મુલાકાતી નંબર: 430,125

Ebook
બાળક માટે કેવી શાળા પસંદ કરવી જોઈએ?
બાળક માટે કેવી શાળા પસંદ કરવી?
 • નવેમ્બર – ડીસેમ્બર માસ આવે એટલે ત્રણ વર્ષના બાળકોના માતાપિતા તેમના સંતાનો માટે સારી શાળા શોધવામાં લાગી જતા હોય છે. દરેક માતાપિતાનું સ્વપ્ન પોતાનું બાળક સારી શાળામાં પ્રવેશી પોતાની કારકિર્દી બનાવે તેવું હોય જ. આ સાથે તેમના મનમાં મૂંઝવણ પણ ચાલતી હોય કે કઈ શાળામાં પ્રવેશ મેળવવો. શાળાની પસંદગી બાબતે વર્ષોથી માતાપિતાના સંપર્કમાં રહેવાથી હું થોડા મંતવ્યો રજુ કરું છું જે ચોક્કસ માતાપિતાને મદદરૂપ થઈ શકશે. સૌ પ્રથમ તો શાળા ઘરની નજીક હોવી જોઈએ. મોટું નામ ધરાવતી શાળા ખુબ દુર હોય તો શરૂઆતમાં કોઈ તકલીફ નથી પડતી પણ ચોથા ધોરણ બાદ સ્કુલ દુર હોવાને કારણે બાળકના ઊંઘવાના અને રમવાના કલાકો પર ચોક્કસપણે અસર પડે છે. માતાપિતાએ ધ્યાનમાં રાખવા જેવી બીજી વસ્તુ એ છે કે શાળા ભલે અંગ્રેજી માધ્યમની હોય પણ બાળકને માતૃભાષા શીખવી શકશે કે નહીં તે ખાસ જોવું. ‘બાળક ગમે તેટલી મોટી ડીગ્રી મેળવે પણ માતૃભાષાનું જ્ઞાન ન મેળવે તો તેનું ભણતર અધૂરું ગણાય’ તેવું મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું. બાળકમાં દેશ, સંસ્કૃતિ, વારસો, ઇતિહાસ અને તહેવારોનું જ્ઞાન તેમજ સંસ્કારોનું સિંચન માતૃભાષામાં સરળતાથી કરી શકાય. ખુલ્લું મેદાન અને સારું પુસ્તકાલય શાળાના આભુષણ ગણી શકાય. બાળકમાં રમતગમતના વિકાસ દ્વારા તેના આંતરિક કૌશલ્યોનો વિકાસ થાય છે. બાળકમાં શ્રમ, શિસ્ત અને સામાજિક મૂલ્યોનો વિકાસ શાળાના ખુલ્લા મેદાનમાં જ થતો હોય છે. બાળકમાં નૈતિક અને રાષ્ટ્રીય મૂલ્યોનું ઘડતર શાળાના સારા પુસ્તકાલય દ્વારા થાય છે. બાળકનું  પ્રાથમિક શિક્ષણ કુદરતી, ખુલ્લા વાતાવરણમાં પક્ષી, ઝાડ અને ફૂલોની વચ્ચે થવું જોઈએ તેવું રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું. શાળામાં તહેવારોની ઉજવણી, પ્રવાસ કાર્યક્રમો તેમજ વેશભૂષાના કાર્યક્રમો વર્ષ દરમ્યાન કેવી રીતે અને કેટલી વાર થાય છે તે તપાસ કરી શકાય. શાળાની પાણી પીવાની જગ્યા અને સૌચાલય, શાળામાં ચોખ્ખાઈના મુલ્યોનું જતન કેવી રીતે થાય છે તે બતાવશે. સારી શાળા બાળકને લખવા-વાંચવા કરતા બતાવવા પર વધુ ધ્યાન આપે છે. શાળામાં શાળાના સ્ટાફે હંમેશા વ્યસનથી દુર રહેવું જોઈએ. પોષણક્ષમ નાસ્તાની ટેવ, ટ્રાફિકના નિયમો પાળવાની ટેવ તેમજ વાંચનની ટેવો બાળકમાં શાળા મારફતે હસતા-રમતા પડી શકે છે. માતાપિતાએ સમજવાનું છે કે શાળામાં મુકીને પોતાના બાળકને મેમરી મશીન નહીં પણ માનવતાની મહેંક ધરાવતો માનવી બનાવવાનો છે. શાળાએ સમજવાનું છે કે બાળકમાં શિક્ષા અને શિસ્તનો અતિરેક ના થવો જોઈએ. આદર્શ શાળા માતાપિતાને તેમના બાળક વિશે ફરિયાદ નથી કરતી પણ પોતાના નિરીક્ષણ વિશે માહિતગાર કરે છે. શાળાના શિક્ષકો અને સંચાલકો સાથે માતાપિતા મોકળાશથી મળી શકે તો બાળકની અડધી સમસ્યા દુર થઈ જાય. ઊંચી ફી ધરાવતી શાળા બાળકને સારું શિક્ષણ અને સારી સગવડો આપશે તેવું હંમેશા નથી હોતું. રજાના દિવસે પણ બાળકને શાળાએ જવાનું મન થાય તે શાળાની સફળતા ગણી શકાય.
(દિવ્ય ભાસ્કર - મધુરિમા - પેરેન્ટિંગ - ૦૧/૦૧/૨૦૧૯) WhatsApp Image 2019-01-04 at 15.13.32

4 ટિપ્પણીઓ

 1. લેખકFalak

  on January 4, 2019 at 3:55 pm - Reply

  Sir, it seems like you are describing some dream island as a school in your article as nowadays schools are in the Business to be no.1.
  Hope this will change soon before it’s too late.

  • લેખકDr. Ashish Chokshi

   on January 4, 2019 at 6:20 pm - Reply

   Dr. Ashish Chokshi

   ફલકભાઈ, તમારી વાત સાચી છે. લેખમાં જણાવેલી બધી જ વસ્તુઓ કોઈ સ્કુલમાં હોય તે શક્ય નથી. પણ ઉપરનાંમાંથી ૭૦% જેટલી વસ્તુઓ જે સ્કુલમાં જોવા મળે તો પણ તે સ્કુલ આદર્શ સ્કુલ ગણાય.

 2. લેખકBHARGAVKUMAR MIYATRA

  on May 2, 2020 at 11:23 am - Reply

  ખરેખર, શાળાનું નિર્માણ બાળ ઘડતરનું નિર્માણ છે, આજ ના યુગ પ્રમાણે બાળક અને માતા પિતા ટેકનોલોજી સાથે સતત જોડાયેલા છે પણ તેની સાથે માનવ મૂલ્યો ઘટતા ગયા છે. પરંતુ આપના આ વિચાર ને વધુ શિક્ષણ જગત સાથે ફેલાવી નવ નિર્માણ માં સહભાગી બનીશું. યોગ્ય પ્રયત્ન કરીશું.
  જય હિન્દ 🇮🇳 જય ભારત

  • લેખકDr. Ashish Chokshi

   on May 2, 2020 at 10:42 pm - Reply

   Dr. Ashish Chokshi

   આભાર ભાર્ગવભાઈ. આભાર. જયહિંદ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો