મુલાકાતી નંબર: 430,018

Ebook
આ પાંચ મહિલાઓએ અસંભવ ને શક્ય બનાવ્યું.
HAPPY WOMENS DAY.  વાંચો મજબુત મનોબળ ધરાવતી આ પાંચ મહિલાઓ ની વાત. જેમણે બિલકુલ અસંભવિત અને અશક્ય દેખાતું કામ શક્ય બનાવ્યું. તેમની વાત વાંચીને ક્યાંક આપણને પણ જીવનની તકલીફો સામે લડવાની હિંમત મળે. સલામ છે આ લોખંડી મનોબળ ધરાવતી મહિલાઓને જેમણે પુરવાર કર્યું કે જીવનમાં હિમંત, મહેનત અને ઈશ્વર પર શ્રધ્ધા રાખો તો કશું જ અશક્ય નથી. (૧) આશા ખેમકા  નવી જગ્યા અને નવા લોકો વચ્ચે પણ મનની ઈચ્છા હોય તો કશું અશક્ય નથી  ઈ.સ. ૧૯૬૬ નું વર્ષ હતું. બિહારની ૧૫ વર્ષની આશા ખેમકા નામની એક દીકરી જે હજુ માંડ મેટ્રીકમાં પણ નહોતી પહોંચી તેને ઘરના વડીલોએ કહ્યું કે આજે તને છોકરો જોવા આવવાનો છે તો તું સાડી પહેરીને તૈયાર રહેજે. આશાનો ભાવી પતિ મેડીકલમાં અભ્યાસ કરતો હતો અને બધું સારું હતું આથી આશાના લગ્ન થઈ ગયા. સાસરામાં પતિએ તેને આગળ ભણવામાં સહકાર આપ્યો. તે ૨૪ વર્ષની થઈ ત્યાં સુધીમાં તેણે ૧૨મુ ધોરણ પાસ કર્યું અને તે ત્રણ બાળકોની માતા પણ થઈ. ૧૯૭૮માં આશાના ઓર્થોપેડિક સર્જન પતિને ઇંગ્લેન્ડમાં સર્વિસ મળી ત્યારે પતિ સાથે આશા પણ બ્રિટન પહોંચી. ૨૭ વર્ષની આશાને ઈંગ્લીશ શીખવાની અને આગળ ભણવાની ઈચ્છા થઇ. કાર્ડિફ યુનિવર્સીટીમાં પ્રવેશ લઈ તેણે ઈંગ્લીશ શીખવાનું શરૂ કર્યું. સાથે તે ઈંગ્લીશ ભાષાના મેગેઝીન નિયમિત વાંચતી અને ઈંગ્લીશ ટી.વી શો નિયમિત જોતી. તેના પતિના સહકારથી તે સ્નાતક થઈ અને હવે તે પણ સુંદર ઈંગ્લીશ બોલી શકતી હતી. ૧૯૮૫ની આજુબાજુમાં તેણે ઇંગ્લેન્ડની ઓસવેસ્ટ્રી કોલેજમાં શિક્ષિકા તરીકે કારકિર્દી શરૂ કરી. આશાએ લગભગ બીજા ૨૦ વર્ષ સુધી પોતાની શિક્ષિકા તરીકેની જવાબદારી દિલથી નિભાવી. શાળાનો સમય પૂરો થાય પછી પણ વધુ સમય તે બાળકોને જરૂર હોય ત્યારે આપતી. ૨૦૦૬ની સાલમાં ૫૫ વર્ષની ઉંમરે તે વેસ્ટ નોટીધમ કોલેજમાં પ્રિન્સિપાલ બની. આશાના નેતૃત્વ હેઠળ આ કોલેજને અનેક કામયાબીઓ હાંસલ થઈ. તેની મહેનત અને પ્રયત્નોથી આ કોલેજ ઇંગ્લેન્ડની અત્યંત પ્રતિષ્ઠિત કોલેજ ગણાવા લાગી. આ દરમ્યાન આશાએ ૧૬ થી ૨૪ વર્ષના યુવક-યુવતીઓને શિક્ષણ અને રોજગારીમાં મદદ મળે એ હેતુ થી ‘ધી ઈન્સ્પાયર એન્ડ એચિવ ફાઉન્ડેશન’ નામનું ટ્રસ્ટ પણ શરૂ કર્યું. ઈંગ્લેન્ડમાં આશાના ૪૦ વર્ષના સંઘર્ષ અને મહેનતના ફળ રૂપે તેને ૨૦૦૮માં ‘ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર’ નો એવોર્ડ મળ્યો. ૨૦૧૩માં તેને બ્રિટનનો સર્વોચ્ચ ગણાતો એવો ‘ડેમ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર’ એવોર્ડ મળ્યો. આ સન્માન બ્રિટનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાય છે. આશા ખેમકા પહેલા ભારતની એકમાત્ર મહિલા ધારના મહારાણી લક્ષ્મીદેવીને ૧૯૩૧ માં આ સન્માન મળ્યું હતું. તાજેતરમાં ૨૦૧૭માં આશા ખેમકાને ‘એશિયન બિઝનેસ વુમન ઓફ ધ યર’નું સન્માન પ્રાપ્ત થયું. આશાએ કહ્યું બ્રિટનમાં મારા કાર્ય અને મને મળેલી તક થી હું સંતુષ્ટ છું. મને બિહારી અને ભારતીય હોવાનો ગર્વ છે. (૨) પદ્માલક્ષ્મી મજુરથી સબઇન્સ્પેક્ટર સુધીની સંઘર્ષયાત્રા  મહારાષ્ટ્રમાં નાસિકમાં ૨૩ વર્ષની પદ્માલક્ષ્મી નાના બાળકને ગોદમાં રાખી મજુરીનું કામ કરતી. બાળક રડે તો વચ્ચે વચ્ચે છાનું પણ રાખવું પડતું. તેનો પતિ પવન ઇંટોના ભઠ્ઠામાં મજુરી કરી રોજના ૫૦ રૂ કમાતો. બંને પતિ-પત્ની, બે બાળકો અને તેમના માતા-પિતાનું જેમતેમ ગુજરાન કરી જીવનનું ગાડું ગબડાવતા. પદ્માલક્ષ્મીનું આ પ્રકારના જીવનમાં મન માનતું ન હતું. તેણે ૧૨ ધોરણ સુધીનો શાળાકીય અભ્યાસ તો કર્યો હતો. તેના પતિએ તેને આગળ ભણવા પરવાનગી અને પ્રોત્સાહન આપ્યા. તે દિવસે તો મજુરી જ કરતી પણ રાત્રે અભ્યાસ કરતી. જુના પુસ્તકો મેળવી ધીરે ધીરી સ્નાતકની પદવી મેળવી લીધી. હજુ પદ્માલક્ષ્મી અટકી નહીં. આ પછી તેણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી. છેવટે તેણે મહારાષ્ટ્ર પોલીસ એકેડેમીની સ્પર્ધાત્મક પરીક્ષા પણ પાસ કરી. હાલમાં તે અમરાવતી રેન્જની પોલીસ સબ ઇન્સ્પેકટર પદની જવાબદારી નિભાવી રહી છે. તેણે કહ્યું કે, ‘મારી તે પરિસ્થિતિમાં હું જે શ્રેષ્ઠ કરી શકતી હતી તે મેં કર્યું. હવે મારા બાળકો અને મારા કુટુંબનું ભવિષ્ય સુરક્ષિત છે તેનો મને આનંદ છે.’ મુશ્કેલીઓના પહાડને પદ્માલક્ષ્મી એ શિક્ષણરૂપી હથોડાથી ચકનાચુર કર્યો. ખરેખર તેના જેવી મહિલાઓ દેશ માટે રોલ મોડેલ સમાન છે. (૩) અરુણિમા સિંહ   અશકયમાંથી શક્ય કરનારી સુપર હ્યુમન  ૨૦૧૧માં લખનૌથી દિલ્હી જતી ટ્રેનમાં અરુણિમા સિંહની છેડતી કરવાનો અને લગેજ લુંટવાનો ગુંડા ટોળકી પ્રયાસ કરી રહી હતી. અરુણિમાએ તેમને માર્યા. અકળાઈને ગુંડા ટોળકીએ ચાલુ ટ્રેનમાંથી તેને બહાર ફેંકી દીધી. સામા પાટા પરથી આવતી ટ્રેને તેના ડાબા પગનો ફૂરચો બોલાવી દીધો. રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર અરુણિમાસિંહ પાસે હવે બે જ વિકલ્પ હતા. એક કે પોતાની સાથે થયેલી ઘટનામાં જવાબદાર લોકોને દોષિત ઠેરવી બાકીનું જીવન રડતા પૂરી કરવાની ઔપચારિકતા પૂરી કરવી અને બીજું જીવનમાં નવા લક્ષ્યાંક બનાવી લડવું. હોસ્પિટલના બિછાને તે હતી ત્યારે તેણે એક મેગેઝીન જોયું. તેમાં માઉન્ટ એવરેસ્ટની તસ્વીર હતી. તે જોઇને જ તેણે નિર્ધાર કર્યો કે હું એક પગે પણ માઉન્ટ એવરેસ્ટ ચઢીશ. તેની સારવાર કરી રહેલા ડોક્ટરોએ તેનો જુસ્સો વધારવાને બદલે કોમેન્ટ કરી કે તેનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયું હોય તેવું લાગે છે. બે દિવસ પછી તેણે કુત્રિમ પગે ચાલવાનું શરૂ કર્યું. એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ સાથે તેણે મુલાકાત કરી. બચેન્દ્રી પાલે તેને હિંમત આપી કે, ‘એવરેસ્ટ સર કરવાના તારા નિર્ણયે જ તારી અંદરના એવરેસ્ટરૂપી પડકારને સર કરી લીધો છે. હવે તારે સાચો એવરેસ્ટ સર કરી દુનિયાને બતાવી દેવાનું છે કે તું કઈ માટીની બનેલી છું’. અરુનીમાએ ત્યારે પછી ૧૮ મહિના સુધી નહેરૂ ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેનિયરીંગમાં તાલીમ લીધી. ઘણા કોર્પોરેટ્સ તેને સ્પોન્સર કરવા આગળ આવ્યા. ૨૧ મેં ૨૦૧૩ નાં રોજ તેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. એવરેસ્ટની ટોચે તેણે ત્રિરંગો લહેરાવ્યો અને સાથે તેના આદર્શ સ્વામી વિવેકાનંદની તસ્વીર મૂકી. ત્યાર પછી કુત્રિમ પગ સાથે તેણે આફ્રિકાના કિલિમાન્જારો, યુરોપના એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયાનો કોસસીયુઝ્કો, આર્જેન્ટીનાનો એકોનકાગુઆ અને ઇન્ડોનેશિયાનો કાર્સટેન્ઝ પિરામિડ એમ છ શિખર સર કર્યા. (૪) વંદિતા ધારીયાલ   મારી સફળતાની મને જ અનોખી ભેટ  ૨૧ ઓગસ્ટ ૨૦૧૭. સવારે ૯.૩૦ વાગ્યે ઇંગ્લેન્ડના વેસ્ટર્ન પાર્ટ ડોવર બીચ પર ઠંડો પવન વાઈ રહ્યો હતો. ગુજરાતની અને અમદાવાદની દીકરી વંદિતા ધારીયાલ અહીંથી એક વિશેષ સિદ્ધિ મેળવવાના ધ્યેય સાથે તૈયાર હતી. ફ્રાંસ અને ઇંગ્લેન્ડને જોડતો ૨૧.૨ માઈલ એટલે 36 કી.મી જેટલા અંતરનો દરિયો એટલે બ્રિટિશ ચેનલ તરીને ક્રોસ કરવા તે મનથી તૈયાર હતી.  જેમ પર્વતારોહ્કો માટે જેમ માઉન્ટ એવરેસ્ટ ચઢવો જીવનનું એક સ્વપ્ન હોય છે તેમ સ્વિમરો માટે ઈંગ્લીશ ચેનલ ક્રોસ કરવી એક સ્વપ્ન હોય છે. ઈ.સ ૧૮૭૫માં કેપ્ટન મેથ્યુ બેલે પહેલી વખત ઈંગ્લીશ ચેનલ ક્રોસ કરી તે પછી આજ સુધી લગભગ ૧૯૦૦ જેટલા લોકોજ આ કપરૂં કામ પૂર્ણ કરી શક્યા છે. આ એક હરીફાઈ નથી પણ ઘૂઘવતા દરિયા સામે બાથ ભીડી સામે છેડે પહોંચવું તે વિશ્વના કોઈ પણ સ્વિમર માટે એક સ્વપ્ન સમાન હોય છે. આ હરિફાઈમાં ઉતરતા પહેલા વંદિતાએ પહેલા એક કલાક પછી બે કલાક પછી ત્રણ કલાક એમ છ કલાક સળંગ દરિયામાં તરી પ્રેકટીશ લીધી. ત્રણ માસના સમયમાં દરિયામાં બ્રીધીંગ કેમ લેવું, દરિયાના મોજા સામે ટકી કેમ રહેવું તેમજ પાણીનું ટેમ્પરેચર અચાનક ઘટી જાય તો શું કરવું જેવી ટ્રેનિંગ લીધા પછી વંદિતાને ઈંગ્લીશ ચેનલ અને સ્વિમિંગ એન્ડ પાયલોટીંગ ફેડરેશન તરફથી ચેનલ ક્રોસ કરવા માટેની પરમિશન મળી. વંદિતાએ આ અંતર ૧૩ કલાક, ૧૦ મિનિટ અને ૧૦ સેકંડમાં પુરૂ કર્યું. વંદિતાએ તેનો અનુભવ વર્ણવતા કહ્યું કે, ‘સ્વિમિંગ પુલમાં તો પાણી સ્થિર હોય જ્યારે દરિયામાં કઈ કહી નાં શકાય. અચાનક ઊંચા થતા મોજાનો પણ સામનો કરવાનો આવે. પવનની દિશાઓ પણ બદલાતી રહે ક્યારેક વરસાદ પણ આવે. મારી આ સફર દરમ્યાન મને ત્રણ જેલીફિશ કરડી. અમુક વખતે દરિયાના મોજા વચ્ચે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી પણ જો હું ઉભી રહ્યું તો મારા શરીરનું ટેમ્પરેચર ઘટી જાય અને મને હાયપોથરમિયા થાય એટલે મેં શરીરને મશીન બનાવી તરવાનું ચાલુ જ રાખ્યું. ક્યારેક અંધારામાં દિશાની પણ સૂઝ ના પડે. મારું બોડી પણ પેઈન કરવા લાગ્યું પણ આડુંઅવળું તરીને પણ તરવાનું મેં ચાલુ રાખ્યું. લગભગ ૧૦ કિમી જેટલું અંતર બાકી હોય ત્યારે મંઝિલ દેખાવા લાગી. છેવટે આ અંતર પૂરું થયું.’ વંદિતાએ કહ્યું દરિયો તર્યા પછી હું આંખ બંધ કરું તો પણ મને એક જ લાગતું કે હું હજુ પાણીમાં છું. આંખ બંધ કરું તો મને ડૂબવાનો ભય લાગતો આથી ચાર દિવસ સુધી મને ઊંઘ જ નાં આવી. આ ચેનલ ક્રોસ કરવાના પ્રયત્નોમાં ઘણાને હાર્ટએટેક પણ આવેલા છે. વંદિતાની સિદ્ધિ તમે કપરું કાર્ય શરુ કરો તો પણ હિંમત હાર્યા વિના કરવાનું ચાલુ જ રાખો. તમે ધારેલા મુકામ પર ચોક્કસ પહોંચી શકશો તેવો મેસેજ આપે છે. (૫) કૃતિકા પુરોહિત   પ્રબળ ઈચ્છાશક્તિ  કૃતિકા પુરોહિતના જીવનમાં તેની પ્રબળ ઈચ્છાશક્તિએ આંખોનું કામ કર્યું. તે નાની હતી ત્યારે જ તેણે નક્કી કર્યું હતું કે તે મોટી થઈને ડોક્ટર બનશે પરંતુ તેની કમનસીબી કે તે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તેની ઓપ્ટીકલ નસમાં મુશ્કેલી ઉભી થઇ અને તેની બંને આંખોની રોશની ચાલી ગઈ. ભલે તેની રોશની ચાલી ગઈ પણ તેણે સ્વપ્ન જોવાનું છોડ્યું નહીં. મુંબઈના નાલાસોપારામાં રહેતી કૃતિકાએ પોતાના સ્વપ્નને સાકાર કરવા પુરુસાર્થ ચાલુ રાખ્યો. ડોક્ટર બનવાની તેની આ યાત્રા સહેજે આસાન ન હતી. એના સંઘર્ષની શરૂઆત થઇ ૨૦૧૦માં. નેશનલ એશોસિએશન ફોર ધ બ્લાઈંડમાંથી પાસ થઈ મેડીકલમાં એડમિશન લેવા માટેની સી.ઇ.ટી ( કોમન એન્ટરન્સ ટેસ્ટ ) આપવાના સમયે તે નેત્રહીન હોવાને કારણે મુશ્કેલી ઉભી થઇ. આપણા દેશમાં દ્રષ્ટીહિન લોકો ફિઝીઓથેરાપીનો ડીપ્લોમાં અને સર્ટિફિકેટ કોર્સ કરી શકે છે પણ તેઓ ડીગ્રી કોર્સ કરી શકતા નથી. કૃતિકાએ ડીગ્રી કોર્સમાં એડ્મિશન લેવા માટે અદાલતના દરવાજા ખટખટાવ્યા. અંતે બોમ્બે હાઈકોર્ટે તેને પરીક્ષા આપવાની મંજુરી આપી. પરીક્ષા પાસ કરી કૃતિકાએ ડીગ્રી કોર્સમાં એડમિશન તો લીધું પણ તે નેત્રહીન હોવાને કારણે તે પ્રેક્ટિકલ્સ કેવી રીતે કરી શકશે? તે પ્રશ્ન ઉઠ્યો. કૃતિકા જોઈ શક્તિ ન હતી પણ મૃત માનવશરીરના વિવિધ અંગોને હાથમાં ગ્લોવ્સ પહેર્યા વિના સ્પર્શીને તે જ્ઞાન મેળવતી હતી. પ્રેક્ટિકલ પરીક્ષા નેત્રહીન આપી ના શકે તે મુદ્દા પર તેણે ફરી કોર્ટમાં જવું પડ્યું. કોર્ટે તેને કોર્ટરૂમમાં તેના એનેટોમીના  (શરીર રચના ) પ્રેક્ટિકલ નોલેજને સાબિત કરવા કહ્યું. ઓપન કોર્ટમાં પ્રેક્ટિકલ્સનાં સેશન માટે લંડનથી ખાસ સ્પેસીમેન મંગાવવામાં આવ્યું. કૃતિકાને પ્રશ્નો પૂછવામાં આવ્યા, તે નહિવત મુશ્કેલી સાથે જવાબો લખાવતી ગઈ અને તેણે કોર્ટરૂમમાં ડોક્ટર બનવાની પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવી. તે પછી ડોક્ટર બનવા માટે અને શરીર રચનાને તેણે ખુબ પુરુષાર્થ કર્યો. એનેટોમી પ્રેક્તિક્લ્સ સહિત મોટાભાગની પરીક્ષામાં તેણે ઉચ્ચ ગુણવત્તા મેળવી. મગજ જેવા અઘરા ભાગની રચના પણ તે શીખી. મુંબઈની કે.ઈ.એમ કોલેજમાંથી તેણે ફિઝીઓથેરાપીની ડીગ્રી મેળવી. ૨૪ વર્ષની કૃતિકાને દેશની પ્રથમ પ્રમાણિત ડોક્ટરનું ડીગ્રી સર્ટિફિકેટ મળ્યું. અત્યારે તે પોતાની પ્રેક્ટીસ કરે છે અને વધુ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છે છે. પોતાના મક્કમ મનોબળથી તે ડોક્ટર બની અને પોતાની પાસે સારવાર લેવા આવનાર દર્દીઓને તે સંતોષ અને આનંદ આપવાનો પ્રયત્ન કરે છે.    

8 ટિપ્પણીઓ

 1. લેખકShivani shastri

  on March 8, 2018 at 6:50 am - Reply

  Truly inspiring stories. Where is a will, there is a way.

 2. લેખકMahesh thakor

  on March 8, 2018 at 8:22 am - Reply

  આ માહિલાવો ખરેખર પ્રેરણા આપશે છે thankyou sir this story

 3. લેખકPrashanti kothari

  on March 8, 2018 at 10:55 am - Reply

  Truely inspiring sir

 4. લેખકRkpujara

  on March 10, 2018 at 6:52 pm - Reply

  Inspiring & motivating- must read for all young girls

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો