મુલાકાતી નંબર: 430,120

Ebook
બાળકોનો શ્વાસ, વિશ્વાસ અને સ્નેહનો સરવાળો એટલે પિતા

બાળકોના ઉછેરમાં માતાનું પ્રદાન અને મહત્વ વિશે તો ઘણું લખાયું છે અને વંચાયું છે પણ બાળઉછેરમાં પિતા શું કરી શકે છે? તે ખાસ લખાયું નથી. મારૂ નવું પુસ્તક બાળઉછેરમાં પિતાના મહત્વ વિશે માર્ગદર્શન આપે છે. 

20180801_22010820180801_220201

પુસ્તકનું એક પ્રકરણ ( પ્રકરણ છ ) ‘હું અપંગ છું’ તે ભૂલી ગયો હતો (બાળકની શારીરિક તકલીફોથી ડરશો નહીં) ૮ એપ્રિલ, ૨૦૧૩. સ્થળ અમેરિકાનું હોપકિનટોન – બોસ્ટન સિટી. અહીં દર એપ્રિલમાં યોજાતી મેરેથોન દોડની શરૂઆતમાં જ એક પિતા જેમનું નામ ડિક હોયત હતું અને પુત્ર જેનું નામ રિક હોયત હતું તેમનું બ્રોન્ઝ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું. આપણને એમ થાય કે આ પિતા – પુત્રમાં એવું તો શું હશે કે ૪૦ કી.મી ની આ મેરેથોન રેસ શરૂ થાય તે પહેલા જ તેમને આ સન્માન મળ્યું. આ પિતા – પુત્રની જોડી દુનિયાભરના વિકલાંગ બાળકોના માતાપિતા માટે ઉદાહરણરૂપ અને આત્મવિશ્વાસ જગાડનાર જોડી છે. આ જોડી ‘ટીમ હોયત’ તરીકે ઓળખાય છે. ૫૧ વર્ષનો પુત્ર રિક દિવ્યાંગ હતો અને ૭૩ વર્ષના તેના પિતા ડિક તેને લઈને ૩૧ મી વખત આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા હતા. ૧૯૪૦માં જન્મેલા મી. ડિક હોયતના લગ્ન જુડી સાથે થયા હતા. ૧૦ જાન્યુઆરી ૧૯૬૨માં તેઓ રિક નામનાં પુત્રના માતાપિતા બન્યા. રિકને જન્મ વખતે તેના ગળાની આજુબાજુ નાળ વીંટળાઈ હોવાથી મગજમાં ઓક્સિજન પહોંચી શક્યું ન હતું. આથી ‘સેરેબ્રલ પાલ્સી’ નામની તકલીફ સર્જાઈ જેમાં મગજનો વિકાસ અટકી જાય. આ તકલીફ સાથે ‘સ્પાસટીક ક્વોડ્રીપ્લેજિયા’ નામની પણ તકલીફ હતી જેમાં તેના બંને હાથ અને પગ નિષ્ક્રિય હોય. બે વર્ષના રિકને માટે ડોકટરે ‘વેજીટેટીવ’ સ્થિતિ અર્થાત તે જીવનભર અપંગ અને નિષ્ક્રિય રહેશે તેમ કહ્યું. ડિક અને જુડીએ જોયું કે રિકનું ભલે શરીરનું એક પણ અંગ કામ નથી કરતું પણ તે આંખો ચકળ વકળ ફેરવે છે. માતા જુડીએ ચાર વર્ષના રિકને રેતીમાં બેસાડી અલગ પદ્ધતિથી એ, બી, સી, ડી શીખવવાનું શરૂ કર્યું. છ માસના પ્રયત્નોના અંતે એક સમયે ‘વેજીટેટીવ’ જાહેર થયેલા બાળકમાં તે એ, બી, સી, ડી શીખવવામાં સફળ થઈ. તેને લાગ્યું ભલે રિકની શારીરિક ક્ષમતા નબળી છે પણ માનસિક ક્ષમતા વિશેષ છે. ઘરમાં પણ તેમણે એવું વાતાવરણ ઉભું કર્યું હતું કે દરેક વસ્તુની નિશાની નક્કી કરી હતી. રિક તેની દરેક જરૂરિયાત નિશાની બતાવી સમજાવતો. રિકને અનુકુળ ઘરનો જીવંત માહોલ જ તેનું પ્રેરણાબળ હતું. છેવટે ૧૯૭૩માં રીકને શાળામાં મુકવામાં આવ્યો. રિક તેના સ્પેશ્યલ કોર્સમાં આગળ વધતો હતો. ૧૯૯૩માં તે બોસ્ટન યુનિવર્સીટીથી સ્નાતક થયો. તેના આગળના ભણતર સાથે તેના માતાપિતા તેની જરૂરિયાત પ્રમાણેના અલગ અલગ સાધનો જાતે જ વિકસાવતા. ૧૯૭૭ માં એક ઘટના બની જેને લીધે ડિક અને જુડીના જીવનમાં કલ્પના ન કરી હોય તેવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. રિકે તેના પિતા ડિકને વાત કરી કે, ‘સ્કુલમાં એક લકવાગ્રસ્ત પ્લયેર છે તેના માટે ફંડ ભેગું થાય તે આશયથી તમે દોડ હરિફાઈમાં ભાગ લેશો?’ ૩૭ વર્ષના ડિકને દોડવાનો ખાસ અનુભવ ન હતો પણ પુત્રનું મન રાખવા તેમણે હા પાડી અને તેઓ એ સ્પર્ધામાં રિકને ઉચકીને દોડ્યા પણ ખરા. આખી સ્કુલના બાળકો અને શિક્ષકો જ્યારે ડિક તેના દિવ્યાંગ પુત્ર રિકને લઈને દોડી રહ્યા હતા ત્યારે તાળીઓ – બુમો પાડી તેમનો ઉત્સાહ વધારી રહ્યા હતા. એ દિવસે રિકે તેના પિતાને કહ્યું, ‘જ્યારે તમે મને ઉચકીને દોડી રહ્યા હતા તે સમય માટે હું ભૂલી જ ગયો હતો કે હું અપંગ છું.’ આ એક વાક્યે ડિકના મગજમાં ધમસાણ મચાવી દીધું. બીજા દિવસથી એક અલગ જ મનોબળવાળા પિતાનો જન્મ થયો. આ પિતાએ તેમના પુત્રને દરેક ક્ષણે અહેસાસ કરાવવો હતો કે તેને કોઈ તકલીફ નથી. હવે તેમના જીવનને એક ચોક્કસ ધ્યેય સાથે દિશા મળી ગઈ હતી. પિતા ડિકને સમજાયું કે કોઈ પણ પ્રકારની અસમર્થતા એ જીવનનો અંત નથી તેની સાથે પણ જીવનને સુંદર બનાવી શકાય છે અને જીવન જીવી શકાય છે. પિતા ડિક જ્યાં પણ દોડ હરીફાઈ થાય ત્યાં પુત્ર રિકને લઈને પહોંચી જતા. અને તેને ઉચકીને દોડતા. ધીરે ધીરે તેમણે સાયકલ અને સ્વિમિંગ હરિફાઈઓમાં પણ રિકને લઈને ભાગ લેવાનું શરૂ કર્યું. તેમણે ‘ટ્રાયલીથોન’ સ્પર્ધા જેમાં સાયકલ, સ્વિમિંગ અને દોડવું એમ ત્રણ તબક્કા હોય છે તેમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. સાયકલમાં રિકને સાથે રાખી સાયકલ ચલાવી શકાય તે માટે તેમણે એક ખાસ પ્રકારનું ‘સાઈડ બોક્સ’ બનાવ્યું. રિકની ઉંમર સાથે વજન પણ વધતું જતું હતું આથી પિતા ડિક પોતાની સાયકલની બંને બાજુ સિમેન્ટની થેલી બાંધી સાયકલ ચલાવવાની પ્રેક્ટીસ ચાલુ રાખતા જેથી રિકના વધુ વજન સાથે પણ સ્પર્ધા હોય ત્યારે તેમને મુશ્કેલી ન પડે. પોતાની વધતી વય સાથે પોતે શારીરિક રીતે ફીટ રહે તેનું પણ મી. ડિક ખાસ ધ્યાન રાખતા. સ્વિમિંગ માટે તેમણે ખાસ પ્રકારનું ટબ બનાવ્યું જેમાં રિક આરામથી સૂતેલો રહે અને ટબ સાથે બાંધેલું દોરડું તેઓ પોતાના શરીરના કોઈ પણ ભાગ સાથે બાંધી સ્વિમિંગ કરતા. રિકને વ્હીલચેરમાં લઈને દોડતી વખતે પણ અકસ્માત ન થાય તેવી સગવડો તેમણે વ્હીલચેરમાં કરી હતી. આ સ્પર્ધામાં અન્ય સ્પર્ધકોને નડતરરૂપ ન થવાય માટે રોડની એક સાઈડમાં જ તેઓ દોડતા. તેમને જોવા હજારો લોકો ભેગા થતા. ૨૦૧૬ સુધીમાં પિતા – પુત્રે લગભગ ૧૧૩૦ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો. બે, ત્રણ, પાંચ, આંઠ, દસ અને વીસ કી.મી દોડવાની લગભગ ૯૦૦ જેટલી સ્પર્ધાઓ, ૩૨ જેટલી મેરેથોન દોડ, સાત જેટલી આર્યનમેન ટ્રાયથોલોન સ્પર્ધામાં ભાગ લીધો. તેમનું ઘર ૨૦૦૦ જેટલા મેડલો અને વિવિધ ટ્રોફીઓથી ભરાઈ ગયું હતું. અમેરિકાના લગભગ ૬૦૦૦ કી.મી ( ૩૭૦૦ માઈલ ) જેટલું અંતર ૪૫ દિવસમાં બાઈક પર પિતા – પુત્રએ પુરૂ કર્યું. ૧૯૯૩માં બોસ્ટન યુનિવર્સીટીથી સ્નાતક થયા બાદ રિક બોસ્ટન કોલેજની કોમ્પ્યુટર લેબમાં જોડાયો. દિવ્યાંગ બાળકો માટે સંપર્કના સાધનો બનાવવા અને કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરાય તેના રિસર્ચમાં તે જોડાયો. પિતા – અને પુત્રની જોડી ‘ટીમ હોયત’ તરીકે ઓળખાતી. ઘણા વર્તમાન પત્રો અને સામાયિકોમાં તેમના ઈન્ટરવ્યું છપાયા. ઘણી કોલેજો અને સામાજિક સંસ્થામાં તેમણે ‘મોટીવેશનલ સ્પીચ’ આપી. પિતા ડિકે પુત્રને જીવનની જીવંતતા મળે સાથે સમાજ ઉપયોગી થવાય એવો સતત અભિગમ રાખ્યો. ઘણી બધી સંસ્થાને ફંડ ભગુ કરી આપ્યું. વાહનો બનાવતી કંપનીને દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવાય તેવા વાહનો બનાવવામાં સૂચન કર્યા. પિતા ડિક હોયત અને માતા જુડી હોયતે સાબિત કર્યું કે, ‘ઘરમાં જો કોઈ દિવ્યાંગ બાળક હોય અને તેની સાથે માતા – પિતાનો વ્યવહાર પોઝીટીવ હોય સાથે સામાજિક મદદની ભાવના જોડાય તો કોઈ દૈવીશક્તિ માતાપિતાની મદદે આવે છે જે તે માતાપિતાના જીવનમાં તો ઉજાસ લાવે જ છે સાથે સમાજને પણ એક નવી દિશા બતાવે છે.’ હવે આ વાતની શરૂઆત પર ફરીથી આવીએ. ૮ એપ્રિલ ૨૦૧૩માં શરૂ થયેલ મેરેથોન સ્પર્ધામાં પિતા – પુત્રની જોડી સ્પર્ધા પૂરી કરે તે આડે થોડું જ અંતર બાકી હતું ને બોંબ બ્લાસ્ટ થયો. પિતા – પુત્ર છુટા પડી ગયા. તેમને કોઈ ઈજા ન પહોંચી પણ તેઓ સ્પર્ધાની અંતિમ લાઈન પર પહોંચી શક્યા ન હતા. આ સ્પર્ધા અગાઉ તેઓ જાહેર કરી ચુક્યા હતા કે તેઓ હવે દોડવામાં નિવૃત્તિ લેશે. બ્રોન્ઝ મેડલ સ્વીકારી ચુકેલા પિતા ડિકને તેઓ સ્પર્ધા પૂરી કરી શક્યા નહીં તે વાત ખટકી હશે. બીજા વર્ષે ૨૧ એપ્રિલ ૨૦૧૪ ની મેરેથોન સ્પર્ધમાં તેઓએ નિયત અંતર પુરૂ કરી સંતોષ માન્યો. મી. ડિકે પોતાની એક મોટીવેશનલ સ્પીચમાં જીવન પ્રત્યેનો પોતાનો દ્રષ્ટિકોણ અને અભિગમ રજુ કર્યો હતો તે જોઈએ. ‘મારા બાળકને લીધે જ મારામાં રહેલી વિશેષ શક્તિઓ બહાર આવી. હું મારા દીકરાના હાથ અને પગ બની શક્યો અને તેના કામો પુરા કરી શક્યો તે ક્ષમતા પ્રભુએ મને આપી તે માટે તેનો હું આભારી છું. હું ઘણા મારા કામો કરી શકતો ન હતો પણ તેને માટે કોઈ અઘરૂ કામ ઉપાડતો તો મારામાં જાણે કોઈ દૈવી શક્તિનો સંચાર થતો અને હું તેનું કામ પૂર્ણ કરી શકતો. તેની આંખો અમને અનુસરી શકતી હતી તે અમારૂ પ્રેરણાબળ હતું. ખરેખર તો તેની સાથે દોડતી વખતે કે તરતી વખતે જ મારી જિંદગી દોડતી હતી.’ જીવનને આટલું હકારત્મક રીતે લેનાર પિતા અને માતાને સલામ. કહે છે ને માતા બાળકને જન્મ આપે છે અને પિતા બાળકને જીવન કેવી રીતે જીવાય ક્યાં અને કેવી રીતે ડગ માંડવા તે શીખવે છે.’ પુસ્તકનું પ્રાપ્તિ સ્થાન : (૧) ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧, ફોન : ૦૭૯ - ૨૨૧૪૪૬૬૩.                                (૨) ગુર્જર સાહિત્ય પ્રકાશન, ૧૦૨ - લેન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હોલની સામે, પ્રહલ્લાદ નગર, અમદાવાદ, ૩૮૦૦૧૫,                                ફોન : ૦૭૯ - ૨૬૯૩૪૩૪૦, ૯૮૨૫૨૬૮૭૫૯.                                                                                                                (૩) કલરવ બાળકોની હોસ્પિટલ, મેમનગર કોમ્પ્લેક્ષ, IOC પેટ્રોલ પંપ સામે, મેમનગર, અમદાવાદ, ૩૮૦૦૫૨,                                      ફોન : ૦૭૯ - ૨૭૪૩૭૨૯૩, ૨૭૪૯૬૧૬૧, ૨૭૪૧૭૧૯૨. લેખકના અન્ય પુસ્તકો : જીવન, પ્રેમ અને પોઝીટીવીટી (બંને ભાગ) તેમજ સ્તનપાન (બંને ભાગ) પુસ્તકો drashishchokshi.com પરથી ફ્રી ડાઉનલોડ કરી શકાશે. 1-1 E-Book_Cover1E-Book_Coverebook coverbreastfeeding 1breastfeeding 2

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો