મુલાકાતી નંબર: 430,044

Ebook
વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર.-1

ડોક્ટર આશિષભાઈ, મારી દીકરી ત્રણ વર્ષની છે. તેને શરદી-ખાંસી વાંરવાર થાય છે. ઝાડા અને તાવ પણ થોડા થોડા દિવસે આવે છે. તે માંદી ઓછી પડે અને તેની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય તે માટે કોઈ સૂચન કરો ને. -પ્રતિક રાજપૂત

ઉ-1

બાળક તંદુરસ્ત કેવી રીતે રહેશે? તે દરેક માતાપિતાને થતો પ્રશ્ન છે. થોડા સૂચનો નીચે મુજબ છે.

  • વાતાવરણ તંદુરસ્ત રાખવું : બાળકને નાની મોટી બિમારી થાય અને માતાપિતા ડોક્ટર પાસે તેને લઈ જાય ત્યારે તેઓની એક માંગણી અચૂક હોય છે કે અમારૂ બાળક ઓછુ બીમાર પડે તેવું કઈક કરો. બાળકની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારાય? વાતાવરણમાં ફેરફાર થાય તે માતાપિતાના હાથમાં નથી પણ ઘરનું અને બાળકની આજુબાજુનું વાતાવરણ તંદુરસ્ત રાખવું તે માતાપિતાના હાથમાં ચોક્કસ છે જેનાથી તેમનું બાળક ઓછુ બીમાર પડશે.
  • ખોરાકમાં પ્રોટીનનું પુરતું પ્રમાણ : બાળકના ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ૩૦% થી ૪૦% જેટલું હોવું જોઈએ. પ્રોટીનયુક્ત આહાર બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિકસતા બાળકના સ્નાયુ, હાડકા, તેમજ રકતકણોના બંધારણ માટે પ્રોટીન જરુરી છે. કઠોળ, સિંગચણા, સુકોમેવો, બાજરી, મકાઈ અને ઈંડાનો સમાવેશ પ્રોટીનયુક્ત આહારમાં આવે.
  • કુત્રિમ કલરવાળી વસ્તુઓથી બાળકને દુર રાખવું : લાલ, પીળા કે કોઈ પણ કલરયુક્ત ખોરાકનું હંમેશા બાળકને આકર્ષણ રહે છે. આવા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ નહીંવત હોય છે. તેના સ્વાદ અને કલરથી આકર્ષિત થઈ બાળકે તે ખોરાક ખાધો હોય છે પછી તેણે ઉધરસ, એલર્જી, આંતરડાના રોગોથી હેરાન થવું પડે છે. લાલ-પીળી ચોકલેટો, કલરવાળા શરબતો, ઠંડા પીણા તેમજ કલર નાખેલી મીઠાઈઓથી બાળકને હંમેશા દુર રાખવું જોઈએ.
  • પુષ્કળ પ્રવાહી લેવું : ૩૦ કિગ્રા સુધીના વજન ધરાવતા બાળકે રોજનું ૪૦ મી.લી થી ૫૦ મી.લી પ્રવાહી પ્રતિ કિગ્રા વજન પ્રમાણે લેવું જોઈએ. પાણી ઉપરાંત લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી, સૂપ તેમજ ફળોના રસનો ઉપયોગ માતાપિતાએ બાળકને આપવામાં ખાસ કરવો જોઈએ. પુરતું પ્રવાહી લેવાથી બાળક થાકશે નહી, તેની રોગપ્રતિકારક શક્તિ સુધરશે, તેને કબજીયાત અને સુકી ચામડી તેમજ પેશાબમાં ચેપ જેવી તકલીફોથી પણ છુટકારો મળશે.
  • લીલા શાકભાજી : જો બાળક શાકભાજી ઓછા લે તો તેને સલાડ, સૂપ કે વેજીટેબલ સેન્ડવિચના રૂપમાં પણ શાકભાજી આપવાનો પ્રયત્ન કરવો. શાકભાજીમાં રેસાનું પ્રમાણ પુરતું હોય છે. બધાજ પ્રકારના વિટામીનો શાકભાજીમાંથી મળે છે. માતાપિતાને તે શાકભાજી લેતા જોશે એટલે એ પણ લેતા શીખશે. તેને શાકભાજી લેવાનું દબાણ કરવાથી તે દુર ભાગશે.
  • ઊંઘ : રાત્રે ૭.૫ કલાકની અને દિવસે ૪૫ મિનિટથી એક કલાકની ઊંઘથી તેનું મગજ સતેજ રહેશે. બાળકની યાદ શક્તિ વધે, ચપળતા વધે અને દરેક કાર્ય ઉત્સાહથી કરે તે માટે ઊંઘ પુરતી અને નિયમિત હોવી ખુબ જરુરી છે.
  • શુધ્ધ પાણી : ઉકાળેલું કે ગાળેલું પાણી કોઈ પણ પદ્ધતિથી શુદ્ધ કરેલું હોવું જોઈએ. જમતા પહેલા હાથ બરાબર ધોવા અને પાણી લેવા ડોયાનો ઉપયોગ અવશ્ય કરવો.
  • રમત ગમત : ખુલ્લા મેદાનોમાં રમત બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વ્યક્તિત્વ વિકાસ માટે ખુબ જરુરી છે. આગળ જતા તે તેના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થાય તે માટે નાનપણમાં રમતો રમી હોય તે બાળકોને ખુબ જરુરી છે.
  • સ્ક્રીન સામે ઓછો સમય : ટીવી, વિડીઓ ગેઇમ અને કોમ્પ્યુટર સાથેનો સમય ૩૦ થી ૪૫ મિનિટ રોજનાથી વધુ નાં હોવો જોઈએ.
  • પુસ્તકો અને છાપાનું વાંચન : રોજનું ૩૦ થી ૪૫ મિનિટનું અવશ્ય હોવું જોઈએ. ઉપરની બધી જ વસ્તુનો ભાગ બાળકની રોગપ્રતિકારકશક્તિ વધે અને તે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે રહેલો હોય છે.

પ્ર.-2

મારી બે વર્ષની દીકરીને ઝાડા કરવામાં ખુબ તકલીફ રહે છે. તેનું પેટ સાફ રહેતું નથી. ક્યારેક મળ સાથે લોહી પણ પડે છે. ડોક્ટર સાહેબ મને ખુબ ચિંતા રહે છે. માર્ગદર્શન આપો. -ભરત લાખાણી – જજીસ બંગલો – અમદાવાદ

ઉ-2

બાળકોમાં કબજીયાત 

  • પોતાનું બાળક ત્રણ દિવસ ઝાડો ના કરે અને આવું વાંરવાર થાય તો માતાને ખુબ ચિંતા થતી હોય છે. ફક્ત માતાના ધાવણ પર રહેતું બાળક પાંચ કે છ દિવસે પેટ સાફ કરે, આ દરમ્યાન જો તેને કોઈ તકલીફ નાં હોય, તે રડે નહીં, તે ધાવણ બરાબર લેતું હોય તો તે કબજીયાત નથી.
  • મોટા બાળકોમાં તેમણે ઝાડા કરવા માટે ખુબ પ્રયત્નો કરવા પડે, ઝાડો કરવામાં ખાસ્સો સમય જાય, ક્યારેક દુખાવો થાય અને ખુબ જોર કર્યા પછી સુકો મળ આવે તો તેને કબજીયાત કહેવાય. આ સ્થિતિ વાંરવાર ઉદભવે તો ડોક્ટરને તરત મળવું જોઈએ.
  • જ્યારે બાળકો ઓછુ પ્રવાહી પીવે ત્યારે આંતરડું તેના મળમાંથી પ્રવાહી શોષી લે છે આથી મળ કઠણ થાય છે. કબજિયાતના કારણોમાં ખોરાકમાં રેસાયુક્ત ખોરાકનો અભાવ હોવો જેમકે ભાજી, ગાજર, પપૈયું, વટાણા, કાકડી અને કોબી. ખોરાકમાં મેંદાની વસ્તુઓ વધુ હોવી જેમકે બ્રેડ, ટોસ્ટ, ખારી, કેક, નુડલ્સ વગેરે. બાળક બીમાર હોય ત્યારે જમે ઓછુ અને પ્રવાહી પણ ઓછુ લે ત્યારે થોડા સમય પુરતું કબજીયાત થાય. અમુક કફ સિરપો પણ બાળકોમાં કબજિયાતનું મુખ્ય કારણ હોય છે.
  • દેશી ફાકી, ચૂર્ણ, ઘસારા અને કડવાટ બાળકને આપવા જ જોઈએ તેવી ખોટી માન્યતાઓ પણ કબજીયાતનું કારણ છે.
  • બાળકોનું બેઠાડું જીવન, રમત-ગમત અને કસરતનો અભાવ તેમજ ટી.વી સામે બેસી રહેવું અને વધુ પડતા ખાંડ અને સાકરવાળા જંક ફૂડથી કબજીયાત થાય છે.
  • હાયપોથાયરોઈડ, સેરેબ્રલ પાલ્સી, ડાઉન્સ સિન્ડ્રોમ અને કરોડરજ્જુના રોગોમાં આંતરડામાં રહેલા ચેતાકોશ બન્યા નથી હોતા અથવા નિષ્ક્રિય થઈ પુરૂ કાર્ય કરતા નથી. આને કારણે આને કારણે આંતરડાની સંકોચન વિકોચનની પ્રક્રિયા ધીમી પડે છે. ઉપરના બધા કારણોમાં આંતરડાની ચામડીનો ફરકાટ ધીમો પડે છે. મળ આગળ ધકેલાતું નથી. એક જ જગ્યાએ અટકેલા મળમાંથી પાણી સોશાઈ જાય છે. ઝાડો કઠણ બને છે અને ક્યારેક તેમાંથી લોહી પણ પડે છે. બાળકનું ગુદાદવાર નાનું અથવા દુર હોવાને કારણે કબજીયાત થાય છે.
  • બાળકમાં ઝાડા કરવાના સમયે માતાને કહેવું (ટોઇલેટ ટ્રેઈનીંગ), તે સમય બે થી પાંચ વર્ષ વચ્ચે ગમે તે સમયે આવે છે. અલગ અલગ બાળકમાં અલગ ઉંમરે આવી શકે. તે સમયે તે ના બોલે અને ઘરમાં ગમે તે જગ્યાએ ઝાડો કરી લે તો તેને ડરાવવો કે ધમકાવવો નહીં. આવું કરવાથી તે ઝાડો વધુ રોકી રાખશે. અમુક સ્કુલોમાં પણ નાના ભૂલકાઓને આયા બેનો ગમે ત્યાં ઝાડા કરવા બાબત વઢતા હોય છે. આવું કરવાથી તેની કુદરતી રીતે સંડાસમાં જ ઝાડા કરવા જવાની સમજણ લંબાય છે. રમતના કલાકો દરમ્યાન ઝાડો રોકી રાખતા બાળકોમાં પણ આ તકલીફ જોવા મળે છે. ઉતાવળે જમતા બાળકો પણ પાણી પીવાનું ટાળે છે આથી તેમનામાં સુકો મળ થાય છે.
  • બાળકોમાં કબજીયાત કેવી રીતે નિવારી શકાય અને તેની સારવાર :                                                                                            જ્યારે પણ બાળકનો ઝાડો કડક હોય, ઝાડો કરવા માટે તેણે ખુબ પ્રયત્નો કરવા પડે, ઝાડો કરતા ખુબ જ દુખાવો થાય અને ક્યારેક લોહી પડે તો બાળકને કબજીયાત થયું છે તેમ કહી શકાય. બાળક ક્યારેક કમરના સ્નાયુ કડક કરશે, તો ક્યારેક કુદાકુદ કરશે. કુટુંબીજનને તે ‘નથી લાગી’ તેમ પણ કહેશે. તે થોડું આળસુ બની સુઈ જશે. ક્યારેક તેની ચડ્ડીમાં પણ ઝાડો થયેલો જોવા મળે છે.
  • કબજિયાતમાં તુરંત સારવાર ક્યારે લેવી? કબજીયાત સાથે તાવ, ઉલટી, ઝાડામાં લોહી પડવું, વજન ઘટવું, ગુદાદ્વારે ચીરા પડવા અને ગુદાદ્વારે થી આંતરડાનો ભાગ બહાર આવવો આવા લક્ષણો જણાય તો તુરંત સારવાર લેવી.
  • કબજિયાતના બાળદર્દીને પેશાબમાં રસી થાય, વાંરવાર પેશાબ કરવા જવું પડે, પેશાબ અટકીને થાય તેમજ ક્યારેક પથારીમાં પેશાબ થાય જેવા લક્ષણો જોવા મળે છે.
  • કબજીયાત ધરાવતા બાળકની સારવારમાં તેને પુષ્કળ પ્રવાહી આપવું જોઈએ. છાસ, સૂપ, જ્યુસ કે નાળિયેર પાણી કબજીયાતની સારવારમાં ખુબ ફાયદો કરે છે.
  • બાળક ઉઠે કે તરત તેને હુંફાળું ગરમ પાણી આપી શકાય. ઘી અને મધ ઝાડાની ઘટ્ટતા ઘટાડવામાં થોડા મદદરૂપ થઈ શકે છે. ઝાડો કરાવવામાં દિવેલ કે સાબુની ગોટી મળદ્વારે નાખવાના પ્રયત્નો ટાળવા.
  • રેસાયુક્ત ખોરાક વધુ આપવો. જેમાં બધા જ પ્રકારની ભાજી, કોબી, કાકડી, પપૈયું, વટાણા, ગાજર, ખજુર તેમજ અંજીરને ગણી શકાય. રેસાયુક્ત ખોરાક મળને આંતરડામાં આગળ વધારવામાં મદદરૂપ થાય છે. બાળકની રેસાની દૈનિક જરૂરિયાત આંઠ થી દસ ગ્રામની હોય છે. સો ગ્રામ ભાજીમાં ૮૦ થી ૯૦ ગ્રામ પાણી અને ચાર થી પાંચ ગ્રામ રેસા હોય છે. ભાજી સૂપ, થેપલા કે મુઠિયા દ્વારા બાળકને આપી શકાય. આખા ઘઉંની વાનગી જેમ કે ઘી સાથે ફાડા-લાપસી ઝાડામાં ફાયદો કરે છે.
  • પ્રોટીનના ડબ્બા, મેંદાની વસ્તુઓ, ઠંડા પીણા, પડીકામાં મળતા ખાદ્ય પદાર્થો કબજિયાત વધારે છે. તે બાળકને આપવા ટાળવા. ઝાડો ઢીલો કરવા માટે ઉપરથી પીવડાવાની દવા ( laxatives ),                                  નીચેથી અપાતી દવા         ( enema ), ચીરા મટાડવાની ટ્યુબ અને ઇસબગુલનો પાવડર જેવી દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરી શકાય.
  • હુંફાળા પાણીના ટબમાં બેસાડવાથી ફાયદો થાય છે. બાળકોને ટોયલેટ ટ્રેઈનીંગ આપવી. વધુ દબાણથી નહીં પણ પ્રોત્સાહન આપી તેને સાચી જગ્યાએ ઝાડા કરવા પ્રોસાહિત કરવા જોઈએ. ઝાડો થાય કે નાં થાય પણ ચોક્કસ સમયે સંડાસમાં બેસવાની આદત જરૂર ફાયદો કરે છે. સવારની સ્કુલ હોય તેવા બાળકોમાં તેઓ ઉઠે અને સ્કુલે જાય તેમાં કલાક જેવો સમય મળે તેવું આયોજન કરવું. ઓછો સમય મળે અને બધા કામ ઝડપથી કરવા પડે તે સ્થિતિમાં પેટ સાફ થવાનું કામ જ રહી જતું હોય છે. રમતી વખતે, ટ્રાવેલિંગ વખતે, સ્કુલમાં કે હોટલમાં ઝાડો થશે તેવું લાગે તો રોકવું નહીં પણ મમ્મી-પપ્પા કે શિક્ષકની મદદ લઈ ઝાડો કરી લેવો જોઈએ.
  •   ( દિવ્યભાસ્કર : ૨૦/૦૩/૨૦૧૮ અને ૦૩/૦૪/૨૦૧૮)

પ્ર.-3

મારી દીકરી હાલ ચાર માસની થઈ. તે અમને ઘણો સારો રિસ્પોન્સ આપે છે. ક્યા મહિને તે શું શીખશે તે મને જાણવાની ખુબ ઈચ્છા છે તો જણાવો. -હેતલ પંચોલી – ચાંદલોડિયા – અમદાવાદ

ઉ-3

જન્મથી છ માસ સુધી બાળકનો માનસિક વિકાસ

પહેલો મહિનો :

પહેલા માસ દરમ્યાન બાળક લગભગ ૧૫ થી ૧૬ કલાકની ઊંઘ લે છે. તેને જો ઊંધું સુવડાવવામાં આવે તો તે માથું એક બાજુ ફેરવે છે. ભૂખ્યું થાય કે પેશાબ કરતી વખતે રડે છે. ઘણીવાર કોઈ કારણ વગર પણ રડે છે. માથું કે શરીર ફેરવવાથી તે ઢીંગલીની આંખોની માફક તેની આંખો શરીરની વિરુધ્ધ દિશામાં ફેરવે છે.

બીજો મહિનો :

બીજા માસ દરમ્યાન તે સંપર્ક અને અવાજથી માતાને ઓળખતું થઈ ગયું હોય છે. માતા સામે ઘણી મિનિટો તાકી રહે છે. ઘરના સભ્યોના અવાજને ઓળખીને તે સામો પ્રતિસાદ પણ આપે છે. તે હાથ-પગ ભેગા કરવા, લાતો મારવી જેવા કાર્ય કરે છે. તેની સામે અવાજ કરી કુટુંબીજનોના પ્રતિભાવથી તે રડતું બંધ થઈ જાય છે.

ત્રીજો મહિનો :

ત્રીજા માસ દરમ્યાન જો તેને જમીન પર ઊંધું સુવાડીએ તો તે માથુ ઊંચું કરી અવાજની દિશામાં માથુ ફેરવી શકે છે. ત્રીજા માસ દરમ્યાન બાળક વિવિધ અવાજો, હળવું સંગીત, હાલરડાં અને પ્રર્થના ધ્યાનથી સાંભળે છે. તેની સામે વસ્તુ ધરતા તે વસ્તુ તરફ હાથ લંબાવે છે. તે રડતું હોય તે વખતે તેને ગમતું સંગીત સાંભળી તે શાંત થઈ જાય છે.

ચોથો મહિનો :

ચોથા માસ દરમ્યાન તે કુટુંબના સભ્યો સાથે ખુબ હળીમળી ગયું હોય છે. કુટુંબના સભ્યોને પણ તેની સાથે રમવું ગમે છે. તે આખા દિવસમાં ઓછામાં ઓછુ બે વખત સળંગ ચાર કલાક જેટલું સુઈ જાય છે. તેને ઊંધું સુવાડતાં પંજાના ટેકે છાતી ઊંચકી ઉભું થાય છે. તે તેના મોટા ભાઈ-બહેન સાથે રમે છે. તે ખુશ થઈ તેમને પ્રતિભાવ પણ આપે છે.

પાંચમો મહિનો :

પાંચમાં મહિને તેની વસ્તુ પરની પકડ મજબુત બને છે. પેન્સિલ તે બરાબર પકડી શકે છે. તે ચોરસ, ગોળ અને ક્યુબ જેવા કલરવાળા રમકડાથી રમે છે. તેને ગમતા રમકડાની સામે તે તાકીને જોયા કરે છે. અજાણ્યા માણસની તે નોંધ લે છે. અજાણ્યા માણસને જોઈ તે રમવાનું બંધ કરી દે છે. અજાણી વ્યક્તિ તેને ઉચકે તો તે હાથ પહોળા કરી પોતાની માતા તરફ આવવાનો પ્રયત્ન કરે છે.

છઠ્ઠા મહિને :

છઠ્ઠા મહિને તે ઉંધામાંથી ચત્તું અને ચત્તામાંથી ઊંધું થતા શીખી ગયું હોય છે. તે પોતાના પેટ પર સરળતાથી ગોળ ગોળ ફરે છે. તે પોતાનો ચહેરો અરીસામાં જોઇને ખુશ થાય છે. તે હાથમાં પકડેલા રમકડા અને વસ્તુઓને જમીન પર પછાડી અવાજો કરે છે.

સાતમાં મહિને :

સાતમાં મહિને બાળક ઘરની વ્યક્તિઓને તો સહેલાઇથી ઓળખી જ શકે છે પણ પડોશી તેમજ ઘરે વારંવાર આવતી વ્યક્તિઓને પણ ઓળખીને સામે હસીને પ્રતિક્રિયા આપે છે. પોતાના નામથી પરિચિત થાય છે અને નામથી બોલાવતા તરત તે દિશા તરફ જુવે છે. સાતમાં મહિને તે આધારથી બેસતા શીખી ગયું હોય છે. ભાખોડિયાભેર ચાલે પણ છે. ચાલતા ચાલતા ક્યારેક હાથ કે પગનો વજનને લીધે કાબુ ગુમાવતા પડી જાય છે. તે ડોક ટટ્ટાર રાખે છે. આંગળીથી આધાર આપતા બેસી જાય છે. હાથ પકડીએ તો ઉછળકૂદ કરે છે.

આઠમાં મહિને :

અજાણ્યા લોકો સાથે થોડીવારમાં જ ભળીને રમવા લાગે છે. તેમનો ડર લાગતો નથી. વધુ સમય સુધી આધાર વિના સ્થિર બેસી શકે છે. પંખો ક્યાં? મોબાઈલ ક્યાં? જેવા પ્રશ્નોના પ્રતિભાવમાં તે વસ્તુઓ જોઈ સુંદર હાસ્ય આપે છે. અવાજ કરી શકે તેવા રમકડા ઓળખી હાથમાં પકડી અવાજ કરે છે. ઘરના સભ્યોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા પ્રયત્નો કરે છે.

નવમાં મહિને :

સ્થિર, ટટ્ટાર બેસી શકે છે. કોઈ વસ્તુ ખેંચીને આધાર લઈને ઉભું પણ થાય છે. ભાખોડિયા ભરી ચારે બાજુ ખસે છે. જોયતી વસ્તુ લેવા તરત પહોંચી જાય છે. ખાટલો કે ટેબલના માથા પકડી ઉભું થાય છે પરંતુ બેસતા નાં આવડતું હોવાથી તે ઉભું જ રહે છે. હાથમાં પકડેલી વસ્તુ પડી જાય તો તેની તરફ આંગળી કરી આવાજ કરી તે પડી ગઈ છે તે સમજાવવાની કોશિશ કરે છે. મોટી વસ્તુ તે બરાબર પકડી શકે છે પણ ચણા, દાણા જેવી નાની વસ્તુઓ અંગુઠા અને આંગળી વચ્ચે પકડવાની તે કોશિશ કરે છે.

દસમાં મહિને :

દસથી અઢાર માસ વચ્ચે જ બાળક પકડીને ઉભા રહેવું, પકડીને ચાલવું અને પકડ્યા વિના ઉભા રહેવાનું શીખે છે. સંતાડેલા રમકડાને તે શોધે છે. દોરી પકડીને તે રમકડું નજીક લાવે છે. જે-તે વસ્તુઓ મોમાં નાખીને ચૂસવાની તેની આદત એકદમ વધી ગઈ હોય છે. ટોયલેટમાં બેસાડી અવાજ કરવાથી તે ઝાડો-પેશાબ પણ કરી શકે છે. તેની સામે ગીતો ગાવ તો ડોક હલાવી બે હાથથી તાળી પાડવાની પ્રતિક્રિયા પણ તે કરે છે.

અગ્યારમાં મહિને :

પકડીને સરસ ચાલે છે. આવજો, ટાટા, ભૂ, જે-જે, મમ્મી, પપ્પા, દાદા અને બા જેવા શબ્દોથી તે પરિચિત થઈ જાય છે. બીજાને જમતા જોઈ તે પણ કઈક ખાવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને સાથે બેસી જમવા લાગે છે. વાડકીમાં મમરા જેવી વસ્તુ આપવાથી એક એક મમરો બે આંગળીઓ વચ્ચે પકડીને ખાય છે. નીચે ઢોળાય તો પણ તે મમરો પકડીને ખાવાની કોશિશ કરે છે. સિંગદાણા કે ચણા નાકમાં નાં નાખી દે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેરોસીન, સાબુ, ગરમ દૂધ જેવી વસ્તુઓમાં હાથ નાખી પીવાનો પ્રયત્ન કરે છે આવી વસ્તુઓ ખુબ ઊંચાઈ પર રાખવી પડે. કબાટ, કે ટેબલના ખાના ખોલી અંદરના કપડા અને વાસણો તે બહાર કાઢી લે છે. બે-ત્રણ બાળકો સાથે બેસાડી તાળી પાડી રમતા શીખે છે. તેને નાં પાડો તો પણ તેણે કરવું હોય તે જ કરે છે.

બારમાં મહિને :

તેની સાથે સંતાવાની, વસ્તુઓ આપ-લે કરવાની અને રમવાની ઘરના સભ્યોને ખુબ મઝા આવે છે. કોઈ એક વ્યક્તિ તેની સાથે રમે કે રહે તેવી વૃત્તિ ધરાવતું તે થઈ જાય છે. એક સાથે ચાર-કે પાંચ નોટ કે ચોપડીના પાનાં ફેરવી શકે છે. પેન્સિલ પકડી તેમાં લીટા કરે છે. પાનાં-છાપા વગેરે ફાડે છે. ગ્લાસ ઉંધો કરી પાણી ઢોળવાની કોશિશ કરે છે. બાથરૂમમાં પાણી સાથે સમય વિતાવવો ગમે છે. કપડા પહેરવામાં મદદ કરે છે. ન સમજાય તેવા શબ્દોનો ‘લવારો’ કરે છે. મમ્મી કે પપ્પા ઓફિસેથી આવે તો ખુબ ખુશ થઈ હસીને વળગીને પ્રતિક્રિયા આપે છે. પપ્પી કરવી, વળગવું, ગાલ ચાટવા તેવી પ્રતિક્રિયા માતા સાથે તે કરે છે. ઘાંટો પાડીએ તો ખોટું લાગે અને રડે છે. રમકડા કે ઢીંગલીને થાબડે છે. ડોક્ટર પાસે લઈ જતા અસાલમતી અનુભવી રડે છે.

સારા માનસિક વિકાસ માટે માતાપિતાનો પ્રેમ, પુરતો સમય, પોષ્ટિક ખોરાક, ઘરનું પ્રફુલ્લિત વાતાવરણ, પરિવારજનોનો સ્નેહ અને તેની સાથે સંકળાયેલ લોકોના વર્તન જેવા પરિબળો ખુબ અગત્યનો ભાગ ભજવે છે.

(દિવ્યભાસ્કર : ૨૭/૦૨/૨૦૧૮ અને ૧૦/૦૪/૨૦૧૮)

પ્ર.-4

સ્વાઈન ફ્લ્યુ વાયરસના ચેપ વિશે થોડી માહિતી આપશો. તેનાથી બચવા શું કરવું જોઈએ તે જણાવશો. -alpa naik

ઉ-4

  • સ્વાઈન ફ્લુ H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસના ચેપ લાગવાથી થાય છે.
  • સામાન્ય લક્ષણો : શરદી, તાવ, ગળામાં સોજો, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ કે સાંધામાં દુખાવો, ઉલટી, ઉબકા અને ક્યારેક ઝાડા.
  • ગંભીર લક્ષણો : શ્વાસ ચઢવો, વધુ તાવ (high fever) ક્યારેક શ્વસન ક્રિયા નિષ્ફળ જવી, અને મગજ પર ચેપ પહોંચવો.
  • લોહી તપાસમાં શ્વેતકણો ઘટી જવા.
  • આ લક્ષણો 4 થી 6 દિવસ સુધી રહે છે.
  • શરદી, ખાંસી અનુ ન્યુમોનિયાના લક્ષણ ધરાવતા બાળકમાં નેસલ સ્વાબનો નમુનો લઈ ‘H1N1 રીયલ ટાઈમ પીસીઆર’ તપાસ દ્વારા નિદાન ચોક્કસ થાય છે.
  • આ તપાસનો રિપોર્ટ ૨૪ કલાકમાં આવે છે. આ ટેસ્ટ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં ઉપલબ્ધ છે.
  • ઓસ્લટામીર (ટેમીફ્લુ, ફ્લુવીર) દવા અસરકારક છે. જો શરૂઆતના ૪૮ કલાકમાં લેવાય તો રોગના ગંભીર લક્ષણોમાંથી બચી શકાય છે.  ૩ માસ થી ૧૨ માસ સુધીના બાળક માટે ૧૦ મિગ્રા થી ૨૫ મિગ્રા એક દિવસમાં બે ડોઝ દ્વારા લેવો જોઈએ. અને ૧૫ કિગ્રા થી ૪૦ કિગ્રા સુધીના વજન વાળા બાળક માટે ૩૦ મિગ્રા થી ૪૦ મિગ્રા એક દિવસમાં બે ડોઝ દ્વારા લેવો જોઈએ. આ દવા સિરપના માધ્યમથી ઉપલબ્ધ હોય છે.
  • આ રોગનો ફેલાવો શ્વાસના કણો દ્વારા થાય છે.
  • સ્વાઈન ફ્લ્યુ ધરાવતી વ્યક્તિના સંપર્કથી કે હાથ મિલાવવાથી પણ રોગ પ્રસરે છે.
  • તેના ફેલાવાને અટકાવવા અને તેનાથી બચવા મંદિર, મોલ, થિયેટર અને શાળા જેવી ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. અંગત ચોખ્ખાઈનું ધ્યાન રાખવું જોઈએ. પ્રવાહી વધુ લેવું જોઈએ. પોષણયુક્ત આહાર વધુ લેવો જોઈએ. સૂર્યપ્રકાશ શક્ય એટલો વધુ લેવો જોઈએ. બે થી ત્રણ વખત ન્હાવું જોઈએ. પુરતી ઊંઘ લેવી જોઈએ. બાળકોને હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા જતી વખતે લઈ જવાનું ટાળવું જોઈએ. હાથ સ્વચ્છ રાખવા જોઈએ. ખાસી આવે તો મો પર રૂમાલ રાખવો જોઈએ. માસ્કનો ઉપયોગ વધુ કરવો જોઈએ.
  • આ રોગની રસી ઉપલબ્ધ હોય તો અપાવવી જોઈએ. જુલાઈ મહિનાથી શરુ કરી નવેમ્બર માસ વચ્ચે આ રોગની રસી લેવાનો ઉત્તમ ગાળો કહી શકાય.
  • સ્વાઈન ફ્લ્યુ બહુ ડરામણો શબ્દ છે. આ ચેપને પણ અન્ય વાયરસના ચેપની જેમ ફ્લ્યુ શબ્દથી જ ઓળખવો જોઈએ.

 

પ્ર.-5

બાળકને શીશીથી દૂધ કેમ નાં અપાય? શીશીથી દૂધ પીતા બાળકને શીશીની આદત છોડાવવી કેવી રીતે? -રેશ્મા મંગતાની

ઉ-5

રેશ્માબહેન શીશીથી બાળકને દૂધ આપવામાં આવે તેની ઘણી આડઅસર હોય છે. નીચે પ્રમાણે સમજીએ.

બોટલથી દૂધ આપવાનું ચાલુ કેમ થાય છે?

  • બોટલથી દૂધ આપવાથી બાળકને સંતોષ થાય તેમ મનાય છે.
  • બોટલથી દૂધ આપવાથી બાળકનું પેટ વ્યવસ્થિત ભરાશે, તે ભૂખ્યું નહીં રહે અને તે સારું સુઈ શકશે તેવું મનાય છે.
  • માતાને સર્વિસ ચાલુ થાય ત્યારે બાળકને રાખનાર દાદી, ઘરની કોઈ વ્યક્તિ અથવા આયાબેનને દૂધ આપવામાં બોટલથી વધારે અનુકુળતા રહેશે એવું મનાય છે.
  • બાળકને ઊંઘમાં દૂધ કેવી રીતે આપવું? તેવું વિચારીને ઘણા માતાપિતા શીશીથી દૂધ આપવાનું શરૂ કરે છે. પણ જો બાળકને ટેવ પાડો તો બાળકની આંખો બંધ હોય અને તે ઊંઘમાં હોય તો પણ તે વાડકી અને ચમચીથી દૂધ પીતા શીખી જાય છે.
  • માતાને દૂધ ઓછુ આવતું હતું એટલે બોટલથી દૂધ આપવાનું ચાલુ કરવું પડ્યું. ઉપરાંત બાળક ૩ થી ૪ માસનું થાય એટલે ફક્ત ધાવણથી તેને પૂરું ના થાય એટલે બોટલ આપવી જ પડે તેવી ખોટી માન્યતા છે.
  • ઘરમાં કોઈ સારો-ખરાબ પ્રસંગ આવી ગયો એટલે બોટલથી દૂધ આપવાનું ચાલુ કરવું પડ્યું.
  • અમારા પહેલા બાળકને અમે બોટલ આપી હતી, અમારી પડોશમાં પણ એક બાળકને શીશીથી દૂધ આપતા હતા તેઓને કોઈ તકલીફ થઇ ન હતી આથી શીશીથી દૂધ આપવામાં કોઈ વાંધો નહીં આવે તેવું ઘણા માતા-પિતા માનતા હોય છે.
  • અમે ફક્ત દિવસમાં એક કે બે જ વખત બોટલ આપવાના છીએ, અથવા ફક્ત રાત્રે જ બોટલ આપીશું જેથી બાળક સારું ઊંઘી શકે તેવી ખોટી માન્યતા.
  • અમે અમારા બાળકને ફક્ત આંઠ કે નવ માસ સુધી જ શીશીથી દૂધ આપીશું પછી તરત છોડી જ દઈશું તેવી માતા-પિતાની વિચારધારા.
  • અમે શીશી અને નીપલ સારી ગુણવત્તાવાળી વાપરીશું અને સમયઅંતરે તેને બદલતા રહીશું, એટલે બાળકને ચેપ લાગવાનો ભય નહીં રહે. એવા ખોટા ખ્યાલ સાથે ઘણા લોકો બોટલ ચાલુ કરે છે.
  • અમે ફક્ત મુસાફરી કરીએ અથવા કોઈ મિત્રને ત્યાં જઈએ ત્યારે જ શીશીથી દૂધ આપીએ છીએ. ઉપરના બધાજ કારણો ખોટા છે અને એક બહાના છે. તબીબી દ્રષ્ટીએ શીશીથી દૂધ ક્યારેય ના આપી શકાય.

બોટલથી દૂધ આપવાના ગેરફાયદા

  • શીશી એટલે અનેક જીવાણુઓનું સંગ્રહસ્થાન.
  • શીશી આપણા ઘરમાં જ પાણીમાં ઉકાળીને સાફ કરવાની પધ્ધતિથી ક્યારેય તે ૧૦૦% જંતુમુક્ત થતી નથી. બોટલની ટોટી(Nipple)ના બારીક કાણામાં દુધના કણો રહી જાય છે જેમાં જંતુનો વિકાસ થાય છે. તેમાં ક્યારેક ફૂગ પણ લાગે છે અને બાળકને વારંવાર ચેપ લાગ્યા કરે છે. ૧૦૦% શીશી જંતુમુક્ત કરવા માટે હોસ્પિટલમાં autoclav હોય છે તેનાં જેવું બોટલ સ્ટરીલાયઝર વસાવવું પડે જે કિંમતમાં પણ ઘણું મોંઘુ હોય છે.
  • શીશીથી દૂધ લેનાર બાળકને શીશીથી દૂધ નથી પીતું તે બાળક કરતા ઝાડા અને ઉધરસ થવાની સંભાવના ૪ થી પ ગણી વધુ રહે છે.
  • ઘણા બાળકો શીશીમાં વધેલું દૂધ ૨ કે ૩ કલાક પછી પીવે છે તેમ બાળકની બીમાર પડવાની સંભાવના વધે છે.
  • બાળખરજવું ( Infantile eczema ) નામના ચામડીના રોગનું વધુ પ્રમાણ શીશીથી દૂધ પીધેલા બાળકોમાં વધુ જોવા મળે છે.
  • દિવસમાં ૨ થી ૩ વખત જ બોટલ અને બાકીની વખત ધાવણ લેનાર બાળકોમાં ધીરે ધીરે ધાવણનો જથ્થો ઘટતો જાય છે. શીશીથી દૂધ પીતા બાળકને શીશીની નીપલ ચૂસવામાં સરળતા રહે છે. માતાનાં સ્તનની નીપલ ચૂસવામાં તેણે મહેનત કરવી પડતી હોય છે આથી ધીરે ધીરે તે બોટલથી દૂધ પીવાનું વધુ પસંદ કરે છે અને સ્તન પર વળગાડતા તે ચુસવાનું ટાળે છે( Nipple confusion ). માતાનાં દુધનો જથ્થો બાળક નીપલ ચૂસે તો જ વધુ બને છે. શીશીથી દૂધ પીનાર બાળકો માતાના સ્તનની નીપલ ઓછી ચૂસે છે આથી તેમનામાં ધાવણનો જથ્થો ઓછો બને છે. શીશીથી દૂધ પીનાર બાળકનું ધાવણ વહેલું બંધ થવાને કારણે લાંબો સમય આપેલા ધાવણના ફાયદાથી વંચિત રહે છે.
  • અત્યારની ખુબ સારી ગુણવત્તાવાળી શીશી બજારમાં મળે છે. જેમાં બાળકે બિલકુલ ચૂસવું કે ખેચવું પડતું નથી. આ નીપલ બાળકના બે તાળવા વચ્ચે દબાય અને દબાણથી જ દુધની ધાર બાળકના મોમાં બિલકુલ મહેનત વિના આવી જાય છે. આથી બાળક ધીરે ધીરે માતાની નીપલ ચૂસવાની અને ખેચવાની પધ્ધતિ ભૂલતું જાય છે.
  • શીશીથી દૂધ પીનાર બાળકનું શરૂઆતમાં વજન વધુ વધશે પણ બોટલથી દૂધ પીનાર બાળકોમાં લાંબા ગાળે વિવિધ બીમારીઓનું વધુ પ્રમાણ અને જાતે નહીં ખાતા શીખવાને લીધે  વજન વધતું નથી.
  • ઝાડા, ઉલટી ઉપરાંત ચામડીના રોગો, ન્યુમોનિયા, કાનમાં રસી, મગજનો તાવ અને હોસ્પિટલમાં દાખલ થવું વગેરેનું પ્રમાણ બોટલથી દૂધ પીનાર બાળકોમાં વધુ હોય છે.
  • શીશીથી દૂધ અને પાવડરના ડબ્બા લેનાર બાળકો ઘરે બનાવેલ દાળ-શાક ઓછા ખાય છે. તેઓ રેસા(fiber) વાળો ખોરાક ઓછો લે છે. આથી તેઓમાં કબજીયાતનું પ્રમાણ સહેજ વધુ જોવા મળે છે.
  • શીશીથી દૂધ પીનાર બાળકોની ચાવીને ખાવાની ક્ષમતા નબળી રહે છે. દોઢ વર્ષના બાળકની માતા ઘણી વાર કહે કે મારું બાળક રોજનું દોઢ લીટર દૂધ પી શકે છે પરંતુ અડધી ભાખરી પણ તે ચાવીને ખાઈ શકતું નથી. તેને ઢીલો પોચો ખોરાક જ લેતા આવડે છે તેમની પોચો ખોરાક ગળવાની ક્ષમતા સારી હોય છે. તેની ચાવવાની ક્ષમતા ઘણા વર્ષો સુધી નબળી રહે છે.
  • બોટલથી દૂધ પીનાર બાળકોમાં રાહ જોવાની સહનશક્તિ કેળવાતી નથી. દૂધ એકધારુ અને તરત મળવાને કારણે તે ચમચીથી ખાતી વખતે રાહ જોઈ શકતું નથી. આ અસર ને કારણે તેનો સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો થાય છે. આ બાળક મોટું થઈને પણ ગુસ્સાવાળું, ચીડિયું, હિંસક, આક્રમક, આત્મવિશ્વાસના અભાવવાળું તેમજ લઘુતાગ્રંથી ધરાવતું થઇ શકે છે.
  • બોટલથી દૂધ પીનાર બાળકોમાં મોમાં ચાંદા, દાંતમાં સડો, પેશાબમાં રસીનું પ્રમાણ પણ વધુ રહે છે.
  • બાળક જ્યારે શીશીથી દૂધ પીવે ત્યારે હવા પણ તેના પેટમાં જાય છે (aerophegia). સગા ઘણી વાર ફરિયાદ કરે છે કે બાળકમાં ગેસ,ચૂંક અને પેટ ચઢી જવાનું પ્રમાણ વધુ છે. ધીરે ધીરે તે ચીઢયું અને વિવિધ ગ્રાઇપવોટરોનું શિકાર બને છે.
  • એક વખત દોઢથી બે વર્ષ સુધી શીશીથી બાળકે દૂધ પી લીધું પછી અમુક આડઅસરો તો સિગારેટ સ્મોકિંગની જેમ લાંબાગાળે બોટલ છોડી દીધા પછી પણ આવવાની જ છે. વધુ પડતી માંદગી અને વધુ હોસ્પિટલોના ધક્કાને લીધે બોટલથી દૂધ આપનાર માતાપિતા અને ડોકટરો વચ્ચે લાંબાગાળે દોસ્તી પણ થઇ જતી હોય છે.
  • અચકાઈને બોલતા અને અમુક ઉચ્ચારણ મોડા શીખતા ૭૦% બાળકોએ શીશીથી દૂધ પીધુ હતું તેમ વિવિધ અભ્યાસોના તારણો જણાવે છે.
  • બાળક જેટલું વધુ શીશીથી દૂધ પીવે તેટલું તે માતાનાં શરીરના, સ્તનના સ્પર્શ અને હુંફથી વંચિત રહે છે.
  • શીશીથી દૂધ પીનાર બાળકોમાં મોટા થયા બાદ અંગુઠા ચુસવાનું ( Thumb sucking ) પ્રમાણ પણ વધુ જોવા મળે છે.
  • પેશાબ પર નિયંત્રણ ના રહેવું અને રાત્રે પથારી પલાળવી જેવી તકલીફો પણ શીશીથી દૂધ પીનાર બાળકોમાં વધુ જોવા મળે છે. આ બધા તારણોને આધારે કહી શકાય કે શીશી એ બાળકનો એક પ્રકારનો શત્રુ છે અને શીશી આપીને માતા-પિતા એક ગુનાહિત કાર્ય કરે છે.
  • શીશીથી દૂધ પીનાર બાળકના સગાને શીશી સાફ કરવાની કડાકુટમાં અને બાળક માંદુ પડે તેટલે દવાખાને લઇ જવામાં સમય, શક્તિ અને પૈસાનો વધુ બગાડ થાય છે.
  • શીશી અને અશાંતિનું ઘરમાં સાથે જ આગમન થાય છે.

બોટલથી દૂધ કેવી રીતે છુટશે?

  • બાળકને શીશીની ચુંગાલમાંથી છોડાવવા કોઈ મુર્હુત કે સમયની રાહ ના જોતા. શીશી છોડાવવી છે એવા નિર્ણય સાથે જ શીશીને કચરાટોપલીમાં નાખી દેવી એ જ શીશી છોડાવવાની સચોટ પધ્ધતિ છે.
  • બોટલની આદત છોડાવવા માટે બાળકના માતા-પિતાએ માનસિક રીતે તૈયાર થઇ જવું જોઈએ કે બોટલ બંધ કર્યા બાદ બાળક ૫ થી ૭ દિવસ માટે ખુબ રડશે, અન્ય કોઈ ખોરાક ખાશે નહીં, ક્યારેક ૨૦૦ ગ્રામ થી ૩૦૦ ગ્રામ જેટલું વજન પણ ઘટશે તો પણ અમને વાંધો નથી. ગભરાવું નહીં, આ તકલીફો થોડા દિવસો માટેની જ હોય છે. થોડા દિવસમાં તેઓ અન્ય ખોરાક પણ લેવા માંડે છે, વજન પણ વધવા લાગે છે અને ચિડીયાપણું પણ ઘટી જાય છે.
  • બોટલની આદત ક્યારેય ધીમે ધીમે છુટશે નહીં. જો બાળક ત્રણ થી ચાર વખત બોટલ લેતું હોય તો પહેલા બે વખત, પછી એક વખત બોટલ આપીશું એ પધ્ધતિથી બોટલ છુટશે નહીં. જ્યારે પણ બોટલ નહીં આપવાનો નિર્ણય લો ત્યારે બોટલનો ઘરમાંથી જ નિકાલ કરો, બોટલને ફેકી દો. બોટલની હાજરી જ ઘરમાં નહીં હોય તો અડધી રાત્રે પણ બાળક રડશે તો પણ તમે તેને નહીં આપી શકો. બે-ત્રણ રાત બાળક થોડું રડીને પસાર કરશે પછી તે ખુદ બોટલ પસંદ નહીં કરે. બોટલ છોડાવનાર બાળકોના માતા-પિતાના અનુભવો કહે છે કે અમને ડર ઘણો હતો કે બોટલ છોડાવ્યા બાદ બાળક અમને ખુબ હેરાન કરશે પણ બંધ કર્યા બાદ માત્ર એક જ દિવસ તે થોડું રડ્યો હતો બીજા દિવસથી તો તે પણ બોટલને ભૂલી ગયો હતો. બાળક તો બોટલ છોડવા તૈયાર જ હોય છે. માતા-પિતાએ થોડી હિંમત કેળવવી પડે.
  • બાળક મોટું થશે એટલે બોટલ કે ડબ્બાની આદત છોડાવશું તેવું ના વિચારશો કારણકે જેમ બાળક મોટું થશે તેમ તે વધુ સમજણું થશે કે આ સાધનથી સરળતાથી અને મહેનત વિના મારું પેટ ભરાય છે. આથી તે વધુ તકલીફથી ( ચાવીને, કાપીને ) લઇ શકાય તેવા દાળ, ભાત, રોટલી ઓછા પસંદ કરશે.
  • બોટલ બંધ કરેલ બાળકોને થોડા દિવસ રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે. દૂધ તેઓ એક મહિના માટે સંપુર્ણ છોડી દે છે અથવા તેનો જથ્થો ખુબ જ ઘટી જાય છે.
  • એકવાર બોટલ છોડાવ્યા પછી શીશી ઘરમાં જ ના રાખવી. ઘરમાં હશે તો ક્યારેક પણ અપાઈ જશે અને ફરીથી ચાલુ થઇ જશે.
  • ત્રણ-ચાર વર્ષનું બાળક હોય તો તેના દેખતા જ બોટલને કચરાટોપલીમાં ફેંકી દેવી. થોડું રડીને પછી એ જાતે જ બોટલથી દૂધ પીવા નહીં મળે તે હકીકત સ્વીકારી લેશે.
  • ભારતની નાના બાળકો સાથે સંકળાયેલી સંસ્થાઓ જેમકે IAP ( ઇન્ડિયન એકેડેમી ઓફ પીડીઆટ્રીક્સ ) અને BFNI ( બ્રેસ્ટફીડીંગ નેટવર્ક ઓફ ઇન્ડિયા ) એ પણ શીશીથી દૂધ ના આપવાની ભલામણ કરી છે.

અન્ય જાણકારી

  • બાળકને શીશી, બોથી કે ચુસણી, મધની ટોટી અપાતી હોય તો તેને મોઢું ઓછુ ખોલીને ચૂસવાની આદત પડી જાય છે, તેથી બાળકને ક્યારેય આ વસ્તુઓ આપવી નહીં.
  • ફક્ત માતાના દૂધ પર રહેલા બાળકનું વજન શરૂઆતમાં સહેજ ધીમું વધે છે જેની તુલનામાં બહારનું દૂધ લેતું બાળક વધુ તંદુરસ્ત જણાય છે. પછીથી માતાનાં દૂધ પર રહેલ બાળકનો એકધારો અને રોગમુક્ત વિકાસ થાય છે. જ્યારે બોટલ કે પાવડરના ડબ્બા પર રહેલું બાળક પછીથી ખુબ વજનવાળું થઇ શકે છે અને વારંવાર માંદુ પણ પડે છે.
  • શીશીથી પાવડરનું દૂધ લેનાર બાળકોમાં પાવડરમાં રહેલા પ્રિઝરવેટીવ્સને કારણે વિવિધ એલર્જીઓનું પ્રમાણ વધુ રહે છે.
  • શિશુને દિવસમાં એક વખત બોટલથી દૂધ અપાય તો પણ તે નુકશાન કરે છે.
  • શીશીથી બાળક બે દિવસમાં દૂધ પિતા શીખશે. વાડકી ચમચીથી બાળક ૧૦ માં દિવસે દૂધ પિતા શીખશે. શરૂઆતમાં થોડું ઢોળાશે, પણ ઘરના સભ્યોના સાથ સહકાર અને માતા થોડી ધીરજ રાખશે તો ચોક્કસ બાળકને બોટલથી બચાવી શકાશે. વાડકી ચમચીથી દૂધ આપનાર માતા પોતાના બાળકની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકે છે.
  • અતિ ઓછા વજનવાળા બાળકોને અથવા તાળવામાં કાણું હોય તેવા બાળકોને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ બોટલથી દૂધ આપી શકાય. તાળવામાં કાણું હોય તેવા બાળકો માટે ખાસ લાંબી ટોટી વાળી નીપલ મળે છે.

૧૯૯૨માં ઇન્ડિયન એકેડેમી ઓફ પીડીઆટ્રીક્સની એક પોસ્ટર હરિફાઈમાં પ્રથમ નંબરે આવનાર પોસ્ટરનો સંદેશો આવો હતો. “ બાળકની સાચી માતા છ માસ સુધી ફક્ત ધાવણ આપે છે. અપર માતા વાડકી ચમચીથી  બહારનું દૂધ આપે છે. પૂતના માતા જ દૂધ આપવા માટે બોટલનો ઉપયોગ કરે છે.”

( દિવ્યભાસ્કર : ૦૧/૦૯/૨૦૦૯ તથા ૧૬/૦૪/૨૦૧૩ )

પ્રશ્ન ના જ​વાબ આપવા માટે
પ્રશ્ન પૂછો
Powered By Indic IME

માત્ર તમારી પસંદગી મુજબ અહીં તમારા પ્રશ્ન પોસ્ટ કરો.

ઈ-બુક ડાઉનલોડ કરો