મુલાકાતી નંબર: 430,029

Ebook
૯૦ માર્ક્સને ૯૯ માર્ક્સમાં કેવી રીતે ફેરવવા?
૯૦ માર્ક્સને ૯૯ માર્ક્સમાં ફેરવીએ efc97037d46b8e9ac20d21b4a5dab212_l   દસમાં અને બારમાં ધોરણમાં બાળક આવે એટલે શિક્ષકો દ્વારા અને માતાપિતા દ્વારા તેમના પર સલાહનો દોર ચાલુ થઈ જાય. આમ તૈયારી કરવી, આવું ધ્યાન રાખવું, આ કરવું અને આ ના કરવું વગેરે. ઊંઘ પૂરી કરવી, પ્રવાહી વધુ લેવું, પ્રોટીનયુક્ત આહાર વધુ લેવો તેમજ જંકફૂડ ટાળવું જેવા મુદ્દાની વાત અગાઉ આ કોલમમાં થયેલ છે. વિવિધ શાખાના ઘણા સફળ બાળકોને મળ્યા પછી તેમના પાસેથી જે ખાસિયતો જાણવા મળી કે જેનાથી તેઓ તેમના ૯૦ માર્ક્સ આવે એમ હોય તેને પુરા માર્ક્સ નજીક કેવી રીતે લઈ જઈ શક્યા તે વાત આજે કરીશું.  કપાયેલા માર્ક્સનો ચોપડો : નાનીમોટી વિવિધ પરીક્ષાઓમાં જે વસ્તુઓ ના આવડી હોય અને જ્યાં માર્ક્સ કપાયા હોય તે જ પ્રશ્નો અને દાખલાઓનો અલગ ચોપડો બનાવવો. આમ કરવાથી પોતાની નબળાઈઓ અને ભૂલો સતત નજર સમક્ષ રહે છે. તેનું વાંરવાર પુનરાવર્તન કરવાથી તે જ વસ્તુમાં ભૂલ ફરી થતી નથી. ઘણીવાર આખા પ્રકરણનું વાંરવાર પુનરાવર્તન કરવાની જરૂર નથી હોતી. માત્ર ભૂલોને જ જોઈ લેવાથી કોઈ એક જ પ્રકરણમાં એક જ વસ્તુની ફરીને ફરી ભૂલ થતી બચાવી શકાય છે. * લાંબા પ્રશ્નની શરૂઆતમાં શું લખવા માંગો છો તે મુદ્દા : ત્રણ માર્ક્સ કે તેનાથી વધુ લાંબા પ્રશ્નના જવાબ લખતી વખતે શરૂઆતમાં જ તમે શું લખવા માંગો છો તે ત્રણ કે ચાર મુદ્દાને શરૂઆતમાં લખો. આમ કરવાથી તમારે શું લખવાનું છે તે હંમેશા નજર સમક્ષ રહેશે. પરીક્ષાના આગલા દિવસે ઝડપી રિવિઝન કરી શકાશે. પેપર તપાસનારને સરસ છાપ પાડી શકાશે કે વિધાર્થીને આ પ્રશ્નના જવાબમાં બધું જ આવડે છે. નિબંધ લખતી વખતે : નિબંધ ચાર કે પાંચ ફકરામાં લખવો. પહેલો ફકરો વિષય વિશે સામાન્ય માહતી. બીજા ફકરામાં શક્ય હોય તો વિષય સાથે સાલ, ટકાવારી જેવી આંકડાકીય માહિતી. ત્રીજા ફકરામાં તે વિષયના ફાયદા તેમજ ગેરફાયદા. દા.ત ઉનાળો હોય તો તેના ફાયદા અને તેનાથી થતી તકલીફો. ચોથા ફકરામાં તે વિષય પર વિવિધ લેખકો, વૈજ્ઞાનિકો કે મહાપુરુષોના મંતવ્યો અને વિધાનો. છેલ્લો અને અંતિમ ફકરો તમારું પોતાનું એ વિષય માટેનું મંતવ્ય અને એ વિષયથી માનવજાત અને સમાજને થતા ફાયદા. જેમકે ઉનાળા વિશે તમારું મંતવ્ય અને ઉનાળાને લીધે માનવજાતને થતા લાભ. કોઈ પણ વિષય માનવજાતને શું ફાયદો કરે છે તે રજૂઆત દરેક પરીક્ષકને ગમશે.પરીક્ષકની નજર માર્ક્સ મૂકતા પહેલા અંતિમ ફકરા પર ખાસ પડતી હોય છે.  કોઈ એક પ્રકરણમાં ત્રણ ચાર પ્રશ્નોના જવાબ નાં આવડે ત્યારે : કોઈ એક પ્રકરણમાં ત્રણ ચાર પ્રશ્નોના જવાબ ના આવડે તો તે પ્રકરણ છોડીને કે નહીં જ આવડે તેમ નાસીપાસ થવાની જરૂર નથી. તે પ્રકરણમાં આવતા અગત્યના મુદ્દાઓનું એક કોમન પાનું તૈયાર કરો. આ પાનાંમાં એ પ્રકરણમાં આવતા બધાજ અગત્યના મુદ્દા આવી જાય તે રીતે તે પાનું તૈયાર કરજો. હવે એ પ્રકરણમાંથી કોઈ પણ પ્રશ્ન પુછાય તો તમે તેયાર કરેલું કોમન પાનું (કોમન જવાબ) લખી નાખવો. સાવ છોડ્યા કરતા કોમન જવાબ લખવો સારો. ભલે તે જવાબમાં પૂછાયેલા પ્રશ્ન કરતા થોડા અલગ અને ના સંકળાયેલા મુદ્દા પણ આવતા હોય છતાં પરીક્ષકને તો લાગશે જ કે તમે આ પ્રકરણ પણ તૈયાર કરેલું જ છે. જે તે પ્રશ્નના ભલે પુરા માર્ક્સ ન મળે પણ સાવ ન લખવો તેના કરતા સારું.  લાંબા સમીકરણો અને મુદ્દાઓ નાના મોટા સુત્રો બનાવી સ્ટડીરૂમમાં સોફ્ટબોર્ડ પર લગાવી રાખવા : અમુક અઘરા નામો, સમીકરણો કે સાલ યાદ રાખવા માટે નાના મોટા સુત્રો બનાવી વાંરવાર આંખ સામે આવે તે રીતે સ્ટડીરૂમમાં કે ઘરમાં કોઈ એવી જગ્યાએ ચોટાડી રાખવા કે વાંરવાર આંખની સમક્ષ આવે. પછી તે યાદ રહી જશે.  જેમ કે એક પ્રશ્ન : કઈ પૌરાણિક ઇમારતોને કારણે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો? આ પ્રશ્નના જવાબને યાદ રાખવા માટે એક સૂત્ર. (ભજાજા હઝુ સત્રકા ) ભ = ભદ્રનો કિલ્લો અને ભદ્રકાળી મંદિર, જા = જાળી સીદી સૈયદની, જા = જામા મસ્જીદ, હ = હઠીસિંગના દેરા, ઝૂ = ઝુલતા મિનારા, સ = સરખેજનો રોજો, ત્ર = ત્રણ દરવાજા, કા = કાંકરિયા તળાવ. ભલે સુત્રનો કોઈ અર્થ નથી નીકળતો પણ અમદાવાદના નવ વિશ્વવિખ્યાત સ્મારકો યાદ રહી જાય છે.  જવાબમાંથી ભૂલો શોધવી : એક કોચિંગ ક્લાસે તેના વિધાર્થીઓને મહિના પહેલા બે પેપર અને તેના જવાબ લખેલી પુરવણી આપી હતી. બંને સંભવિત પ્રશ્નપત્રોના  સુંદર રીતે લખેલા જવાબ સાથે  પુરવણી આપવામાં આવી. આ આન્સરશીટની ખાસિયત એ હતી કે તેમાં ૯૯/૧૦૦ માંથી માર્ક્સ આપવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ તેમને આપવામાં આવેલી આન્સરશીટમાં એક માર્ક ક્યાં કપાયો તે શોધવાનું હતું. એક માર્ક્સ ક્યાં કપાયો તે શોધવા માટે વિધાર્થીઓએ જવાબો ખુબ ઝીણવટપૂર્વક વાંચવા પડે. દરેક જવાબમાં કોઈ મુદ્દો રહી નથી જતો ને? તે જોવા પુસ્તક અને જવાબનું રિવિઝન ફરી કરવું પડે. ધારોકે આખું પેપર જોવાઈ જાય છતાં એક માર્ક્સ ક્યાં કપાયો તે મળે નહીં તો જવાબી પુરવણી વાંરવાર વધુ ઝીણવટપૂર્વક વાંચવી પડે. આમ કરવામાં અગત્યના પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય તે વાંચવાની પ્રેક્ટીસ વિધાર્થીઓને થઈ જાય. કોઈ જવાબમાંથી પ્રશ્નો ઉભા કરવા : કોઈ એક જવાબને અલગ અલગથી કેવી રીતે પૂછી શકાય તેવા સંભવિત પ્રશ્નો લખવાનું વિધાર્થીને કહેવું. પ્રશ્નો ઉભા કરતી વખતે હકીકતમાં તો જવાબનું જ રિવિઝન થતું હોય છે. ઘડિયા કરવાની પદ્ધતિ : ૧૧ થી ૨૦ સુધીના ઘડિયા મોટાભાગના વિધાર્થીઓને કંઠસ્થ હોય છે. સાથે જે તે જવાબ ક્યા ઘડિયામાં આવે તે પ્રેક્ટીસ કરવી જોઈએ. જેમકે ૧૨૬ વાંચતા જ ૧૪ ના ઘડિયામાં તે આવે છે અને ૧૪ * ૯ =૧૨૬.  ૧૩૩ વાંચતા જ તે ૧૯ ના ઘડિયામાં આવે છે અને ૧૯ * ૭ = ૧૩૩ તેવું સ્મરણ થવું. ઉભા સાથે આડા ઘડિયા બોલવાની પણ ટેવ રાખવી. જેમકે ૧૧ * ૨, ૧૨ * ૨, ...... ૨૫ * ૨ તે રીતે. આમ કરવાથી પેપરમાં આંકડો જોતા જ મગજમાં ઝબકારો થશે કે આ આંકડો આ ટેબલમાં આવે છે અને ખુબ આત્મવિશ્વાસ સાથે પેપર લખી શકાશે. પુરૂ ૧૦૦ માર્ક્સનું પેપર લખવું જ : વિધાર્થીઓ યાદ રાખજો કે ૯૦ માર્ક્સવાળા અને  ૯૯ માર્ક્સવાળા વિધાર્થીઓના જ્ઞાનમાં ખાસ ફર્ક નથી હોતો પણ તેઓ આન્સરશીટરમાં તપાસનારને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેમાં ૯૦ માર્ક્સ ઉપરના માર્ક લાવવાવાળામાં ફર્ક પડે છે. વિધાર્થી મિત્રો ઉપરની અમુક પદ્ધતિઓ ચોક્કસપણે તમને વધુમાં વધુ માર્ક્સ લાવવામાં મદદ કરશે. છતાં દરેક વિધાર્થીની ભણવાની, સમજવાની અને યાદ રાખવાની પોતાની આગવી પદ્ધતિ હોય છે તેને ખાસ વળગી રહેવું. (ડો.આશિષ ચોક્સી - દિવ્યભાસ્કર - મધુરિમા - ૨૨/૦૧/૨૦૧૮)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો