
ચાર વર્ષનું એક બાળક અને છ માસની બેબીને લઈને એક બહેન બતાવવા આવ્યા. મારાથી સહજ પુછાઈ ગયું કોઈ તકલીફ થઇ છે? બહેને જવાબ આપ્યો, ‘ના ડોક્ટર આ નાની બેબીને તો જન્મથી કોઈ તકલીફ જ નથી. તકલીફો અમને આ મોટાએ આપી છે. તમને પણ ખબર છે એ છ માસનો થયો તે વખતે અમારે તેને લઈને તમારી પાસે કેટલી બધી વખત આવવું પડતું હતું. એ નાની મોટી તકલીફો લઈને જ જન્મ્યો હતો. પહેલું વર્ષ તો એક રાત તેણે અમને શાંતિથી સુવા નથી દીધા. ચીડિયો સ્વભાવ, જાતે જમવું નહીં, કોઈ જ વસ્તુ જાતે ન શીખવી તેમજ વાંરવાર માંદા પડવું. આ નાની બેબી કેટલી શાંત છે, બેસતા પણ શીખી ગઈ છે તેમજ તેને રાખી હું ઘરના બધા કામ પણ કરી શકું છું. શી ખબર ભગવાને મને મોટું બાળક આવું કેમ આપ્યું?’ બહેને મોટા બાળક વિશે જરા વધારે પડતો અસંતોષ બતાવ્યો. દસમાંથી આંઠ માતાપિતાને પહેલા બાળક પ્રત્યે અસંતોષ રહેતો હોય છે.
તકલીફ પહેલા બાળકમાં નથી હોતી. પહેલા અને બીજા બાળક વખતે માતાપિતાની માનસિક, સામાજિક અને થોડા ઘણા અંશે આર્થિક પરિસ્થિતિનો બદલાવ આ ફેરફારમાં કારણભૂત હોય છે. આ બદલાવ માતાપિતાએ સમજવો જોઈએ. પહેલા બાળકની બીજા સાથે સતત સરખામણી કરી પહેલાની ઉપેક્ષા કરવાની જરૂર નથી હોતી. પહેલું બાળક કુટુંબમાં આવે ત્યારે માતાપિતાના પેરેન્ટીંગનો પણ જન્મ થયો હોય છે. પતિપત્ની તરીકે એકલા જીવવું અને એક બાળક સાથે માતાપિતા બની કેવી રીતે જીવન જીવાય તે સમજણ માટે હજુ તેઓનું શિક્ષણ ચાલુ થયું હોય છે. માતાપિતા બન્યા પછી રોજિંદા કામોનું આયોજન, ક્યા કામોને પ્રાધાન્ય આપવું, સામાજિક તેમજ વ્યવસાયિક કામોની ગોઠવણ કેવી રીતે કરવી જેવી બાબતો અનુભવ ભૂલો કરીને માતાપિતા મેળવી રહ્યા હોય છે.
આ સમયમાં પહેલા બાળકની જવાબદારી ઘણીવાર તેમને એકજાતનું દબાણ આપે છે. ક્યારેક માતા તેની મમ્મી અથવા સાસુને પોતાના ઘરે રહેવા બોલાવી લેતી હોય છે. પતિ-પત્ની વચ્ચે જવાબદારીઓને લઈને મીઠા ઝઘડા પણ ચાલુ થઈ જતા હોય છે. માતાને ઘણીવાર લાગે કે બધુ મારે એકલીએ જ શા માટે સહન કરવું? થોડો ભોગ અને થોડું જતું કરવાની ભાવના તેમણે પણ પિતા બન્યા તો રાખવી જોઈએ. આ બધા અનુભવોની સફર જ તેમને માતાપિતાની જવાબદારીઓના વિશે ઘડે છે. અમારો બાળરોગના ડોકટરોનો અનુભવ કહે છે કે પહેલા બાળકમાં માતા નાની તકલીફોમાં પણ તરત જ ડોકટરોનો સંપર્ક કરે છે. બીજા બાળક વખતે તે ઘડાઈ ચુકી હોય છે. આવું તો થાય જ અને એવી જ રીતે બાળકો મોટા થાય તે સમજણ તેને બીજા વખતે આવી ગઈ હોય છે. અમુક સામાન્ય પ્રશ્નોમાં તે ડોક્ટરને પૂછવું કે કોઈની સલાહ લેવી તેમાં એક-બે દિવસની રાહ જોવાનું ઉચિત માને છે તેમાં પરિસ્થિતિ તેની મેતે થાળે પડી જાય છે. પતિ પણ બાળકોની જવાબદારી સમજે છે અને બાળકોના કામ સાથે દિનચર્યા કેમ ગોઠવાય તે આવડી ગયું હોય છે. પતિપત્નીનું એકબીજા માટે જતું કરવાની ભાવના પણ બીજા બાળકના જન્મ સુધી પુખ્ત થઈ હોય છે. અમુક કુટુંબમાં બીજા બાળક સુધી પતિપત્નીની આર્થિક પરિસ્થિતિ પણ ઘણી સુધરી હોય છે. આ બધો ફાયદો બીજા બાળકને થાય છે. આ વસ્તુ દરેક માતાપિતા સમજે તો પહેલા બાળક પ્રત્યે અણગમો રહેશે નહીં.
લેખકkrutika
on December 26, 2018 at 6:44 am -
Very good article
લેખકDr. Ashish Chokshi
on December 29, 2018 at 7:55 am -
thanks