મુલાકાતી નંબર: 430,024

Ebook
જોડિયા સંતાનો અને બ્રેસ્ટફીડીંગ

જોડિયા શિશુને બે પ્રકારમાં વહેંચી શકાય.

  1. એક જ ફલીતાંડમાંથી ઉદભવેલા ( monozygotic )

    અહીં બન્ને બાળકો સમાન બાહ્ય દેખાવ અને એક જ જાતિનાં હોય છે. દા.ત. બન્ને પુરુષ કે બન્ને સ્ત્રી.

  2. બે ફલીતાંડમાંથી ઉદભવેલા ( dizygotic )

    અહીં બન્ને બાળકો બાહ્ય દેખાવમાં જુદા જુદા અને જાતિમાં સમાન કે અસમાન હોઈ શકે છે.

  3. જોડિયા બાળકોમાં પણ માતા બન્ને બાળકોને સંતોષકારક રીતે એકલું ધાવણ આપી શકે છે. આપણા સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જોડિયા બાળકો હોય તો માતાને આવતું ધાવણ ઓછુ પડે અને ઉપરથી આપવું જ પડે. જો માતા માનસિક રીતે તૈયાર હોય તો ૩૬ અઠવાડિયાની સગર્ભાવસ્થા બાદ જન્મેલા જોડિયા બાળકોમાં ફક્ત ધાવણથી બાળકોનો શારીરિક તેમજ માનસિક વિકાસ સંપૂર્ણ જોવા મળે છે. ખુબ વહેલા જન્મેલા ( preterm) તેમજ ઓછા વજન વાળા ( low birth weight ) જોડિયા બાળકોમાં શરૂઆતમાં ડોક્ટરની સલાહ મુજબ ઉપરથી દૂધ આપવું પડે. બન્ને બાળકોને માતા અલગ અલગ સમયે તો ધાવણ આપી જ શકે છે. એક સાથે પણ માતા બન્ને બાળકોને ધાવણ આપી શકે છે. અલગ અલગ સ્તન પર બન્ને બાળકો એક સાથે ધાવણ લેતા હોય અને બાળકોના માથા વિરુધ્ધ દિશામાં રહે તે રીતે બન્ને બાળકોને ધાવણ આપવાની પધ્ધતિને વિરુધ્ધ દિશાની પકડ ( cross over hold ) કહે છે. બન્ને બાળકોનાં માથા અને શરીર ધાવણ લેતી વખતે સમાંતર હોય તે રીતે પણ બન્ને બાળકોને એક સાથે ધાવણ આપી શકાય. આ પધ્ધાતેને સમાંતર પકડ ( parallel hold ) કહે છે. જોડિયા બાળકોની માતાને કુટુંબીજનોનો સાથ અને સહકાર ખુબ જ જોઈએ. માતાને આત્મવિશ્વાસ અપાવવામાં તેમજ એક બાળક ધાવણ લેતું હોય ત્યારે બીજા બાળકને સાચવવા માટે ઉપરાંત જ્યારે એક સાથે બન્ને બાળકોને ધાવણ આપવાનું હોય ત્યારે એક બાળક ધાવણ લેવાનું શરૂ કરે તેની દોઢ થી બે મિનિટમાં બીજા બાળકને માતાના બીજા સ્તન પર ગોઠવી આપવા માટે. જે જોડિયા બાળકો ઉપરનું દૂધ અને માતાનું ધાવણ એમ બન્ને લે તેનાં કરતા જે જોડિયા બાળકો ફક્ત માતાનું ધાવણ લે તેમને ચેપ લાગવાની શક્યતા ઓછી રહે છે. શરૂઆતનાં બે અઠવાડિયા માતાને થોડું અઘરું લાગે પરંતુ બે કે ત્રણ અઠવાડિયા બાદ બાળકો તેમજ માતા એક ચોક્કસ પધ્ધતિમાં સુંદર રીતે ગોઠવાઈ જતા હોય છે. બન્ને બાળકોને એક સાથે ધાવણ આપતા જો માતાને ફાવે તો સમય પણ બચે સાથે તેને થાક પણ ઓછો લાગે. બન્ને બાળકો ફક્ત ધાવણ લેતા હોય તે માતામાં સંતોષ અને હળવાશની લાગણી પણ વધુ જોવા મળે છે. માતા બન્ને બાળકોને બેસીને પણ ધાવણ આપી શકે છે તેમજ તે સુતા સુતા પણ ધાવણ આપી શકે છે. બે બાળકો ચૂસે તેનાથી બંનેને પૂરું થાય તેટલો ધાવણનો પુરવઠો માતામાં ઉત્પન્ન થાય જ આ એક કુદરતી ગોઠવણ છે. જોડિયા બાળકોમાં જે બાળકો વારાફરતી બોટલ તેમજ માતાનું ધાવણ લે છે તેઓમાં ચૂંક અને ગેસનું પ્રમાણ વધુ જોવા મળે છે. ફક્ત ધાવણ લેતા બાળકોમાં આ તકલીફ ઓછી જોવા મળે છે. વળી બાળકો બોટલનું દૂધ ક્યારેક ક્યારેક લે તેમાં બોટલો સારી રીતે સાફ કરવાની કડાકુટમાં સમય પણ વધુ જાય છે. એકને ધાવણ અપાતું હોય ત્યારે બીજાને માતાનું કાઢેલું ધાવણ અર્થાત Expressed breast milk આપવાની પધ્ધતિ પણ આવકાર્ય છે. કુટુંબીજનોએ જોડિયા બાળકોની માતાને ઓછું પડશે અને પહોંચી નહિ વળાય એવા નકારાત્મક શબ્દોની જગ્યાએ માતા ફક્ત ધાવણ આપતા શીખે તેવી ગોઠવણમાં તેને ગોઠવવા હકારાત્મક રીતે મદદ કરવી જોઈએ. ( દિવ્ય ભાસ્કર ૨૬/૧૧/૨૦૧૩ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો