મુલાકાતી નંબર: 430,016

Ebook
વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર.-6

મારે એક માસનું બાળક છે. મને એવું લાગે છે કે મને ધાવણ ઓછુ આવે છે. મને ધાવણ ઓછુ હશે? પુરતું આવે તે વિશે થોડી માહિતી આપો? -તોરલ બહેન – રાજકોટ

ઉ-6

તોરલ બહેન, તમે પૂછેલો પ્રશ્ન દરેક માતાને મૂંઝવે છે. નીચેની માહિતી તમને મદદરૂપ થઈ શકશે.

ધાવણ પુરતું આવે તે માટે શું કરવું?
• બાળકના જન્મ બાદ ઘણી માતાઓને પોતાના ધાવણ માટે અસંતોષ હોય છે. માતાને ગર્ભ રહે એટલે એનાં શરીરમાં અંતઃસ્ત્રાવોની ગોઠવણ કુદરત દવારા જે થયેલી છે એ રહેવાની જ. પરંતુ ધાવણનું પ્રમાણ સારું રહે તે માટે માતા પોતે ગર્ભાવસ્થામાં સ્તનનું ધ્યાન કેવું રાખે છે, જન્મ બાદ માતાનાં ધાવણ વધારવા માટેના પ્રયત્નો અને કુટુંબીજનોનો સાથ સહકાર આ ત્રણે વસ્તુ પર વિશેષ નિર્ભર છે.
• પુરતું ધાવણ આવે તેની માતાને ખબર કેવી રીતે પડે?
ધાવતું બાળક ૨૪ કલાકમાં ૭ થી ૮ વખત પેશાબ જાય તેમજ દર અઠવાડિએ ૧૨૫ થી ૧૫૦ ગ્રામ એટલે દર મહિને ૬૦૦ થી ૭૫૦ ગ્રામ વજન પહેલા ત્રણ માસ દરમ્યાન વધે તો સમજવું કે નવજાતશિશુને પુરતું ધાવણ મળે છે. પહેલા અઠવાડિયામાં ઘટેલું વજન બીજા અઠવાડીયાના અંતે સરખું થઇ જાય છે.
• ધાવણ અપૂરતું છે અથવા ઓછું પડે છે તે માટેની ખોટી માન્યતાઓ.
• સ્તનમાંથી ધાવણ ઝરતું નથી.
• પહેલા બાળક વખતે ધાવણ આવ્યું નહોતું.
• નોર્મલ ડિલિવરીમાં સારું ધાવણ આવે, ચીપિયાથી કે ઓપરેશનથી પ્રસુતિ થઇ હોય તો ઓછુ ધાવણ આવે.
• જોડિયા બાળક છે આથી ધાવણ પૂરું નાપડે.
• સ્તનનું કદ નાનું છે.
• માતાની ઉંમર વધુ છે.
• બાળક ખુબ લાંબો સમય ચૂસ્યા કરે છે. અને જો તેને સ્તનથી છોડાવવામાં આવે તો તરત જ તે રડે છે. (આ અપૂરતા ધાવણની નિશાની નથી. આ તકલીફ એમ બતાવે છે કે બાળકની ચૂસવાની પધ્ધતિ બરાબર નથી. અને બાળક ના હોઠ અને માતાનાં સ્તનનું જોડાણ (attachment) ખોટું છે)
ઉપરના કારણોમાં માતા પહેલેથી જ માની લે છે કે ધાવણ ઓછું જ આવશે અને આ માન્યતાઓ ખોટી છે.
• ધાવણ સારું, પુરતું અને સંતોષજનક આવે અને તેનો પ્રવાહ ચાલુ રહે તે માટે શું કરવું?
• બાળકનાં જન્મ્યા બાદ તે વારંવાર સ્તનને ચૂસે (frequent feeding), બાળકની અને માતાનાં સ્તનની સાચી સ્થિતિમાં બાળક ચૂસે (proper attachment), માતાને એક સ્તન ખાલી થયું છે તેવી અનુભૂતિ થાય કે તુરંત બાળકને બીજું સ્તન ચૂસવા આપવું.
• સગર્ભાવસ્થાના ચોથા કે પાંચમાં મહિનાથી જ માતાએ સ્તનની વિશેષ કાળજી રાખવી. ગાયનેક ડોક્ટર પાસે સ્તનની ખાસ કરીને નીપલ (ડીંટડી)ની નિયમિત તપાસ કરાવવી. નીપલ સાફ કરવાની પધ્ધતિ, નીપલની કાળજી લેવાની પધ્ધતિ જાણી લેવી. નીપલ, તેની આજુબાજુનો કાળો ભાગ (areola) તેમજ સ્તન પર સગર્ભાવસ્થામાં જ હળવા હાથે મસાજ કેવી રીતે કરવો તે જાણી લેવું. આમ કરવાથી સગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયાઓમાં અને પ્રસુતિ બાદ નીપલ કડક થવી અને નીપલ પર ચીરા પડવાની શક્યતાઓ ઘટશે.
• ધાવણ આપતી વખતે માતાએ તેના બાળક સાથે આંખમાં આંખ મિલાવવાનો પ્રયત્ન કરવો. બાળક પણ માતાની આંખ સામે આંખ મળે તેવા પ્રયત્ન કરતુ હોય છે. આમ કરવાથી બાળક શાંત ચિત્તે ધાવણ લેશે. માતાને પણ એક પરમ સંતોષની અનુભૂતિ થશે. આ તો જ શક્ય છે જો માતાનાં રૂમમાં સગાઓની ખલેલ ઓછી હોય. સગાઓની હાજરીમાં સ્તનપાન કરાવતી માતાઓએ સગાઓની વાતોમાં ધ્યાન આપવું પડે છે. આથી તે પોતાના શિશુ સાથે આંખ થી આંખ મિલાવી શકતું નથી.
• કુટુંબીજનો ખાસ કરીને પ્રસુતાની માતા અથવા સાસુ, બહેન અને પ્રસુતાના પતિનો ઉષ્માપૂર્ણ વ્યવહાર નવી થયેલી માતાની બધા પ્રકારની ચિંતા ઘટાડી દેશે. તેઓ માટે આ છ મહિના માતાને શ્રેષ્ઠ રીતે સહકાર આપવાનો ઉત્તમ મોકો છે.
• માતાનાં ખોરાકમાં વધુ પ્રવાહી, દુધની બનાવટો, લીલા શાકભાજી તેમજ કઠોળ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. માતાએ રોજનું ૧ લીટરથી ૧.૫ લીટર જેટલું પ્રવાહી લેવું જોઈએ જેમાં સૂપ, છાસ, જ્યુસ, નાળિયેર પાણી, દૂધ, મિલ્ક શેઈક અથવા તેને ગમતું કોઈ પણ પ્રવાહી તે લઇ શકે. ઓછામાં ઓછા ૬ થી ૭ ગ્લાસ પીવાનું પાણી પણ પીવું જોઈએ. દરેક ધાવણ આપતી માતાએ ડોકટરે સુચવેલી કેલ્શિયમ અને આર્યન (લોહતત્વ)ની ગોળીઓ ખાસ લેવી.
• માતાએ બને તેટલું બાળકને સાથે રાખવું. બાળકને વારંવાર ચુસાડવું. વધુ ચૂસવાથી માતાનાં સ્તનમાં ધાવણ લાવતી દુધવાહિનીઓ ખુલશે, ધાવણનું પ્રમાણ વધારનારા અંતઃસ્ત્રાવો વધશે. માતાનાં સતત સ્પર્શ અને સહવાસથી ધાવણ વધે છે. અધૂરા માસે જન્મેલા બાળકો માટે કાંગારૂની જેમ બાળકને છાતી સરસું રાખવાની પધ્ધતિ (કાંગારૂ મધર કેર KMC) ઘણી આશિર્વાદરૂપ નીવડેલી છે.
• માતાએ પોતાના રૂમનું વાતાવરણ હવા ઉજાસવાળું રાખવું. માતાએ પોતાના રૂમમાં વસ્તુઓ અને ચિત્રો પોતાના મનને હળવાશ આપે તેવા રાખવા. સગાઓએ માતાનો રૂમ બેઠકરૂમ ના બાનાવવો.બાળક જન્મે ત્યારે તેને રમાડવા, જોવાનો શ્રેષ્ઠ સમય બાળક એક મહિનાનું થાય પછી જ કહેવાય. ત્યાં સુધી માતાને અને બાળકને જ એકલા રહેવા વધુને વધુ સમય આપવો તે કુટુંબીજનો અને સગાઓની ફરજ છે.
• માતાએ પોતે મનથી જ નક્કી કરવું કે મારે પહેલા છ મહિના ફક્ત ધાવણ જ આપવું છે. તેનામાં પુરતો આત્મવિશ્વાસ હશે તોજ તે તેનાં શ્રેષ્ઠ પ્રયત્નો કરી શકશે. તેને નાની પણ મુંઝવણ થાય તો તેણે તુરંત ડોક્ટરને પૂછી લેવું.
• માતાએ ગાયનેક ડોક્ટરની સલાહ લઇ ધાવણ વધારતી આર્યુવેદીક દવાઓ કે એલોપેથીક દવાઓ લઇ શકાય. શતાવરીનો પાવડર, કોપરું કે મધ પણ ધાવણ વધારવામાં મદદ કરે છે.
• માતાએ તણાવમુક્ત રહેવું. બાળક સુઈ ગયું હોય ત્યારે મનગમતું વાંચન, મનને હળવું રાખે તેવું સંગીત, સખી અથવા ગમતી વ્યક્તિ સાથે વાતચીત પણ તણાવનું પ્રમાણ ઘટાડે છે. માતાને શક્ય તેટલી પુરતી ઊંઘ પણ જરૂરી છે.
• બાળક જન્મે એટલે તેને ગળથૂથી, મધ, ઘસારા કે ગોળનું પાણી આપવા નહીં. “શરૂઆતમાં ઓછું ધાવણ આવે એટલે પહેલા બે દિવસ દૂધ કે ડબ્બા આપવા”, એવી માન્યતા સંપૂર્ણ ખોટી છે. બાળક ભૂખ્યું રહેશે તો જ તે સારું ચુસસે અને જેમ તે વધુ ચુસસે તેમ ધાવણ ઝડપથી અને વધુ આવશે.
• ધાવણ આપતી માતાએ ધુમ્રપાન, આલ્કોહોલ, વધુ પડતી કોફી, મસાલા, ફેમિલી પ્લાનીંગની ગોળીઓ અને બહારનાં જંક ફૂડથી દુર રહેવું જોઈએ.
• જે માતાને ૨ વર્ષથી નાનું બાળક હોય તેવી માતાનો સંપર્ક પણ ધાવણ આપતી માતાની ઘણી મુંઝવણ દુર કરી શકે છે.
• ભ્રામરી તથા ડીપ બ્રીધીંગ જેવા પ્રાણાયામ માતાને તણાવમુક્ત રાખે છે. પ્રસુતિના ત્રણ માસ બાદ મત્સ્યાસન કે સર્વાંગાસન પણ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ એકસરખું રાખવામાં મદદરૂપ થાય છે. ગાયનેકોલોજિસ્ટની સલાહ પ્રમાણેની અમુક હળવી કસરતો પણ ઘણી મદદરૂપ થાય.
• મોબાઈલ ફોન ધાવણ આપતી માતામાં વિલનનું કાર્ય કરે છે. મોબાઈલ ફોનથી માતા, બાળક કે ધાવણ પર શું આડઅસર થાય તેવા કોઈ ચોક્કસ તારણો વૈજ્ઞાનિક પુરાવા સાથે હજુ સુધી નક્કી થયા નથી, પણ ધાવણ આપતી માતા છ મહિના મોબાઈલ ફોન નહીં વાપરે તો તે ચિંતામુક્ત રહી શકશે. માતા ધાવણ આપતી વખતે ચિંતામુક્ત રહી શકે અને તેને કોઈની પણ પ્રકારની ખલેલ ના પહોચે એટલે તેને ધાવણ સારું આવશે જ. મોબાઈલ ફોનનાં રેડિઓમેગ્નેટિક તરંગો બાળકનાં વિકસિત મગજને પણ હાની પહોચાડી શકે છે. મોબાઈલ ફોન દુર રાખવાથી બાળક પણ ઓછું રડશે અને માતાને પણ એક અદભુત શાંતિનો અનુભવ થશે.
( દિવ્યભાસ્કર ૧૯/૧૦/૨૦૧૦ )

ધાવણ વધુ આવે તે માટે શું કરવું?
ત્રણ માસની નંદિનીની માતા થોડી ચિંતામાં હતી. મારી દીકરી સાત-આંઠ મિનિટ જ ધાવણ લે છે. પછી છોડી દે છે અને ત્યારબાદ ચાર-પાંચ કલાક સુધી રડતી પણ નથી. બાળક જન્મે ત્યારે ધાવણ લેતા શીખતું હોય. માતાના સ્તનમાં દૂધવાહિનીમાંથી આવતા ધાવણનો ફલો પણ હજુ ધીમો ધીમો હોય આ સમયે તે ૨૦-૨૫ મિનિટ જેટલા સમય સુધી ચુસતું હોય અને વાંરવાર લેતું હોય. બીજા મહિના પછી તે માતાના સ્તન સાથેની પકડ (attachment) બરાબર શીખી ગયું હોય છે. ત્રીજા કે ચોથા મહિને તો જેમ નંદિનીની માતાએ કહ્યું તેમ માત્ર સાત-આંઠ મિનિટ જ ધાવણ લે છતાં તેને જરુરી ધાવણનો જથ્થો તેણે મેળવી લીધો હોય છે. નંદિનીની માતાએ કહ્યું કે નંદિનીનું વજન બરાબર વધે છે, તેનો પેશાબ પણ બરાબર માત્રામાં થાય છે અને તે ધાવણ લીધા બાદ સંતુષ્ટ હોય છે. સારું ઊંઘે છે અને રડતી પણ નથી આનો અર્થ એ જ કે બાળક ધાવણ બરાબર માત્રામાં મેળવી રહ્યું છે. આમ જો બાળકને પેશાબ પુરતી માત્રામાં થતો હોય અને તેનું વજન બરાબર વધતું હોય તો તે ઓછી મિનિટ લે છે અથવા ઓછી વાર લે છે તે મુદ્દાની ચિંતા માતાએ કરવી નહીં. ઘણી માતાને એમ પણ પ્રશ્ન થાય છે કે મને બ્રેસ્ટમાં ધાવણ ભરાય છે તે અનુભૂતિ પણ થતી નથી. બાળક માતાની નીપલ ચૂસવાની શરુ કરે તે જ ક્ષણે ધાવણ તેના સ્તનમાં ભરાય અને ભરાયેલું ધાવણ બાળક લઈ લે છે આથી સ્તન પહેલાની જેમ ખાલી થઇ જશે. ઘણા બાળક ધાવણ લીધા પછી પણ તેમની આંગળીઓ ચૂસતા હોય છે આ પણ બાળકની એક આદત છે. જન્મ પહેલા ગર્ભાશયમાં રહેલું બાળક પણ આંગળીઓ ચુસતું હોય છે. આમ સ્તનમાં દૂધ ભરાતું નથી કે બાળક ધાવણ લીધા પછી આંગળીઓ ચૂસે છે તે પણ ધાવણ ઓછી માત્રામાં હશે તેની નિશાની નથી. બાળક જેમ નીપલ વધુ ચૂસે તેમ વધુ ધાવણ વધે. ઘણી જોડિયા બાળક ધરાવતી માતા પણ ખુબ સફળતા પૂર્વક સંતોષ સાથે બંને બાળકોને માત્ર ધાવણ જ આપતી હોય છે. ક્યારેક એવું લાગે કે ધાવણનો જથ્થો ઓછો છે તો તેનું નિવારણ ઉપરનું દૂધ શરુ કરવું તે ક્યારેય નથી. માતાને શારીરિક અને માનસિક શાંતિ અને આરામ મળે તેનાથી પણ ધાવણનો જથ્થો વધે છે. પોતાને ગમતું વાંચન, હળવી કસરત, ગમતો ખોરાક, પુરતું પ્રવાહી લેવું જેવી વસ્તુઓ માતાને ધાવણનો જથ્થો જાળવી રાખવા સારી મદદ કરે છે. ઘણીવાર કોઈ પણ કામ માટેની ચિંતા કે સ્ટ્રેસ માતામાં ધાવણનો જથ્થો ઓછો કરે છે. ધાત્રી માતા ઉપરના પ્રયત્નો ઉપરાંત પોતાને ગમતો કોઈ પણ શોખ જેમકે હળવું સંગીત, ફોન પર કોઈ ફ્રેન્ડ સાથે વાત કરવી જેવા પ્રયત્નોથી પણ ધાવણનો જથ્થો જાળવી શકે છે. માતા બધી જ રીતે તાણમુક્ત રહે તે માટે કુટુંબીજનોનો સહકાર પણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે.

 

પ્ર.-7

ડોક્ટર સાહેબ, મારી દીકરી આંઠ વર્ષની છે. બીજા ધોરણમાં ભણે છે. મને એવું લાગે છે કે તેની યાદશક્તિ ઓછી છે. તેને ભણવાનું બધું યાદ રહે અને તેની એકાગ્રતા (concentration) વધે તે માટે મારે શું કરવું જોઈએ? -પૂજા અમીન/ ગાંધીનગર

ઉ-7

પૂજા બહેન, સુંદર પ્રશ્ન. દરેક માતાપિતાને અસર કરતો પ્રશ્ન. તમારી દીકરીની એકાગ્રતા માત્ર ભણવામાં જ નહીં પણ તેના દરેક કામમાં વધે તે માટે હું નીચેના પ્રયત્નો સૂચવું છું.

બાળક તેની એકાગ્રતા વધારી શકે તે માટેના સૂચનો.

અત્યારના બાળકોમાં ખાસ કરીને ૫ થી ૧૦ વર્ષના બાળકોમાં તેઓ તેમના કાર્યમાં ધ્યાન પરોવી શકતા નથી, તેમને એકની એક સુચના વારંવાર આપવી પડે છે, એક જગ્યાએ બેસી શકતા નથી, ખુબ તોફાન કરે છે, નાની બાબતમાં ગુસ્સે થઇ જાય છે, ચિડીયાપણું તેમનામાં જોવા મળે છે. આને કારણે તેઓ ધ્યાનપૂર્વક વાંચી કે લખી શકતા નથી તેમજ તેમની યાદશક્તિ ખુબ નબળી જોવા મળે છે તેવી ફરિયાદો ખુબ સાંભળવા મળે છે. આ બાળકોની એકાગ્રતા વધી શકે તેમજ તેઓ કોઈ પણ વસ્તુમાં ધ્યાન પરોવી શકે તે માટેના થોડા ઉપયોગી સૂચનો.

*પોષણયુક્ત આહાર: બહારના મીઠા તેમજ ખાંડથી પ્રચુર નાસ્તા, કલર અને મેંદાયુક્ત ગળ્યા નાસ્તા સ્વાદ અને દેખાવમાં સુંદર લાગે પરંતુ બાળકને વધુ તોફાની તેમજ વધુ ચંચળ બનાવતા હોય છે. પુરતા પ્રમાણમાં કઠોળ, ફળ, શાકભાજી બાળકના શરીર અને મગજને સંતુલિત બનાવે છે. તેનાં શરીર અને મગજને એકાગ્ર બનાવે છે તેમજ જીવાણું સામે લડવા સક્ષમ બનાવે છે.

*રોજના કાર્યોનું સમયપત્રક બનાવવું: ઊંઘ, નાસ્તા, નહાવું, છાપાનું વાંચન, થોડી ગૃહકાર્યમાં મદદ જેવા કામોને એક ચોક્કસ સમયપત્રકથી અનુસરવા પ્રોત્સાહન આપવું. આમ કરવાથી તેના મગજમાં નિયમિત કામોની એક કડી( પેટર્ન ) ગોઠવાઈ જશે. આ કામ પછી આ જ કામ આવશે. તે નિયમિતતાને તે ચુસ્તપણે વળગી રહેશે. તે કામોને યાદ નહિ રાખે તો પણ કામો સુંદર રીતે પુરા થશે. ધીમે ધીમે કામોની સંખ્યા વધારી પણ શકાશે.

*ટીવી તેમજ વિજાણું સાધનોનો નિયંત્રિત ઉપયોગ: વધુ સમય માટે ટીવી તેમજ વિડીયો ગેઈમ, કે મોબાઈલની આદતથી બાળકની રમવાની, વાંચવાની, લખવાની, મિત્રો સાથે ભળવાની ક્ષમતામાં ઘટાડો થતો જાય છે. આ સાધનો સાથે ૨૪ કલાકમાં એક કલાકથી વધુ સમયનું જોડાણ ધીરે ધીરે એકાગ્રતા ને પણ નુકશાન પહોચાડે છે.

*કસરત: ખુલ્લા મેદાનમાં હળવી કસરત અને રમતો શરીર અને મગજને તાજગીસભર અને કાર્યરત રાખે છે. શરીર અને મગજના દરેક ભાગમાં પ્રાણવાયુ પહોચાડે છે. બાળકની શક્તિ યોગ્ય દિશામાં વપરાવાને કારણે તેની ચંચળતા આપોઆપ ઘટે છે અંતે તેની એકાગ્રતા વધે છે.

*ભણવાનો બોજ ઘટાડવો: તેની ક્ષમતા પ્રમાણે જ તેને ભણાવવો. ચિત્રો, કાર્ટૂન, સીડી, વાર્તાના સ્વરૂપે તેને ભણાવવાથી વિષયવસ્તુ તેનાં મગજમાં સહેલાઈથી અંકિત થઇ જશે. નાના જવાબો, શબ્દો, ખાલી જગ્યાનું વારંવાર પુનરાવર્તન કરાવવું. ધીરે ધીરે તેને થોડા મોટા જવાબો લખતા પણ આવડશે.

*રાત્રે સુતા કયા રોજિંદા કાર્યો તેણે કર્યા અને કયા રહી ગયા તેની પાસે જ યાદ કરાવી લખાવો. દિવસ દરમ્યાન તે ભૂલો કરે તેજ સમયે તેને વારંવાર ટોકવાથી તેનામાં નકારાત્મક ભાવના આવશે અને તેનો આત્મવિશ્વાસ ઘટશે. તેની ભૂલોને થોડા કલાકો પછી તેને યાદ કરાવાનું કહેવાથી તે હકારાત્મક રીતે સ્વીકારશે. ભૂલેલા કામોને યાદ રાખવાનો તે પ્રયત્ન કરશે.

પ્ર.-8

બજારના જંક ફૂડ બાળકને કેવી રીતે નુકશાન કરે છે તે જણાવશો? બહારના ઠંડા અને કલરવાળા પીણા પણ બાળકને નુકશાન કરે તેવું સાંભળ્યું છે તે સાચું છે? ઉનાળા પુરતું બાળકોને ઠંડા પીણા અને ઠંડા બજારુ ખાદ્ય પદાર્થો લેવા દેવાય? -પરિધિ વ્યાસ

ઉ-8

પરિધિ બહેન તમે એક જ પ્રશ્નમાં ઘણું પૂછી નાખ્યું. પણ બાળકોને ખોરાકને અનુલક્ષીને પ્રશ્નો છે આથી મને પણ જવાબ આપવાનું ગમશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાના ભૂલકાઓથી માંડી સૌ કોઈને ઠંડા પીણા, ઠંડુ પાણી, બરફના ગોળા,  આઈસ્ક્રીમ અને કોઈ પણ પ્રકારની ઠંડી વસ્તુઓ ખાવી ગમે જ. બાળકોને આ ઠંડી વસ્તુઓ લેવાય? ઠંડી વસ્તુઓની તેમના પર શું અસર થાય તે વિશે જોઈએ.

જાહેરાતોના પ્રલોભનને કારણે તેમજ કલર અને સ્વાદથી આકર્ષાઈ બાળકો બજારના ઠંડા પીણા વધુ  પસંદ કરે છે. બાળકોના આદર્શ હીરો-હિરોઈનો તેમને આ સ્વાદિષ્ટ પીણું તુરત શક્તિ આપશે, આનંદ આપશે અને તે લેવાથી કોઈ પણ હરિફાઈમાં જીતી શકાશે અને અન્ય વ્યક્તિઓને આકર્ષી શકાશે તેવો ગેરસમજયુક્ત સંદેશો આપતા હોય છે. મોલમાં, ગાર્ડનમાં, થીએટરમાં અને સ્કૂલોની આજુબાજુમાં સહેલાઈથી મળતા આ પીણાની થોડા સમયમાં જ બાળકોને આદત પડી જાય છે.

કોઈ પણ પ્રકારના ફ્લેવર્ડ ( કુત્રિમ કલરવાળા ) ઠંડા પીણા, સોડા, બરફના ગોળા, એનર્જી ડ્રીંક, લાલ-પીળા આઈસ્ક્રીમ, કલરયુક્ત દૂધ-દહીં વૃધ્ધિ-વિકાસ પામતા બાળકોને કોઈકને કોઈક પ્રકારે નુકસાન જ કરે છે. આ પીણા બિલકુલ પોષણ તો આપતા જ નથી. ગરમીમાં બાળકોના શરીરમાં પુરતું પ્રવાહી જળવાઈ રહે તે કામ પણ સચવાતું નથી. મગજથી શરૂ કરી પગની પાની સુધીના શરીરના દરેક અંગ પર તે આડ અસરો કરે છે. આ પીણાની બોટલો પર લખેલ પરમીટેડ, નેચરલ અને એપ્રોવડ જેવા બીલોરી કાચથી પણ માંડ માંડ વંચાય તેવા શબ્દોના ચક્રવ્યૂહમાં માતા-પિતા ફસાઈ જાય છે અને પોતાના લાડકવાયાને જાણે અજાણે ધીમું ઝેર આપે છે. બહારના ફ્લેવર્ડ અને કલરયુક્ત ઠંડા પીણા વધુ એસિડીક ph વાળા હોઈ તેમાં કાર્બન ડાયોક્સાઈડ, એસ્પરટમ( ગળપણ માટે), સેકેરીન, બેન્ઝોઇક એસિડ, ફોસ્ફરિક એસિડ, સલ્ફર ડાયોક્સાઈડ, ટારટાઝીન (પીળા કલર માટે), કાર્મોઈઝીન અને બ્રિલિયન્ટ બ્લુ જેવા નામ વાંચીને ધ્રુજારી છુટે તેવા કેન્સરજન્ય હાનિકારક તત્વોનું પ્રમાણ ખુબ હોય છે. પ્રેગ્નન્ટ માતાએ પણ આ પીણાઓથી દુર રહેવું. ઘણા દેશોએ આ પ્રકારના ઝેરી તત્વોયુક્ત પીણાના ઉત્પાદન પર પ્રતિબંધ લાદયો છે.

અતિશય ખાંડ અને મીઠાયુક્ત આ પીણા બાળકોમાં એલર્જી, દમ તેમજ ગેસ(પિત) કરે છે. ક્યારેક ચક્કર આવે છે. બાળકની રોગ પ્રતિકાર શક્તિ અને યાદ શક્તિ ઘટાડે છે. બાળકોને ક્ષણિક આનંદ મળે છે. થોડો વધુ ઉપયોગ થવાથી થાક, અનિંદ્રા, આળસ અને ચીડિયો સ્વભાવ થાય છે. જે બાળકો લાંબા સમય સુધી અને વારંવાર આ પ્રકારના પીણાનો ઉપયોગ કરે છે તેમને તેમની યુવાવસ્થામાં ડાયાબિટીસ, મૂત્રાશયનું કેન્સર, હાડકા પોચા પડવા, અપચો અને દ્રષ્ટી પર અસર જેવા ગંભીર રોગો થાય છે. છોકરીઓમાં PCOD પ્રકારનો રોગ પણ થાય છે.

બાળકોને શરીર માટે લાભદાયી પીણા જેમકે છાસ, લીંબુ શરબત, નાળિયેર પાણી, વલીઆરીનું પાણી તેમજ ઘરે બનાવેલો મિલ્ક શેઈક અપાય. ઘરના આ ઠંડા પીણા કે ઠંડુ પાણી મહદ અંશે ઠંડુ હોય તો ચાલે. ખુબ ઠંડુ હોય તો રૂમના તાપમાને ૮-૧૦ મિનિટ રાખીને લેવું. નાળિયેર પાણી ને નાળિયેરમાં થી જ લેવું. ચોખ્ખાઈ નું પ્રમાણ જાળવેલો શેરડીનો રસ પીવાય. ફ્રેશ જ્યુસ અને સૂપમાં વિટામીન, રેસા, ક્ષાર તત્વો, ખનીજ તત્વો, ફાયટો કેમિકલ્સ હોઈ તે બાળકોને ખુબ ફાયદો કરે છે. પેટ સાફ કરે છે અને બાળકના વિકાસમાં ખુબ મદદરૂપ થાય છે. ફળોના રસ ને કાઢી બને તેટલો ઝડપથી તેનો ઉપયોગ કરી લેવો. ઠંડુ ફ્રીઝમાં રાખેલ દૂધ અને દહીનો ઉપયોગ પણ તેને ૧૦ મિનિટ રૂમના તાપમાને રાખીને કરવો. ખુબ ઠંડુ પાણી કે કોઈ પણ પ્રવાહી બાળકના દાંત, કાકડા અને પાચન શક્તિ પર આડ અસર કરે છે તે ધ્યાન માં રાખવું.

પ્ર.-9

જન્મ પછી બાળકનું વજન કેટલું અને કેવી રીતે વધે છે તે વિશે થોડી માહિતી આપો. -પ્રતિક શાહ

ઉ-9

પ્રતિકભાઈ, જન્મથી બાર વર્ષ સુધી બાળકનું વજન કેટલું અને કેવી રીતે વધશે તે વિશે વિગતવાર માહિતી આપું છું. પણ એક વસ્તુ જણાવું તો બાળકના વિકાસમાં વજનની બહુ ચિંતા નાં કરવી. વજન કરતાં માનસિક વિકાસ અગત્યનો છે. સામાજિક દબાણ અને તમારા બાળકનું વજન ઓછુ હશે તો લોકોને કેવું લાગશે? લોકો કહેશે કે તમારા બાળકને ખવડાવતા નથી? તેવા પ્રશ્નોની બહુ ચિંતા નાં કરવી કારણકે જ્યારે તમારા ટીનએઈજ બાળકનું વજન 65 કે 70 કિગ્રા થશે ત્યારે કોઈ વજનના વખાણ નહીં કરે પણ પાછળથી હસશે. અત્યારની સામાજિક દ્રષ્ટીપણ એવી થઇ ગઈ છે કે ‘ઓવર વેઇટ’ વાળા બાળકને તંદુરસ્ત ગણે અને સામાન્ય વજન હોય તેવા બાળકને નબળું ગણે.

  • થોડા સમય પહેલા એક બહેન તેમના એક વર્ષના ૧૦.૫ કિગ્રા. વજન ધરાવતા બાળકને લઈને આવ્યા હતા. થોડા વ્યથિત હતા. તેમણે કહ્યું, ‘તંદુરસ્ત બાળકની હરિફાઈમાં મારા બાળકનું વજન ૧૦.૫ કિગ્રા હોવા છતાં એક ૯ કિગ્રા. વજન ધરાવતા બાળકને પ્રથમ ઇનામ મળ્યું. આવું થઇ જ કેવી રીતે શકે.’ બહેનની મુઝવણ અત્યારની સામાજિક માન્યતા પ્રમાણે સાચી હતી. અત્યારે સામાજિક રીતે એવું માનવામાં આવે છે કે દેખીતું વધારે વજનવાળું (જાડું) બાળક તંદુરસ્ત ગણાય. પણ હકીકતમાં એવું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નાં મત પ્રમાણે તંદુરસ્ત બાળકની વ્યાખ્યામાં બાળકનો માનસિક વિકાસ, રસીકરણ, ચોખ્ખાઇ, માતાનું ધાવણ કેટલા સમય સુધી લીધું, વજન, લંબાઈ તેમજ માથાનો ઘેરાવો જેવી બધી જ વસ્તુને ધ્યાનમાં લઇ બાળકનો સર્વાંગી વિકાસ જોવો. તે પ્રમાણે બાળકને તંદુરસ્ત ગણવું.
  • બાળકના જન્મ પછી માતાપિતા હંમેશા પોતાના બાળકનો શારીરિક વિકાસ જાણવા માટે ઉત્સુક હોય છે. ખાસ કરીને વજન માટે. બાળકનાં શારીરિક વિકાસ સાથેની વજન વિશેની કેટલીક આંકડાકીય મગજમારી જોઈએ.
  • પુરા મહિને જન્મેલા તંદુરસ્ત બાળકનું વજન ૨.૮ – ૩.૨ કિગ્રા વચ્ચે હોય છે જે ચાર મહિને ડબલ, એક વર્ષે ત્રણ ગણું, બે વર્ષે ચાર ગણું અને ચાર થી પાંચ વર્ષ વચ્ચે પાંચ ગણું અને આઠ થી દસ વર્ષ વચ્ચે દસ થી બાર ગણું થાય છે.
  • પહેલા ત્રણ મહિના દરમ્યાન બાળકનું વજન દર મહિને ૬૦૦ – ૮૦૦ ગ્રામ, ચાર થી છ માસ દરમ્યાન દર મહિને ૫૦૦ – ૬૦૦ ગ્રામ, સાત થી નવ માસ દરમ્યાન દર મહિને ૩૦૦ – ૫૦૦ ગ્રામ, દસ થી બાર માસ વચ્ચે દર મહિને ૨૦૦ – ૩૦૦ ગ્રામ જેટલું વધે છે.
  • પહેલા વર્ષે લગભગ ૫ થી ૭.૫ કિગ્રા જેટલું, બીજા વર્ષે ૨ થી ૩ કિગ્રા જેટલું અને ૨ થી ૧૨ વર્ષ સુધી દર વર્ષે ૧.૮ થી ૨ કિગ્રા જેટલું વધે છે.
  • બે થી બાર વર્ષ વચ્ચે દર વર્ષે ૧.૮ થી ૨ કિગ્રા એટલે દર મહિને ૧૫૦ – ૨૦૦ ગ્રામ જેટલું અને રોજનું ૫ – ૬ ગ્રામ જેટલું વજન વધે છે.
  • પહેલા બે વર્ષ દરમ્યાન બાળકના વજન માં ૭ થી ૧૦ કિગ્રા જેટલો વધારો જોવા મળે છે પછી ૨ થી ૧૨ વર્ષ વચ્ચે દર વર્ષે અચાનક ૨ કિગ્રા જેટલો જ વધારો જોવા મળે છે આથી માતા પિતાને લાગે છે કે હવે બાળકનું વજન વધતું જ નથી અને તેનો વિકાસ અટકી ગયો છે. પણ એવું હોતું નથી આ ઉંમરનાં ગાળામાં બાળકનું વજન વારંવાર કરવાની જરૂર નથી હોતી. તેના વજનની સરખામણી છ કે બાર માસ પહેલાના વજન સાથે કરવી. છ માસ દરમ્યાન એક કિગ્રા અને એક વર્ષમાં ૨ કિગ્રા વજનનો વધારો જોવા મળે તો તેનો વિકાસ બરાબર જ થઇ રહ્યો છે તેમ સમજવું.
  • જન્મથી એક વર્ષ સુધી તો દર માસે વજનમાં વધારો જોવા મળે જ છે પણ એક વર્ષ પછી એવું નથી થતું. એક વર્ષ બાદ એવું બને કે સળંગ ત્રણ માસ બિલકુલ વજન નાં વધે અને ચોથા માસે ૫૦૦ થી ૬૦૦ ગ્રામ જેટલું વજન વધી જાય. એટલે જ બે થી બાર વર્ષના ગાળા દરમ્યાન બાળકનું વજન વારંવાર જોવું ટાળવું અને ખોટી ચિંતાથી દુર રહેવું.
  • જન્મ બાદ ફક્ત ધાવણ ચાલતું હોય તે બાળકનું પ્રથમ છ માસ દરમ્યાન તો સારું વજન વધે જ છે. પરંતુ છ માસ બાદ જ્યારે ઉપરથી ખોરાક ચાલુ કરવાનો સમય આવે ત્યારે જો યોગ્ય રીતે ઉપરથી ખોરાક ચાલુ નાં થયો હોય અને માતા ફક્ત ધાવણ જ આપ્યા કરતી હોય તો બાળકનો વિકાસ અટકી જાય છે અને તે કુપોષણવાળું બની જવાની શક્યતા રહે છે. માતાનું ધાવણ તો બે વર્ષ સુધી આપી શકાય અને આપવું જોઈએ પરંતુ છ માસ બાદ ધાવણ સાથે ઉપરનો ખોરાક પણ બાળકોના ડોક્ટરનું માર્ગદર્શન લઇ યોગ્ય રીતે ચાલુ કરવો જેથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય ગતિએ વધે.
  • પ્રથમ વર્ષે ૮ થી ૧૦ કિગ્રા વચ્ચે, પાંચમાં વર્ષના અંતે ૧૬ થી ૨૧ કિગ્રા વચ્ચે અને દસમાં વર્ષના અંતે ૨૮ થી ૩૫ કિગ્રા વચ્ચે વજન જોવા મળે છે.
  • ઉપર જણાવેલા વજનના માપમાં છોકરીઓમાં છોકરાઓની સરખામણીમાં ૧૨ વર્ષ સુધીમાં ૧૦% જેટલું વજન ઓછુ હોઈ શકે છે.
  • બાળકનું વજન જે ઉમરે જે હોવું જોઈએ એના કરતા ૨૦% થી ઓછુ હોય તો બાળક કુપોષણ વાળું કહી શકાય અને ૨૦% થી વધુ હોય તો મેદસ્વી કહી શકાય.
  • ઉપરના માપમાં થોડી વધઘટ જોવા મળે તો ચિંતા નાં કરવી. બાળકોના વજન પર વારસાગત અને જાતિની પણ અસર જોવા મળે છે. (પંજાબી માતાનું જ સરેરાશ વજન ૮૦ થી ૮૫ કિગ્રા. હોઈ તેમના બાળકનું જન્મે વજન ૩.૫ થી ૪ કિગ્રા. હોય તે સામાન્ય છે) કોઈ બાળકનું વજન એક વર્ષે સાત કિગ્રા, પાંચ વર્ષે ૧૫ કિગ્રા હોય પછી આંઠ થી બાર વર્ષ વચ્ચે અંતઃસ્ત્રાવના ફેરફારને લીધે અચાનક ૧૨ થી ૧૫ કિગ્રા જેટલું વધે તેવું પણ બને.
  • બાળક જન્મે પછી પહેલા છ માસ દર માસે, છ માસ થી બે વર્ષ દરમ્યાન દર બે મહિને, બે થી પાંચ વર્ષ દરમ્યાન દર છ માસે તેમજ પાંચ વર્ષ થી બાર વર્ષ વચ્ચે દર વર્ષે બાળકનું વજન જોવું જોઈએ. કોઈ એક જ સમયના વજનના આધારે તેની તંદુરસ્તી મુલવી નાં શકાય. પાછલા ત્રણ કે ચાર વજનને આધારે તેના વજનનો વિકાસ મૂલવવો જોઈએ.
  • ૨ થી ૧૨ વર્ષના બાળકનું આદર્શ વજન શોધવાની સાદી ગણતરી નીચે મુજબ કરી શકાય. વજન (કિગ્રા) = ૧૦ (વર્ષમાં) + ( ઉંમર – ૧ ) * ૨ ધારોકે કોઈ બાળકની ઉમર ૭ વર્ષ છે તો તેનું વજન = ૧૦ + ( ૭ – ૧ ) * ૨ = ૧૦ + ( ૬ ) * ૨ = ૧૦ + ૧૨ + ૨૨ કિગ્રા.
  • ૧ પાઉન્ડ = ૨.૨ કિગ્રા. અને ૧ ઔંસ = ૨૯ ગ્રામ.

પ્ર.-10

વર્ષાઋતુમાં બાળક બીમાર નાં પડે તે માટે બાળકનું શું ધ્યાન રાખવું જોઈએ? -મનનભાઈ પટેલ

ઉ-10

મનનભાઈ વર્ષાઋતુમાં બાળકનું ધ્યાન રાખવા નીચેની બાબતોની જાણકારી તમને મદદરૂપ થશે.

વર્ષારાણીના આગમનને વધાવવું, વરસાદમાં ભીંજાવું અને દોડાદોડી કરવી તે બાળકોથી માંડીને વડીલો માટેનો આનંદનો અવસર હોય છે. દુષિત પાણી, ખોરાક અને હવા મારફતે વર્ષાઋતુમાં જ વાયરસ, બેક્ટેરિયા, મેલેરિયા, ફૂગ અને એલર્જીજન્ય રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. અપૂરતો સૂર્યપ્રકાશ, લાંબો સમય ભેજગ્રસ્ત હવા, ઘરના બારી બારણાં લાંબો સમય બંધ રાખવા પડે એવી પરિસ્થિતિમાં ઇન્ફ્લ્યુંએન્ઝા વાયરસ, સ્ટ્રેપટોકોકલ બેક્ટેરિયા અને ફૂગજન્ય વિષાણુંને વિકસવા શ્રેષ્ઠ વાતાવરણ મળે છે જેને લીધે શરદી, ખાંસી, આંખ-નાકમાંથી પાણી નીકળવું, આંખ આવવી, એલર્જી, દમ, ચામડી પર ફંગસનો ચેપ, નાના મોટા ગુમડા, મોમાં ચાંદા જેવા રોગોનું પ્રમાણ વધી જતું હોય છે. દુષિત પાણી તથા ખોરાકથી ઝાડા-ઉલટી, કમળો, તેમજ ટાયફોઇડનું પ્રમાણ વધી જાય છે. ઘરના કમ્પાઉન્ડમાં, કુંડામાં અને છત પર ભરાયેલા પાણીનો ત્રણ દિવસમાં નિકાલ થવો જોઈએ નહીં તો તે ડેન્ગ્યું તેમજ મેલેરિયાનું ઉદભવસ્થાન બની રહે છે. ગામડામાં, જંગલોમાં અને ખેતરોમાં વિવિધ અળસિયા અને સર્પજીવો જમીનની બહાર નીકળી આવે છે જેને લીધે સર્પદંશના કિસ્સા ખુબ વધી જાય છે. વધુ વરસાદના સમયે બાળકો બહાર રમવા જઈ શકતા નથી. યુવાનો અને વડીલો પોતાના કાર્યસ્થળે જઈ શકતા નથી. સતત ઘરમાં જ રહેવાને લીધે સ્વભાવ પણ થોડો ચીડિયો થઈ જાય છે અને ક્યારેક વધુ પડતું ખવાઈ પણ જાય છે. થોડી કાળજી લેવાથી આ પરિસ્થિતિમાંથી બચી શકાય છે.
• વાયરસ, બેક્ટેરિયા અને ફૂગજન્ય રોગોથી બચવા માટે :
ઘરમાં બે થી ત્રણ વખત પોતા મારવા, સરખું ઝાપટવું અને દરેક ખૂણાની વ્યવસ્થિત સફાઈ કરવી. ઘરના દરેક સભ્યોએ ઉકાળેલું, ગાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી જ વાપરવું.પાણી લેતા ડોયાનો ઉપયોગ અવશ્ય કરવો. ઘરનો જ બનાવેલો તાજો અને ઢાંકેલો ખોરાક જ લેવો. સૂર્યપ્રકાશ નીકળે ત્યારે બારી-બારણાં ખોલી નાખવા. હાથરૂમાલનો વ્યવસ્થિત ઉપયોગ કરવો, જમતા પહેલા અને ટોયલેટ બાદ હાથ બરાબર ધોવા. ખુબ નાના બાળકો અને વડીલોને થિયેટર, મંદિર, મોલ કે હોલ જેવી બંધ અને ગીચ જગ્યાએ લઈ જવાનું ટાળવું. કપડા સારી રીતે ધોઈ સૂકવવા, ભીના તેમજ ભેજવાળા કપડા માટે જરૂર પડે તો ઈસ્ત્રીનો પણ ઉપયોગ કરવો. બહુ ભીના અને પરસેવાવાળા કપડા લાંબો સમય પહેરવા નહીં.
• દુષિત પાણી તથા ખોરાકથી થતા રોગોથી બચવા માટે :
ઝાડા, ઉલટી, કમળો તેમજ ટાયફોઇડ દુષિત પાણી અને ખોરાકથી થતા રોગો છે. તેનાથી બચવા માટે ઘરનો તાજો રાંધેલો, ઢાંકેલો ખોરાક જ લેવો, ફળો વ્યવસ્થિત ધોવા, ખુબ પાકેલા અને લાંબા સમયથી ખુલ્લા ફળો નાં ખાવા, નખ વ્યવસ્થિત કાપવા, ઘરના દરેક સભ્યોએ જમતા પહેલા હાથ વ્યવસ્થિત ધોવા, તૈયાર દુધની બનાવટો કે જે લાંબો સમય ફ્રીઝરમાં રાખેલી હોય જેમ કે શ્રીખંડ, મઠો, કેક, ચીઝ નો ઉપયોગ ટાળવો જેવી સાવચેતી રાખવી.
• મચ્છરજન્ય રોગોથી બચવા માટે :
મેલેરિયા કે ડેન્ગ્યુંથી બચવા ઘરમાં કે ઘરની આજુબાજુ ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરાવી તેના પર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો. બારી પર મચ્છરદાની અથવા જાળી(નેટ)નો ઉપયોગ કરવો. મચ્છર મારવાની દવા, પ્રવાહી કે ટ્યુબો ૧૦૦% જંતુમુક્ત કામ કરતી નથી. તેનો વધુ પ્રમાણમાં ઉપયોગથી આડઅસર થવાની સંભાવના વધુ રહે છે. બાળકોને સ્કુલે મોકલતા તેમના હાથ-પગ ઢંકાય તે રીતે સુતરાવ કપડાનો ઉપયોગ કરવો. ઘરમાં સ્પ્રે, અત્તર, અગરબત્તી અને ધૂમ્રપાન કરવું નહીં. વર્ષાઋતુમાં પોલીશકામ, સુથારીકામ અને રંગકામ દમ અને એલર્જીજન્ય રોગોની શક્યતા વધારે છે. તે કામ ટાળવું. આમ થોડી સાવચેતી રાખવાથી વર્ષાઋતુને માણી પણ શકાશે અને તેના સાથે આવતી તકલીફોથી બચી પણ શકાશે.

પ્રશ્ન ના જ​વાબ આપવા માટે
પ્રશ્ન પૂછો
Powered By Indic IME

માત્ર તમારી પસંદગી મુજબ અહીં તમારા પ્રશ્ન પોસ્ટ કરો.

ઈ-બુક ડાઉનલોડ કરો