવવા લાગ્યું. મારું બાળક પણ સંતોષી અને શાંત રહેવા લાગ્યું.’ આમ જ્યારે તમે તમારી સાથે બનતી ઘટનાઓમાંથી ફક્ત હકારાત્મક જ ઘટના વિશે વિચારવાની ટેવ પાડો છો તો હકીકતમાં તમારી સાથે બધું સારું જ થશે. કારણકે આપણી સાથે એવી જ વસ્તુઓ બને છે જેવું આપણે વિચારીએ છીએ. કહે છે ને કે  “દ્રષ્ટી એવી સૃષ્ટિ”. સૂર્ય તેનું તેજ પ્રકાશ આપવાનું કામ એકધારું કરે છે. તે ક્યારેય ક્યાંય અટકતો નથી. તેના રસ્તામાં પણ વાદળો રૂપી અડચણો ઘણી વાર આવે છે. તેની પ્રતિભા વાદળોની પાછળ સંતાઈને પણ છતી થાય છે. તેને ખબર છે કે વાદળરૂપી અડચણ થોડા સમય માટે જ છે. વાદળોને લીધે મારા પ્રકાશ આપવાના કાર્યમાં કોઈ જ વિક્ષેપ ના પડવો જોઈએ. થોડા સમયમાં જ વાદળો તેના રસ્તામાંથી ખસી જાય છે. અને તેના તેજ પ્રકાશથી સમગ્ર સૃષ્ટિ ઝળહળી ઉઠે છે. (ડો.આશિષ ચોકસી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી) 31. ૨૭/૦૫/૨૦૧૯ કોઈ પણ અસંભવિત કાર્ય  પૂર્ણ થાય તે માટે ... જ્યારે કોઈ પણ કાર્ય અસંભવિત લાગે, જીવન તકલીફો અને પીડાથી ભરાઈ ગયેલું લાગે ત્યારે નીચેના પાંચ સૂચન અપનાવી જોજો. તમને પડતી તકલીફો પહેલા એક કોરા કાગળ પર લખી તે કાગળ એક કવરમાં મૂકી બંધ કરી દો. બરાબર એક વર્ષ પછી કવર ખોલવાની તારીખ ઉપર લખી નાખો. ધારોકે આજે તમે તમારી તકલીફો કવરમાં લખો છો તો કવર બંધ કરી તેના પર લખો કે ૨૭/૦૫/૨૦૨૦ ના રોજ આ કવર ખોલવું. હવે નીચેના પાંચ સૂચનો એક વર્ષ માટે પાળવા. (૧) રોજ સવારે પથારીમાંથી ઉઠી પગ જમીન પર મુકતા જ પરમ કૃપાળુ પરમેશ્વર પાસે માંગણી કરવી કે હે પ્રભુ આજના દિવસ માટે હું મારું કાર્ય, મારી ફરજો નિષ્ઠાપૂર્વક કરી શકું તે માટે તું મને શક્તિ આપ. મારી સઘળી શક્તિ મારા પરિવાર માટે, સમાજ માટે અને મારા ધ્યેય પુરા કરી શકું તે માટે તું મારી સાથે રહેજે. આ કાર્ય હું મારા શુદ્ધ ચરિત્ર્યથી અને કોઈને પણ દુઃખ ન પહોંચે તે રીતે હું કરી શકું તેવી વિવેકબુદ્ધિ મને આપજે. (૨) દિવસ દરમ્યાન કોઈ પણ એક વખત કોઈ જરૂરિયાતમંદને કશુંક મદદ કરવી. જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ ખોરાક, પૈસા કે દવાની મદદ કરવી. કોઈ સારું સામાજિક કાર્ય કરવું. પૈસા અને ભોજન આપીને તો ઘણા મદદ કરી શકે પણ જેને તમારા સમયની જરૂર છે તેને થોડો સમય આપી મદદ કરી શકશો તો તે શ્રેષ્ઠ મદદ કહેવાશે. (૩) પરિચિત હોય તેવી કોઈ પણ એક વ્યક્તિ સાથે ફોન પર વાત કરવી. જેમકે મિત્ર કે કઝીન ભાઈ. જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને સાંભળો છો ત્યારે તમારું સ્ટ્રેસ ઘટી જાય છે. મિત્રને બર્થ ડે કે કોઈ સિદ્ધિ માટે વીશ કરી શકાય, કોઈનો આભાર માની શકાય. જ્યારે તમે કોઈની સિદ્ધિ માટે કે આભાર માટે તેમને બે સારા શબ્દો કહો છો ત્યારે  તેમના હ્રદયમાંથી સિધ્ધુ તમારા માટે પણ વેલ વિશિશની પ્રાર્થના તેઓ દ્વારા ઈશ્વર સમક્ષ પહોંચે છે. અને તમારી આજુબાજુ પણ આત્મવિશ્વાસથી ભરપુર એક વલય રચાય છે જે તમારા લક્ષ્ય પ્રાપ્તિના રસ્તે આગળ ધપવા તમને મદદ કરે છે. (૪) દિવસ દરમ્યાન થયેલી કોઈ પણ એક સારી ઘટના લખવી. ક્યાંક સારું વાંચ્યું, કોઈક સારો મિત્ર મળ્યો, સારું જમ્યા કે સારો જોક સાંભળ્યો. દિવસ દરમ્યાન તમારી સાથે થયેલી કોઈક એક સારી વસ્તુ લખવાથી તમારી સહનશક્તિ અને પડકાર સહન કરવાની ક્ષમતામાં અકલ્પનીય વધારો થશે. વળી એક જ સારી ઘટના લખવી. બને કે દિવસ દરમ્યાન તમારી સાથે બે કે ત્રણ વસ્તુ સારી બની છે પણ જ્યારે તમારે એક જ સારી વસ્તુ લખવાની હોય ત્યારે તમે વધુ સારી કઈ ઘટના તેમ વિચારશો. આ વિચાર જ તમને નકારાત્મક વિચારો અને ઘટનાથી દુર રાખશે. ધીરે ધીરે તમને લાગશે કે તમારી સાથે બધું જ સારું જ બને છે. કયું વધુ સારું તે નક્કી કરવામાં પણ તમને તકલીફ પડશે. (૫) દિવસના અંતે ફરીથી પ્રભુને પાર્થના : હે પ્રભુ, આજનો મારો દિવસ આટલો સુંદર ગયો અને આટલું શ્રેષ્ઠ હું કરી શક્યો તે બદલ તારો આભાર. તું પરમકૃપાળુ છે. અને મારી શક્તિ અને ક્ષમતામાં તું આટલી શ્રધ્ધા રાખી મને મદદ કરી રહ્યો છે તે બદલ તારો આભાર. આ પાંચ નિયમો એક વર્ષ પાળી પેલું કવર ખોલવું. તમને અદભુત દૈવીશક્તિએ જાણે તમારા કાર્યો પુરા કરવામાં મદદ કરી હશે. તે અનુભૂતિ થશે. એવું પણ બને તમે કલ્પના ન  કરી હોય તે કામો પણ પુરા થયા હોય. ૩૦. હવે થોડું બીજાને માટે જીવીએ જેમ બીજા છોકરાઓને ડોકટરનો ભય હોય તેમ ત્રણ વર્ષનો હર્ષિલ પણ કન્સલ્ટીંગ રૂમમાં આવી થોડું ગભરાતો હતો. સાથે તેના દાદી પણ હતા જે તેને ખુબ જ શાંતિથી ડોક્ટરના કાર્ય વિશે સમજણ આપી રહ્યા હતા. ડોક્ટર આપણા મિત્ર છે અને આપણે આપણા મિત્રની મદદ લેવા જ આવ્યા છીએ એમ ખુબ જ શાંતિથી દાદીની સમજાવટને લીધે હર્ષિલ શાંત થઇ ગયો. એકદમ સૌમ્ય અને શાંત વ્યક્તિત્વ ધરાવતા હર્ષિલના દાદી કલ્પનાબહેન ગાંધીને અગાઉ બે ત્રણ વખત મળવાનું થયું હતું, પણ આજે એમણે જે રીતે હર્ષિલને સમજાવ્યું અને શાંત પાડ્યો તે રીતે ખુબ જ ઓછા વડીલો તેમના પૌત્રો-પૌત્રીઓને સંભાળી શકતા હશે. હર્ષિલને તપાસી તેને પ્રીસ્ક્રીપ્શન આપી મેં કલ્પનાબહેનને કહ્યું કે તમને બાળકો ને સમજાવવાનો ખુબ જ અનુભવ લાગે છે. ખુબ જ સરસ રીતે તમે બાળકને મનાવી શકો છો. તેમણે કહ્યું કે બાળકો માટે તો વિશેષ અનુભવ નથી પણ ઈશ્વરે મને ત્રીસ જેટલા વડીલોની માટે કામ કરવાની તક આપી છે. હવે કલ્પનાબહેનના કાર્ય વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી. તેમણે કહ્યું, ‘લગભગ પાંચ વર્ષ પહેલા એક દિવસ મને વડીલોને મદદરૂપ થવાય એવું કોઈ પણ પ્રકારનું  સામાજિક કાર્ય કરવાનો મનમાં વિચાર આવ્યો. મેં હર્ષિલના દાદા અને મારા પતિ નરેશભાઈને જણાવ્યું કે આપણે કોઈ જગ્યા લઇ રીટાયર્ડ વડીલો માટે ‘ડે કેર સેન્ટર’ અથવા વૃધ્ધાશ્રમ જેવી સંસ્થા શરુ કરીએ. મારા આર્કિટેક પતિએ પણ મારા વિચારને વધાવી લીધો. અમે અમારા પ્રોજેક્ટ માટે વર્કઆઉટ કર્યું તો બજેટ ઘણું વધી જતું હતું’. કહે છે ને જ્યારે તમે ખરા દિલથી બીજાને માટે કશું કરવા ઈચ્છો અને અંતઃકરણ પૂર્વક ઈશ્વર પાસે મદદની માંગણી કરો તો તમારો સાદ ઈશ્વર પાસે જરૂર પહોંચે છે. ભાગવત વિદ્યાપીઠના સંકુલમાં જ જીવન સંધ્યા સ્મૃતિ વૃધ્ધાશ્રમ આવેલ છે જેનું સંચાલન મુંબઈ સ્થિત મુંબાદેવી ટ્રસ્ટ કરે છે. વડીલો માટેની આ સંસ્થાનું રીનોવેશન કરાવવાનું હતું. ટ્રસ્ટે આ જવાબદારી નરેશભાઈને સોંપી. નરેશભાઈએ એક વર્ષના સમયમાં આશ્રમને નવા રૂપરંગથી સજી દીધું. આ સમયે ટ્રસ્ટના સંપર્કમાં કલ્પનાબહેન આવ્યા. ત્યારબાદ  લગભગ સાડા ત્રણ વર્ષથી કલ્પનાબહેન ૩૦ જેટલા વડીલોના કુટુંબીજન, મિત્ર અને કેર ટેકરની જવાબદારી નિભાવી રહ્યા છે. અત્યારની જનરેશનને ઘરમાં બે વડીલો હોય તો પણ તેમને સંભાળવું અઘરું લાગે છે. વડીલોએ આખી જિંદગી તેમના સંતાનો માટે ખર્ચી નાખી હોય છે હવે ઢળતી જિંદગીમાં તેમની પાસે કશું હોતું નથી. આ સમયે તેઓ સંતાનોની જિંદગીમાંથી થોડા હાંસિયામાં ધકેલાઈ જાય છે. કોઈને કોઈ કારણસર આશ્રમમાં આવેલા વડીલો માટે હું સમય કાઢી શકીશ કે નહીં? અને મને આ  કાર્ય ફાવશે કે કેમ? તેવો કલ્પનાબહેનને શરૂઆતમાં ડર હતો પણ ધીરે ધીરે આ કાર્ય તેમના જીવનનો એક ભાગ બની ગયું. વડીલોની રોજબરોજની જરૂરિયાત, તેમના માટે ભોજન, તેમની તબિયતની કાળજી રાખવાનું કામ કલ્પનાબહેને ખુબ ગમતું. તેઓએ કહ્યું, ‘મને તો જાણે ૩૦ માતાપિતાનો પ્રેમ એક સાથે મળી ગયો. હું દરેકની સુખદુઃખની વાતો સાંભળતી. અમે બધા મહિનામાં એક વાર કોઈને કોઈ જગ્યાએ પિકનિક કરીએ. એક ધાર્મિક જગ્યાએ પણ જઈએ. અમે અમદાવાદની નજીકના લગભગ બધા જ ધાર્મિક સ્થળોની મુલાકાતે જઇ આવ્યા છીએ. અમે રીવરફ્રન્ટ, કાંકરિયા તળાવ પણ બધા સાથે જઇ આવેલા છીએ. આમતો હું વડીલોને મદદ કરવા જતી. પણ દરેક વખતે તેઓ પાસેથી મને કઈક ને કઈક નવું જ શીખવા મળતું. પહેલા હું નાની નાની વાતમાં ચિડાઈ જતી. મારું એ ચિડિયાપણું તો ક્યાય ગાયબ થઇ ગયું છે  અને હું ખુબ જ શાંત થઇ ગઈ. આ કામ કરતાં કરતાં મારા અંતરાત્માને જે આંનદ મળ્યો તે હું વર્ણવી શકું તેમ નથી. પરમ સંતોષની દિવ્ય અનુભૂતિ તો પરોપકારના કામમાંથી જ થાય છે. હું મારા અંગત સ્ટ્રગલવાળા કામો પણ ખુબ સરળતાથી કરી શકતી થઇ ગઈ . આશ્રમમાં જઈને આવતી તો ક્યારેય મને થાક લાગતો જ નહીં. મારામાં જાણે નવી ચેતના, નવી ઉર્જાનો સંચાર થયો. અહીં આશ્રમને સમાજના જુદા જુદા વર્ગોનો સહકાર પણ ઘણો સાંપડે છે. ઘણા લોકો તેમના પરિવારના કોઈ સભ્યના જન્મ દિવસે અહીં આવે. વડીલો માટે અંતાક્ષરી, ભજનો કે ક્વિઝ જેવા પ્રોગ્રામો કરે અને અમારી સાથે જમે. અમને એટલું બધું સારું લાગે. ઘણી કોલેજ ના સ્ટુડન્ટ પણ અહીં અવારનવાર આવે.’ આશ્રમના વડીલોને કોઈ તેમને સાંભળે, કોઈ તેમની સાથે વાતો કરે તે ખુબ જ ગમતું હોય છે. કોઈના પણ જીવનમાં વ્યક્તિગત સહારો આપવા જેવું ઉમદા કાર્ય એક પણ નથી. કલ્પના બહેને તેમની વાત પૂરી કરતાં કહ્યું, ‘આપણે આપણી જિંદગી આપણી રીતે જીવ્યા. હવે થોડું બીજા માટે જીવીએ તો તે જિંદગી માટેનો મોટો સંતોષ રહેશે.’ હવે સમજાયું કે કલ્પના બહેનમાં  હર્ષિલને આટલી શાંતિથી કેમ સમજાવી શક્યા. કલ્પનાબહેનનું કામ જોઈ ૧૯૫૯માં આવેલ રાજકપૂરની એક ફિલ્મ ‘અનાડી’ ના એક ગીત ની પંક્તિ માં આવેલ શબ્દો ....’કિસીકા દર્દ મિલ શકે તો લે ઉધાર...કિસીકે વાસતે હો તેરે દિલમે પ્યાર......જીના ઇસીકા નામ હૈ ..’ નું સ્મરણ થઇ જાય છે. (ડો.આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો' માંથી) 29. મોટા માણસોની નમ્રતા ૨૦૦૪ના વર્ષનો ઓગસ્ટ મહિનો હતો. મુશળધાર વરસાદ વચ્ચે એક નવજાતશિશુને જોવાનો ફોન (કોલ) આવ્યો. પ્રસુતા દક્ષિણ ભારતીય હતી. તેમના પતિ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રોફેસર હતા. બંનેની ઉંમર ૨૮ વર્ષથી ૩૦ વર્ષની આસપાસ હશે. તેમના પતિને લેબર પેઈન( પ્રસુતિ સમયે ગર્ભવતી સ્ત્રીને થતું દર્દ)ને અનુલક્ષીને થોડા પ્રશ્નો હતા. મેમનગરના સુભાષચોક પર આવેલા  નંદન મેટરનીટી હોમના ગાયનેકોલોજિસ્ટે ખુબ સુંદર રીતે તેમની બધી જ મુંઝવણ દુર કરી તેમને હળવા કરી દીધા. નોર્મલ ડીલીવરી થઇ, બાળકનું રૂદન સાંભળતાજ માતાનાં મોઢા પર પરમ સંતોષની એક અનેરી અનુભૂતિ જોઈ શકાતી હતી. આ એવી ક્ષણ હોય છે જ્યારે માતા પ્રસુતિની પીડા અને જિંદગીના અન્ય દુખો થોડીકવાર માટે સંપૂર્ણ પણે ભૂલી જાય છે. નવજાતશિશુને ધરાઈને જોઈ લીધા બાદ તેમના સગાને મળવાનું થયું. તેમના પિતા એવા દક્ષિણ ભારતીય એક વડીલ મળ્યા જેઓનું ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ, તેમની મૃદુ વાતો સાંભળી તેમને મળનાર પણ નમ્ર થઇ જાય તેવો અન્ય માણસો સાથેનો તેમનો સૌમ્ય વ્યવહાર હતો. પછી તો આ નવા માતા પિતા પ્રસુતિગૃહમાં રહ્યા ત્યાં સુધી ત્રણ દિવસ નિયમિત તેમને મળવાનું થયું. શરૂઆતના દિવસોમાં બાળકને લઈને માતા પિતા અને સગાઓને ઘણા પ્રશ્નો હોય. નવજાતશિશુને ધાવણને અનુલક્ષીને સગાઓને પણ ઘણી મુંઝવણ થતી હોય. અહીં બાળકના માતા પિતા અને બાળકના ગ્રાન્ડપેરેન્ટસ ઘણા શાંત અને કોઓપરેટ હતા. સગા જ્યારે ડોક્ટર પર આંખ મુકીને વિશ્વાસ મૂકી દે ત્યારે ડોક્ટરને પણ તેમની સાથે કામ કરવાની મઝા આવે, સામેથી નવું કહેવાની ઈચ્છા થાય. ત્યારબાદ તે બાળકને બતાવવા પણ તેઓ પહેલા મહિનામાં લગભગ ત્રણ વખત આવ્યા. બહાર વેઇટિંગ રૂમમાં પણ તેઓ હોસ્પિટલના નિયમોને અનુકુળ થઈને જ વર્તતા. તેમની સાથેના વડીલ પણ બાળક રડતું ત્યારે તેને રમાડી તેને શાંત કરવાનો પ્રયત્ન કરતા. બાળકને ડોક્ટરને બતાવીને  જતી વખતે તેમની આભાર માનવાની પધ્ધતિ પણ ખુબ યાદ રહી જાય તેવી હતી. મહિના બાદ તેમના વતન બેંગલોર જતા પહેલા ફરીથી બહેને આભાર માટે અને થોડા પ્રશ્નો માટે ફોન કર્યો હતો. એ વાતને લગભગ ત્રણ માસ વીતી ગયા હશે. જ્યાં આ બાળકનો જન્મ થયો હતો તે મેટરનીટી હોમના સિસ્ટર તેમના બાળકને બતાવવા આવ્યા હતા. વાતમાં વાત નીકળી અને સિસ્ટરે એ દક્ષિણ ભારતીય કુટુંબની ઓળખાળ આપતા કહ્યું, ‘તમે મળ્યા હતા તે બાળકના દાદા જેઓ ખુબ નમ્ર અને સૌમ્ય વડીલ હતા તેઓ  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રીટાયર્ડ ગવર્નર હતા. બાળકની માતા તેમની વહુ હતી. માતાના પિતા પણ કર્ણાટક સરકારમાં ખુબ ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા.’ પોતાના પિતા દેશની સિવિલ સર્વિસમાં આટલા બધા આગળ પડતા હતા અને તેઓએ અહીં કોઈ ઓળખાણ જ ના આપી. માત્ર તેમની ગાડી પરથી અને બાળકના જન્મના દાખલા માટે પોતાની વિગત મેટરનીટી હોમમાં લખાવી પડે એટલે તેઓને ઓળખી શકાયા. આમ તો સામેની વ્યક્તિનું સ્ટેટસ ગમે તે હોય અમારે ડોક્ટર તરીકે તો દર્દીને જે સમજાવવાનું હોય તે પૂરી નિષ્ઠાથી અમે કહેતા જ હોઈએ છીએ. અહીં અમદાવાદમાં    દર્દીઓ પોતે શું હોદ્દો ધરાવે છે અને તેઓ કોના સગા છે તેવી  ઓળખાણ નાની નાની વાતમાં ડોકટરોને  આપતા હોય છે આથી અમે તેનાથી ટેવાયેલા હોઈએ છીએ. એક વાર એક દર્દીએ સમય લીધા પછી પાંચ મિનિટ જેટલો સમય રાહ જોવાની આવી ત્યારે તેણે જિલ્લા પંચાયતમાં તેના કાકા કામ કરે છે કહીને હોસ્પિટલના સ્ટાફ સાથે ખુબ માથાકૂટ કરી હતી તે યાદ આવી ગયું. (ડો.આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી) 28. અમે પણ સપના જોઈએ છીએ                                                                                   સામાન્ય સંજોગોમાં જે સફળતા મેળવે તેને સિધ્ધિ કહેવાય અને ઘણી બધી શારીરિક  તેમજ માનસિક તકલીફો વચ્ચે જે સફળતા મેળવે તેણે ઇતિહાસ રચ્યો કહેવાય. દિવ્યા-૧૭ વર્ષ, આર્ટસના પ્રથમ વર્ષમાં હાલ ( જાન્યુઆરી ૨૦૧૬ ) અભ્યાસ કરે છે તેનો મુખ્ય વિષય છે અંગ્રેજી લિટરેચર.  હિતેશ-૨૦ વર્ષ, આર્ટ્સના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે તેનો મુખ્ય વિષય અંગ્રેજી છે. મહેશ-૨૩ વર્ષ, તેમણે મુખ્ય વિષય અંગ્રેજી સાથે  M.A  કરી અભ્યાસ પૂરો કરેલ છે. પ્રથમ દ્રષ્ટિએ એમ લાગે કે આ બધા નામ સાથે તેમના અભ્યાસ વગેરે જાણીને નવું શું જાણવા મળે? વિશેષતા એ છે કે આ ત્રણેય ભાઈબહેન છે અને તેઓ જન્મથી જ દ્રષ્ટીવિહીન છે. ‘જ્યારે ઈશ્વર એક દરવાજો બંધ કરે છે ત્યારે બીજો દરવાજો અવશ્ય ખુલ્લો રાખે છે ફક્ત એ દરવાજો શોધતા આવડવું જોઈએ.’ હેલન કેલરના આ વિખ્યાત વિધાનને આ ત્રણે ભાઈબહેને આત્મસાત કરેલ છે. ખુલ્લો દરવાજો એ લોકો જ શોધી શકે જેઓ બંધ દરવાજાને હસતા મોઢે સ્વીકારી લે. ત્રણે ભાઈ બહેનો સંગીતમાં વિશારદ છે. તેમની સિધ્ધિઓ અને અન્યને પ્રેરણારૂપ બને તેવી તેમના જીવનની સંઘર્ષમય વાત પ્રથમ વખત ‘ટાઈમ્સ ઓફ ઇન્ડીયા’માં ૨૦૦૯ની સાલમાં આવી. ત્રણેય સાથે મારો નાતો ડોક્ટર અને દર્દી કરતા મિત્રો તરીકેનો વધુ રહ્યો. અમદાવાદના મેમનગર વિસ્તારના જાદવનગરમાં આવેલ અંબાજી માતાનું મંદિર એ તેમનું નિવાસસ્થાન. પિતા ભગવતી પ્રસાદ અને માતા કંચનબહેન ચૌબિસા અંબાજી માતાનાં પરમ ભક્ત. જ્યારે પણ તેઓ કોઈ શારીરિક તકલીફ સાથે આવે ત્યારે અચૂક એક પ્રાર્થના તો મને સંભળાવે જ. નાની દિવ્યા તો સુંદર કવિતાઓ પણ લખે છે. કોઈ પ્રકાશક તેનો કવિતા સંગ્રહ પ્રકાશિત કરે તે તકની તે રાહ જુએ છે. ૨૦૦૨ના વર્ષમાં સૌથી મોટો ભાઈ મહેશ સાયકલ ચલાવતો હોય અને આગળ દિવ્યા તથા પાછળ હિતેશ બેઠો હોય તેવો ત્રણ સવારીનો આંનદ લેતા ભાઈબહેનનો ફોટો ગુજરાત સમાચારે પ્રગટ કર્યો ત્યારે ઘણાને નવાઈ લાગી હતી કે કોઈ અંધ વ્યક્તિ સાયકલ ચલાવવા પર કાબુ કેમનો રાખી શકે? અને પાછુ ત્રણ સવારી. ૨૦૦૨માં ‘અમદાવાદ મેડીકલ એશોસિએશન’ ના માસિકમાં પણ તેમની વાત લખાઈ હતી. ૨૦૧૦માં દુરદર્શન પરના એક પ્રોગ્રામમાં દિવ્યા અને હિતેશે ઝડપથી બ્રેઇલ લીપી રીડીંગ કરી બતાવ્યું જે ઘણા લોકોએ વખાણ્યું હતું. ૨૦૧૧માં કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુકવાના પ્રસંગે ત્રણે ભાઈબહેનોએ ગીતસંગીતથી લોકોને ડોલાવ્યા તે માટે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે તેઓ સન્માનિત થયા અને એવોર્ડ પણ મળ્યો. છેક ભૂતાનમાં પણ તેમની સિદ્ધિઓની વાત પ્રગટ થયેલી છે. ૨૦૧૨માં રાજકોટ ખાતે એક વકૃત્વ હરિફાઈમાં દિવ્યા પ્રથમ આવી તે ઘટના ગુજરાતી દુરદર્શન પર પણ બતાવવામાં આવી હતી. હવે જો એમની સિદ્ધિઓ વિશે જ હું લખીશ તો ઘણા બધા પાનાં ભરાઈ જશે અને મૂળ વાત બાજુ પર રહી જશે. હું ઘણી વાર તેઓને કોઈ મદદરૂપ થવાના આશય સાથે મળ્યો છું ત્યારે મને તેમની પાસેથી કઈક નવું શીખવા મળ્યું હોય અને તેમના દવારા કોઈ મદદ મળી હોય તેવું હંમેશા લાગ્યું છે. તેમણે જીવનને કયારેય કોઈ ફરિયાદ રૂપે જોયું જ નથી. ઈશ્વરે જે આપ્યું છે તેનો સહર્ષ સ્વીકાર કરી કઈક મેળવવા પોતાની જાતને હંમેશા નીચોવી નાખી છે. બીજા જે કરી શકે તેવું અમે પણ કરી જ શકીએ છીએ તેવો તેમનો હંમેશના માટે અભિગમ રહ્યો છે. ભગવાને જેને પાંચે ઇન્દ્રિયો આપી છે તે સામાન્ય વ્યક્તિને કોઈ પણ હરિફાઈમાં હારવાની પણ શક્યતા દેખાતી હોય છે. આ ત્રણેય ભાઈબહેને જીવનના કોઈ પણ સંઘર્ષમાં હારવાની શક્યતાઓ જોઈ મેદાન છોડ્યું જ નથી આથી હંમેશા તેઓએ સફળતા જ મેળવી છે. તેમના સંઘર્ષમય જીવનપથ પરની સફરમાં સફળતા મેળવવાના ધ્યેય કરતા કઠિન સફરના રસ્તા પર આંનદ માણવાનો તેમનો અભિગમ ખુબ પ્રેરણાદાયક છે. હિતેશ અને મહેશ સાથે વાત કરતા એક વખત મેં પૂછ્યું હતું, ‘તમે સપના જોઈ શકો?’ તેમણે જવાબ આપેલ, ‘અમે કોઈ પણ વસ્તુને તેના આકાર પરથી તે કેવી દેખાતી હશે તે અનુમાન હંમેશા કરતા હોઈએ છીએ. કોઈ પણ ઘટના વિશે સાંભળીને તેમાં શું થયું હશે તેની કલ્પના કરતા હોઈએ છીએ. આમ અમે પણ સપના જોઈ શકીએ છીએ.’ તેમના ઘરમાં પડેલી ઘણી બધી ઓડીઓ કેસેટના ઢગલામાંથી તમે કોઈ એક કેસેટ લઇ તેને પૂછો કે આ કેસેટનું નામ શું? તરત જ હિતેશ કે મહેશ કેસેટ પર હાથ ફેરવશે, કેસેટ પર નાનો અમથો ઘસરકો કે ખાડો તેમને કઈ કેસેટ છે તે ઓળખવામાં મદદ કરશે અને તરત તેઓ કહેશે, ‘કિશોરકુમાર વોલ્યુમ ૩.’ હાલ જાદવનગરના લગભગ ૪૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને હિતેશ ભાઈ રોજ સાંજે અંબાજીમાતાનાં મંદિરમાં ટોકન ફી લઈને અંગેજી ભાષા શીખવે છે. તેઓ માટેના ખાસ ‘જોશ’ સોફ્ટવેરના ઉપયોગથી કાન પાસે સ્માર્ટફોન રાખી તેઓ વોટ્સઅપનો ઉપયોગ પણ કરે છે અને દુનિયાના સંપર્કમાં રહે છે. હાથ વગરની એક યુવતી પાયલોટ બનવા માંગતી હતી અને અથાગ સંઘર્ષ ને અંતે તે પાયલોટ બની શકી અને અમેરિકામાં ‘નાસા’ સાથે જોડાઈ તે સત્યઘટનાની વાત દિવ્યાએ મને વોટ્સઅપ પર મોકલી હતી. વાર્તાના અંતે લખ્યું હતું, ‘Never complain about the difficulties of life, because the director(GOD) always gives the hardest roles to his best actors.’ (ડો.આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી) 27. બીજા જે કરી શકે છે તે બધું જ અમે પણ કરી શકીએ છીએ..... ૧૦ વર્ષની સીફા સલીમભાઈ ગનીયાણી જે જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે તે મારે ત્યાં ટાયફોઇડની સારવાર માટે ત્રણ દિવસ રોકાઈ ગઈ( ૦૯/૦૨/૨૦૧૬ થી ૧૧/૦૨/૨૦૧૬). ત્રણ દિવસ તેને મળતા તેની સાથે વાતો કરતાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને પડતી મુશ્કેલીઓને, તેમના સંઘર્ષને અને તેમના પ્રશ્નોને સમજી શકાયું. આમ તો નેત્રહિનતા એ ભૌતિક ઘટના છે વિકલાંગતા નથી. કોઈ પણ વ્યક્તિ માટે જ્ઞાન, કુશળતા અને સમજશક્તિ મેળવવા માટે આંખ મહત્વનું અંગ છે. પ્રજ્ઞાચક્ષુ લોકો પોતાની સ્પર્શ, સુગંધ અને શ્રવણ જેવી સંવેદનાઓને વધુ કેળવી પોતાની શક્તિઓ વધારે છે. સીફાને મળવું મને ખુબ જ ગમતું કારણકે રોજ સવારે મળતા તે ખુબ સુંદર પ્રાર્થના સંભળાવે અને સ્વભાવે પણ તે ખુબ વાતોડીયણ. તેની મીઠી વાતો સાંભળીને દિવસની શરૂઆત ખુબ સુંદર થતી. સીફાને મળવા તેની સહેલીઓ પણ હોસ્પિટલમાં આવી હતી. તેઓની સાથે વાત કરતાં અને હાલ સંસ્થાના સક્રિય કાર્યકરોને મળતા પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ સામનો કરવી પડતી સમસ્યાઓ વિશે નજીકથી જાણી શકાયું. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને સૌથી વધુ સમસ્યા શિક્ષણમાં પડે છે. અપૂરતા પુસ્તકો, સંદર્ભ સાહિત્યનો અભાવ, પ્રાયોગિક કાર્યનો અભાવ, અને રીડર તેમજ રાઈટર સમયસર ના મળવા જેવી પરાવલંબિતતા સામે આ લોકોએ ઝઝૂમવું પડે છે. બ્રેઇલ લિપિમાં પૂરતા પુસ્તકો ના મળે, બીજા શીખવે ત્યાં સુધી રાહ જોઇને પણ આખા વર્ષભર ભણીને તૈયારી કરી હોય અને પરીક્ષા સમયે જ રાઈટર ના મળે કે અચાનક જ તે પેપર લખવા આવી શકે તેમ નથી તેવું જણાવી દે ત્યારે પણ હિંમત ટકાવી રાખવા માટે કેટલું મજબુત મનોબળ જોઈએ તેનો વિચાર કરો. અંધત્વ અભિશાપનું કે કર્મનું ફળ છે તેવી સામાજિક માન્યતા ખુબ પીડાજનક છે. જાતીય સિક્ષણ મેળવવામાં, કુદરતી સૌંદર્ય માણવામાં, ડ્રેસ પહેરે ત્યારે રંગ ઓળખવામાં, આર્થિક લેવડદેવડમાં, રમતગમતમાં, વસ્તુની ગુણવત્તા નક્કી કરવામાં, મનોરંજન મેળવવામાં અને અંતરની સંક્લ્પ્નાઓ જેવી વિશેષ સમસ્યાઓનો તેઓએ સામનો કરવો પડે છે. ૧૯૫૪માં શ્રી વિનોદાબહેન દેસાઈએ સંસ્થાના મૂળ રોપ્યા હતા. હાલ લગભગ ૨૦૦ જેટલી  અંધ દીકરીઓના જીવનમાં આશાના ઉજાસ પાથરી તેમના શારીરિક, માનસિક, શૈક્ષણિક, સામાજિક અને આર્થિક તેમ સર્વાંગી વિકાસ માટે મેમનગર ખાતે આવેલ ‘કંચનગૌરી મંગળદાસ અંધક્ન્યાશ્રમ’ સંસ્થા ૧૯૬૬થી કાર્યરત છે. આ સંસ્થા માને છે કે અંધ દીકરીઓને ભલે આંખ ના હોય પણ તેમની પાસે પાંખ (પ્રકાશ) તો છે જ ને. આ વાતને આ સંસ્થા જ્ઞાનના દીપ પ્રગટાવી સાકાર કરે છે. સંસ્થાના આંગણમાં પ્રવેશ કરતા જ દીકરીને પોતીકાપણાનો અહેસાસ મહેસુસ થાય છે. ઘર જેવું જ રહેવાનું હુંફાળું વાતાવરણ, પ્રેમમય ગમ્મત સાથે મળતું જ્ઞાન અને પોતાનાજ જેવીજ મળેલી સહિયરો સાથે તેની જીવન કેળવણી ખુબ સરસ રીતે આગળ ધપે છે. સંસ્થામાં એક સુંદર બગીચો પણ છે. આંખ હોવી એક વાત છે અને તેને યોગ્ય દ્રષ્ટી મળવી તે ખુબ અગત્યની વાત છે. આ સંસ્થા તેની આંખની ઉણપને દ્રષ્ટીમાં પરિવર્તિત કરે છે. તેનાથી પ્રજ્ઞાચક્ષુ દીકરીને આગળ વધવાની તક મળે છે. સંસ્થામાં મળતી નિશુલ્ક રહેવા, જમવા તેમજ અભ્યાસની સગવડ દીકરીને અને તેના માતાપિતાને નિશ્ચિંત બનાવે છે. ફ્રેન્ચ આર્કિટેકટ બર્નાડ કોને પ્રજ્ઞાચક્ષુ બહેનોની નાનામાં નાની જરૂરિયાતો ધ્યાનમાં રાખી આ સંસ્થાની ડીઝાઈન બનાવી છે. આ સંસ્થામાં જ મોબિલીટી પાર્ક છે. ઈશ્વરની ઓળખ માટે મંદિર છે. આ સંસ્થા અંધ બહેનોને પોતા, પગલુછણીયા, ફાઈલ,અને રાખડી તેમજ નાસ્તા બનાવતા શીખવે છે. આ દીકરીઓએ બનાવેલી વિવિધ ચીકીનો સ્વાદ તમે એક વાર માણો પછી વારંવાર મંગાવો તે નક્કી. મોટાભાગની બહેનો સુંદર ગાઈ શકે છે અને કોઈનું કોઈ સંગીતનું  સાધન વગાડી પણ શકે છે. આ બહેનોની ટીમ જ્યારે ભજન કે કોઈ પિકચરનું ગીત સંગીતના સથવારે વગાડે કે ગાય તે જોવું તે એક લહાવો છે. સંસ્થામાં જ આ બહેનો માટે હોમ સાયન્સ, કોમ્પ્યુટર, મસાજ અને ટેલીફોન ઓપરેટરનું વિશેષ સિક્ષણ મેળવી શકે તે માટે વિવિધ કોર્ષ ચાલે છે. લગભગ ૫૦ જેટલા વિવિધ વિષયોમાં નિષ્ણાત શિક્ષકો હાલ આ સંસ્થા સાથે જોડાયેલા છે. જે બહેનો સંપૂર્ણ અંધ નથી અને જેમનું વિઝન ઓછું છે તેમના માટે ખાસ લોવિઝન કૉર્સ ચાલે છે. હવે ઘણી દીકરીઓ ગ્રેજ્યુએટ થઇ બેંકમાં પણ સર્વિસ કરે છે. સંસ્થા ભણાવવા ઉપરાંત આ બહેનોને શક્ય તેટલી અન્ય મદદ જેમકે આંખના અને મોતિયાના ઓપરેશન કરાવવા, દર વર્ષે ગુજરાતના વિવિધ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવું જેવી મદદ કરે છે. આ સંસ્થાની આ બહેનો માટે મદદની પ્રવૃત્તિ માત્ર ભણતર અને આર્થિક રીતે પગભર થાય ત્યાં સુધી અટકી નથી. ૧૯૯૬ના વર્ષથી ભણીગણીને તૈયાર થયેલી દીકરી માટે યોગ્ય પાત્ર શોધી તેના માતાપિતાની પરવાનગી સાથે લગ્ન કરાવવાનું પણ શરુ કર્યું. આ વર્ષ(૨૦૧૬) સુધીમાં કુલ ૧૦૦ થી વધુ અંધ બહેનો તેમનું લગ્નજીવન પણ શરુ કરી શકી. લગ્ન કરાવી દીકરીઓ ઘર ચલાવી શકે અને ફૂલોની, કોડિયાની, નાસ્તાની નાની મોટી દુકાન શરુ કરી શકે તે માટે પણ સંસ્થા મદદ કરે છે. ડીસેમ્બર ૨૦૧૧માં અંધ બહેનો માટે ‘ઓલ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન’ થઇ તેમાં આ સંસ્થાની બહેનોનો બીજો નંબર આવ્યો. હવે સંસ્થા જે અંધ બહેનો ૫૦ વર્ષથી મોટી છે અને એકલી છે તેના ભવિષ્ય માટે પણ વિચારી રહી છે. દ્રષ્ટીહિન દીકરીઓના જીવનમાં દીપ પ્રગટાવી ઉજાસ પાથરનાર સંસ્થાના ટ્રસ્ટીગણ થી માંડી તમામ કર્મચારીગણ જેઓ પોતાના પ્રાણ રેડીને આ સેવાયજ્ઞની ધૂણીને હંમેશા પ્રજ્વલિત રાખે છે તેમને શત શત વંદન. આપને પણ નમ્ર વિનંતિ છે કે આપ પણ આ દીકરીઓની તાલીમનો વિશ્વાસ રાખી મોકો મળે તો તેમને કામ કરવાની તક આપજો. (ડો.આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી) 26. ‘અગલા પ્રશ્ન સ્મિત કે લિયે..’ સ્મિત યોગેશભાઈ મદલાની. નામ પ્રમાણે સદાય હસતો ચહેરો, ભણવા સિવાય સામાન્ય જ્ઞાન અને રમતગમતમાં  અદભુત સફળતા મેળવી સાથે સાથે ભણવામાં પણ કેવી રીતે આગળ આવી શકાય તેનું આદર્શ  ઉદાહરણ સ્મિત છે. ૧૯૯૮માં તેનો જન્મ થયો ત્યારથી જ તેના માતાપિતાના પરિચયમાં હું હતો. અત્યારે બધા માતાપિતા તેમના સંતાનો પાછળ પૈસા તો ખર્ચે જ છે. ઘણા બધા પોતાની શક્તિ પણ ખર્ચે છે. પણ સમય બહુ ઓછા માતાપિતા આપે છે. સ્મિતના સર્વાંગી વિકાસ માટે પહેલેથી જ તેની માતા રીનાબહેન અને પિતા યોગેશભાઈએ વિશેષ સમય આપ્યો. માતાપિતાએ બાળક માટે ફાળવેલા સમયમાં જ્યારે સમય સાથે સાંનિધ્ય ભળે ત્યારે બાળકના સોનેરી ભવિષ્યમાં સુગંધ પણ ભળતી હોય છે. સ્મિતને તેના માતાપિતાએ  ઉચ્ચ ધ્યેય રાખવાની ટેવ પાડી. ઉચ્ચ ધ્યેય રાખવા સાથે ત્યાં સુધીનો રસ્તો કેવી રીતે પસાર કરી શકાય, માર્ગમાં ઘણી અડચણો આવે તેમાં ટકી કેવી રીતે રહી શકાય તે સ્મિતને તેના માતા પિતાએ શીખવ્યું. તે સમજણો હતો ત્યારથી તેના પૂછાયેલા પ્રત્યેક પ્રશ્નનો સુંદર રીતે જવાબ મળતો. સ્મિતની સફળતાની શરૂઆત ૨૦૦૧માં થઇ. અમદાવાદના ૫૦૦ જેટલા ત્રણ થી ચાર વર્ષના બાળકોમાંથી બેલ સિરામિકે તેમના મોડેલ માટે સ્મિતની પસંદગી કરી. સ્મિત મોટો થતો ગયો તેમ તેના ઘરમાં દરેક રૂમમાં રહેતા વિવિધ વિષયનાં પુસ્તકોએ તેને વાંચનની અને સતત નવું જાણવાની ટેવ પાડી. બાળક તો હંમેશા માતાપિતાનું અનુકરણ જ કરે. ઘણી વસ્તુઓ કોઈ કોચિંગ ક્લાસ કે અલગ શિક્ષક રાખીને ક્યારેય શીખવી ના શકાય. તેના માતાપિતાની વાંચનની ટેવને સ્મિત પણ અનુસર્યો. સ્કુલમાં થતી સામાન્યજ્ઞાનની ચર્ચા અને ક્વીઝ હરીફાઇઓમાં તે હંમેશા આગળ પડતો રહેતો. આઠમાં ધોરણમાં તે આવ્યો ત્યારે તેનું  દેશ અને દુનિયા વિશેનું સામાન્ય જ્ઞાન કોઈ કોલેજ સ્ટુડન્ટ જેટલું હતું. તેની આ જ ધગશ અને મહેનતના ફળસ્વરુપે ૮ નવેમ્બર ૨૦૧૩ના દિવસે તે અમિતાભ બચ્ચનના ‘કોન બનેગા કરોડપતિ’ કાર્યક્રમ માટે તેની શાળા બોપલ DPSમાંથી તે પસંદ થયો. આખા દેશમાંથી વિવિધ શાળાઓમાંથી આવેલ જીનીયસ વિદ્યાર્થીમાં આ કાર્યક્રમ માટે પસંદ થવું એ જ કોઈ પણ વિધાર્થી માટે ઓલમ્પિક હરિફાઈમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બરાબર કહી શકાય. જેણે આ કાર્યક્રમ જોયો હશે તેને ખ્યાલ હશે કે અહીં પહોચ્યાં પછી પણ બચ્ચન સાહેબ સામે પહોચવું એટલે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હોય છે. કહે છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, ફાસ્ટેસ્ટ ફિંગરમાં પણ દસ પ્રતિસ્પર્ધી વચ્ચે પ્રથમ આવી તે હોટ સીટ સુધી પહોંચી શક્યો. અમિતાભજી સાથેનો સવાલ જવાબ સાથેનો સંવાદ પણ તેણે જરાય ગભરાયા વિના અને હળવાશથી આપ્યો. રમતના ૧૬ રાઉન્ડમાંથી સ્મિત ૧૧ માં રાઉન્ડ સુધી પહોચ્યો અને તેણે દરેક પ્રશ્નના જે રીતે જવાબ આપ્યા તે  કોઈ પણ વ્યક્તિ માટે પ્રેરણાજનક હતું. સતત નવું જાણવાની તલપને કારણે જ સ્મિતે ૨૦૧૨માં બોર્નવીટા કોન્ટેસ્ટ, ૨૦૧૩માં KBC, ૨૦૧૪માં ટાટા ક્વિઝ, ૨૦૧૫માં RBI ક્વિઝ હરીફાઇઓમાં અભિમન્યુની જેમ સાત કોઠા પસાર કરી અંતિમ પડાવમાં જીત મેળવી. ગુલાબના ફૂલની પ્રતિભા પણ દરેક દિશામાં પ્રસરે છે તેમ સ્મિત સામાન્યજ્ઞાન સિવાય રમતગમતમાં પણ એટલો જ આગળ રહ્યો. ક્રિકેટ, ફૂટબોલ, દોડ, લાંબો કુદકો વગેરેમાં તેણે શાળામાં અને પછી સ્ટેટ લેવલે તેની ઉમર ૧૮ વર્ષ કરતાં પણ વધુ ગોલ્ડમેડલ  અને સિલ્વરમેડલ મેળવ્યા છે. આપણા વ્યવસાયમાંથી અને વ્યસ્ત જીવન માંથી બાળકો પાછળ સમય કેવી રીતે કાઢવો અને તેમના પાછળ કાઢેલો સમય ક્યારેય વ્યર્થ નથી જતો તે સ્મિતના માતાપિતા પાસેથી શીખી શકાયું. બાળકે મેળવેલી કોઈ પણ સિધ્ધિમાં માતાપિતાની એક બે દિવસની મહેનત નહીં પણ વર્ષોની તપશ્ચર્યા અને ભોગ જ બાળકને સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરાવે છે. વિધાર્થીકાળમાં સદાય હસતા રહી દુનિયામાં ચાલતા પ્રવાહો વિશે સતત માહિતગાર રહેવું, રમતગમતમાં પણ ભાગ લઇ શારીરિક રીતે સક્ષમ રહેવું અને તેમાંથી મળેલા આત્મવિશ્વાસથી ખુબ સુંદર શિક્ષણ મેળવી આગળ વધવું તે સ્મિત પાસેથી શીખી શકાયું. ૧૦ નવેમ્બર ૨૦૧૩ ના દિવસે FM રેડિયો પરની એક મુલાકાતમાં પણ સ્મિતે તેની ઉંમરનાં વિદ્યાર્થી મિત્રોને આપણા ઘરે આવતા રોજના ન્યુઝપેપર વાંચવાનો અને તેની મહત્વતા સમજાવતો સંદેશો આપ્યો હતો.  સ્મિત હાલ (માર્ચ ૨૦૧૬માં) ૧૨મા ધોરણની પરીક્ષા આપશે અને તે કાયદાકીય શાખામાં ઉચ્ચઅભ્યાસ કરી આગળ આવવા ઈચ્છે છે. છેલ્લે શરદી ઉધરસ માટે તે મળવા આવ્યો ત્યારે તેણે પૂછ્યું, ‘મારે તમારી પાસે ક્યાં સુધી દવા લેવા તમારી પાસે આવી શકાય?’ મેં કહ્યુ, ‘તું કોઈ તકલીફ સાથે નહીં, પણ એમનેમ મળવા પણ હંમેશા આવ. તારી સાથેની દરેક મુલાકાત મને કઈક ને કઈક નવું શીખવી જાય છે.’ All the best ....and keep it up ....સ્મિત. (ડો.આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો' માંથી) 25. પડકાર એ જ પ્રેરણા     એમનું નામ પ્રભાવતીબહેન કાંતિલાલ ગડેચા. સૌરાષ્ટ્રના અમરેલી નજીક કોઈ ગામના વતની. પુરા નામ સાથે પ્રભાવતીબહેન એટલા માટે યાદ રહ્યાં કારણકે તેમની મુલાકાત મારી હોસ્પિટલની એકદમ શરૂઆતના તબક્કામાં ૧૯૯૩ના ડીસેમ્બરમાં થઇ હતી. એ વખતે હોસ્પિટલમાં ખુબ ઓછો સ્ટાફ હોઈ નવા પેશન્ટની બધી વિગત, સરનામું વગેરે હું જાતે જ લખતો. પ્રભાવતીબહેન તે વખતે તેમના ૧૧ વર્ષના દીકરા પ્રકાશને લઈને આવતા. ગુજરાતી મિડીયમની એક શાળામાં ગુજરાતી વિષય જ તેઓ ભણાવતા. ખુબ જ નમ્ર, સરળ અને નામ પ્રમાણે પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા પ્રભાવતીબહેનના દીકરા પ્રકાશને વારંવાર ઉધરસ અને દમની તકલીફ રહેતી. લગભગ ૪ વર્ષ સુધી તેઓ મળતા રહ્યા. પછી અચાનક ૨૦૦૭ના વર્ષમાં તેઓ પ્રકાશના લગ્નની કંકોત્રી આપવા આવ્યા ત્યારે તેમને મળીને ઘણો જ આંનદ થયો સાથે પ્રકાશના પિતાજીના બે વર્ષ પહેલા સ્વર્ગવાસ થયાના દુખદ સમાચાર પણ તેમણે આપ્યા. ફરી ૨૦૦૯ના વર્ષમાં પ્રકાશના નવજાતશિશુને બતાવવા  આવ્યા ત્યારે તેમણે કહ્યું, ‘આ બાળકને તમે જોઈ લો હવે પ્રકાશને કલકત્તામાં તેના ભણતરને અનુરૂપ સારી તક મળે છે આથી તેઓ ત્રણ સાથે હું પણ ત્યાં જાઉં છું. પ્રકાશની પત્ની શ્વેતાએ પણ કંપની સેક્રેટરીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોઈ તેને પણ ત્યાં કોઈ કામ મળી જશે. મારો સમય મારા પૌત્રને રાખવામાં જશે’. દીકરાના માટે થઈને પ્રભાવતીબહેને ૨૫ વર્ષની કારકિર્દી ધરાવતી તેમની શિક્ષિકા ની સર્વિસ છોડતા ક્ષણ માત્રનો પણ વિચાર ના કર્યો. એ વાતને ૬ વર્ષ વીતી ગયા હું પણ પ્રભાવતીબહેનને ભૂલી ગયો હતો. અચાનક ૨૦૧૫ના ડીસેમ્બર માસમાં કોઈ કૌટુંબિક લગ્નપ્રસંગે તેઓને અમદાવાદ આવવાનું થયું ત્યારે મને મળવા આવ્યા. એકલા જ આવેલા જોઈ મેં ટકોર પણ કરી કે ગ્રાન્ડ સન વિના એકલા? તેઓ સ્વસ્થ હતા અને થોડું હસ્યા પછી તેમની સંઘર્ષકથા કહી. ૨૦૦૯માં કલકત્તા પહોંચી ઘણું જ ઝડપથી બધું સરસ ગોઠવાઈ ગયું. નવી જગ્યા હોવા છતા પ્રકાશ અને શ્વેતા તેઓના વ્યવસાયમાં ખુબ સરસ ગોઠવાઈ ગયા હતા. તેમના દીકરા સાથે મારો સમય પણ સુંદર જતો હતો. હું ઈશ્વરનો મનોમન આભાર માનતી હતી પણ ઈશ્વરે અમારા પાસે કઈક અલગ જ કાર્ય કરાવવું હતું. પ્રકાશનો દીકરો આર્યમન ચાર માસનો થયો હશે. તેની રૂટિન તપાસ અને રસીકરણ માટે અમે કલકત્તામાં બાળકોના ડોક્ટર પાસે ગયા હતા. ડોકટરે આર્યમનનો માથાનો ઘેરાવો માપ્યો અને તેમને કઈક તકલીફ લાગી. C.T.SCAN કરાવી બાળકોના ન્યુરોફીઝીશિયનના અભિપ્રાય પછી નક્કી થયું કે આર્યમનને ‘સેરેબ્રલ પાલ્સી’ નામની તકલીફ છે. આ તકલીફમાં બાળકના મગજનો વિકાસ અટકી જાય છે. તેના માથાની સાઈઝ પણ નાની રહે છે. ધીરે ધીરે તેનો માનસિક વિકાસ પણ ક્ષતિગ્રસ્ત રહે છે. (હાલ આપણે છાપામાં બ્રાઝીલમાં ઝીકા વાયરસને કારણે ઘણા બધા નવજાતશિશુ સેરેબ્રલ પાલ્સીનો ભોગ બની રહ્યા છે તેના ફોટા આપણે જોઈએ છીએ તેવી તકલીફ). આ રોગનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી અને દર્દીને જીવનભર ‘સપોર્ટિવ કેર’ આપવી પડે છે. આર્યમનની તકલીફ સ્વીકારતા મને બે માસ લાગ્યા અને શ્વેતાને છ માસ લાગ્યા. અમારો દિવસ અને રાત હવે આર્યમનમાં જ પૂરો થતો. શ્વેતાએ તેની સર્વિસ છોડી દીધી હતી. ફિઝીઓથેરાપી, પ્લેથેરાપી, વોટરથેરાપી તેમજ સ્પીચથેરાપી જેવી સારવાર દવારા આર્યમનને બને તેટલો સામાન્ય બાળક બનાવવા અમે સાસુ વહુ ઝઝુમતા. આર્યમન બે વર્ષનો થવા આવ્યો ત્યારે બીજા બાળકોની જેમ તે સામાન્ય પ્લે સ્કુલમાં ના જઇ શક્યો તે વાસ્તવિકતાથી  હું અને શ્વેતા હચમચી ગયા. અમે મન મક્કમ કરી નક્કી કર્યું કે અમારા ઘરમાં જ આ પ્રકારના બાળકો માટે પ્લે સ્કુલ શરુ કરીએ જેનાથી આર્યમનને મિત્રો મળી રહે. ૨૦૧૧ના જુન માસમાં શરૂ કરેલી અમારી સંસ્થામાં ખુબ જ ઝડપથી ચાર પાંચ બાળકો આવવા લાગ્યા. હું મૂળ શિક્ષિકા તો હતી જ, મારી સાથે મારી દીકરી સમાન શ્વેતા હતી. કહે છે ને કે જ્યારે તમે સમાજ અમે દુનિયા માટે કઈક કરવાના આશયથી કોઈ પણ કામનો શુભઆરંભ કરો તો ઈશ્વર સ્વયં તમારી પાસે આવીને ઉભા રહે છે. તેમની  સંસ્થામાં એક દિવસ ઈશ્વર સ્વયં આવીને ઉભા રહ્યા. લગભગ ૨૦૧૧ની દિવાળીનો સમય હતો, એક પ્રખ્યાત વિદેશી ક્રિકેટરે ક્યાંકથી આ સંસ્થાના કાર્ય વિશે સાંભળી સંસ્થાના કાર્ય વિશે  જોવા જાણવા તેઓ આવી પહોચ્યા. આ વિદેશી ક્રિકેટર કલકત્તાથી ખુબ પ્રભાવિત થયેલા છે. વર્ષમાં ત્રણ ચાર વખત તેઓ સેવાના ભાવ સાથે કલકત્તાની મુલાકાત અચૂક લે છે. આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન હમણાં શરુ થયું પણ ૨૦૧૧ના વર્ષમાં આ ક્રિકેટર વહેલી સવારના કલકત્તાની શેરીઓમાં સફાઈ કરતા હોય તેવી તસ્વીરો છાપામાં પ્રગટ થઇ હતી. ૨૦૧૨ના માર્ચ મહિનામાં જ્યારે આપણે ક્રિકેટ વર્લ્ડકપની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આ ક્રિકેટર કલકત્તાની કોઈ હોસ્પિટલમાં ખાસ પ્રકારની સુવિધાવાળા ખાટલા ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં વ્યસ્ત હતા. તેમની સંસ્થાની મુલાકાતના સમાચાર કલકત્તાના છાપામાં છપાયા પછી લોકોનું ધ્યાન આ સંસ્થા તરફ ગયું. હાલ લગભગ ૩૦ જેટલા સેરેબ્રલ પાલ્સીની તકલીફ ધરાવતા બાળકો સંસ્થામાં આવે છે. મને અને  શ્વેતાને જીવનની નવી દિશા મળી ગઈ. આર્યમન પણ છ વર્ષનો થઇ ગયો છે અન્ય બાળકો સાથે ખુશ રહે છે.  હવે આ જ દિશામાં આગળ વધવું છે કહી પ્રભાવતી બહેને વિદાય લીધી હતી. પ્રભાવતીબહેન એક વસ્તુ શીખવીને ગયા કે જ્યારે પણ જીવનમાં કોઈ પણ પડકાર કે દુઃખ આવે તો સૌથી પહેલા તેને સ્વીકારો, તેની સાથે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે નિચોવાઈ જાવ હવે તમે મેળવેલું સમાજને પણ મદદરૂપ થાય તેવા કોઈને કોઈ પ્રયત્ન કરો. ઈશ્વર સ્વયં તમારી પાસે આવશે તમને કોઈ માર્ગ બતાવશે અને પ્રકાશના તેજ કિરણોથી તમારું જીવન પ્રજવલિત થઇ જશે. આ લેખ આજે (૧ ફેબ્રુઆરી ૨૦૧૬)  જ્યારે હું લખી રહ્યો છું ત્યારે આજના જ એક ગુજરાતી છાપામાં રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત લેખક આબિદ સુરતીનો લેખ વાંચવામાં આવ્યો. તેમણે લખ્યું છે, ‘પડકારથી વધુ પ્રેરક બીજું કશું નથી. પડકાર વિના જીવનમાં પ્રગતિ શક્ય નથી. પડકાર આવે ત્યારે જાતની અંદર જાણે વિજળી દોડવા માંડે છે. પડકારના સમયે દિલ અને દિમાગના દરવાજા ઉઘાડા રાખી રચનાત્મક કાર્યો કરવા એ જ પડકારનો સફળતાથી સામનો કરવાની ચાવી છે.’ (ડો. આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી) 24. પ્રભાતનો પહેલો પહોર     એમનું નામ ગોદાવરીબહેન ભરવાડ. વ્યવસાયે પશુપાલનનું કામ. મેમનગર પાસે આવેલા જાદવનગરમાં ત્રણ બાળકો, તેમના પતિ, અને છ ભેંસો આ તેમનો પરિવાર. ઈશ્વર પ્રત્યે અપાર શ્રદ્ધા. ધાર્મિક સ્થળોની યાત્રામાં તેમણે ભારતભ્રમણ કરી લીધું છે. ભારતમાં ઘણા ધાર્મિક સંસ્થાનોમાં હું નથી જઇ શક્યો પણ ગોદાવરીબહેનને લીધે ત્યાંનો પ્રસાદ મને અચૂક ખાવા મળ્યો છે. તેમના બે દીકરા અને એક દીકરીને  કોઈ તકલીફ પડે તો તેઓ મને મળવા આવે. સમાજમાં ગૌરવ લઇ શકાય એવું એક અદભુત કામ ગોદાવરી બહેને કર્યું. દરેક સફળ સંતાનોની સફળતા પાછળ તેમના માતાપિતાની કોઈને કોઈ સ્ટ્રેટેજી હોય છે. પછી ભલેને માતાપિતા વધુ ભણેલા હોય કે વધુ ગણેલા હોય તેમાં કોઈ ફેર નથી પડતો. તેમણે ત્રણે બાળકોને શહેરની પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. તેઓ કહેતા, ‘હું તો બે ચોપડી ભણેલી છું અને મારા ઘરેથી(મારા પતિ) ચાર ચોપડી જ ભણેલા છીએ. છોકરાઓને  ભણાવીએ તો હવેના જમાના પ્રમાણે તેઓ આગળ વધી શકે. અંગ્રેજી માધ્યમમાં મુકતા થોડો ડર લાગતો હતો પણ ત્રણેય જાતે ભણી લે છે. અમે બાળકો માટે ટ્યુશન પણ રાખ્યું છે. ગુજરાતી વિષય પણ તેઓ ભણે છે.’ ખુબ ભણેલા કોઈ પણ માતાપિતા જેવા તેમના વિચારો હતા. સાથે ૧૦ વર્ષ પછીના ભવિષ્યનું સુંદર વિઝન પણ તેમની પાસે હતું. તેમના પાસેથી શીખવા મળેલી બીજી સુંદર વાત. મેં જ્યારે પૂછ્યું કે ‘ત્રણે બાળકો બરાબર ભણી લે છે? તમને ક્યારેય કોઈ મુશ્કેલી ના પડી?’ તેમણે કહ્યું, ‘ભાઈ, મુશ્કેલી તો ઘણી પડી. મોટી શાળાઓની ફી કેટલી બધી હોય છે? પણ કાનુડાએ મારું બધું જ સાચવી લીધું છે. છોકરાઓ તો શું ભણે એ મને કાંઈ ગતાગમ ના પડે. પણ મેં ત્રણેય માટે એક નિયમ કડકપણે રાખ્યો છે. મેં તેમને કહ્યું હતું કે ફરજીયાત પ્રમાણે તમારે રાત્રે વહેલા સુઈ જવાનું. આમેય તેમના જેટલા ૧૫ વર્ષના જુવાનિયાઓ રાત્રે ગામની ભાગોળે મોડા સુધી જાગે, મસાલા ખાય અને મોબાઈલમાં ફોટુ જોયા કરે. ઈ બધું કશું કામમાં લાગવાનું નથી. અમે બધા સાંજે સાત વાગ્યે વાળુ કરી લઈએ. અમે બધા અમારું કામ નવ વાગ્યા સુધીમાં પતાવીને સાડા નવ સુધીમાં તો બધા જ સુઈ જાઇએ. હું સવારે ચાર વાગ્યે ઉઠું. મારે પહોર થતા પહેલા દૂધ દોહવાનું હોય. બાળકો સાડાચાર સુધીમાં ઉઠી જાય. બે કલાક ભણે અને તૈયાર થઇ આંઠ વાગ્યે તો શાળાએ જતા રહે.’ કેટલી અદભુત અને જીવનમાં ઉતારવા જેવી વાત ગોદાવરી બહેને કરી. હવે આ વાતનું થોડું પોસ્ટમોર્ટમ કરીએ. અમુક વિદ્યાર્થીઓને અપવાદરૂપ ગણીએ એ સિવાય મોટાભાગના રાત્રે જાગીને સમયની બરબાદી જ કરતા હોય છે. રાત્રે જાગીને ખવાય વધુ, આડી અવળી બિનરચનાત્મક પ્રવૃત્તિઓમાં જ સમય વેડફાઈ જતો હોય છે. મોટા લોકો હવે વાંચનની જગ્યાએ મોબાઈલ અને કમ્પ્યુટરમાં તેમના સમયનો વ્યય કરતા હોય છે. વળી રાત્રે સુવાના સમયની ડેડલાઈન નહીં હોવાથી કેટલા કલાકો આપણે વેડફી નાખ્યા તેનો ખ્યાલ જ નથી રહેતો. રાતના ઉજાગરાની અસર બીજા દિવસની કાર્યક્ષમતા પર ચોક્કસ પણે પડે જ છે. હવે સવારે વહેલા ઉઠીને તમે કામ કરો ત્યારે તમે રાત કરતાં દોઢ થી બે ગણું વધુ કામ કરી શકો છો એ વાત વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી છે.. તમારા શરીરમાં ઉર્જાનું વધુમાં વધુ પ્રમાણ સવારે હોય છે. વહેલી સવારે ઘણા રચનાત્મક અને હકારાત્મક વિચારો આવે. સવારે લીધેલા નિર્ણયોનો અમલ મોટાભાગે ત્વરિત અને સફળતાપૂર્વક થતો હોય છે. સૌથી મોટી વાત સવારે વહેલા ઉઠેલા ક્યારેય એક પણ મિનિટ વેડફતા નથી. સવારે વહેલા ઉઠીને કામ વિનાનું મોબાઈલમાં ચેટિંગ કરવાનું કોઈને ના ગમે. સવારે ૫ વાગીને ૪૮ મિનિટનો સમય દિવસનો શ્રેષ્ઠ સમય ગણાય છે. ઉગતા સૂર્યના કિરણો શરીરના અંગે અંગમાં નવું ચેતન પ્રગટાવે છે. સરવાળે આપણું આરોગ્ય પણ સ્વસ્થ રહે. વહેલા ઉઠવાની ટેવ પાડવી પડે. મહાત્મા ગાંધીજી પત્રોના જવાબ આપવા માટે સવારના સમયને જ ઉત્તમ ગણતા. લગભગ ૨૫ વર્ષ પહેલા આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી એન.ટી.રામારાવ તેમના મંત્રીઓને અને પત્રકારોને મળવા સવારના ચાર થી પાંચ વચ્ચેનો જ સમય પસંદ કરતા તેવું એ વખતના છાપાઓમાં વાંચેલું યાદ આવી ગયું. ઘણા લેખકો તેમનું શ્રેષ્ઠ સર્જન સવારે જ કરતા હોય છે, ઘણા ચિત્રકારોને તેમની કલ્પનાની દિવ્ય અનુભૂતિ પ્રભાતના પહેલા પહોરે જ થતી હોય છે, સંગીતકારો તેમની સાધના માટે સવારનો જ સમય પસંદ કરે છે, દુનિયાની શ્રેષ્ઠ કવિતાઓ સવારે જ લખાયેલી છે. ઘણા વૈજ્ઞાનિકોએ તેમની આત્મકથાઓમાં તેમની મહાન શોધોનો છેલ્લો તબક્કો વહેલી સવારનાં જ પૂરો થયેલાનું નોધ્યું છે. સૌથી અગત્યની અને અનુભવેલી વાત અમારા તબીબી વ્યવસાયમાં ઘણા સર્જન ડોકટરો તેમના પ્લાન કરેલા  ઓપરેશનો માટે વહેલી સવારનો જ સમયને શ્રેષ્ઠ ગણે છે. ખરેખર ગોદાવરી બહેને દિલથી કહેલી વાત દિમાગને સ્પર્શી ગઈ. ( મૂળ વ્યક્તિનું બદલેલું નામ ગોદાવરી બહેન છે ) (ડો. આશિષ ચોક્સી : તેમના પુસ્તક 'હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો'માંથી) 23.  પ્રયત્ન + પરિશ્રમ + ........ = સફળતા આશરે ઈ.સ ૧૧૦૦ની સાલમાં એટલે ૯૦૦ વર્ષ પહેલા ગુજરાતના રાજવીર સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ જીતવા માટે ૧૨ વર્ષ સુધી જૂનાગઢની આજુબાજુ ઘેરો ઘાલ્યો અને જીત માટે પ્રતિક્ષા કરી. ઈ.સ. ૧૬૩૨માં પ્રેમના પ્રતિક તાજમહેલનું બાંધકામ શરૂ કરાવનાર શાહજહાંને વિશ્વની સર્વોત્તમ પ્રતિકૃતિ બનાવતા ૧૧ વર્ષ લાગ્યા. થોમસ આલ્વા એડીસને વિજળીનો બલ્બ શોધ્યો એ પહેલા તેના મગજમાં આ શોધ માટેના બીજ વર્ષો પહેલા રોપાઈ ગયા હતા. અન્ય શોધો વચ્ચે પણ આ કામ માટેના વિચારો તેના મગજમાં ચાલુ જ રહેતા હતા. આશરે ૯૦૦ થી વધુ પ્રયત્નો બાદ તેમને સફળતા મળી. ૧૯૪૨ની ‘ક્વિટ ઇન્ડિયા’ મૂવમેન્ટ વખતે કોઈએ ગાંધીજીને પૂછ્યું, ‘બાપુ આઝાદીની તમારી અહિંસક લડતને ૨૫ વર્ષ વીતી ગયા છતાં સફળતા નથી મળી. તમને નથી લાગતું કે તમારી આઝાદીની લડતની પદ્ધતિ તમારે બદલવી જોઈએ.’ બાપુએ ખુબ સરસ જવાબ આપ્યો હતો કે ‘હું નાં હોઉં તો પણ હું ઈચ્છીશ કે તમે બધા એક સદી વીતી જાય તો પણ આ જ પદ્ધતિથી (અહિંસક પદ્ધતિ)થી જ લડત ચાલુ રાખો. તેનું પરિણામ મોડું મળશે તો પણ મુળિયા ખુબ ઊંડા હશે.’ વિખ્યાત અભિનેતા રાજકપૂરે ભારતીય ફિલ્મજગતને કેટલીક અમર ફિલ્મોની ભેટ આપી. આ ફિલ્મો અમર થઇ કારણકે તેના ગીતો વર્ષો સુધી અમર રહ્યા. ગીતોના દરેક પાસા જેમકે સંગીત, શબ્દો અને ફિલ્માંકન સર્વશ્રેષ્ઠ બને તે માટે તે એટલો બધો સમય લેતા કે યુનિટના સભ્યો કંટાળી જતા. ‘ધ વોલ’ના હુલામણા નામથી ઓળખાતા ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડની શાંતિ અને ક્રીઝ પર ઉભા રહેવાની ક્ષમતાથી વિરોધી ટીમના ખેલાડીઓ અકળાઈ જતા. ગમે તેવા લાલચુ બોલથી પણ તેઓ વિચલિત થતા નહીં. હમણાં છેલ્લે આવેલ ‘દંગલ’ પિકચરમાં પણ આમિરખાને તેની દીકરીને ઉતાવળ નહીં કરવાની અને વિરોધી ટીમની ખેલાડી ભૂલ કરે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપી. સદીઓ બદલાશે, વ્યક્તિઓ બદલાશે, જગ્યા બદલાશે, કામનું કારણ અલગ અલગ હશે પણ સફળતાની મંઝિલે પહોચવા અને કઈક અલગ જ વસ્તુ હાંસલ કરવા માટે એક વસ્તુ કાયમ રહેશે....’પ્રતિક્ષા’. કોઈકે સાચું જ કહ્યું છે કે પ્રયત્ન + પરિશ્રમ + પ્રતિક્ષા = સફળતા. જો પ્રયત્ન અને પરિશ્રમ સાથે પ્રતિક્ષા નહીં હોય તો સફળતા અલ્પજીવી હશે શાશ્વત નહીં હોય. પ્રભુ આપે છે ત્યારે સારું આપે છે અને જ્યારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે. પણ જ્યારે તે પ્રતિક્ષા કરાવડાવે છે ત્યારે તો તે શ્રેષ્ઠ જ આપે છે. (ડો.આશિષ ચોક્સી - ભાવિક પબ્લિકેશન - એપ્રિલ ૨૦૧૭) 22. ‘દંગલ’ ટીનએઈજ માટે પાઠશાળા આમિરખાનનાં દરેક પિક્ચર કોઈ ને કોઈ સામાજિક સંદેશો તો આપતા જ હોય છે પણ ‘દંગલ’ પિક્ચર તો આમિરખાને જાણે ટીનએઈજ બાળકો અને તેમના માતાપિતા માટે જ બનાવ્યું હોય તેવું લાગે. આ પિક્ચરનો દરેક સીન ભણતા, સંઘર્ષ કરતા અને ભણવાનું પૂર્ણ થવા આવ્યું હોય તેવા બાળકોને લેસન આપતો હોય છે. સૌથી પહેલા તો દુનિયાનું કોઈ પણ કામ ફક્ત છોકરાઓનો જ ઈજારો નથી. સમાજ અને માતાપિતાની દ્રષ્ટિએ કોઈ પણ અસંભવિત કામ હોય તે દીકરીઓ પણ કરી જ શકે છે. કોઈ પણ પ્રકારના કામ માટે માતાપિતાએ એક વાર તો બેટીઓ પર ભરોસો કરવો જ જોઈએ. પાણીમાં ડૂબતી છોકરી ‘બાપુ મુજે બચાઓ’ કહે છે ત્યારે આમીરખાન કહે છે, ‘જાતે બહાર આવો, દરેક જગ્યાએ બાપુ નહીં આવે.’ બરાબર છે કોઈ એક તબક્કા પછી માતાપિતા બાળકની જીવનનૌકા ડૂબતી જોવે તો પણ તેને છોડી દેવો જોઈએ. લોઢું તપીને બહાર આવે તેમ બાળક વધુ મજબુત થઈને બહાર આવશે. પિક્ચરમાં નાની બહેન પણ મોટી બહેનને પ્રેમથી ઘણી બાબતો સમજાવે છે. ટીનએઈજ બાળકોએ સમજવું જોઈએ કે પોતે મોટા હોય તો પણ નાનાભાઈ બહેનના દ્રષ્ટીકોણ પર વિચાર તો કરવો જ જોઈએ. નાનાભાઈ બહેન ફક્ત ઉંમરમાં નાના હોઈ શકે. વિચારો અને સમજણમાં મોટા ભાઈબહેનથી તેઓ આગળ પણ હોઈ શકે છે. નિસહાય, લાચાર બાપ સ્પોર્ટ્સ એકેડેમીના અધિકારીઓ પાસે બે હાથ જોડીને આંખમાં આંસુ સાથે તેની દીકરી માટે એક ચાન્સની માંગણી કરે છે તે તો અલ્ટીમેટ સીન હતો. માતાપિતા પોતાના બાળકોના ભલા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પોતાનો હોદ્દો અને સામાજિક સ્થાન ગમે તે હોય પણ બાળકોની ભલાઈ માટે કોઈ પણ આગળ હાથ લંબાવવો પડે કે ખોળો પાથરવો પડે ત્યારે તેઓ એક ક્ષણનો પણ વિચાર કરતા નથી. તેને રજા ના મળી તો તેણે જોબ પણ છોડતા એક ક્ષણનો પણ વિચાર નાં કર્યો. કોઈ એક તબક્કે તમે દેશ માટે કઈક મેળવો તે ભાવના પણ રાખવી જોઈએ. કોઈ પણ કઠિન કાર્ય શરુ કરો તે પહેલા મનગમતું પણ કરી જ લો તે સંદેશ પણ બાળકોને પાણીપૂરી ખવડાવી બતાવાય છે. ફાઈટના સીનમાં પણ સ્પોર્ટ્સમાં એક્ટિવ બાળકો માટે ખુબ અગત્યનો સંદેશ છે. ખુબ ધીરજ રાખવી અને સામાવાળો એક ભૂલ કરે તે ક્ષણને ઝડપી લેવી. બસ આ તક આપતી એક ક્ષણ તમારી જીતનું કારણ અને વિરોધીની હારનું કારણ બનશે. સ્પોર્ટ્સ એકેડેમીમાં ભણતી છોકરી ફરી વાળ વધારે છે, ટીવી જુએ છે, નેઈલપોલિશ કરે છે અને ગમે તે ખાવા લાગે છે. આ દ્રશ્યો પણ ટીનએઈજ બાળકોને શીખવે છે કે તમે કોઈ એક તબક્કે ઘણું પ્રાપ્ત કર્યું હોય છતાં તમારા લક્ષ પ્રાપ્તિ માટેના ધ્યેય અને સિદ્ધાંતો ને છોડો નહીં. કોઈ પણ ક્ષેત્રમાં સર્વોપરિતા મેળવવી તે એક કામ નથી તે એક તપશ્ચર્યા છે. હવે તમને કોઈ હરાવી શકશે નહીં કે તમે સર્વોપરી છો તેવા મદમાં નાં આવી જાઓ. લક્ષ્ય પ્રાપ્તિ સુધી ધરતી પર જ રહી મૂળ સિદ્ધાંતોને વળગીને જ લડતા રહો. છોકરી જ્યારે તેના પિતાને કહે છે કે ‘બાપુ મૈ તીનો મેચ હાર ગઈ.’ બાપુ કહે છે કે, ‘મેચ જ હારી છું ને જીવન તો નથી હારી ને. તું હારી એ તારો દિવસ જ માત્ર ખરાબ હતો. આગળનું જીવન સારું જ છે. તારી ભૂલ સુધાર, ફરી લડ તું ચોક્કસ જીતીશ’ આવો તેમના સંવાદનો ભાવાર્થ હતો. બાપ-દીકરીના અલગ વિચારો માટે તેઓ થોડા સમય માટે એકબીજા સાથે બોલવાનું બંધ કરે છે. પણ દીકરીને જરૂર પડે છે અને તે એક ફોન કરે છે. થોડીક ક્ષણો કશુંજ બોલતી નથી, તેનું એક ડૂસકું આમીરખાનને પીગળાવી દે છે. ટીનએઈજ બાળકોને પણ ઘણીવાર માતાપિતા સાથે વિચારભેદ થાય અને પરસ્પર સંવાદ ઓછો થઈ જાય. વાતો થતી બંધ થઇ જાય. પણ જ્યારે તેમને જરૂર પડે છે ત્યારે તો માતાપિતા બધું જ ભૂલી તેમના માટે કશું પણ કરવા હંમેશા તૈયાર જ હોય છે. બાળકોની ભૂલને માતાપિતા ક્યારેય દિલમાં લાંબા સમય સુધી રાખતા નથી. માતાપિતાનું મન અને તન તો હમેશા બાળકોને બિનશરતી પ્રેમ આપવા પ્રજવલિત જ રહેતું હોય છે. આ પિકચર માટે આમિરખાને ૨૮ કિગ્રા વજન વધાર્યું અને પછી થોડા જ સમયમાં ઘટાડ્યું. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘શરૂઆતનું ૨૦ કિગ્રા તો ફટાફટ વધી ગયું. છેલ્લું આંઠ કિગ્રા વજન વધારવું ખુબ અઘરું પડ્યું. રોજ હું એટલા બધા આઈસ્ક્રીમ અને ફેટી ફૂડ ખાઉં તો પણ બીજા દિવસે માત્ર ૧૦૦ ગ્રામ વજન વધ્યું હોય.’ આપણે મોટાભાગે વજન ઘટાડવાની તકલીફો વિશે જ સાંભળ્યું હોય છે. વજન વધારવું પણ આટલું અઘરું હોય તે જાણવું પણ રસપ્રદ કહેવાય. અને પાછુ મૂળ વજન પર આવવું તે તો કેટલું અઘરું કહેવાય. જે માતાપિતા અને તેમના ટીનએઈજ બાળકોએ આ પિક્ચર સાથે બેસીને જોયું હશે તેઓએ ઓછામાં ઓછુ એક સીનમાં તો એકબીજાની સામે જોયું જ હશે કારણકે પિકચરનું દ્રશ્ય તેમના જીવનમાં હકીકત સ્વરૂપે બન્યું હશે. ભલે પિકચરમાં આમીરખાનની દીકરીએ છેલ્લી ક્ષણોમાં જ જીત મેળવી. જીવનમાં પણ તમારે છેલ્લી ક્ષણ, છેલ્લો પ્રશ્ન કે છેલ્લો બોલ ફેકાય ત્યાં સુધી હાર માની નાં લેવી. અડધેથી હવે હું હારી જ ગયો એવું તો કદાપી નાં માનવું. બને કે એ છેલ્લો બોલ, છેલ્લો પ્રશ્ન કે છેલ્લી ક્ષણ જ તમારું જીવન બદલનારી હોય. ક્યારેય give up નાં કરો. ( ડો.આશિષ ચોકસી-મધુરિમા. દિવ્યભાસ્કર-જાન્યુઆરી ૨૦૧૭) 21. દરેક દાખલાને જવાબ હોય છે. એક ગામમાં એક સંત પ્રવચન આપી રહ્યા હતા. તેઓ જીવનને પોઝીટીવ રીતે લેવા માટે ગણિતના દાખલાનું ઉદાહરણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું સારી વાતોનો સરવાળો કરો. ખરાબ પ્રસંગો કે ખરાબ વ્યક્તિઓની બાદબાકી કરો. કોઈએ તમને પ્રેમ, આનંદ કે સુખ આપ્યું હોય તેવી સ્મૃતિઓનો ગુણાકાર કરો. ઈર્ષા અને લોભ નો ભાગાકાર કરો. ગામના લોકો સંતની વાણી સાંભળી ખુશ થઇ ગયા. છેલ્લી હરોળમાં બેઠેલા એક ગામડીયાભાઈને તેણે શું સાંભળ્યું અને શું ગ્રહણ કર્યું તે ચકાસવા સંતે પ્રશ્ન પૂછ્યો, ‘ભાઈ તું ગણિતના દાખલા પરથી શું શીખ્યો?’ ગામડિયાએ જવાબ આપ્યો, ‘દરેક દાખલાને જવાબ હોય છે.’ સંત થોડા વિચારમાં પડી પછી ખુશ થઇ ગયા. જીવનમાં પણ દરેક સમસ્યાનું નિરાકરણ હોય છે. પછી ભલેને જવાબ સુધી પહોચવા વધુ પ્રયત્નો કરવા પડે. સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ નિશાનીનો ઉપયોગ કરવો પડે પણ તમે પ્રયત્ન કરતા જ રહેશો તો જવાબ સુધી એટલે કે સમસ્યાના નિરાકરણ સુધી ચોક્કસ પહોચી શકશો. શતરંજની રમત પણ કેટલું સુંદર શીખવી જાય છે. જીવનમાં ક્યારેક જીતવા માટે આપણે પાછળ પણ જવું પડે. ક્યારેક પાછા ડગ આપણી સ્થિતિ સુધારે છે અને વધુ સ્પસ્ટ કરે છે. સામેના માણસના મન અને દિલ જીતવા માટે આપણી નાની મોટી ખુશીઓનું બલિદાન પણ આપવું પડે. કોઈ કામમાં ક્યાંક અટક્યા હોઈએ આગળ કેમનું વધવું રસ્તો સૂઝતો નાં હોય તો કામ છોડી નાં દો પણ અલગ રીતે કામ કરવાની પદ્ધતિ વિચારો. થોડા સમય માટે મૂળ કામને બાજુ પર મૂકી અન્ય કામો કરો. શક્ય છે કે તમારા અટકેલા કામ માટે સુંદર રસ્તો મળી જાય. નાનું પોન પણ રાજા કે રાણીને હેરાન પરેશાન કરી મુકે છે. જીવનમાં પણ કોઈ નાના માણસની ક્ષમતાને ઓછી નાં માની લો. તમે વિચાર્યું પણ નાં હોય તેવું કામ તે સમય આવ્યે કરી બતાવશે. એકલા જ આગળ વધવા કરતા સાથે આગળ વધવાનો આનંદ જ અલગ હોય છે. સફળ થવા માટે આખી ટીમે જ એકબીજાના હાથ પકડી આગળ વધવું જોઈએ. 20.  અમારે પાયલને જોવી છે. ૧૯૯૬ના વર્ષની વાત છે.  મારી હોસ્પિટલની નજીક આવેલા ડો.પૂર્ણાબહેન પટેલના મેટરનીટી હોમમાં એક નવું જન્મેલું બાળક જોવા જવાનું થયું. બાળકના માતા-પિતાને મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકના માતા-પિતા બંને પ્રજ્ઞાચક્ષુ છે. પિતા મનહરભાઈ અને માતા દયાબહેને તરત પૂછ્યું, ‘અમારી દીકરીને બધું બરાબર છે ને? તે બરાબર જોઈ શકતી હશે ને?’ તેમની ચિંતા સમજી શકાય તેવી હતી. પતિ-પત્ની બંને દ્રષ્ટીવિહીન હોવા છતા જીવન પ્રત્યે ખુબ હકારાત્મક અભિગમવાળા અને ઉત્સાહી હતા અને એકલા જ હતા અર્થાત સયુંકત કુટુંબ ન હતું. બંને વ્યવસાયે સંગીતના શિક્ષક હોઈ તેમની દીકરીનું નામ પણ તેમના વ્યવસાયને અનુરૂપ પાયલ રાખ્યું હતું.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   પછી તો પાયલને લઈને તેમણે રસીકરણ અને નાનીમોટી તકલીફોને કારણે મને મળવા આવવું પડતું હતું આથી અમારે સારી દોસ્તી થઇ ગઈ. સામાન્ય બાળકની માતાને સ્તનપાનમાં પડતી કોઈ તકલીફ દયાબહેનને પડી જ નહીં. પાયલને અનુલક્ષીને પણ તેમને કોઈ વિશેષ પ્રશ્નો ન હતા. તેઓ મારા મોઢે પાયલનો વિકાસ કેમનો છે અને તે કેવી દેખાય છે તે સાંભળવા હંમેશા ઉત્સુક રહેતા. મને ઘણીવાર થતું કે નાના બાળકને આપવા પડતા અલગ અલગ ટીપાં, અને તેમાંથી પણ ચાર કે પાંચ ટીપાં નો ડોઝ હોય, ઘણીવાર ૨.૫ મિલી. કે ૪ મિલી. જેવો પણ ડોઝ હોય, તો આ બંને લોકો કેવી રીતે મેનેજ કરતાં હશે.? ભગવાને પણ જાણે પાયલને વરદાન આપ્યું હોય તેમ સામાન્ય બાળકો કરતા તેનો માનસિક વિકાસ અદભુત હતો. તે હસતા, વસ્તુઓ પકડતા અને ચાલતા ખુબ ઝડપથી શીખી ગઈ હતી. બંને માતા-પિતા પાયલને જોઈ શકતા ન હતા આથી તેના શરીર પર, માથા પર વાંરવાર હાથ ફેરવી તેમની દીકરીને અનુભવતા હતા. તેમણે તેમના ઘરમાં અવાજ વાળા રમકડાં વધુ રાખ્યા હતા. ભલે તેઓ જોઈ શકતા ના હોય પણ પાયલને તૈયાર કરવામાં, સુંદર કપડા પહેરાવવામાં અને સ્વચ્છ રાખવામાં કોઈ કચાશ રાખતા ન હતા. પાયલ એક વર્ષની થઇ અને તેઓ આવ્યા ત્યારે મેં પૂછ્યું, ‘પાયલને આટલા મોટા ઝાંઝર કેમ પહેરાવ્યા છે?’ તેમણે કહ્યું, ‘શું કરીએ, હવે તે ચાલતા દોડતા શીખી ગઈ છે. અમે તેને ઝાંઝરના અવાજની દિશા પરથી પકડી લઈએ છીએ.’ અન્ય જોઈ શકતા માતા-પિતાના બાળકોની જેમ તે પડી ગઈ હોય, વાગ્યું હોય કે દાઝી ગઈ હોય તેવું પાયલની સાથે બન્યું જ નહીં. ત્રણ વર્ષની પાયલને જ્યારે તેઓ મારા રૂમમાંથી બતાવીને બહાર નીકળતા ત્યારે પાયલ કન્સલ્ટીંગ રૂમના બારણા પાસે હાથ આડો કરીને ઉભી રહે અને તેના મમ્મી-પપ્પા નીકળી જાય પછી મને બાય કહી દોડી જાય. નાની ઉમરે તે તેના મમ્મી-પપ્પાનું ધ્યાન રાખતી થઇ ગઈ હતી. પાંચ વર્ષની પાયલ કોઈ પણ નવી વસ્તુ જુએ તો તેનું લાંબુ વર્ણન કરતી જાણે તે પોતાની દ્રષ્ટીથી તેના માતાપિતાને દુનિયાની સુંદરતાનો અહેસાસ કરાવવા માંગતી હતી. અમારા બાળકોના ડોકટરોને તો આ ઉમરના બાળકો તેમના માતાપિતાને વધુ પ્રશ્નો પૂછે તેવો અનુભવ હોય છે. મનહરભાઇએ તેમને મળેલી નબળાઈ ને ચેલેન્જમાં ફેરવી નાખી જ્યારે આંઠ વર્ષની પાયલની સ્કુલમાં વેશભૂષાની હરીફાઈ હતી. પાયલ અંધ વ્યક્તિનો અભિનય કરી પ્રથમ આવી. પોતાની નબળાઈને બાળક દવારા અભિનયના માધ્યમથી દુનિયાને બતાવવી તે  કાચાપોચાનું કામ નહીં. ૧૪ વર્ષની પાયલને  જ્યારે કુતરું કરડ્યું અને તેને હડકવા વિરોધી રસીના પાંચ ઇન્જેક્શન લેવા પડ્યા એ સિવાય મે ક્યારેય તેમને દુખી જોયા નથી. ૧૫ વર્ષ સુધી પાયલના  બધાજ કાગળ તેમની પાસે હંમેશા વ્યવસ્થિત ગોઠવેલા તૈયાર જ રહેતા. પાંચ વર્ષ પહેલાનું કોઈ કાગળ માંગો તો પણ પાયલની ફાઈલમાં આંગળીઓ ફેરવી તેઓ તુરંત જોઈતો કાગળ કાઢી આપતા. ઈશ્વરે આપણને ઘણું આપ્યું હોય છે છતા આપણામાંના ઘણાને જીવન પ્રત્યે હંમેશા ફરિયાદ અને અસંતોષ રહેતો હોય છે. મનહરભાઈ  અને દયાબહેન પાસેથી આપણને જે મળ્યું છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જીવનને માણવું અને સુંદર બનાવવું તે શીખી શકાયું. એક વાર મનહરભાઈ હસતા હસતા બોલી ગયા હતા કે ઈશ્વર થોડીક ક્ષણો માટે જો  દ્રષ્ટી આપે તો પાયલ કેવી દેખાય છે તે  જોવાનું જ વરદાન અમે માંગી લઈએ. પાયલ  ૧૫ વર્ષની થઇ અને તેઓએ ઘર બદલ્યું પછી તેઓનો સંપર્ક થયો નથી. અત્યારે પાયલ ૨૨ વર્ષની તરુણી થઇ ગઈ હશે હું પણ તેને મળવા ઈચ્છું છું. (રાજપથ ક્લબ વાર્ષિક અંક - જાન્યુઆરી ૨૦૧૭, જાગૃતિ અભિયાન જુલાઈ ૨૦૧૮) 19.  સ્તનપાન આપતી માતાએ અનુસરવા જેવો નિયમ  M O T H E R બાળકના જન્મ પછી પ્રથમ કલાકથી માતાએ નવજાતશિશુને ધાવણ આપવાનું શરૂ કરવાનું હોય છે. માતા નવજાતશિશુને પહેલા છ મહિના ફક્ત ધાવણ આપે તે બાળક તેમજ માતા બન્ને માટે ફાયદાકારક છે. માતા ચિંતામુક્ત રહીને સફળતાપૂર્વક આ કાર્ય સારી રીતે નિભાવી શકે તે માટે તે શું કરે છે તેવો અલગ અલગ ઉમર, સામાજિક વર્ગ તેમજ જ્ઞાતિની માતાઓ નો અભિપ્રાય લીધો હતો તેનો સાર જણાવું છું. મજાની વાત એ છે કે અલગ અલગ માતાએ પોતે પોતાની રીતે જ પ્રયત્નો કર્યા હતા જેમકે સંગીત (music), પ્રવાહી (oral fluids), અન્યની સાથે વાત (talk), શોખ ( hobby), હળવી કસરત (exercise), વાંચન (reading) માંથી દરેકનો પહેલો અક્ષર લઈએ તો ‘M O T H E R’ શબ્દ બને છે. ચાલો દરેક અક્ષરને આપણે વિગતવાર સમજીએ. MUSIC (સંગીત) : સંગીત ચોક્કસપણે પ્રસુતાનો ડર અને ચિંતાને ઓછી કરે છે. ઘણી બધી હોસ્પિટલોમાં માતાની પ્રસુતિ વખતે હળવું સંગીત ચાલુ રખાય છે. સંગીત પ્રસુતાની પીડા ઓછી કરે છે એવું નથી, પરંતુ પીડા સહન કરવાની શક્તિ વધારે છે તેવું ચોક્કસપણે કહી શકાય. ધાવણ આપતી માતા, કાંગારું કેર કરાવતી માતા ધાવણ આપતા પહેલા પાંચ મિનિટ શાંત ચિત્તે મનગમતું સંગીત સાંભળે તો ધાવણના જથ્થાની માત્રામાં થોડો વધારો થઇ શકે છે. કોઈ તકલીફવાળા નવજાત શિશુનાં જન્મ બાદ જ્યારે તેને ICU (સઘન સારવાર વિભાગ) માં ખસેડવું પડે તે બાળકની માતાને સંગીત સાથે સુંદર બાળકના ફોટા બતાવતા તેનામાં હકારાત્મક વિચારો ઉદભવે છે. અહીં બાળક માતા સાથે નથી છતાં માતામાં હકારાત્મક વિચારોને કારણે તેનું પોતાનું કાઢેલું ધાવણ (EBM) સારી માત્રામાં મેળવી શકાય છે. આ EBM અર્થાત experesed breast milk નવજાત શિશુને ખુબ મદદરૂપ થતું હોય છે. ચોક્કસ પ્રકારના ગીતો તેમજ હાલરડાં સાથેના શારીરિક સ્પર્શથી નવજાતશિશુ પણ પોતાની તકલીફો ભૂલીને થોડીવાર માટે શાંત થઇ જતું હોય છે. Oral fluids (પ્રવાહી) : ધાવણ આપતી માતાએ પોતાને  મનગમતું પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. શક્ય હોય તો દરેક વખતે ધાવણ આપવાની પાંચ મિનિટ પહેલા એક ગ્લાસ કોઈ પણ પ્રવાહી જેમકે જ્યુસ, સૂપ, છાસ, દૂધ અથવા સાદું પાણી પીવું જોઈએ. પુરતું પ્રવાહી ધાવણ આપતી માતાનો થાક, માથાનો દુખાવો, અશક્તિ વગેરે દુર કરે છે. ઉનાળામાં તાવ કે ઝાડા થયા હોય તેવી ધાવણ આપતી માતા તેમજ પોતાનું જ કાઢેલું ધાવણ (EBM) આપતી માતાએ પ્રવાહી યાદ રાખીને વધુ લેવું જોઈએ. પ્રવાહી વધુ લેવાથી ધાવણ વધુ આવે છે તેવું નથી હોતું પરંતુ વધુ પ્રવાહી લેનાર માતા તાજગી અને હળવાશ અનુભવે છે. થાક પણ ઓછો લાગે છે. તેને પેશાબમાં ચેપ લાગવાની અને કબજિયાત થવાની શક્યતા ઓછી રહે.છે. Talk (વાતો) : ધાત્રી માતાએ જ્યારે પણ તેનું બાળક સુઈ ગયું હોય ત્યારે કુટુંબના સભ્યો સાથે, પાડોશી સાથે કે પોતાની મિત્ર સાથે રૂબરૂ કે ફોનથી ૧૫ થી ૨૦ મિનિટ વાતો કરવી જોઈએ. ધાત્રી માતા અન્યને સાંભળે, અન્યની તકલીફો સાંભળે તો તે પોતાની મુશ્કેલીઓ સારી રીતે સંભાળી શકે અને સહન કરી શકે છે. માતા આ સમયને હકારાત્મક રીતે લઇ શકે તે માટે તેણે અન્યને મળવું, અન્ય સાથે વાતો કરવી ખુબ જરૂરી હોય છે. અન્ય અનુભવી માતાના અનુભવો તેમજ વિચારોને સાંભળવાથી ખાસ કરીને પ્રથમ વખત થતી માતાને વિશેષ ફાયદો થતો હોય છે. Hobby (શોખ) : પોતાને મનગમતી પ્રવૃત્તિ જેમકે સંગીત સાંભળવું, વાંચન કરવું, ચિત્રકામ કરવું કે ચાલવું વગેરે થોડી મિનિટો કરીને પણ માતા પોતાનામાં એક હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. પોતાને જે ગમે છે અને પોતે જે શોખ વર્ષોથી પૂરો કર્યો છે તેને માટે થોડીક મિનિટો પણ ફાળવવાથી નવી જવાબદારી માતા સારી રીતે નિભાવી શકે છે. Exercise (કસરત) : ગાયનેક ડોકટરના માટે હળવી કસરત, યોગાસન કે પ્રાણાયામ ત્રણ અઠવાડિયા પછી ચાલુ કરી શકાય. કોઈ પણ પ્રકારની કસરત ચાલુ કરતા પહેલા ગાયનેક ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. હળવી કસરત ઓક્સીટોસીન અંતઃસ્ત્રાવ જેને ‘લવ હોર્મોન’ કહે છે તેનું પ્રમાણ માતાનાં શરીરમાં વધારે છે. આ અંતઃસ્ત્રાવ માતાનાં શરીરને મૂળ સ્થિતિમાં લાવવા ઉપરાંત માતાની ચિંતા, ગભરાટ અને ડર ને ઓછો કરે છે. Reading (વાંચન) : મેગેઝીન, રોજના છાપા કે ધાર્મિક પુસ્તકના વાંચનથી મગજમાં નવા વિચારોનું સર્જન થાય છે. માતા તેની અત્યારની ચિંતા અને તકલીફોને સારી રીતે સંભાળી શકે છે. આમ દરેક માતા ‘M’, ‘O’, ‘T’, ‘H’, ‘E’, ‘R’ માંથી જે વસ્તુ પોતાના માટે શક્ય હોય તે કરી આ સમયગાળો આનંદીત અને યાદગાર બનાવી શકે છે. અને તે બાળકને પહેલા ૬ માસ ફક્ત ધાવણ સફળતાપૂર્વક આપી શકે. તેના બાળકને ધાવણ સિવાય OTHER અર્થાત અન્ય કોઈ વસ્તુની જરૂર જ ના પડે. ( ડો.આશિષ ચોક્સી - દિવ્યભાસ્કર ૬/૫/૨૦૧૪ ) 18.  નાના માણસની મોટાઈ સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં એક સર્જન ડો. પિયુષ શાહ અને તેમના ગાયનેકોલોજિસ્ટ પત્ની ડો.અલ્પા શાહ  લગભગ ૨૦ વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. એક દિવસ સાંજની OPD પૂરી કરી ઘરે આવી બંને જણા જમતા હતા અને હોસ્પિટલથી એક પેશન્ટ માટે ફોન આવ્યો. ફોન ડો.અલ્પા માટેનો હતો. પ્રસુતિના છેલ્લા દિવસો અને દુખાવા સાથે એક પેશન્ટ હોસ્પિટલ આવેલ. આવો ફોન આવે તો ડો. પતિ-પત્ની હંમેશા સાથે જ હોસ્પિટલ જતા. કેટલીવાર લાગશે તેનું કાઈ નક્કી નહીં અને કદાચ સિઝેરિયન કરવું પડે તો પત્નીને મદદરૂપ થઇ શકાય એ આશયથી ડો.પિયુષ પણ સાથે જતા. હોસ્પિટલ પહોચી ડો.અલ્પા પેશન્ટને પ્રસુતિરૂમમાં લઇ તેમના કામમાં લાગી ગયા. ડો.પિયુષ કન્સલ્ટીંગરૂમમાં છાપા વાંચી સમય પસાર કરતા હતા. થોડીવાર પછી તેમણે તેમના સ્ટાફને પેશન્ટ પાસેથી રૂ. ૫૦૦૦ એડવાન્સ લેવાની સુચના આપી. પેશન્ટને મળી સ્ટાફે ડો.પિયુષને જણાવ્યું કે હાલ તેમની પાસે પૈસા નથી, કાલે તે જમા કરાવી દેશે. ડો.પીયુશે થોડું કડક થઇ સ્ટાફને જણાવ્યું કે એવું નહીં ચાલે અત્યારે એમની પાસે જેટલા પૈસા હોય જમા કરાવે અને બાકીના કાલે આપે. થોડીવાર પછી સ્ટાફ તેના હાથમાં થોડી ૧૦૦ રૂની, થોડી ૫૦ રૂની અને થોડી ૧૦ રૂની ચોળાયેલી નોટો સાથે રૂમમાં આવ્યા અને ડો. ને જણાવ્યું કે હાલ બધું જ થઇ તેમની પાસે ૧૧૭૦રૂ નીકળ્યા છે બાકીના પછીથી આપશે. ડો.પિયુષને અકળામણ થઇ, તેમણે સગાને કન્સલ્ટીંગ રૂમમાં બોલાવવાની સુચના આપી. થોડીવાર પછી થોડી અંદર ઉતરી ગયેલી આંખો, ઘસાયેલા કોલરવાળું શર્ટ અને લઘરવઘર કપડા સાથે એક ભાઈ રૂમમાં આવ્યા. ડો.પીયુશે તેમને થોડી કડક ભાષામાં કહ્યું, ‘પત્નીને છેલ્લા દિવસો જાય છે તો પૈસા ભેગા કરવાની ખબર નથી પડતી? પ્રાઈવેટ હોસ્પિટલમાં બાળકને જન્મ અપાવવો હોય, ડોક્ટર ઈમરજન્સીમાં આવે તેવી આશા રાખતા હો તો થોડા મહિના અગાઉથી પૈસા ની વ્યવસ્થા કરવી જોઈએ ને.’ દર્દીના પતિએ બે હાથ જોડી ડો.પિયુષને કહ્યું, ‘ગરીબ છું, મજુરી કરું છું, જેમતેમ કરીને કુટુંબનું પૂરું કરું છું. ઉધાર લાવીને પણ તમારું બિલ પૂરું કરી જ દઈશ. થોડો અમારા જેવા માટે દયાભાવ રાખજો.’ હવે  ડો.પિયુષ થોડા કુણા થયા અને સગાને કહ્યું, ‘યાદ રાખીને બિલ ભરી દે જે અને રજા લે ત્યારે બરાબર સરનામું લખાવીને જજે.’ સગા રૂમની બહાર ગયા પછી ડો.પિયુષને થયું કે આ માણસને જરૂર ક્યાંક જોયો છે. તેનો ચહેરો પરિચિત છે. તેમણે ફરી એ ભાઈને બોલાવ્યા અને તે શું કરે છે અને ક્યાં રહે છે તે પૂછ્યું. દર્દીના સગાએ થોડા ખુશ થઇ ઉત્સાહ થી કહ્યું, ‘અહીં ગામની બહાર શેરડીનો સંચો છે.’ ડો.પીયુશે પૂછ્યું, ‘એસ.ટી સ્ટેન્ડની બાજુમાં?’ દર્દીના પતિએ કહ્યું, ‘હા એ જ સંચો મારો છે. તમે ભૂલી ગયા સાહેબ? એક વાર તમે મારે ત્યાં શેરડીનો રસ પીવા આવ્યા હતા.’ હવે ડો.પિયુષનાં સ્મૃતિપટ પર લગભગ ત્રણ મહિના પહેલાનો પ્રસંગ યાદ આવ્યો. તેઓ બહારગામથી પાછા આવતા હતા. ગામમાં પ્રવેશતા જ તેમને હોસ્પિટલમાંથી તાત્કાલિક આવવા માટે ફોન આવેલ. ડો.પિયુષને થાક સાથે ખુબ તરસ પણ લાગેલ. તેમની નજર આ શેરડીના રસના સંચા પર પડી. તેમણે ગાડી થોભાવી ફટાફટ એક ગ્લાસ રસ આપવા કહ્યું. શેરડીના રસવાળાએ તરત સ્વચ્છ ગ્લાસમાં ફીણવાળો તાજો રસ આપ્યો. એ ગ્લાસ ગટગટાવી ડો.પીયુષે બીજા ગ્લાસની માંગણી કરી. રસવાળાએ તેમના ગ્લાસમાં જ તેની તપેલીમાંથી બાકીનો રસ ઠલવ્યો પણ પોણો ગ્લાસ ભરાયો. એ પણ ડો.પિયુષ પી ગયા. સરસ મઝાનો ઠંડો શેરડીનો રસ પી ને ડો.પિયુષ ફ્રેશ થઇ ગયા અને રસવાળાને પૈસા માટે પૂછ્યું. રસવાળાએ ૧૦રૂ માંગ્યા. ડો.પિયુષે ખીસામાં પર્સ લેવા હાથ નાખતા પૂછ્યું, ‘કેમ ૧૦ જ રૂપિયા? મેં તો બે ગ્લાસ પીધા છે.” પેલાએ જવાબ આપ્યો, ‘સાહેબ બીજો ગ્લાસ પૂરો ક્યાં આપ્યો છે. તપેલીમાં હતો એટલો આપ્યો.’ ડો.પિયુષને માણસની ઈમાનદારી માટે સારું લાગ્યું સાથે તેમણે જોયું કે પોતાના પર્સમાં ફક્ત ૫૦૦રૂ ની જ નોટો છે. છુટા ૧૦રૂ નથી. રસવાળાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેની પાસે પણ ૫૦૦રૂ ના છુટા હતા નહીં. ડો.પિયુષ કહે એ પહેલા જ તેણે કહ્યું, ‘કાઈ વાંધો નહીં સાહેબ તમે જાવ. તમને મોડું થશે. આ બાજુ ક્યારેક નીકળો અને યાદ આવે તો પૈસા આપી જજો.’ ડો.પિયુષ પોતાની હોસ્પિટલ જવા નીકળી ગયા.  હવે પાછા વર્તમાનમાં આવતા ડો.પિયુષને પોતાના પર શરમ આવી તેઓ મનોમન વિચારતા હતા, ‘આ માણસ માટે ૧૦રૂ પણ કેટલી મોટી વસ્તુ હતી. મારી પાસે છુટા ન હતા તો પણ મને એક પણ વાક્ય તેણે સંભળાવ્યું નહીં. યાદ આવે તો જ પૈસા આપી જવા કહ્યું. લગભગ બે ગ્લાસ રસ પીવડાવી એક જ ગ્લાસના પૈસા માંગ્યા. મારું સરનામું કે પૈસા આપી જવા માટે કોઈ ખાતરી માંગી નહીં. અહીં રૂમમાં પહેલા બોલાવ્યો ત્યારે પણ તે તો મને ઓળખી જ ગયો હતો પણ મેં તેના સંચા પર મફત રસ પીધો અને ત્રણ ત્રણ મહિના થઇ ગયા. મને તેના પૈસા આપવાનું યાદ આવ્યું નથી તે વાત પણ તે યાદ નથી કરતો. ભલે એ પૈસાથી ગરીબ છે પણ વિશાળ હૃદય, ઈમાનદારી અને સજ્જનતામાં મારાથી ઘણો જ અમીર છે.’  17.  જીવનની ખુમારી એક દંપતીએ તેમના ખાસ મિત્રો, નજીકના સગાઓને એક દિવસ ડીનર માટે આમંત્રણ આપ્યું. તેમણે સગા અને મિત્રો ઉપરાંત જે લોકો પણ તેમની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોય તે બધાને આમંત્રણ આપ્યું હતું જેમકે વર્ષોથી આવતા દૂધવાળાભાઈ, તેમના ડ્રાયવર. અરે વર્ષોથી ભાઈ જેની પાસે તેમના વાળ કપાવતા હતા તે નાઈ ને પણ તેઓ ભૂલ્યા ન હતા. ડીનરના દિવસે પતિ-પત્ની ખુબ જ ખુશ જણાતા હતા. તેમના પત્ની ખુબ સરસ તૈયાર થયા હતા. તેમના પતિએ પણ સુંદર થ્રી પીસ સુટ સાથે લીલા રંગની ટોપી પહેરી હતી. બધાને એક જ પ્રશ્ન હતો કે અમને બધાને આ પાર્ટી આપવાનું કારણ શું? પતિ-પત્ની હસતા હસતા જવાબ આપતા પહેલા તમે બધા જમી લો પછી આપણે શાંતિથી વાત કરીએ. લગભગ ૨૫૦ જેટલા નજીકના આમંત્રિતોને તેમણે ખુબ ભાવ પૂર્વક જમાડ્યા. બધા જમ્યા તો ખરા પણ દરેકના મનમાં પાર્ટીનું કારણ જાણવાની પણ આતુરતા હતી. બધાએ પ્રેમથી જમી લીધું, આઈસ્ક્રીમ તથા મુખવાસ પણ ખાઈ લીધો. હવે પાર્ટીનું કારણ જાણવાનો સમય આવી ગયો હતો. પતિ-પત્ની હોલમાં વચ્ચે આવી ગયા અને મહેમાનોને સંબોધવા લાગ્યા. હોલમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. પત્નીએ વાત શરુ કરી. “હું અને મારા પતિ તમારા બધાના ખુબ આભારી છીએ. તમે બધા અમારા જીવનનો એક ભાગ છો. છેલ્લા ૩૦ વર્ષમાં અમારા જીવનમાં નાની-મોટી ખુશીનું કારણ તમે બધા છો. અમારા નબળા સમયમાં તમે માધુર્ય ભર્યું હતું અને ઓજસ પાથર્યો હતો. મારા પતિની અન્નનળીના કેન્સરનું નિદાન બે વર્ષ પહેલા થયું હતું. તમારા પ્રેમને કારણે અમને આ મુશ્કેલીમાં લડવાની હીંમત મળતી હતી. રેડિઓથેરાપી, કિમોથેરાપી સહિત બધા જ પ્રયત્નો થઇ ચુક્યા છે. દેશ-વિદેશના અનુભવી ડોક્ટરોના અભિપ્રાય લેવાઈ ચુક્યા છે. થોડા દિવસ પહેલા અમને કહેવામાં આવ્યું કે મારા પતિને ટ્રીટમેન્ટ ફાયદો કરી શકી નથી. કેન્સર ફેફસા, લીવર સહિત શરીરમાં ઘણી જગ્યાએ ફેલાઈ ચુક્યું છે. તેઓ તેમના બધા જ વાળ ગુમાવી ચુક્યા છે આથી તેમણે ટોપી પહેરવી પડી છે. વધુમાં વધુ ત્રણ-કે ચાર મહિના જેટલો સમય હવે મારા પતિની પાસે આ દુનિયામાં રહેવા માટે રહ્યો છે. અમે અમે વિચાર્યું કે તેમની વિદાય પણ પ્રભુની ઈચ્છા છે. શા માટે વિદાયને પણ ઉત્સવપૂર્ણ નાં બનાવવી? શા માટે બાકી રહેલો સમય દુઃખમાં વિતાવવો. આજે પણ તમારી બધાની સમક્ષ અમને ખુબ આનંદ થાય છે. તમે બધાએ અમારા જીવનના કોઈને કોઈ ભાગને એટલો જીવંત રાખ્યો હતો કે જીવન આટલું સુંદર હોય તે તમારા બધા પાસે રહી શીખી શકાયું હતું. જીવનની આ exit પણ આપણે આનંદથી સાથે ઉજવી તે અમારું સૌભાગ્ય છે. શરીરના દરેક ભાગમાં ફેલાયેલા કેન્સર માટે હવે સારું થાય તે આશા રાખવી નિરર્થક છે પણ પ્રભુ ઈચ્છાથી થોડા વધુ દિવસ જીવનમાં મળ્યા તો ફરી મળીશું. કોઈ પણ રીતે  તમારા હદયને દુઃખ પહોચે એવું અમારાથી વર્તન થયું હોય તો ક્ષમા આપજો. આવજો........” હોલમાં સન્નાટો છવાઈ ગયો. થોડા વખત પહેલા આનંદથી ભોજન લઈ રહેલા મોટાભાગના લોકોની આંખના ખૂણા ભીના થઇ ગયા હતા. હાજર રહેલ દરેકને એક સુંદર બોક્ષમાં ભેટ પણ આપવામાં આવી. ધન્ય છે આ પતિ-પત્નીની ખુમારીને. જેવું આચાર્ય રજનીશે કહેલું તેમ જીવનના દિવ્યઆનંદ અને પરમ આનંદને અંત ભાગમાં પણ ઉત્સવ સ્વરૂપે જોવાની તેમની દ્રષ્ટિને. 16.  ૨૬/૦૮/૨૦૧૮  કર્ટની વોર્લ્શની ખેલદિલી એ દિવસ હતો ૧૬ ઓકટોબર ૧૯૮૭નો. તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે આજથી લગભગ ૨૯ વર્ષ પહેલાનો આ દિવસ ક્રિકેટ ઇતિહાસમાં ખેલદિલી અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ માટે લખાવાનો હતો. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ૧૯૮૭ના ક્રિકેટ વર્લ્ડ કપની એક દિલધડક મેચ રમાઈ રહી હતી. બંને દેશો માટે આ મેચ ખુબ જ અગત્યની હતી. જે જીતે તે સેમીફાયનલમાં પહોચે અને જે દેશ હારે તે વર્લ્ડકપમાંથી ફેકાઇ જાય તેવી સ્થિતિ હતી. છેલ્લા દસકામાં વિશ્વભરના ધુરંધર બેટ્સમેનોને હંફાવનારા સ્ટાર બોલરો જેવાકે માલ્કમ માર્શલ, માઈકલ હોલ્ડીંગ, જોએલ ગાર્નર અને એન્ડી રોબર્ટ્સ વિના વેસ્ટ ઇન્ડીઝની ટીમ રમી રહી હતી. તેમનો સઘળો આધાર છ ફૂટ છ ઈંચની લંબાઈ પણ વિશાળ હદય ધરાવતા કર્ટની વોલ્શ પર હતો. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ દાવ લઈને ૫૦ ઓવરમાં ૨૧૬ રન કર્યા હતા. પાકિસ્તાને જીતવા ૨૧૭ રન કરવાના હતા. ૪૯ ઓવરમાં પાકિસ્તાનની નવ વિકેટ પડી ચુકી હતી. છેલ્લે એ પરિસ્થિતિ આવીને ઉભી રહી કે જીત માટે પાકિસ્તાને ચાર બોલમાં ૧૨ રન કરવાના હતા. અબ્દુલ કાદિર અને છેલ્લો બેટ્સમેન સલીમ જાફર ક્રીઝ પર હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કર્ટની વોલ્શ ૫૦મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. તે આ મેચમાં અદભુત ફોર્મમાં હતો. તેણે જાવેદ મિયાદાદ, સલીમ મલિક અને ઇમરાનખાન જેવા ધુરંધરોને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. ૫૦મી ઓવર શરૂ થઇ ત્યાં સુધીમાં તે ૯ ઓવરમાં ૨૬ રન આપીને ચાર વિકેટ લઇ ચુક્યો હતો. બાકી રહેલા ચોથા, ત્રીજા અને બીજા બોલે કાદિરે અનુંક્રમે ૨, ૬ અને ૨ રન બનાવી લીધા હતા. હવે છેલ્લો બોલ બાકી હતો. પાકિસ્તાનને સેમી ફાયનલમાં પહોચવા ૨ રન જોયતા હતા. વેસ્ટ ઇન્ડીઝને સેમી ફાયનલમાં પહોચવા ૧ વિકેટ જોઈતી હતી. સામાન્ય રીતે આવી સ્થિતિ હોય ત્યારે ત્રણ શક્યતા રહે. કોઈ એક ટીમ હારે, બીજી ટીમ જીતે અથવા મેચ ટાઈ (બરાબરની) થાય. પણ અહીં કોઈએ પણ નાં વિચારી હોય તેવી ચોથી શક્યતા થવાની હતી. કર્ટની વોલ્શે દોડવાનું ચાલુ કર્યું. આખા સ્ટેડિયમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. જ્યારે વોલ્શ બોલ ફેંકવા અમ્પાયર સુધી પહોચ્યા ત્યારે હાજર પ્રેક્ષકોનાં શ્વાસ જાણે ડબલ ગતિમાં ધડકતા હતા. પણ આ શું? કર્ટની વોલ્શે બોલ ફેક્યો જ નહીં. નન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલ સલીમ જાફર બોલ ફેંકાયા પહેલા ક્રીઝની બહાર ચાર ડગલાં દોડી ગયો હતો. વોલ્શે ધાર્યું હોત તો શાંતિથી બેલ્સ ઉડાવી સલીમ જાફરને રન આઉટ કરી મેચ ખીસામાં મૂકી દીધી હોત. પણ વોલ્શે આવું નાં કર્યું. માણસનું ખરું વ્યક્તિત્વ તેણે બધું જ ગુમાવી દીધું હોય અથવા તેને છેલ્લી તક મળતી હોય ત્યારે તે જે વર્તન કરે તેમાં પ્રગટ થાય છે. કમરે હાથ રાખી ખુબ જ નમ્રતાથી વોલ્શે સલીમ જાફરને ક્રિઝમાં પાછા આવી જવા વિનંતિ કરી. હવે જ્યારે તેણે છેલ્લો બોલ ફરી નાખ્યો ત્યારે કાદિરે બે રન મેળવી પાકિસ્તાનને જીતાડી આપ્યું. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ વર્લ્ડકપના ઇતિહાસમાં પહેલી વખત સેમીફાઈનલ સુધી પણ નાં પહોચી શક્યું. ભલે વેસ્ટ ઇન્ડીઝ મેચ હારી ગયું પણ આજે એ પ્રસંગના ૨૯ વર્ષ પછી પણ ક્રિકેટ રસિકો આ ખેલદિલ ઘટના ભૂલી શક્યા નથી. વોલ્શે દુનિયાને એ બતાવી આપ્યું કે જીત કે હાર મહાન નથી પરંતુ રમત મહાન છે. ક્રિકેટ ચાહકોના દિલમાં વોલ્શે કાયમી સ્થાન લઇ લીધું હતું. દુનિયાભરના અખબારોએ આ મેચના પરિણામ કરતા આ ઘટનાને પ્રથમ પાને મહત્વ આપ્યું હતું. ક્રિકેટમાં જ્યારે જ્યારે સ્પોર્ટ્સમેન સ્પિરિટની વાત આવે છે ત્યારે આ મેચ અને કર્ટની વોલ્શનું ઉદાહરણ યાદ કરવામાં આવે છે. પાકિસ્તાનના જર્નલ ઝિયા ઉલ હકે વોલ્શની ખુબ પ્રશંસા કરી અને કરાંચીનું પ્રખ્યાત હાથેથી ભરેલું કાર્પેટ ભેટમાં આપ્યું. અહીં એ ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે ICC એ (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે) ઈ.સ ૨૦૧૦માં કર્ટની વોલ્શને ક્રિકેટમાં તેની વીશીષ્ટ સેવાઓ બદલ ‘હોલ ઓફ ફેઈમ’ ક્રિકેટરોની યાદીમાં તેનું નામ સમાવિષ્ટ કરી તેમને સન્માનિત કર્યા. કર્ટની વોલ્શે ટેસ્ટમાં ૫૧૯ અને વનડે ક્રિકેટમાં ૩૨૧ એમ કુલ થઈને ૮૨૦ જેટલી વિકેટો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધી હતી. 15. ૨૫/૦૮/૨૦૧૮  રોજના ૧૦૦ રૂ બીજાને માટે આમ તો શંકરભાઈ તેમની પુત્રીને બતાવવા ઘણી વખત આવતા. તેઓ બેંક ઓફ બરોડાના રીટાયર્ડ કર્મચારી હતા. મારી હોસ્પિટલની નજીક જ રહેતા હતા. લગભગ ૧૫ વર્ષથી તેઓ મળતા હોઈ તેમના નિસ્વાર્થ સેવાભાવી સ્વભાવથી હું પરિચિત હતો. તેમનું એક કાર્ય ખુબ ગમી ગયું હતી એ કે રોજ કોઈના માટે ૧૦૦ રૂ ખર્ચ કરવા. તેઓ કહેતા, ‘મને ૧૫,૦૦૦ રૂ જેટલું માસિક પેન્શન આવે છે. ઈશ્વરકૃપાથી બાળકો સુખી છે. મને મારી જરૂરિયાત ઉપરાંત કઈક વધુ ઈશ્વરે આપ્યું છે.’ છેલ્લા ચાર વર્ષથી તેઓએ રોજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધી તેને ૧૦૦ રૂ ની મદદ કરવાનો નિયમ જાળવી રાખ્યો છે. કહે છે ને કે ધનવાન માણસો કરતા મુલ્યવાન માણસો પૈસાનો ઉપયોગ વધુ સારો કરી શકે છે. સવારના આઠ થી દસ વચ્ચે તેમનું સરનામું કોઈ સરકારી પ્રાથમિક શાળાની બહાર, કોઈ મંદિરની બહાર કે કોઈ મેડીકલ સ્ટોરની બહાર ઉભા રહી જરૂરિયાતમંદ વ્યક્તિને શોધવા માટેનું રહ્યું છે. કોઈ સંસ્થામાં એક સાથે ૫૦૦૦ રૂ નો ચેક આપવો ઘણો સહેલો છે. તેનાથી એક ચોક્કસ સંસ્થા કે ચોક્કસ જૂથને લાભ અવશ્ય મળે પણ દુનિયામાં ઘણી જરૂરિયાત વ્યક્તિઓ છે કે જેમને આર્થિક મદદની ખરેખર જરૂર છે પણ તેઓ કોઈ સંસ્થામાં જોડાયેલા નથી. મદદ કરવા માટે પૈસા ઘણા પાસે હોય છે પણ મદદ યોગ્ય વ્યક્તિ પાસે પહોચાડવા માટે પૈસા ઉપરાંત સમય અને શક્તિ પણ ખર્ચવા જોઈએ તે શંકરભાઈએ શીખવ્યું. છેલ્લા શનિવારે શંકરભાઈ આવ્યા ત્યારે મેં પૂછ્યું હતું કે, ‘આજે ક્યાં જવાના?’ શંકરભાઈએ કહ્યું કે સેવમમરાના દસ પડીકા કરાવ્યા છે આજે હનુમાન મંદિરની બહાર તે આપવા જઈશ. ઘણા લોકો જિંદગી પૈસા કમાવવામાં વિતાવતા હોય છે. ઘણા લોકો જિંદગી પોતાની તબિયતની કાળજી માટે વિતાવતા હોય છે. બહુ ઓછા લોકો બીજાને મદદ કરી જિંદગી નો આનંદ મેળવતા હોય છે. તેઓએ કહ્યું કે, ‘જ્યારથી મેં આ કામ શરુ કર્યું છે ત્યારથી મને કોઈ શારીરિક તકલીફ થઈ જ નથી કે જે માટે મારે દવાખાને જવું પડ્યું હોય. મારો લોકોને મળવા એક પણ દિવસ નાં પડે તે ધ્યાન પ્રભુ જ રાખે છે.’ જ્યારે તમે કોઈ વસ્તુની ભેટ તમે કોઈને આપો છો ત્યારે તે ભેટ પાછી તમને મળે છે. તમે જ્યારે કોઈને હસાવો છો ત્યારે જીવનનું હાસ્ય તમને મળશે. જ્યારે તમે કોઈને કોઈ પણ વાતની  ખુશી આપો છો ત્યારે એ ખુશી તમને પાછી મળશે.   I am not handsome but I can give my hand to someone who need help………                                                                                                                                   swami vivekanand.  14.    ૨૪/૦૮/૨૦૧૮ જીવન અને પ્રેમ જીવન અને પ્રેમ આ બંને શબ્દો એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈને પણ બિનશરતી પ્રેમની અનુભૂતિ કરાવવી એ કદાચ મનુષ્ય જીવનની ઈશ્વરને સર્વોત્તમ ભેટ છે. તે માટે ત્યાગ, ધીરજ અને નિષ્ઠા જરુરી છે. પ્રેમ એક જર્ની છે. તે એક પુરુષ અને એક સ્ત્રીનો હોઈ શકે. ભાઈ-બહેન, પિતા-દીકરી કે મિત્રના સંબંધમાં પણ હોઈ શકે. પક્ષી, પ્રાણી કે ઝાડપાન સાથે પણ હોઈ શકે. સંગીત, ટ્રાવેલિંગ, કુકિંગ, ગાર્ડનીંગ કે ચિત્રકામ જેવા શોખ સાથેનો પણ પ્રેમ હોઈ શકે. પોતાના વ્યવસાય અને વ્યવસાય સાથે સંકળાયેલા સજીવ પાત્રો કે નિર્જીવ વસ્તુઓ સાથેનો પણ પ્રેમ હોઈ શકે. મુગ્ધ પ્રેમ, આંધળો પ્રેમ, પુખ્ત પ્રેમ કે હડકાયો પ્રેમ જેવા વિશેષણો વિવિધ લેખકો દ્વારા પોતાના ઉદાહરણોમાં ટંકાય છે. પ્રેમની પુખ્તતા અને પાકટતા આપવામાં પ્રગટ થાય છે. પ્રેમનું સૌંદર્ય ગમતી વસ્તુની ત્રુટિઓ અને ખામીઓ કેટલે અંશે સ્વીકારો છો તેમાં રહેલું છે. સામેની વ્યક્તિ કે વસ્તુ જેવી છે તેવી સ્વીકારી તેને પ્રેમ કરવો તે પ્રેમની ચરમસીમા છે. સામેની વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણ મુજબની બદલાય તેવો ખ્યાલ પ્રેમની અપરિપક્વતા બતાવે છે. આપણી સાથે રહી સામેની વ્યક્તિ અથવા સામેની વ્યક્તિ સાથે રહી આપણે પ્રેમની જર્નીમાં બદલવાના જ છે. પ્રતિક્ષા એ પ્રેમની પરીક્ષા છે જેનું પરિણામ પ્રાપ્તિ હોય છે. પ્રેમની ખરી ભાષા મૌનની છે. પોતે જેને પ્રેમ કરે છે તેના માટે પોતે કેટલું કર્યું તેના ગાણા ગાવાની સાચા પ્રેમને જરૂર નથી હોતી. વર્ષો પહેલા પ્રિયતમનો પત્ર આવે ત્યારે ખોલતી વખતે હદયની થતી તેજ ધડકનનો અનુભવ અત્યારે એક સેકંડમાં વોટ્સઅપ પર મેસેજ મેળવતા યુવાનોને નથી મળવાનો. એ સમયે પત્રના શબ્દો યુવાન હૈયાના હદયમાં કોતરાઈ જતા જે અત્યારે ડીલીટ અને ફોરવર્ડ કરતી પેઢી માટે સમજણ બહારનો વિષય છે. 13.  ૨૦/૦૮/૨૦૧૮ મારો આ એક દિવસ કેમ નાં સાચવ્યો? શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો.મનીષાના પેરેન્ટ્સ ઘણા વખત  બાદ તેમના ઘરે જમવા આવવાના હતા. ડો.મનીષાએ પોતાના મમ્મી-પપ્પાને ગમતું ભોજન, સંગીત જેવી બધી જ તૈયારી કરી હતી. મમ્મી-પપ્પા અને પિયુષ બધા સાથે ઘણી વાતો કરીશું તે વિચારથી સવારથી જ ડો..મનીષા ઘણા ઉત્સાહિત હતા. આજે તેઓ પોતાના ક્લીનીકે ગયા જ ન હતા. ડો.મનીષાની અને તેમના સર્જન પતિ ડો. પિયુષની હોસ્પિટલ આમ અલગ પણ એક જ વિસ્તારમાં નજીક નજીક હતી. તેમના પતિ ડો.પિયુષને પણ તેમણે સાંજે સમયસર ઘરે આવવાનું કીધું હતું. પીયુષે પણ ખુબ પ્રેમથી મનીષાને કહ્યું, 'માની, મમ્મીને ગમતો રાજગરાનો શીરો ખાસ બનાવજે.' મનીષાના મમ્મી-પપ્પા સાંજે ઘરે આવ્યા, પોતાની દીકરી સાથે ઘણી વાતો કરી. જમવાનો સમય થતા મનીષાએ પિયુષને ફોન કર્યો પણ રિસીવ ના થયો. કદાચ પિયુષ રસ્તામાં હશે. ઘણી રાહ જોયા પછી  મમ્મી-પપ્પાએ જમી લીધું. ફરી મનીષાએ તેના મમ્મી-પપ્પા સાથે વાતો કરી. હવે મમ્મી-પપ્પાએ  જવાની પણ તૈયારી કરી તો પણ પિયુષ ઘરે પહોંચ્યા ન હતા. ડો. મનીષાને થોડી અકળામણ અને તેમના પતિ પર થોડો ગુસ્સો પણ આવ્યો. ડો.મનીષાના મનમાં વિચારોનું ધમસાણ ચાલતું હતું, 'તેમણે મારે ખાતર થઈ આ એક દિવસ કેમ નાં સાચવ્યો?, એક દિવસ થોડા ઓછા પેશન્ટ જોયા હોત અને થોડું ઓછુ કલેક્શન થયું હોય તો શું ફેર પડે છે?, તેમને મારી જરૂર હોય ત્યારે ઘણીવાર હું કેવું મારૂ કામ બંધ રાખું છું? અને એડજસ્ટ કરું છું?, આ બધી વાતો તેમણે સમજવી ના જોઈએ?' ડો.મનીષાના માતાપિતાએ સમજાવ્યું, 'ડોક્ટરનું કામ જ એવું છે બેટા, અમે તો ઘણીવાર આવતા-જતા રહીશું, પણ ઘણા પેશન્ટને પિયુષકુમારની જરૂર હોય તો તેમણે પેશન્ટનું ધ્યાન રાખવું પડે. તે ના આવી શક્યા તેવું મન પર ના લઈએ.' છતાં ડો.મનીષા તેમના પતિની ગેરહાજરીથી હળવા ન થઈ શક્યા. તેમણે ડો.પિયુષના ક્લીનીકે ફોન કર્યો તો જાણવા મળ્યું કે સાહેબ તો ક્યારના નીકળી ગયા છે. તરત પોતાના પતિ ડો.પિયુષનો મોબાઈલ નંબર લગાવ્યો.  'નો રીપ્લાય.' થોડી મિનિટો બાદ ફરી મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન. પણ 'નો રીપ્લાય.' હવે ડો.મનીષા થોડા ગુસ્સે પણ થયા, 'પેશન્ટ જોવાના પુરા થાય પછી અન્ય કામો માટે તેમને આજનો જ દિવસ મળ્યો?, મોબાઈલ લેતા પણ નથી અને પોતે ક્યાં છે તે જણાવતા પણ નથી.' હવે મમ્મી-પપ્પાને પણ 'તમે થોડીવાર બેસો કહેવું વ્યર્થ હતું.' મમ્મી-પપ્પા ગયા, સાથે કહેતા ગયા કે, 'બેટા,જમાઈ આવે તો જરા પણ તેમના પર ગુસ્સે ના થઈશ. જરૂર તેમને ખુબ અગત્યનું કામ આવી પડ્યું હશે.' ડો.મનીષા મમ્મી-પપ્પાને બાય કહી તેમના બંગલાના ઝાંપે જ ઉભા રહ્યા. ઘરની અંદર જવાનો પણ કંટાળો આવતો હતો. તેમણે ડો.પિયુષની ગાડી ઘર તરફ આવતી જોઈ. જરા પણ ઉત્સાહ વિના તેમણે ડો.પિયુષની સામું જોયું. એક પણ પ્રશ્ન તેમના પતિને ના પૂછ્યો પણ સાથે ઘણા બધા જવાબની અપેક્ષા હતી. કોઈ પણ સંવાદ વિના બંને ઘરમાં દાખલ થયા. બંને વચ્ચેના  મૌનને લીધે ઘરના વોલકલોકના સેકંડ કાંટાનો અવાજ પણ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. બે અજાણ્યા વચ્ચેના મૌનથી સંબંધોમાં કોઈ ફેર નથી પડતો પણ બે જાણીતા વચ્ચેના મૌનથી સંબંધો વચ્ચે દિવાલ સર્જાય છે. પતિપત્ની જ્યારે એકબીજાને પૂરતા સાંભળે નહીં ત્યારે તેમના વચ્ચેની અપેક્ષાઓ ઘણીવાર વર્ષો બાદ રચાયેલા 'લાગણી' નામનાં સેતુના પાયા પણ ડગમગાવી શકે છે. ડો.પિયુષે પોતાની બેગ મુકતા જ પ્રશ્ન કર્યો, 'મમ્મી -પપ્પા ગયા? તેઓ બરાબર જમ્યા ને?' ઘણી બધી તકલીફ સાથે ડો.મનીષા એક શબ્દમાં જવાબ આપી શક્યા, 'હા'. ડો.મનીષા જાણીજોઇને પિયુષની હાજરીને થોડી અવગણી બાજુમાં પડેલા મેગેઝીનના પાનાં ફેરવવા માંડ્યા. હવે ડો.પિયુષને લાગ્યું કે વાતાવરણ થોડું વધુ ગંભીર છે. શાંત વાતવરણ તેનું રૌદ્ર સ્વરૂપ ના બતાવે તે માટે ડો.પિયુષે પોતાની રજૂઆત શરૂ કરી, 'માની, હું મારા ક્લીનીકે પરથી તો સમયસર જ નીકળ્યો પણ રસ્તામાં જ મને ફોન આવ્યો કે.....' મનીષાએ વચ્ચેથી જ પિયુષની વાતને કાપી કહ્યું, 'તમે ઘણા વ્યસ્ત માણસ છો. તમને ઘણા અગત્યના પણ ફોન આવતા હોય છે. 'સમય' જેવી વસ્તુ ઘરના લોકો માટે પણ ક્યારેક સાચવો તો સારૂ. હવે ઝડપથી ફ્રેશ થઈ તમે જમવા આવો. હું ખુબ થાકી છું તમને પીરસી મારે સુઈ જવું છે.' ક્રિકેટમાં જ્યારે બેટ્સમેન મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરે ત્યારે બોલરની સ્થિતિ ખુબ લાચાર થઈ જતી હોય છે. મનીષાએ કરેલી ફટકાબાજી સામે ડો.પિયુષને સ્વરક્ષણ માટે કોઈ તક ન મળી. ડો.પિયુષ ફ્રેશ થવા ગયા. અંદરના રૂમમાં ડો.પિયુષ કોઈને ફોન કરી પૂછી રહ્યા હતા કે, 'હવે પેશન્ટને સારું છે ને?' ડો.પિયુષના વાર્તાલાપને લીધે ડો.મનીષાને આજે પહેલીવાર પોતાનો અને પોતાના પતિનો વ્યવસાય ડોક્ટરનો છે તે વાત પર અફસોસ થયો. ત્યાં જ ઘરના ફોનની રીંગ વાગી. ફોન પોતાની હોસ્પિટલના સ્ટાફ લક્ષ્મી બહેનનો હતો. આમ પણ ડો.મનીષા પોતાની હોસ્પિટલ પર આજે જઈ શક્યા ન હતા આથી દિવસ કેમનો રહ્યો અને કોઈ પેશન્ટ હતા કે કેમ તે પૂછવા પોતાની હોસ્પિટલ પર ફોન કરવા વિચારતા જ હતા. લક્ષ્મી બહેન બોલ્યા, 'બહેન, હમણાં સાહેબ સાથે જ વાત ચાલતી હતી ત્યાં ફોન કટ થઈ ગયો.' ડો.મનીષાને થોડું આશ્ચર્ય થયું તેમણે લક્ષ્મીબહેનને પૂછ્યું, 'સાહેબે તમને કેમ ફોન કરવો પડ્યો?' લક્ષ્મી બહેને કહ્યું, 'આજે સવારથી જ  સાહેબે કહી રાખ્યું હતું કે આજે બહેનના મમ્મી-પપ્પા આવવાના છે આથી કોઈ પણ ઈમરજન્સીમાં પેશન્ટ આવે તો તેમને ન જણાવતા પણ મને ફોન કરીને કહેજો. સાંજે લેબર પેઈન સાથે પેલા પૂર્વી બહેન આવ્યા હતા. આથી અમે સાહેબને ફોન કર્યો હતો. પૂર્વી બહેનને ખુબ બ્લીડીંગ પણ થતું હતું. સાહેબ અને તેમના કોઈ ડો.મિત્ર સાથે આવ્યા અને તેઓએ ઓપરેટ કરેલ. સગાઓએ સાહેબને ખુબ પ્રશ્નો પૂછી હેરાન કરેલ. સાહેબે ખુબ સરસ મેનેજ કર્યું. ઈમરજન્સી ઓપરેશન બાદ  હવે પૂર્વી બહેન અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે. કોઈ ચિંતા ન કરતા તમે સવારે આવશો તો પણ ચાલશે.' ડો.મનીષાનો હાથ ફોન પર જ થીજી ગયો.  ખરેખર કોણે કોનો દિવસ સાચવ્યો હતો…….. ઘણીવાર આપણે જ આપણી પ્રિય વ્યક્તિ પાસેથી આપણી રીતે જ વિચારીને અમુક અપેક્ષાઓ રાખતા હોઈએ છે. તેણે આમ કેમ નાં કર્યું? તેને મારો વિચાર કેમ નાં આવ્યો? આ બધું જ આપણે આપણી રીતે વિચારીએ છીએ. અમુક વ્યક્તિઓ કેમ ના પાડી કે અમુક કામ તેઓએ કેમ નથી કરવા પડ્યા કે કેમ કરવા પડ્યા તે એક્સ્પ્રેસ નથી કરતા. પણ સંબંધો પરનો વિશ્વાસ જ આપણને ટકાવી રાખે છે. 12. ૦૪/૦૭/૨૦૧૮ શારીરિક અને માનસિક રીતે નબળા બાળકો અને પિતા  હમણાં જ થોડા દિવસ પહેલા ફાધર્સ ડે હતો. બાળકના ઉછેરમાં પિતાની સક્રિય ભૂમિકાનો શું ફાળો હોય છે તે વિશે ઘણું બધું વાંચવા મળ્યું. સામાન્ય બાળકોને ખાલી દિશા સૂચનની જરૂર હોય છે. તેઓ માતા કે પિતા એમ બે માંથી કોઈ એકનો સહકાર મળે તો પણ જીવનના દરેક તબક્કામાં આગળ વધી શકે છે. પણ શારીરિક રીતે કોઈ પણ તકલીફ ધરાવતા બાળકોમાં પિતાની સક્રિય ભૂમિકા બાળકનું જીવન બદલી શકે છે. આવા બાળકોમાં પિતાની ભૂમિકા અનિવાર્ય છે. આ  બાળકોમાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતા અનુસાર જીવન કેમ જીવાય તે મદદ પિતા વધુ સારી રીતે કરી શકે છે. જાણીતા પત્રકાર અને રાજકારણી અરૂણ શૌરીના પુત્ર આદિત્ય જેને જન્મથી સેરેબ્રલ પાલ્સીની તકલીફ છે. તેના વિશે અરૂણ શૌરીએ એક પુસ્તકમાં લખ્યું હતું કે, ‘મેં મારા દીકરાને ગમતું બધું જ આપ્યું. તેને પ્રવાસનો શોખ હતો તો આખું ભારત મેં બતાવ્યું. તેને લઈને હું રેસ્ટોરન્ટમાં પણ હું જતો. અમે સાથે ગીતો પણ ગાયા છે અને સાથે સંગીત પણ સાંભળ્યું છે. તેનું હાસ્ય મારી શક્તિ છે.’    આમ શારીરિક અને માનસિક રીતે નબળા બાળકોના ઉછેર માટે પિતાનો સહકાર અનિવાર્ય છે. એકલી માતા બાળક માટે દરેક જગ્યાએ સંઘર્ષ કરે તે  અશક્ય છે. બાળક તેની તકલીફના જે પણ તબક્કામાં હોય પણ જો પિતા તેના માટે અંગત રસ લઈ તેને બધું શીખવે તો તેનું ભવિષ્ય અલગ જ હોઈ શકે છે. અંશતઃ માનસિક અને શારીરિક તકલીફ ધરાવતા બાળકો પણ પિતાના બિનશરતી સાથ અને સાનિધ્યને લીધે ઘણી અસંભવ વસ્તુઓ શીખી લેતા હોય છે. સાયકલ ચલાવવી, સ્વિમિંગ, કમ્પ્યુટર, ડાન્સ તેમજ મોબાઈલ ફોનના ઉપયોગ પિતાની ધીરજ અને આત્મવિશ્વાસને કારણે  તેઓ શીખી શકે છે. તેમને વિશેષ પદ્ધતિથી ભણાવીને દસમું કે બારમું તો ઠીક પણ કોલેજ સુધી પણ આ પ્રકારના બાળકો પહોંચી શકે છે. ૧૯૭૩ માં શશીકપૂર અભિનિત ‘આ ગલે લગ જા’ પિક્ચર આવ્યું હતું. ૧૯૭૪ માં મહેમુદ અભિનિત ‘કુંવારા બાપ’ પિક્ચર આવ્યું હતું અને ૨૦૦૧ માં અનિલકપૂર અભિનિત ‘રીસ્તા’ પિક્ચર આવ્યું હતું. આ ત્રણેય પિકચરમાં એક વાત સામાન્ય હતી કે બાળકને કોઈ શારીરિક તકલીફ હોય છે અને માતાની ગેરહાજરીમાં પિતા એકલે હાથે બાળકને સુવડાવે છે, ખવડાવે છે અને જીવન માટે શક્ય એટલી વસ્તુ જીવ રેડીને શીખવે છે. માતા આ બાળકને જન્મ અને જીવનની સ્થિરતા આપે છે જ્યારે પિતા આ બાળકને આ દુનિયામાં ક્યાં અને કેવી રીતે ડગ માંડવો તે શીખવે છે. દિવ્યાંગ બાળકો અને તેમના કુટુંબને પડતી સૌથી વિશેષ તકલીફ તેમણે સમાજ સામે લડવાનું હોય છે તે છે. આ લડત પિતા કુશળતાથી લડી શકે છે. આ બાળકોને મોટા કરતી વખતે માતાએ થોડું સમાજથી ડરીને અને લોકોને કેવું લાગશે તે વિચારવું પડે છે જ્યારે પિતાએ આ તકલીફનો સામનો ઓછો કરવો પડે છે. જે કુટુંબમાં દિવ્યાંગ બાળક હોય અને તેના પિતા તેના ઉછેર માટે પોતાનો સમય, શક્તિ અને નાણાનું સુંદર આયોજન કરી શકે તે બાળકનું ભવિષ્ય અને આગળનું જીવન સામાન્ય બાળક કરતા જરા પણ પાછળ નથી હોતું. જો અતિ વ્યસ્તતા વચ્ચે અરૂણ શૌરી પોતાના પુત્ર માટે જરૂરી સમય ફાળવી શકતા હોય તો સામાન્ય પિતા માટે પણ પોતાના દિવ્યાંગ બાળક માટે સમય ફાળવવો અસંભવ નથી. 11. ૨૯/૦૧/૨૦૧૮    આફતને અવસરમાં અને તકલીફને તકમાં બદલનાર - લલિતાપવાર  ૧૯૪૨ ના વર્ષમાં ‘જંગ-એ-આઝાદી’ નામની હિન્દી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. હિન્દી ફિલ્મમાં હજુ નવા આવેલા હીરો ભગવાને(ભગવાન દાદાએ) ૨૬ વર્ષની તે સમયની ટોચની હિરોઈન લલિતા પવારને લાફો મારવાનો સીન હતો. ભગવાને હિરોઈન લલિતા પવારને એટલી જોરથી થપ્પડ મારી કે લલિતાજી સ્ટેજ પરથી પડી ગયા, તેમના ડાબા કાનમાંથી લોહી નીકળ્યું અને ડાબી આંખને ગંભીર રીતે નુકસાન થયું. ત્રણ વર્ષની સારવાર બાદ ડાબી આંખ સારી ના થઈ પરંતુ ડાબી આંખની ફેસિયલ નસનું કાયમી પેરાલિસીસ થયું જેનાથી ડાબી આંખ ઝીણી અને સતત ફરકતી થઈ ગઈ. બીજું કોઈ પણ હોય તો નિરાશ થઈ અભિનય છોડી દે પણ લલિતા પવારે આ તકલીફને એક તકમાં બદલી નાખી. ૧૯૨૮ થી ૧૯૪૨ સુધીમાં લગભગ ૧૦૦ જેટલી મૂંગી ફિલ્મો તથા શરૂ થયેલી બોલતી ફિલ્મોમાં હિરોઈન તરીકે અભિનય કર્યો હતો. હવે તેમણે માતા અને સાસુના કેરેક્ટર રોલ કરવા માંડ્યા. મરાઠી ફિલ્મ ‘સાસુરબસીન’ અને ગુજરાતી ફિલ્મ ‘મહેંદી રંગ લાયેગી’માં તેમણે નિભાવેલા સાસુના રોલ યાદગાર હતા. પડદા પર સાસુ તરીકે તેઓ જ્યારે બોલતા, ‘મેરી છટ્ટી પર આ કે તો સાપ ભી રસ્સી બન જાતા હૈ’ અને ‘મેરી ઝુબાન સે ઉગલા હુઆ ઝહર ભી અમૃત બન જાતા હૈ’ ત્યારે પિક્ચર જોનારી દરેક માતા ભગવાનને પ્રાર્થના કરતી કે તેમની દીકરીને આવી વઢકણી સાસુ ના મળે. ૧૯૨૮માં ‘રાજા હરિશ્ચંદ્ર’ થી શરૂ કરી ૧૯૯૭માં આવેલ ‘ભાઈ’ પિક્ચર સુધીના સાત દાયકામાં લગભગ ૭૦૦ જેટલી ફિલ્મમાં બધાજ પ્રકારના રોલ કર્યા. તેમણે પ્રેક્ષકોને હસાવ્યા, રડાવ્યા, ડરાવ્યા અને સાસુ તરીકેના રોલમાં લોકોને ગુસ્સે પણ કર્યા. શરૂઆતમાં ૧૯૨૮ થી ૧૯૪૧ વચ્ચે તેમણે સંત દામાજી, હિંમતે મર્દા, દિલેર જીગર, નેતાજી પાલકર અને ગોરા કુંભાર જેવી સુપર હિટ ફિલ્મો આપી. ૧૯૫૫માં આવેલ ફિલ્મ શ્રી-૪૨૦ માં કેળા વેચનાર મરાઠી બાઈના રોલમાં ‘આંઠ આનામાં ડઝન પણ બે આનામાં બે કેળા મળશે’ ડાયલોગ બોલવાની તેમની સ્ટાઈલથી દર્શકોના દિલમાં તેઓ છવાઈ જતા. તે પછી તો ૧૯૫૯માં અનાડી ફિલ્મમાં તેમણે ભજવેલા મિસિસ ડીસોઝાના પાત્ર માટે તેમને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ૧૯૬૧માં સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ મળ્યો. આ જ વર્ષે ભારત સરકારે તેમનું ‘ફર્સ્ટ ઇન્ડિયન લેડી ઓફ ઇન્ડીયન સિનેમા’ તરીકે પણ સન્માન કર્યું. તેમણે પ્રોફેસર, દાગ, સુજાતા, સસુરાલ, ઘરાના, તેમજ સો દિન સાસ કે જેવી ફિલ્મોમાં યાદગાર રોલ નિભાવ્યા હતા. તેમણે રાજકપૂર, દિલીપકુમાર અને દેવઆનંદની માતા ના રોલ પણ નિભાવ્યા હતા. તેમની સાથે કામ કરનાર તબસ્સુમ અને અરુણા ઈરાની કહેતા શુટિંગ વખતે તેઓ અમને જોક કહી હસાવતા પણ ખરા અને અમારી સાથે પત્તા પણ રમતા. બહુ સરળ હ્રદયના લલિતા પવાર અમુક પિકચરમાં તેમના ફક્ત થોડી મિનિટો ના જ રોલ હોય તો નિર્માતાને કહેતા કે મારા માટે મોંઘી હોટલનો ખર્ચ ના કરતા હું ક્યાંક નાની જગ્યાએ રહીશ. સ્ટંટ ફિલ્મોથી શરુ કરી રોમાન્સ, ઐતિહાસિક, ધાર્મિક અને સામાજિક એમ દરેક પ્રકારની ફિલ્મમાં તેમણે કામ કર્યું. ૧૯૮૭માં રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં મંથરાનું પાત્ર ભજવતા તેઓ ડાયલોગ બોલતા ત્યારે ભારતભરમાં ટીવી સેટ સામે બેઠેલા શાંત થઈ જતા અને તેઓ શું બોલે છે તે ધ્યાનથી સાંભળતા. મહેશભટ્ટે તેમના માટે કહ્યું, ‘લલિતા પવાર માત્ર હિન્દી ફિલ્મ માટે નહીં પણ ભારત દેશનું ઘરેણું કહી શકાય.’ તેમની આત્મકથામાં તેમણે કહ્યું હતું કે, ‘ઘણીવાર મને લાગ્યું કે હવે હિન્દી ફિલ્મ માટે મારો નાતો પૂરો થઈ ગયો છે. પણ કોઈ અદ્રશ્ય બળના પ્રતાપે હું હિન્દી ફિલ્મોમાં વહેતી નદીની જેમ વહી રહી છું.’ ૧૯૭૪માં આવેલ ફિલ્મ ‘નયા દિન નયી રાત’માં પાગલખાનામાં વઢકણી સાસુ તરીકે તે જ્યા ભાદુરીને ધક્કો મારીને કહે છે, ‘તારે ઘરના આટલા કામો કરી નાખવાના, મારા પગ દબાવવાના અને તારા માટેની રસોઈમાં ઘી નહીં નંખાય કારણકે તું તારા પિયરથી ઘી લાવી નથી.’ ત્યારે દર્શકો થોડા સમય માટે ભૂલી જ જતા કે આ ફિલ્મ છે અને લલિતાપવાર અસલી સાસુ નથી. આને કહેવાય કે જીવનમાં ગમે તેટલી ખરાબ આફત કેમ નથી આવતી તેને હિંમતથી અવસરમાં ફેરવી નાખવી. ઈશ્વરે આપેલા કોઈ પણ પ્રકારના સમય અને રોલને આનંદથી નિભાવવો. તેઓ ૧૯૯૮માં પુનામાં તેમના ઘરમાં જ મૃત્યુ પામ્યા ત્યારે પડોશીઓને તથા મુંબઈ રહેલા પરિવારજનોને બે દિવસ પછી તેમના નિધનની જાણ થઈ હતી. ૧૮ એપ્રિલે તેમની ૧૦૩મી જન્મ જયંતિ હતી. 10. ૧૮/૦૧/૨૦૧૮    બાળકોને ડર બતાવીને કામ લેવાય? વર્ષો પહેલા એક અંગ્રેજી પિકચરમાં અભિનેતા રીચાર્ડ બર્ટન એક લશ્કરી અધિકારી હોય છે. તેના ઉપરીને તે કહે છે કે, ‘હું પોતે મારા કાર્યને લાયક નથી. મારા નીચેના સૈનિકોને હું જ ઉદાહરણરૂપ બનવાની યોગ્યતા કેળવીશ પછી મારી જવાબદારીઓ હું પાછી લઇશ’. ગત અઠવાડિયે એક શાળાના વાર્ષિકોત્સવમાં જવાનું થયું. માતાપિતા સાથેના સંવાદમાં એક માતાએ પ્રશ્ન પૂછ્યો કે બાળકને ડર બતાવીને કામ લેવાય? તેઓ આપણા કહ્યામાં ના રહે તો ધમકી કે ડર બતાવીને કામ પુરૂ કરાવવું કેટલે અંશે યોગ્ય છે? પ્રશ્ન ખુબ સુંદર છે. જ્યારે બાળક અપેક્ષિત વર્તન ના કરે તો થોડો સમય માતાપિતા કે શિક્ષક પ્રેમથી પણ સમજાવશે પછી એક તબક્કે તેમની ભાષા પણ બદલાઈ જતી હોય છે. બાળકને ડર બતાવાય જ નહીં તેવું પણ સાવ નથી. તેના માટેના ચોક્કસ નિયમો માતાપિતાએ કે શિક્ષકે પાળવા પડે તો બતાવેલા ડરની યથાર્થતા જળવાય. ડર બતાવનારે તેના સારા કામને વખાણવું પણ જોઈએ. બાળક કઈ સારું કરે કે સૂચનાઓ માને તો તેમાં નવાઈ શું છે તે બાળક તરીકેની ફરજ છે બધા બાળકો આટલું તો કરી જ શકે તેવું મનાતું હોય છે અને તે અપેક્ષિત વર્તન ના કરે ત્યારે તેને ડર બતાવાય તે યોગ્ય નથી. વાંરવાર અને એકની એક વાતમાં ફરીને ફરી ડર ના બતાવાય. તું આ પ્રમાણે નહીં કરે તો તને જમવાનું નહીં મળે અથવા તને ઘરના બધા બહાર જઈએ ત્યારે તને લઈ નહીં જઈએ તે વાત વાંરવાર થવાથી બાળક પણ આવા વર્તનથી ટેવાઈ જશે. કોઈ વસ્તુનો સીધો જ તેને ડર બતાવી કે તેને સુચના આપ્યા કરતા તેના પરિણામો સમજાવી તેને થોડો સમય આપવો જોઈએ. આપેલા સમયમાં બાળક તે કામ કરે તેની પ્રતિક્ષા કરવાની માતાપિતાએ ટેવ પાડવી જોઈએ. ડર બતાવનારે હળવો સમય પણ સારો એવો વિતાવ્યો હોય તો જ ડર આપવો. પપ્પા બહારથી આવે અને બાળકને દિવસમાં માંડ દસ મિનિટ માટે મળે તે જ સમયમાં શરતી અને ડર બતાવીને કામ પુરૂ થાય તેની અપેક્ષા રાખે તો ધાર્યા પરિણામ નહીં આવે. રજાના દિવસે ત્રણ-ચાર કલાકનો સમય બાળક સાથે પસાર કર્યો હોય તેમાં વચ્ચે કોઈ એક વાત ડર બતાવીને કરવા જેવી હોય તો કરી પાછો હળવો સમય વિતાવવાથી બાળકને માતાપિતાએ આપેલી સુચના મુજબ કામ કરવાની ઈચ્છા થશે. કોઈ કામ તેણે પુરૂ કરવા સારા પ્રયત્નો કર્યા હોય પછી ભલે પુરૂ ના પણ થયું હોય તો બીજી વારમાં પુરૂ થઇ જશે તેમ તેના પ્રયત્નો વખાણી તેનો ઉત્સાહ વધારવો વધુ યોગ્ય રહેશે. માતાપિતા કે શિક્ષક જે વસ્તુનો ડર બતાવે છે તે વાતનું તેઓ પાલન કરે છે કે નહીં અર્થાત તેઓ આદર્શ વ્યક્તિ છે કે નહીં તે પણ જોવું. જેમકે કોઈ શિક્ષક જ ક્લાસમાં વાંરવાર મોડા આવતા હોય પછી તે બાળકોને સમયસર આવવાની સુચના આપે તો બાળકોને ગળે નહીં ઉતરે. ઘણીવાર માતાપિતા એમ માનતા હોય છે કે પોતે ગમે તે કરે પણ બાળક સર્વગુણ સંપન્ન રહે તો તે શક્ય નથી. બાળક ફક્ત માતાપિતા સામે બોલી નથી શકતું બાકી તેને પણ માતાપિતાના અવગુણો વિશે પૂરેપૂરી જાણકારી  હોય છે. તેને ક્યાં ખબર પડવાની છે? તેવા અંધારામાં માતાપિતાએ ના રહેવું. માતાપિતાએ પોતાના સારા ગુણોને પોતાના બાળક સમક્ષ વાંરવાર યાદ કરાવવાની જરૂર નથી હોતી. સારા ગુણોની અજાણતા પણ નોંધ લેવાય જ તેવી પ્રક્રિયા હોય છે.                                                           અર્થાત માતાપિતાએ ડર બતાવવા માટે યોગ્ય અને લાયક વ્યક્તિ પહેલા બનવું પડે પછી જ બાળકને ડર બતાવાય. માતાપિતાએ એવી વર્તણુક રાખવી જોઈએ કે બાળકે આદર્શ વ્યક્તિ કે આત્મવિશ્વાસ વધારનાર વ્યક્તિના ઉદાહરણ લેવા ઘરની બહાર જવું ના પડે. અહીં કવિ મનોજ જોશીની એક પંક્તિ ખુબ બંધ બેસે છે. ‘ક્યાં કહું છું કે – દાવ છોડી દો ? ખેલ ખેલો, તણાવ છોડી દો. જીતની જીદ કદી ના રાખો, હારની બીક સાવ છોડી દો…’  9.  ૧૦/૦૧/૨૦૧૮ આપીને મેળવવું - જીવનની ધન્યતા - ગિવિંગ વિધાઉટ કિપિંગ સ્કોર આપણા વડીલો કહેતા કે પૈસો, સમય અને ભોજન બધાને આપતા રહો. આ એક એવો કુદરતી નિયમ છે કે આ ત્રણે વસ્તુ આપવાથી લાંબા સમયે વધતી જ હોય છે. ઈશ્વર પણ એવી યોગ્ય વ્યક્તિને જ શોધતો હોય છે કે જેના દવારા તે દુનિયામાં જરૂરિયાત વ્યક્તિઓને પોતાની મદદ પહોંચાડે.  બિનશરતી અને આભારની અપેક્ષા વિના આપણું કર્તવ્ય સમજી કોઈને કરેલી મદદ તમને ખુશી, આનંદ, આત્મવિશ્વાસ અને તમારા અન્ય કામોમાં સફળતાનો રાહ ચીંધે છે. કોઈ શરતથી, અપેક્ષાથી કે પૈસાથી કોઈને આપેલી વસ્તુમાં તમે એકલા જ ખુશ થાઓ છો પણ કોઈને કરેલી બિનશરતી મદદ લેનાર અને આપનાર બંનેને લાંબા ગાળાની ખુશી આપે છે. તે બંને વચ્ચે સંબંધોનો એક મજબુત સેતુ રચાય છે જેના તાણાવાણા બંને વ્યક્તિના હ્રદય અને મન સાથે જોડાયેલા હોય છે. જ્યાં અપેક્ષાઓ માર્યાદિત હોય ત્યાં સંબંધોની સીમા વિસ્તરતી જ જતી હોય છે. આનો અર્થ એ પણ નથી કે ધંધો કરનારે બધાને પોતાની ચીજવસ્તુઓ મફત આપવી. પોતાનો ધંધો કરતા કરતા સમાજ ઉપયોગી કામો પણ કરતા જવા, શૈક્ષણિક સંસ્થાઓમાં દાન પણ કરતા કરતા અને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરતા કરતા પોતાનો બિઝનેસ સફળતા પૂર્વક વધારી પણ શકાય. પૈસો, ખાવાની વસ્તુઓ અને સમયનું દાન કરનાર વ્યક્તિ અચાનક જ સારું અનુભવવા લાગે છે. સારી ભાવના અને સારા વિચારો તેના મન-મગજ સુધી પહોંચે છે. સુંદર અને સંતોષી વિચારો અને કામોથી તેનું જીવન પણ સાર્થકતા અને સંતુષ્ઠતા અનુભવે છે. કોઈને કઈક આપ્યાનો પરમ સંતોષ તેને મજબુત અને સ્વચ્છ વિચારો આપે છે. આ વિચારો જ તેનામાં શક્તિનું સર્જન કરે છે. પોતાની પાસે છેલ્લો રૂપિયો રહ્યો હોય તો પણ એ રૂપીઓ આપી દેવાની હિંમત દાખવનારા પાસે કદીએ ધન ખૂટતું નથી. છેલ્લો રૂપીઓ પણ હિંમતથી જેને જરૂર હોય તેને આપ્યા પછી તેને ક્યાંકથી પણ કોઈ ઈશ્વરીય મદદ મળી જતી હોય છે કે તેની આપનારે કદી કલ્પના પણ ના કરી હોય. અમદાવાદમાં મણીનગરમાં બનેલી એક સત્ય ઘટના છે. એક વાર એક કાકા મૃત્યુ પામ્યા પછી થોડા દિવસ પછી અને ઘરમાં શોકનું વાતાવરણ થોડું હળવું થયું પછી તેમના જ એક પરિચિત આવ્યા અને કહ્યું કે મૃતકે બે વર્ષ પહેલા મારી પાસે પચાસ હજાર રૂપીયા તમારું આ જ ઘર રીનોવેટ કરવા લઈ ગયા હતા. આ સાંભળી તેમના ત્રણમાંથી એક પુત્રે એ ભાઈને બાજુમાં બોલાવી બીજી જ મિનિટે એટલા રૂપિયાનો ચેક આપી દીધો. તેમના ગયા બાદ ઘરના સંભ્યો સાથે એ ભાઈને આટલો ઝડપથી ચેક આપ્યા બદલ વાતોમાં થોડી ઉગ્રતા આવી ગઈ. પણ સંસ્કારી ઘર હતું આથી વાત આગળ વધી નહીં. પૈસાનો ચેક આપનાર ભાઈએ કહ્યું, ‘તેમણે આવીને આપણા પિતાજીનું નામ દીધું, અને આપણા પિતાનું સામજિક સ્થાન અને મોભો આ પૈસા આપવાથી વધશે. લોકો તેમને યાદ કરશે. મેં ધાર્યું હોત તો પૈસા આપ્યા પહેલા હું પુરાવા માંગી શકી હોત. પણ તેનાથી પપ્પાએ જીવનભર કરેલા સદ્કર્મોની મહત્તાની આજુબાજુ એક લક્ષ્મણ રેખા રચાઈ જાત.’ ઘરના લોકોને ધીમે ધીમે આ વાત સમજમાં આવી, મૃત્યુને લગભગ એક માસ વિત્યું હશે ત્યાં નજીકની એક બેંકમાંથી એક ભાઈ આવ્યા અને કહ્યું, ‘તમારા પિતાજીના મૃત્યુના સમાચાર મળ્યા. તેઓ છેલ્લા છ  વર્ષથી અમારી બેન્કના એક રીકરીંગ ખાતામાં દર માસે દસ હજાર રૂપિયા મુકતા. આ ખાતામાં વ્યાજ સાથે લગભગ નવ લાખ રૂપિયા જેટલી રકમ જમા થયેલ છે. મને અમુક ડોક્યુમેન્ટસ આપજો અને તમારી મમ્મીએ અમુક કાગળમાં સહી કરવાની રહેશે. તરત આ પૈસા તમને મળી જશે’. ઘરના બધા જ સભ્યોમાં એક આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. પચાસ હજાર રૂપિયા માંગનાર વ્યક્તિને કશું જ પૂછ્યા વિના પૈસા આપી દેનાર કુટુંબને ઈશ્વરે તેમના જ પૈસા બીજી રીતે વાળી દીધા. કહે છે ને કે ‘ખાલી થઈ  જવું તે ક્યારેય ખોટ નથી.’ નિસ્વાર્થભાવે કોઈને કઈક આપવાથી માનવીય સંબંધોની માવજત આપોઆપ થાય છે. વ્યક્તિને મળેલો ઉચ્ચપદ કે હોદ્દો તેના આપવાના સ્વભાવથી જ દીપી ઉઠે છે. કામ કર્યાનો બદલો કે પૈસા ‘લેનાર’ અને અને અપેક્ષારહિત ‘આપનાર’ ને થતો ભેદ જોઈએ. ‘લેનાર’ને માન મળે છે તો ‘આપનાર’ને આદર મળે છે. ‘લેનાર’ને સંતોષ મળે છે જે ક્ષણિક હોય છે જ્યારે ‘આપનાર’ને સુખ મળે છે જે જીવનભરનું હોય છે. ‘લેનાર’ બીજાની નબળાઈઓ શોધવામાં વ્યસ્ત હોય છે જ્યારે ‘આપનાર’ પોતાની શક્તિ વધારવામાં સમર્પિત હોય છે. ‘લેનાર’ ભલે સફળ ગણાય પણ ‘આપનાર’ વ્યક્તિનું સ્થાન લોકોના હદયમાં મુલ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે જીવનભર રહે છે. ‘લેનાર’ પ્રત્યે જાણે અજાણે લોકોમાં થોડો વહેમ અને શંકા રહે છે જ્યારે ‘આપનાર’ પ્રત્યે લોકોને હંમેશા વિશ્વાસ રહે છે. ‘લેનાર’માં લોકોને થોડો ઘણો પણ સંશય દેખાય છે જ્યારે ‘આપનાર’ વ્યક્તિના સંસ્કાર આપોઆપ દેખાય છે. ‘લેનાર’નું મગજ તૃષ્ણાથી ખદબદતું હોય છે જ્યારે ‘આપનાર’ના મગજમાં દયાભાવ છલોછલ હોય છે. ‘લેનાર’ની સંપત્તિ વધશે જે કેટલી ટકી રહેશે જેની કોઈ ખાતરી નથી હોતી જ્યારે ‘આપનાર’ના સદગુણો વધશે જેનો લાભ ઘણી પેઢીઓને મળશે. આપનાર વ્યક્તિમાં આપવાની તેની ભાવના જ તેની પાસે કશું નાં હોય તો પણ વસ્તુ કેવી રીતે આપવી તે રસ્તો સુઝાડશે. એક વાર વરસાદની ઋતુમાં દાનેશ્વરી કર્ણની પરીક્ષા લેવા ભગવાન શ્રીકૃષ્ણે એક વ્યક્તિને મોકલ્યો અને નમસ્કાર કરી તે વ્યક્તિએ કર્ણ પાસે ચંદનના લાકડાની માંગણી કરી. ભગવાન શ્રીકૃષ્ણને ખાતરી હતી કે વરસાદની ઋતુમાં ચંદનનું લાકડું આપતા વૃક્ષો લીલા થઈ ગયા હોય આથી ચંદનનું લાકડું આપવું અસંભવ છે. પણ દાનેશ્વરી કર્ણ જેનું નામ. આવનાર વ્યક્તિની માંગણી સાંભળી રાજા કર્ણએ પોતાના મહેલમાં આજુબાજુ નજર ફેરવી અને તરત હુકમ કર્યો કે મહેલના બારણા જે ચંદનના લાકડામાંથી બનેલ છે તે બારણા તોડી આવનાર વ્યક્તિને તે આપવામાં આવે. જેને ખરા હ્રદયથી સમય, ભોજન કે ધન કોઈને આપવું જ છે તેને હંમણા નહીં પણ થોડા સમય પછી કે અત્યારે મારી પાસે વ્યવસ્થા નથી તેવા બહાના હોતા જ નથી. તે ચોવીસે કલાક અને બારેમાસ કોઈને પણ કોઈ પણ પ્રકારની મદદ કરવા તત્પર જ હોય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે કોઈની સાથે તમે હાથ નહીં મિલાવો તો ચાલશે પણ કોઈના મદદની યાચના માટે ફેલાયેલા હાથમાં તમે સમયસર મદદ નહીં પહોચાડો તે ના ચલવી લેશો. મધર ટેરેસાએ પણ કહ્યું હતું કે કોઈને તમે કેટલી મદદ કરો છો તે અગત્યનું નથી પણ મદદ કરતી વખતે તમે કેવો ભાવ રાખો છો તે અગત્યનું છે. એડમ ગ્રેન્ટ નામના લેખકે ‘ગીવ એન્ડ ટેઈક’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તેણે કહ્યું કે જ્યારે પણ તમે તમારા માટે એક ડોક્ટર, પ્લમ્બર, લોયર કે ટીચર પસંદ કરો છો તો તમે એ જ જુઓ છો કે તેઓ ખરેખર સર્વિસ આપવા માંગે છે કે માત્ર લેવાની જ નિયત ધરાવે છે. કોઈ શરત વગર આપવાનું જ બાદમાં તે સફળતાનો આધાર બની જાય છે. અમારા એક ડોક્ટર મિત્ર દર ઉનાળામાં અમદાવાદ નજીક કોબા ગામ પાસે જરૂરિયાત કુટુંબોમાં વહેલી સવારે છાશનું વિતરણ કરે છે. તેમણે પોતાનો અનુભવ કહ્યો, ‘એક લોટો છાશ સ્વીકારતી વખતે ગરીબ ગ્રામજનોના મુખ પર જે સંતોષની જે ભાવના હું જોતો તે સુખ મને એક ઓપરેશન કર્યા પછી પચાસ હજાર રૂપિયા સ્વીકારતા પણ ક્યારેય મળ્યું નથી.’ ભેટ, ખુશી અને હાસ્યનો તો વણલખ્યો નિયમ છે કે તેની વહેચણી કરનારને તે અવશ્ય પાછા જ મળે છે. હજાર રૂપિયાનો નફો લઈ માલ વેચનાર વેપારીને સંતોષ મળે તેના કરતા સો રૂપિયાનું દાન કરનારને વધુ આત્મસંતોષ મળે છે. આપણા પૂર્વજો ગાય, કુતરાઓને ઘાસ કે રોટલી ખવડાવીને જ જમવું તેવો નિયમ અમસ્તો નહીં પાળતા હોય. સુખ નામની ઈમારતના પાયાના ચણતરમાં જ સંતોષ હોવો જરૂરી છે. સંતોષ ક્યારેય ખરીદી નથી શકાતો પણ કઈક આપીને મેળવી શકાય છે. આપવાની વૃત્તિ ધરાવનાર વ્યક્તિના કુટુંબીજનો અને કર્મચારીઓ પણ તેમનાથી એક સુરક્ષિતતા અનુભવે છે. ભગવાન પણ આપનાર વ્યક્તિનું ધ્યાન એ રીતે તો રાખે જ છે કે તે જીવનમાં ક્યારેય હિંમત ગુમાવતો નથી કે નિરાશ થતો નથી. 8.  ૦૧/૦૧/૨૦૧૮  ક્ષમાભાવનું પવિત્ર ઝરણું   ૨ ઓગસ્ટ ૨૦૦૨ નો રક્ષાબંધનનો દિવસ હતો. સ્થળ હતું, મધ્યપ્રદેશના ઇન્દોરની સેન્ટ્રલ જેલ. અહીં આજે ક્ષમા, માફી, પ્રેમ, કરુણા અને શાંતિ માટેનું અવિસ્મરણીય દ્રશ્ય સર્જાયું. એક મર્ડર માટે આજીવન કેદની સજા પામેલા ૫૩ વર્ષના કેદી સમંદરસિંઘને કેરાલાની ક્રિશ્ચન સાધ્વી સિસ્ટર સેલ્મીએ રાખડી બાંધી. સિસ્ટર સેલ્મીએ સમંદરસિંહના હાથ ચૂમ્યા. તેની પાસે રાખડી બંધાવતા સમંદરસિંહનાં હાથ ધ્રુજતા હતા. આમ તો આપણે ઘણીવાર વાંચીએ છીએ કે જેલના કેદીને ઘણી સામાજિક સંસ્થામાંથી રક્ષાબંધનના દિવસે બહેનો રાખડી બાંધવા જાય છે. પણ આ રાખડીનું મહત્વ વિશેષ હતું. ૨૫ ફેબ્રુઆરી ૧૯૯૫નો એ ગોઝારો દિવસ હતો. સવારે ૮.૧૫ મિનિટે મધ્યપ્રદેશના ઉદયપુરથી ઇન્દોર જતી બસમાં સાધ્વી રાની મારિયાએ જગ્યા લીધી. રાની મારિયા ઈન્દોર પહોંચી ટ્રેન દ્વારા પોતાના વતન કેરાલા જવા માંગતા હતા. તેઓ અહીં બે વર્ષથી મિશનરી કાર્ય કરી રહ્યા હતા. તેઓ અભણ ગ્રામજનો જેઓ શાહુકાર અને જમીનદારો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લઈ કાયમ ગુલામીમાં રહેવું પડે તે સ્થતિમાં જીવતા હતા તે ભોળા ગ્રામજનોને સરકારની ઓછા વ્યાજે મળતી લોનો અને મદદની માહિતી આપવાનું કામ કરતા હતા. તેમના આ કામથી અહીંના જમીનદારોના પેટમાં તેલ રેડાયું હતું. તેમણે સિસ્ટર રાની મારિયા સામે બદલો લેવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે સમંદરસિંહ નામની એક વ્યક્તિને સોપારી આપી અને સાધ્વીની હત્યા માટે તૈયાર કર્યો હતો. ઉદયપૂરથી ઉપડેલી બસ જંગલ જેવા વિસ્તારમાં પહોચી અને બસમાં જ બેઠેલા સમંદરસિંહ અને બે જમીનદારોએ બસને રોકી. બસમાં સમંદરસિહે ૫૦ થી વધુ પેસેન્જરની હાજરીમાં સિસ્ટર રાનીમારિયા પર તીક્ષ્ણ હથિયાર વડે ૫૪ જેટલા ઘા ઝીંકી તેઓની ઘાતકી હત્યા કરી. બસમાં હાજર મુસાફરોમાં બુમરાણ અને ભાગંભાગ મચી ગઈ. રાની મારિયાની હત્યા કરી સમંદરસિંહ અને તેની સાથેના જમીનદારો પણ ગાઢ જંગલમાં ફરાર થઈ ગયા. ત્રણ દિવસ બાદ તેઓ પકડાયા. સમંદરસિંહને આજીવન કેદની સજા થઈ. અન્ય બે જમીનદારો બે માસ બાદ જામીન પર છુટી ગયા. ૨૦૦૨ના માર્ચ માસથી જ રાની મારિયાની બહેન સિસ્ટર સિસ્ટર સેલ્મીના મનમાં સમંદરસિંહને મળવાનો વિચાર આવ્યો હતો. તે માટે તેણે ઇન્દોરના મિશનરી કાર્ય સાથે સંકળાયેલા ફાધર સદાનંદનો સંપર્ક કર્યો. ફાધર સદાનંદે બીજા ચાર માસમાં જેલમાં પાંચથી છ વખત મુલાકાત લઈ સમંદરસિંહને સિસ્ટર સેલ્મીને મળવા તૈયાર કર્યો. આ સમય દરમ્યાન સમંદરસિંહને તેના કર્મની સજા ઈશ્વરે આપી દીધી હતી. તેની પત્નીએ છુટાછેડા લઈ લીધા. તેના મોટા પુત્રનું અવસાન થયું. તેને પણ ખરા હૃદયથી તેના કૃત્ય પ્રત્યે પસ્તાવો થતો હતો છતાં તેના મનમાં તેને સિસ્ટર રાની મારિયાને મારવા માટે તેને તૈયાર કરનાર બે જમીનદારો પ્રત્યે બદલાની ભાવના જાગી હતી. તેણે મનમાં વિચાર્યું હતું કે હું જેલમાંથી જ્યારે પણ છુટીશ પછી પહેલું કામ પેલા બે જમીનદારો જેણે મને દયાની દેવીનું ખૂન કરવા તૈયાર કર્યો હતો તેમનું ખૂન કરી પછી આત્મહત્યા કરી લઇશ. પણ ઈશ્વર કઈક અલગ જ વિચારતા હતા. ૨૦૦૨ ના ઓગસ્ટમાં સિસ્ટર સેલ્મીના હાથે રાખડી બંધાવ્યા બાદ અવારનવાર જેલમાં તેમની મુલાકાત સિસ્ટર સેલ્મી સાથે થતી રહી. સિસ્ટર સેલ્મીની વાતોએ સમંદરસિંહનું હૃદય પરિવર્તન કર્યું. સિસ્ટર સેલ્મિએ તેને કહ્યું, ‘અમે તને માફ કરી દીધો છે. તારા હદયમાં દ્વેષભાવ નહીં પણ પ્રેમભાવ રાખજે. અને સહુનું ભલું કરજે.’ ૨૦૦૪માં સિસ્ટર સેલ્મી અને તેના પરિવારજનોએ મધ્યપ્રદેશ સરકારને પત્ર લખ્યો અને કોર્ટમાં પણ રજૂઆત કરી કે તેમને હવે સમંદરસિહ પ્રત્યે કોઈ ફરિયાદ નથી. અને બને તેટલું ઝડપથી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે. તેમના પ્રયત્નોને લીધે ૧૧ વર્ષની સજા બાદ સમંદરસિહ જેલની બહાર આવ્યા ત્યારે સમંદરસિંહ નહીં પણ પુનર્જન્મ મેળવેલ એક અલગ વ્યક્તિ હતા. તેમણે રાની મારિયાએ અધૂરું છોડેલું કાર્ય જ શરૂ કર્યું. તેઓ ભોળા અને અભણ ગ્રામજનો હવે શાહુકાર અને જમીનદારોના ઊંચા વ્યાજે ધીરેલા પૈસાની ચુંગાલમાં નાં ફસાય તે માટે કાર્ય કરતા. જ્યાં તેમણે રાની મારિયાનું ખૂન કર્યું હતું ત્યાંજ રાની મારિયાના મૃત શરીરને દફનાવી સરકારે એક શાંતિ અને પવિત્રતાના પ્રતિકનું સ્થળ બનાવ્યું હતું. તેમની કબર પાસે તેઓ અવારનવાર મુલાકાતે જતા. તેઓએ કહ્યું કે, ‘આ સ્થળની મુલાકાત લઈને મને શક્તિ અને શાંતિ મળે છે.’ સિસ્ટર સેલ્મીએ દર વર્ષે સમંદરસિંહને મળીને રાખડી બાંધવાની ચાલુ રાખી. ૨૦૦૮ માં કેરાલાના કોચી નજીકના ગામે સમંદરસિંહે રાની મારિયાના માતાપિતાની મુલાકાત લઈ ફરી પોતાના કૃત્યનો પસ્તાવો વ્યક્ત કર્યો. રાની મારિયાના કુટુંબીજનો તેને ગળે મળ્યા. તેમનો પોતાની કુટુંબની વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો અને પુત્રનું સ્થાન આપ્યું ત્યારે કરુણાની દેવી  હાજર હોત તો તેમની આંખમાંથી પણ અશ્રુધારા વહેતી હોત. સિસ્ટર સેલ્મીનું માનવું હતું કે ઈશ્વરે સમંદરસિંહ પાસે જ દયા અને કરુણાનું કામ કરાવવું હતું. આ માટે તેનું હૃદય પરિવર્તન થાય તે જરૂરી હતું. તે માટે તેમણે મારી બહેનને પસંદ કરી તે અમારું સૌભાગ્ય છે. ઈશ્વરના દરબારમાં પણ રાની મારિયાનો આત્મા તેના કુટુંબીજનોએ કરેલા કાર્યથી શાંતિ અને તૃપ્તિની અનુભૂતિ કરતો હશે. ‘ક્ષમા નું ખરું સૌંદર્ય, સોહાર્દ અને સાર્થકતા બદલો લેવામાં નહીં પણ વ્યક્તિને બદલવામાં રહેલું છે.’ તે વિધાન રાની મારિયા, સિસ્ટર સેલ્વી અને તેના કુટુંબીજનોએ સાબિત કરી બતાવ્યું. આ ઘટના એ વખતના છાપાઓમાં આવી હતી. પણ એક સામાન્ય વાત ગણાઈ લોકોના મગજમાં ભુલાઈ પણ ચુકી હતી. ૨૦૧૧-૨૦૧૨ માં ઓસ્ટ્રેલિયાના કોઈ એક ફિલ્મ નિર્માતાએ આ ઘટના પર નાની ફિલ્મ બનાવી. આ ફિલ્મ વેટિકન સિટીના ક્રિશ્ચન ધર્મગુરૂ પોપે ૨૦૧૪મા જ્યારે જોઈ ત્યારે તેમણે સમંદરસિંહ, સિસ્ટર સેલ્મી અને તે બંનેને ભેગા કરનાર ફાધર સદાનંદને રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે આ સમાચાર ફરી ન્યુઝપેપરમાં ચમક્યા. તેઓ ધર્મગુરૂ પોપને મળી શક્યા કે નહીં તે માહિતી અપ્રાપ્ય છે પણ જ્યારે આ લોકોને નિમંત્રણ મળ્યું ત્યારે ફાધર સદાનંદ અને સમંદરસિંહ પાસે તો પોતાના પાસપોર્ટ પણ ન હતા. (સત્યઘટના : માહિતી સ્ત્રોત : ઈન્ટરનેટ) 7.          ૧૦/૦૨/૨૦૧૮  બાળકોને પ્રેમથી સમજાવવું  બાળક બે વર્ષનું થાય એટલે થોડા કાલાઘેલા તેમજ તુટક તુટક શબ્દો બોલવાની શરૂઆત કરે. આ શબ્દો સાંભળીને શરૂઆતમાં તો કુટુંબમાં હર્ષની લાગણી વ્યાપી જાય કે પોતાનું લાડકવાયું બોલતું થયું છે. પણ થોડાક જ સમયમાં આ લાગણી ફરિયાદમાં ફેરવાઈ જાય છે. બાળક બોલતા શીખે એટલે તે બોલ્યાજ કરશે. ઘરના અન્ય સભ્યોના મોઢે સાંભળેલ શબ્દો તે બોલ્યાજ કરશે. પછી પ્રશ્નો પૂછશે. પછી જીદ પણ કરશે. ક્યારેક જીદ કરી, વારવાર પ્રશ્નો પૂછી તેમજ રોજ નવી માંગણી કરી પોતાની જીદ પૂરી કરવાનો પ્રયત્ન પણ કરશે. આ બધા પરિવર્તન બાળકમાં આવે તો બિલકુલ ગભરાવું નહીં. આ પરિવર્તન સામાન્ય કે તેનાથી વધુ બુદ્ધિપ્રતિભા ધરાવતા બાળકની નિશાની છે. આ બધી વસ્તુ બે થી સાત વર્ષ વચ્ચે આવવી જ જોઈએ. બાળક કોઈ વસ્તુના પ્રશ્નો ક્યારે પૂછી શકે? તેનું મગજ નવું જાણવા, નવું શીખવા તૈયાર થઈ ગયું હોય ત્યારે જ તે પ્રશ્નો પૂછશે. બાળક જીદ ક્યારે કરી શકે? તેને ખબર હોય કે આ વસ્તુ તે મેળવી શકે તેમ છે. પણ તેણે તે વસ્તુ મેળવવા થોડા બીજી રીતે વિશેષ પ્રયત્નો કરવા પડશે. ત્યારે જ તે માતા-પિતાની નાં ને હા માં ફેરવવા તેની બધી જ આવડતનો ઉપયોગ કરશે. આમ બાળકના આ ફેરફારોને હકારાત્મક લેવા. આ સમય જ માતાપિતાની કસોટીરૂપ ગણાય. તેમના પેરેન્ટિંગની કસોટીરૂપ કહી શકાય. તેમને માતાપિતા તરીકેની પૂર્ણતા પામવા માટે અમુક વસ્તુઓ શીખવા અને સહન કરવાની તક ગણાય. આ સમયે ગુસ્સે થવું, બાળકને મારવું કે ચુપ થઈ જા આ વસ્તુ તારે કામની નથી તું મોટો થઈશ એટલે તને સમજાઈ જશે એમ કહી ટાળવું કે છટકવું નહીં. આ સમયમાં સમજેલું, જોયેલું અને અનુભવેલું બાળક જીવનભર ભૂલતું નથી. એ જ વસ્તુઓ અનુસરવાનું પસંદ કરે છે. બાળકના આ સમયને તેનામાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન કરવાની તક ગણવી. તે મોટું થશે પછી તો તે પ્રશ્ન પૂછવાનું જ નથી. તે પોતાની રીતે કે અન્યને પૂછીને પોતાના મગજમાં ઉદભવતા પ્રશ્નોના જવાબ જાતે શોધી લેશે. પણ બે થી સાત વર્ષની ઉંમર જ માતાપિતા પાસે એક તક હોય છે કે તેને જે રીતે ઘાટ આપવો હોય તે રીતે ઘડી શકાય. આ સમયમાં તેને ભણાવવામાં સમય વધુ કાઢવાની જરૂર નથી. તેને ખુલ્લા મેદાનમાં રમાતી રમતો તેમજ ઘરમાં બેસીને ચિત્રકામ, સંગીત કે ચેસ જેવા કૌશલ્યોમાં પારંગત કરવાનો પ્રયત્ન કરવો. તેનામાં વાર્તા કહી, છાપામાંના સમાચાર સંભળાવી વાંચનની આદત કેળવી શકાય. ભલે આ ઉંમરમાં તે જીદ્દી હોય કે તોફાનો કરતુ હોય પણ આ જ ઉંમરમાં તેની ગ્રહણશક્તિ વધુમાં વધુ હોય છે. તે નવું શીખવા ખુબ જ ઉત્સુક હોય. નવી વસ્તુના નિયમો ઝડપથી શીખી અનુકરણ કરશે. આથી બે થી સાત વર્ષનો બાળકનો ગાળો માતાપિતાએ તકલીફ સ્વરૂપે નહીં પણ એક તક તરીકે સમજી તેમનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો પોઝીટીવલી કરવા.  6.        ૨૧/૦૧/૨૦૧૮    બાળકોને સમય મેનેજમેન્ટના પાઠ કેવી રીતે ભણાવવા  લગભગ ત્રીજા કે ચોથા ધોરણમાં આવતાજ બાળકને સમયની અછત વર્તાય છે. શાળા, ટ્યુશન ઉપરાંત ઘણી બધી ઈતર પ્રવૃત્તિના ભાર તળે જાણે ૨૪ કલાક પણ તેને ઓછા પડે છે. ટાઈમ મેનેજમેન્ટ એટલે અગત્યના કામોને ઓળખી નિયત સમયમાં તેને પુરા કરવા. જો માતા-પિતા ઈચ્છે કે બાળક જે પણ ક્ષેત્રમાં જાય તેમાં તે ખુબ સફળ થાય અને આગળ વધે તો તેનામાં સમયની કિંમત તેમજ અગત્યના કામો સમયસર પુરા કરવાની આવડત નાનપણથી જ હોવી જોઈએ. ટાઈમ મેનેજમેન્ટના પ્રત્યક્ષ પાઠ બાળક માતા-પિતાને જોઇને જ શીખતું હોય છે. માતા-પિતા જ બિનજરૂરી વિષયોમાં સમય વેડફે અને બાળકો પાસે ટાઈમ મેનેજમેન્ટની આશા રાખે તે શક્ય નથી. બાળકને સમયનું મેનેજમેન્ટ શિખવાડતા પહેલા માતા-પિતાએ પહેલા પોતાનું ટાઈમ મેનેજમેન્ટ સુધારવું પડે. ૫ થી ૧૦ વર્ષના બાળકોને “આજના દિવસમાં આપણે શું શું કરીશું?”, તેમ કહી આખા દિવસમાં ૪ થી ૫ કામો કરવાના છે તે શિખવાડાય. દા.ત આજે આપણે સાથે ગાર્ડનમાં જઈશું, પછી ઘરમાં બેસી કોઈ ગેઈમ રમીશું, પછી બધા સાથે બેસી જમીશું, કોઈ ટી.વી પ્રોગ્રામ જોઈશું અને રાત્રે વાર્તા કહી સુઈ જઈશું. બાળકનું મગજ પણ નક્કી કરેલા પાંચ કામો પત્યા કે નહીં તેની નોંધ નાનપણથી જ લેતું થઇ જાય છે. નાનપણમાં સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરતા શીખવવું પ્રમાણમાં સરળ હોય છે. ખુલ્લા મેદાનોની રમત, નિયમો, હાર-જીત પણ બાળકોને સમય મેનેજમેન્ટના પાઠ સુંદર રીતે શીખવે છે. ૧૦ થી ૧૫ વર્ષના બાળકો માટે તેમના કાર્યો સાથે સમયને સાંકળવો પડે. તેમના બે કાર્યો વચ્ચે થોડી જગ્યા રાખવી. ધારો કે સ્કુલ ૧ વાગ્યે છુટે તે પછી તેમને જમવા, સુવાનો પુરતો સમય મળવો જ જોઈએ. તેમનું ટ્યુશન તુરત ૨ વાગ્યે ના રખાય. ૪ થી ૫ ટ્યુશન, ૫ થી ૭ રમવાનું અને ૭ થી ૮ પાછુ ભણવાનું કે ટ્યુશન તેમ રખાય. ઘણા બાળકોને ૪ થી ૫, ૫ થી ૬, ૬ થી ૭ તેમ ખુબ ભરચક પ્રવૃત્તિઓનું સમયપત્રક હોય છે. તેમાં તેઓ પોતે જ બોજ હેઠળ આવી જાય છે. નાનપણથી જ તેઓ પ્રવૃત્તિનો આનંદ લેવાને બદલે તેને ભારરૂપ ગણે છે. તેની અસર તેમના સ્વભાવ, ભૂખ અને ઊંઘ પર પણ પડે છે. ઘરના પ્રસંગોમાં, પ્રવાસે જતા અને ખરીદી વખતે બાળકોને સાથે રાખવાથી તેઓ કામ અને સમયને સાંકળતા શીખી જાય છે. ૧૫ વર્ષથી મોટા બાળકોને બીજા દિવસે શું કામ કરવાના છે, તેની ચર્ચા તેઓ સાથે બેસીને કરવી જોઈએ. તેમાંથી કયા કામો અગત્યના છે, કયા કામો તેણે પહેલા કરવા જોઈએ અને કયા કામોને છેલ્લે રાખવા અને કદાચ આ કામો ના થાય તો પણ ચાલે તે શીખવવું જોઈએ. ક્યાંક બાળકની ભૂલ થાય તો તેને ઉતારી પાડી અને ધમકાવવાને બદલે બાળકે તેનો સમય ક્યાં બગાડ્યો તેનું હળવાશથી ધ્યાન દોરવું. ઓછા અગત્યના કામો અઠવાડિયામાં કે મહિનામાં થાય તો પણ ચાલે તેવું તેને સમજાવવું. ભણવામાં કે રમત-ગમતમાં આવતા બે કે ત્રણ અઠવાડિયામાં તે શું કરવા ઈચ્છે છે તેની ચર્ચા તેની સાથે બેસી કરવી જોઈએ. ટાઈમ મેનેજમેન્ટની ચિંતામાં તેની આંતરિક શક્તિઓ ક્ષીણ થાય તેવું દબાણ પણ ના હોવું જોઈએ. સમય મેનેજમેન્ટ શીખવવા માટે માતા-પિતાએ બાળકને પોતાનો સમય આપવાનું મેનેજમેન્ટ ખાસ કરવું પડે. બાળકને ઓછો સમય આપી બાળક સુંદર સમય મેનેજમેન્ટ શીખે તે અશક્ય છે. 5.             ૨૫/૧૨/૨૦૧૭  ખેલ - ડાબા હાથનો  જો કોઈ પૂછે કે ભારતના મહાનુભાવો જેવા કે મહાત્મા ગાંધીજી, આપણા વડાપ્રધાન નરેન્દ્રમોદી, ક્રિકેટર સચિન તેન્દુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિહ, મુક્કાબાજ મેરીકોમ, અમિતાભ બચ્ચન, આશા ભોંસલે, કરણ જોહર જેવા કલાકરો, લક્ષ્મી મિત્તલ અને રતન ટાટા જેવા ઉદ્યોગપતિઓ વચ્ચે શું સામ્યતા છે? તો બે ઘડી તો કોઈ પણ માથું ખંજવાળે. આ પ્રશ્નનો જવાબ વાંચતા પહેલા આપણે એક ઘટના જાણીએ. ૨૯ વર્ષના બેંગલુરુના સોફ્ટવેર એન્જીનીયર દિપક ભાટીને એકવાર મંદિરમાં ખોટા હાથે પ્રસાદ લેવા બદલ અને મંદિરમાં ખોટા હાથે દાનપેટીમાં પૈસા મુકવા બદલ ધમકાવવામાં આવ્યા. દિપક ભાટીની ભૂલ એ હતી કે તેમણે મંદિરમાં પ્રસાદ ડાબા હાથે લીધો હતો. ધમકાવનારને દિપક ભાટી ડાબોડી છે તે ખ્યાલ ન હતો. હજુ પણ ભારતમાં ઘણા જુનવાણી વિચારો ધરાવતા ઘરોમાં જો ડાબોડી વહુ હોય તો તેના હાથે રાંધેલું ખાવાનું અપશુકનીયાળ ગણાય છે. ધાર્મિક કામો તો હંમેશા જમણા હાથે જ થાય તેવો આગ્રહ રખાય છે. સદીઓથી ડાબોડી હોવું તે અપશુકનીયાળ ગણાતું પણ ડાબા હાથે કામ કરનારની મુશ્કેલીઓ હવે દુનિયામાં સમજાતી થઈ છે. ઉપરના નામો વાળી વિશ્વપ્રસિદ્ધ ભારતીય હસ્તીઓ ડાબોડી છે. જમણા હાથના ઉપયોગ પ્રમાણે જ દુનિયાની બધી ગોઠવણ થઈ છે. આ જમણેરી દુનિયામાં ૧૦% જેટલું જ પ્રતિનિધિત્વ ધરાવતા ડાબોડીઓએ ઘણો સંઘર્ષ કરવો પડે છે. નાનપણથી જ ડાબોડી બાળકોએ શિક્ષક અને માતાપિતાની વઢ સહન કરવી પડે છે. લખવું અને ખાવું જેવા કામો નાના બાળકો જ્યારે ડાબા હાથથી શરુ કરે છે ત્યારે શરૂઆતમાં તેમના માતાપિતા આ બાળકો આખી જિંદગી તેમના બધા કામો ડાબા હાથથી કરશે તે હકીકત સ્વીકારી શકતા નથી. તેમની પાસે ફરજીયાત તેઓ જમણા હાથથી તેમના કામો કરતા શીખે તેવું દબાણ કરવામાં આવે છે. મગજમાં PCS6 નામના  રંગસૂત્ર અને તેની મ્યુટેશન ગોઠવણીથી જ જન્મેલું બાળક ડાબોડી હશે કે જમણેરી તે નક્કી થઈ ચૂકેલું હોય છે. તેમની પાસે બળજબરીથી જમણા હાથે કામ કરવાની ફરજ પડાય તો તેઓ જમણા હાથે ક્યારેય જીવન જરૂરી કામો વ્યવસ્થિતપણે ભૂલ વિના કરી શકવાના નથી. વધુ પડતા દબાણને લીધે તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે તેવું બની શકે. ડાબોડી બાળકોમાં સિઝોફ્રેનિયા અને ડીસલેક્સિયા જેવા માનસિક રોગોનું પ્રમાણ વધુ હોય છે તેવું મનાય છે. તેઓનું સરેરાશ જીવન પણ ૧૦ વર્ષ ટૂંકું હોય તેવી માન્યતા છે. પણ નવા સંશોધનોએ આ માન્યતાઓને ખોટી ઠેરવી છે. ડોર નોબ, ગીટાર, કાતર, કોમ્પ્યુટર માઉસ, કોફી મગ તેમજ શીશી ઓપનરનો ઉપયોગ જમણેરીઓએ ડાબા હાથે કરી જોવો જોઈએ તો ડાબા હાથે કામ કરનારાઓની મુશ્કેલીઓ સમજી શકાય. સ્પાયરલ નોટબુકમાં લખતી વખતે મેટલ રીંગના સતત સ્પર્શને લીધે ડાબા હાથને થતું દર્દ ફક્ત ડાબોડીઓ જ સમજી શકે. જો કે હવે દુનિયામાં ઘણી જગ્યાએ ડાબા હાથના ઉપયોગ કરનારાઓ માટેના અલગ સ્ટોર ખુલ્યા છે. તેમના માટેના અલગ ટુથ બ્રશ, પેન્સિલ, પેન, કાંસકા, ચપ્પુ, સૂડી, કાતર તેમજ ઉપર જણાવેલી બધી વસ્તુઓ તેમને સરળતા રહે તે અનુસાર ડીઝાઈન કરવામાં આવી છે. ઘણા સંગીતના સાધનો પણ હવે તેમની જરૂરીયાત અનુસાર બનાવવામાં આવ્યા છે. ૧૯૭૬થી દુનિયાભરમાં ૧૩ ઓગસ્ટે ‘વિશ્વ ડાબોડી દિવસ’ની ઉજવણી થાય છે. ડાબોડી વ્યક્તિઓને દુનિયા સમજી શકે અને તેમને જીવન જીવવામાં સરળતા રહે તે હેતુ માટે આ દિવસ ઉજવાય છે. ભારતમાં પણ સંદીપ બિસ્નોઈ નામની એક વ્યક્તિએ ઔરંગાબાદમાં ‘ઇન્ડિયન લેફ્ટ હેન્ડલર ક્લબ’ની સ્થાપના કરી છે. હવે ગોવામાં લોટલી વિસ્તારમાં આ માસમાં જ ડાબેરીઓ માટેનું દુનિયાનું પહેલ વહેલું મ્યુઝિયમ ખુલ્લું મુકાયું છે. તેમાં દુનિયાભરના ૧૦૦ નામાંકિત ડાબોડી મહાનુભાવોના મીણના પુતળા મુકાશે. આમાંથી ૨૧ નામાંકિત વ્યક્તિઓના મીણના પુતળા તો મૂકી પણ દેવામાં આવ્યા છે. કાંગારૂ પ્રાણી પણ ડાબોડી છે. સગાઇ વખતે ડાબા હાથની ત્રીજી આંગળીમાં વીંટી પહેરાવવામાં આવે છે. વાહન ચલાવતી વખતે પણ ‘કીપ લેફ્ટ’ના બોર્ડ આપણે વાંચીએ છીએ. સ્કુલમાં જ્યારે ડાબોડી વિદ્યાર્થી બેંચ પર બેસે ત્યારે જો તેને બેંચના જમણા છેડે તેને બેસાડવામાં આવે તો તેને લખવામાં સરળતા રહે અને જો તેને બેંચના ડાબા છેડે બેસાડવામાં આવે તો તેનો ડાબો હાથ બેંચની બહાર લબડતો રહેશે જેથી તેને લખવામાં પારાવાર તકલીફ પડે. આમ ડાબોડી વ્યક્તિઓને સહાનુભૂતિ કરતા તેમની તકલીફો લોકો સમજે અને તેમનું આગળનું  જીવન સરળ બને તે માટે લોકો સહકાર આપે તેવી તેમની અપેક્ષા હોય છે.  એરીસ્ટૉટલ, કવિન વિક્ટોરિયા, પ્રિન્સ વિલિયમ્સ, મેરેલીન મનરો, જસ્ટિન બિબર, લેડી ગાગા, ઓબામાં, રોનાલ્ડ રેગન, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબ્લ્યુ બુશ, ડેવિડ કેમરૂન જેવા પ્રમુખો, ટોમ ક્રુઝ, માઈકલ એન્જેલો, લિઓનાર્ડો-દ-વિન્સી, ડી નીરો, ચાર્લી ચેપ્લિન જેવા કલાકારો, આઇન્સ્ટાઇન, બિલ ગેટ્સ, ગિટાર વાદક જીમી હેન્ડરીક્ષ, એલન બોર્ડર, ડેવિડ ગોવર, ગેરી સોબર્સ, બ્રાયન લારા જેવા ક્રિકેટરો, માર્ટીના નવરાતી લોવા, મોનિકા સેલેસ, રાફેલ નડાલ જેવા ટેનિસ પ્લેયર, તેમજ મહાન ફૂટબોલ પ્લેયર પેલે જેવી ડાબોડી વિશ્વવિભૂતિઓ માટે પણ મહાન થવું ફક્ત ડાબા હાથના ખેલ નહીં હોય. 4.          ૧૧/૧૧/૨૦૧૭  એ વખતના માતાપિતા - અત્યારના માતાપિતા  થોડા દિવસ પહેલા એક વડીલ દાદા એકલા મળવા આવેલ. તેઓ ખુબ જ વ્યથિત હતા. તેઓએ તેમની વ્યથા કહી. ‘મારે ત્રણ દીકરા અને એક દીકરી છે. હું મારા એક દીકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. તેને એક જ દીકરો છે જે ૧૫ વર્ષનો છે અને દસમાં ધોરણમાં ભણે છે. મને મારા ચાર બાળકોને મોટા કરતા કોઈ જ તકલીફ નથી પડી. પણ હું જેની સાથે રહું છું તે મારા દીકરાના દીકરાને ઘણી સમસ્યા છે. તેના વર્તનને લઈને ઘરમાં ખુબ જ અશાંતિનો માહોલ સર્જાય છે. તે ખુબ જ ગુસ્સાવાળો અને ચિડિયા સ્વભાવવાળો થઈ ગયો છે. તે વાંરવાર ખોટું બોલે છે. તેના સાચા માર્ક્સ છુપાવે છે. તેની કાર્યક્ષમતા ભણવામાં, ઘરના કામમાં અને રમત ગમતમાં એમ બધી જ જગ્યાએ નબળી થઈ રહી છે. તેને પોતાના પરનો આત્મવિશ્વાસ જ રહ્યો નથી. તેને પોતાના કામોની અને ઘર માટેની કોઈ જ જવાબદારી હોતી નથી.’ વડીલે પોતાના પૌત્રની ઘણી તકલીફો કહી. વડીલની વાત સાચી છે. વર્ષો પહેલા જ્યારે આપણા વડીલોને ચાર કે પાંચ બાળકો હોય. ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોય. તેમણે પોતાના સંતાનો પાછળ પૂરતા સમય અને નાણા ખર્ચ્યા નાં હોય છતાં તેમને પોતાના સંતાનોને લઈને ખાસ સમસ્યાઓ ન હતી. એ વખતે આવકના પૂરતા સાધનો ન હતા તેઓને પોતાનું ઘર ચલાવવામાં જ એટલી વ્યસ્તતા રહેતી કે બાળકો શું કરી રહ્યા છે તે ખબર જ રહેતી ન હતી. એ વખતના બાળકોમાં પણ જેમ વડીલે પોતાના પૌત્રની સમસ્યા કહી તેવી તકલીફો તો ઉદભવતી હતી. પરતું વડીલોનો પ્રેમ, સમય, શક્તિ અને તેમની પાછળ ખર્ચાયેલા નાણા સંપૂર્ણપણે  બિનશરતી રહેતા. તેઓ ક્યારેય પોતાના સંતાનોને ખુબ પ્રશ્નો પૂછતા નહીં. તેઓ પોતાનું સંતાન ક્યાં જાય છે, કોને મળે છે કે શું કરે છે તેની ચિંતા રાખતા નહીં. તેમના આ સ્વભાવને કારણે જ જ્યારે બાળક કોઈ ખોટું કામ કરે કે પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવે તો પણ સલાહ અને શરતોના બોજમાંથી મુક્ત રહી શકતું. આ મુક્ત રહેવા મળતું છતાં એ વખતે બાળકો બગડી જતા હોય તેવું નહતું થતું. આ સ્વતંત્રતાનો ભાર જ સમય સાથે તેમને સમજણ અપાવતો કે મારા માતાપિતા મારે માટે આટલું બધું કરે છે, રાતદિવસ એક કરીને મને ભણાવે છે છતાં મારી નિષ્ફળતાઓ વખતે મૌન રાખે છે. માતાપિતાનું મૌન જ તેમના માટે અસહ્ય રહેતું. તેમના મૌનની ભાષા અને સહનશક્તિની ચરમસીમા જ તે વખતના બાળકોનું હૃદયપરિવર્તન કરાવતી. અત્યારના માતાપિતા પોતાના એક કે બે સંતાનો માટે ખરેખર ખુબ મહેનત કરે છે. પોતાનો સમય, શક્તિ અને નાણા પોતાના સંતાન માટે ફાળવે છે છતાં જેમ આ વડીલે કહ્યું તેવી પરિસ્થિતિ ઘરમાં સર્જાય છે તેનું કારણ અત્યારના માતાપિતાનો વ્યવહાર સંપૂર્ણ બિનશરતી નથી. તેઓ પોતાનું બાળક ક્યાં જાય છે અને શું કરે છે તેવા પ્રશ્નો વધુ પૂછે છે. સવારથી સાંજ સુધી ઘરની અલગ અલગ વ્યક્તિઓની સલાહના ભાર હેઠળ બાળક રહે છે. ટીનએઈજ શરુ થાય એટલે સંતાનને પોતાની પાંખનો ઉપયોગ કરવાની તક જ તેમને આગળ વધવાનો માહોલ સર્જે છે, ઘરમાં શાંતિનું વાતાવરણ અને બાળકને પોતાની રીતે આગળ વધવાની સમજણ આપે છે.     (લેખ પ્રગટ થયો : દિવ્યભાસ્કર : ૨૨/૦૮/૨૦૧૭) ૩.           ૦૮/૧૦/૨૦૧૭ સંતાનને આંગળી પકડીને રસ્તો પસાર કરવામાં મદદ કરશો કે ખભેથી ઉચકીને? છેલ્લા ત્રણ વર્ષથી એક મેડીકલ રીપ્રેસંટેટીવ (MR) તરીકે એક બહેન નિયમિત મળવા આવતા. આપણે તેમને અમીબહેન તરીકે ઓળખીશું. તેઓ જે ફાર્મા કંપનીમાં કામ કરતા તેની પ્રોડક્ટ વિશે હંમેશા ટુંકાણમાં અને સુંદર રીતે માહિતી આપતા. અમારા પ્રોફેશનમાં ઘણા MR આવતા હોય છે પણ ખુબ ઓછા MR માં ડોક્ટર સામે વિશેષ છાપ છોડી જવાની આવડત હોય છે. અમીબહેન તેમને મળતી બે-ત્રણ મિનિટનો સુંદર ઉપયોગ કરી તેમની કંપની અને તેની પ્રોડક્ટ વિશે માહિતી આપતા. ગયા અઠવાડિયે તેઓ મળવા આવેલ. તેમણે કહ્યું, ‘આજે હું મારા કંપની તરફથી નહીં પણ એમનેમ મળવા આવી છું. મારા પતિ સોફ્ટવેર એન્જીનીયર છે. તેઓને જર્મનીમાં સારી તક મળી છે. આથી હું મારો બે વર્ષનો દીકરો અને મારા પતિ જર્મની જઈએ છીએ. હું જે ફાર્મા કંપનીમાં કામ કરતી હતી તે હવે છોડી રહી છું. તમે ત્રણ વર્ષથી ખુબ સહકાર આપ્યો એ બદલ આભાર. તમે અને અન્ય ડોક્ટર મિત્રોએ મને સહકાર આપ્યો તે બદલ મારી કંપનીમાં પણ મારો ગ્રોથ સારો થયો હતો. ફરી ઇન્ડિયા આવવાનું થશે તો મળીશું.' અહીં સુધી તો બરાબર હતું કે ઘણા MR નિયમિત મળતા હોય તેથી ડોકટરોને પણ તેમની સાથે મિત્રતા થતી હોય આથી તેઓનું કાર્યસ્થળ બદલાય એટલે તેઓ જે જે ડોકટરોને નિયમિત મળતા હોય તેમને બાય કહેવાની એક સૌજન્યતા દાખવતા હોય છે. તેમણે આગળ કીધું કે હવે હું મારા પિતાની ઓળખાણ આપું. અમીબહેનના પિતા જાણીતા ફિઝીસીયન હતા. મને ખુબ આશ્ચર્ય થયું, અને બોલાઈ ગયું, ‘તમે તેમના દીકરી છો? તો ક્યારેય ઓળખાણ કેમ નાં આપી?’ અમીબહેને કહ્યું, ‘મને પપ્પાએ ખાસ શીખવ્યું હતું કે તું જે જે ડોક્ટરને મળે તેમની પાસેથી ક્યારેય મારી ઓળખાણ આપીને કામ નાં મેળવીશ. કદાચ મારું નામ સાંભળી કોઈ ડોક્ટર તને સપોર્ટ કરવાનું ચાલુ પણ કરશે. પણ તે સપોર્ટ લાંબો નહીં ચાલે. તું તારા કામથી જ આગળ વધ તો તને જીવનના પડકારો સાથે આગળ વધતા કોઈ રોકી નહીં શકે. મને શરૂઆતમાં તકલીફ પડી પણ હું મારી જાતે આગળ વધી શકી તેનો મને આનંદ છે. પપ્પાની ઓળખાણ વિના કામ કરવું તે કેટલું અઘરું હોય છે તે પણ શીખવા મળ્યું.’ અમીબહેન ગયા પછી હું વિચારતો હતો કે સંતાનોને તેમના કાર્યની સુવાસથી જ આગળ વધવા દેવાનો નિર્ણય માતાપિતાનો કેટલો સુંદર વિચાર કહેવાય. અમીબહેનના પિતાએ પણ સુંદર કામ કર્યું કહેવાય. પોતાની દીકરીને કારકિર્દીના રસ્તા સુધી લઈ આવ્યા. રસ્તો બતાવીને રસ્તાના ઉતાર-ચઢાવ, અવરોધો વચ્ચે જાતે આગળ વધવાની સલાહ આપી. ૨૦૦૫માં આવેલી ફિલ્મ વક્તનો એક સુંદર ડાયલોગ. અક્ષયકુમાર અમિતાભ બચ્ચનને કહે છે. જ્યારે હું નાનો હતો અને મારી ફક્ત આંગળી પકડવાની જરૂર હતી ત્યાં પણ તમે મને તમારા ખબે બેસાડી રાખતા. અને હવે જ્યારે મને તમારા ખભે બેસવાની આદત પડી ગઈ છે ત્યારે તમે મને છોડી દીધો અને રસ્તા પર હું દોડું તેવી મારી પાસેથી અપેક્ષા રાખો છો. હવે જે અમીબહેને બે વસ્તુ કીધી તે સ્પર્શી જાય તેવી હતી. તેઓએ કહ્યું, ‘આ ત્રણ વર્ષમાં તમે ઘણીવાર ઘણી વ્યસ્તતા વચ્ચે પણ મને મળવાનો તમારો બહુમુલ્ય સમય આપતા હતા તે બદલ આભાર. હવે ભલે હું નહીં મળું પણ મારી કંપની તરફથી જે કોઈ તમને મળે, તમે મને સહકાર આપતા હતા તેમ તે વ્યક્તિને અને મારી કંપનીને સહકાર આપજો.’ જ્યાં કામ કર્યું છે તે કંપની છોડીને પણ તેના હિત માટે વિચારવું તે બહુ સારી વાત ગણાય.

2.    ૧૨/૦૯/૨૦૧૭ 

સાથી નહીં પણ સારથી 

થોડા સમય પહેલા એક વાર્તા (સત્યઘટના) વાંચી હતી. એક યુવાને તેના પરમ મિત્રને પોતાની એક અંગત વાત કહી હતી કે મારા પિતાને કોઈ પણ કારણસર ઘણા વર્ષોથી મળતું પેન્શન બંધ થયું છે. તેઓ ખુબ જ આત્મસન્માની છે. હું એમનેમ તેમને દર મહિને પૈસા આપું તો તેઓ લે નહીં.  પણ તેમનું જ પેન્શન આવે છે તેમ કહીને મેં તેમને દર મહિને મદદ આપવાની ચાલુ રાખી છે. આ યુવાનનું થોડા સમય પછી આકસ્મિક અવસાન થયું. તેના મૃત્યુ પછી પણ તેના ખાસ મિત્રએ તેના માતાપિતાને પેન્શનની મદદ તેઓ જીવ્યા ત્યાં સુધી ચાલુ રાખી હતી. મરનાર યુવાનને ઈશ્વરના ઘરે પણ પોતાની મૈત્રીનો ગર્વ થતો હશે. સાચા મિત્રોને એકબીજા પરનો વિશ્વાસ તેમનો આત્મવિશ્વાસ વધારે છે. નિષ્ઠાવાન અને પ્રમાણિક માણસોને સારા મિત્રો સ્વરૂપે ઈશ્વર પણ તેમને જીવનની અમુલ્ય ભેટ આપે છે. જેની સાથેની વાતચીતની શરૂઆત ‘તું’ થી થાય અને અંત પણ ‘તું’ થી આવે તેવો સરળ અને નિખાલસ સંબંધ એટલે દોસ્તી. જ્યારે તમે 'તમારા'માંથી ખોવાઈ જાઓ ત્યારે 'તમને' શોધવામાં તમારી મદદ કરે તે તમારો સાચો મિત્ર. ગાલિબે સુંદર કહ્યું છે, ‘ દોસ્તો કે સાથ જી લેને કા મોકા દે દે એ ખુદા....તેરે સાથ તો મરને કે બાદ ભી રહ લેંગે.’ સાચો મિત્ર તેના મિત્રનું પહેલું આંસુ જુએ છે. બીજું આંસુ ઝીલી લે છે અને ત્રીજા આંસુને પડવા નથી દેતો. એક ભાઈએ તેના મિત્રને ફોન પર કહ્યું કે તું કાલે આવ આપણે એક જગ્યાએ જવાનું છે. પછી તે ભાઈ ક્યાં જવાનું છે તે કહેવાની શરૂઆત કરતા હતા ને તેના મિત્રએ તેને અટકાવ્યો. તે કહ્યું કે આપણે જવાનું છે. બસ હું કાલે આવી જઈશ. મારે જાણવું નથી કે તું મને ક્યાં લઈ જવાનો છું. સાચી મિત્રતામાં ‘ક્યાં’, ‘ક્યારે’,’કેમ’ જેવા ખુલાસાને સ્થાન નથી હોતું. સાચા મિત્રોને શબ્દો કરતા મૌનની ભાષા વધુ અનુકુળ આવે છે. અબ્રાહમ લિંકને, ‘મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો.’ એવું એમનેમ નથી કહ્યું. મિત્રને મળવાથી ‘કઈક જીવનમાં ખૂટે છે’ તેવી લાગણી તરત દુર થઇ જાય છે. સારા મિત્રોની એક ખાસિયત હોય છે કે ક્યારેય તેઓ તમારાથી અમને ખોટું લાગ્યું છે તે કહેતા નથી. તેઓ તમને તમારી ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધી રાહ જોવાની ક્ષમતા અને પછી માફ કરવાની ઉદારતાનો ગુણ ધરાવતા હોય છે. સાચો સાથી જીવનભર સારથી બનીને રહે છે. મિત્રતાની વ્યાખ્યા સમજાવતા હેલન કેલરે કેટલી સુંદર વાત કહી હતી કે, ‘અજવાળામાં એકલા ચાલવા કરતા અંધારામાં મિત્ર સાથે ચાલવું બહેતર હોય છે.’ એક અભ્યાસ કહે છે કે જેમની સાથે સારા મિત્રો કામ કરતા હોય તેમની વર્કિંગ લાઈફ અને જીવવાની ક્ષમતા વધી જાય છે. મિત્રતામાં બે શરીર નહીં પણ બે નિર્મળ હદય એકબીજા સાથે મિત્રતા કરતા હોય છે. નાનપણમાં થયેલા મિત્રોને ક્યારેય હોદ્દો, પદ, ડીગ્રી, સમય, સ્થળ કે અંતર જેવી દુન્યવી તકલીફો તેમની મિત્રતામાં અંતરાય લાવતી નથી. વોટ્સઅપ વાંચેલો એક SMS : “ઘણા મિત્રો એવા હોય છે જેને ભૂલવા કાયદેસર મરવું પડે.’

1.       ૧૦/૦૮/૨૦૧૭ 

અસ્તિત્વ

  • આપણી જોવાની દ્રષ્ટિથી આપણે વિશ્વને કેટલું બધું બદલી શકીએ છીએ. જ્યારે કોઈને અડધા ભરેલા પાણીના ગ્લાસ વિશે પૂછવામાં આવે છે તો અમુક વ્યક્તિઓ કહેશે કે અડધો ગ્લાસ ખાલી છે. અમુક વ્યક્તિઓ કહેશે કે અડધો ગ્લાસ ભરેલો છે.
  • અડધો ગ્લાસ ભરેલો છે તેવું વિચારનારાની હકારાત્મક દ્રષ્ટી આપણે જોઈ શકીએ છીએ. પણ ત્રીજી એક શક્યતા અમુક લોકો જ જોઈ શકે છે કે અડધો બાકીનો ગ્લાસ ભરી પણ શકાય છે. અડધો ગ્લાસ ભરી શકાય છે તે વાત પોતાનામાં રહેલો આત્મવિશ્વાસ સૂચવે છે. પોતે આ કામ કરી શકશે તે શક્યતા જ જીવન પ્રત્યેનો હકારાત્મક દ્રષ્ટીકોણ સૂચવે છે.
  • સ્વામી વિવેકાનંદને એક વખત કહેવામાં આવ્યું કે અત્યારે અંધારું છે. તેના જવાબમાં તેમણે કહ્યું અંધારું નથી પણ અજવાળાનો અભાવ છે. તેમને કહેવામાં આવ્યું કે અત્યારે ઠંડી છે. તેમણે કહ્યું કે ઠંડી નથી પણ ગરમીની ગેરહાજરી છે. તેમને કહેવામાં આવ્યું કે દુનિયામાં શેતાનોનું અસ્તિત્વ છે. તેમણે જવાબ આપ્યો કે દુનિયામાં શેતાનનું અસ્તિત્વ જ નથી પણ પ્રેમ, શ્રધ્ધા, વિશ્વાસ અને ઈશ્વરની  ગેરહાજરી છે. જેનામાં આ ચાર વસ્તુ નથી તેને જ શેતાનનો અનુભવ થાય છે.

2 ટિપ્પણીઓ

  1. લેખકYash Prajapati

    on July 9, 2018 at 11:07 am - Reply

    Dear sir ,

    I have read book “Life & Positivity” .
    One of the best examples you have narrated as a kind person. I was surprised by reading all examples which you described because today’s modern generation no one have time to narrate their real historical talks which faced by us.
    Truly motivated , inspirational stories.
    With busy schedule of your clinical practice , you give time to your passion / something want to do for societies by telling real incidents , great sir.
    Keep it up sir !

    Regards,
    Yash PRAJAPATI

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો