Ebook
માતાનું જાતે કાઢેલું ધાવણ ( Expressed breast milk અથવા EBM )
 • સર્વિસ કરતી માતા માટે, કોઈ પણ કારણસર નવજાત શિશુ સઘન સારવાર વિભાગમાં માતાથી અલગ હોય ત્યારે તેમજ મુસાફરી વખતે માતા માટે પોતાનું જ કાઢેલું ધાવણ બાળકને આપવાની પધ્ધતિ આશીર્વાદરૂપ નીવડે છે.
 • રૂમના તાપમાને છ કલાક, ફ્રીઝમાં ૧૨ થી ૨૪ કલાક તથા ફ્રીઝરમાં થીજાવીને ૩ દિવસ સુધી EBM બગડતું નથી.
 • ફ્રીઝમાં રાખેલ EBM ને બહાર કાઢી બાળકને આપતા પહેલાં ગરમ કરવાનું હોતું નથી. આ દુધ બાળકને આપતા પહેલા ૧૫ થી ૨૦ મિનિટ રૂમના તાપમાને રાખી વાડકી ચમચીથી કુદરતી સ્વરૂપે બાળકને આપી શકાય. ૧૫ થી ૨૦ મિનિટમાં આ દૂધ રૂમના તાપમાન જેટલું ગરમ થઇ જાય છે. હવે તેમાં બીજું તાજું EBM ઉમેરી શકાય. બહુજ થીજી ગયેલા EBM પર સાદા પાણીની ધાર કરાય અથવા તેને ગરમ કપડા પર મૂકી ઓગાળી શકાય.
 • EBM ને બરાબર સ્ટોરેજ કરી વાપરવાથી તેના ૯૬% પોષકતત્વો મૂળ સ્વરૂપે જળવાઈ રહે છે.
 • ફીઝમાં રાખેલ EBM ને ડિફ્રોઝરની દિવાલ પાસે ના રાખવું અને એક વાર ઇલેક્ટ્રિક સપ્લાય ચાલી જાય પછી છ કલાકમાં જ વાપરી નાખવું.
 • ઠંડા EBM માં તાજું EBM ઉમેરી શકાય નહીં તેમજ EBM ને ચમચી અથવા ટ્યુબ દવારા બાળકને આપવું યોગ્ય છે. EBM ને બોટલ દવારા આપવું નહીં.
 • EBM ને ક્યારેય ગરમ કરવું નહીં. EBM ક્યારેય ફાટી જતું નથી. એક વાર ફ્રીઝની બહાર કાઢેલું EBM વાપરી નાખવું સારું. વારંવાર ફ્રીઝ અને રૂમના તાપમાને EBM ને અંદર બહાર કરવાથી તેમાં રહેલા પોષકતત્વો નાશ પામે છે.
 • એક માતાનું EBM બીજી માતાના બાળકને આપી શકાય.
 • EBM આપવાની માતાને પ્રબળ ઈચ્છા હોવી જરૂરી છે. શરૂઆતમાં દૂધ ક્યારેક આવે અને ક્યારેક ના પણ આવે. વારંવાર પ્રયત્ન કરવાથી બંને બાજુએથી ડ્રીપ અથવા સ્પ્રે ચોક્કસ આવશે.
 • EBM કાઢતા પહેલા માતાએ હાથ બરાબર ધોઈ લેવા.
 • EBM ત્રણ રીતે ભેગું થઇ શકે. (૧) હાથથી દબાવીને (manually) (૨) બાળકને ધાવણ આપતી વખતે બીજી બાજુએથી ઝરતું ધાવણ ભેગું કરીને (milk drip) (૩) બ્રેસ્ટ પંપથી.
 • સારૂ EBM મેળવવા પહેલા બાળકને છાતી સરસું રાખવું. રૂમમાં બાળકનો ફોટો રાખવો, હળવું સંગીત વગાડી શકાય. શાંત, એકાંત જગ્યાએ ધીરજથી સમય કાઢી પ્રયત્ન કરવો. EBM કાઢતા પહેલા સ્તન પર શેક અથવા હળવું માલિશ કરી શકાય. અંગુઠા અને પહેલી આંગળીથી પોતાની નીપલને ગોળ, ઉપર, નીચે, અંદર બહાર ફેરવવી. પછી સ્તનને બહાર છાતી તરફ દબાવી દૂધ મેળવી શકાય ( આમ કરવાથી ધાવણનું દૂધ વધારનાર લેટ ડાઉન રિફલેક્સ આવશે ). શરૂઆત કર્યા પછી માતાને બે-ત્રણ દિવસમાં ફાવી જતું હોય છે.
 • પ્લાસ્ટીકની શીશી અથવા પોલીથીન બેગમાં IgA તથા વિટામીન તત્વો નાશ પામે છે. સ્ટીલના વાસણ કે કાચના વાસણમાં પણ સેલ્યુલર કોષો છુટા પડી જાય છે. છતા પણ ઘરના સ્તરે માતા સ્ટીલ કે કાચના વાસણનો ઉપયોગ કરે તો ચાલે. ધ્યાન એટલું રાખવું કે ફ્રીઝમાંથી દુધને કાઢી ૨૦ મિનિટ રૂમના તાપમાને રાખી વાસણને બરાબર હલાવી પછી જ બાળકને EBM આપવું. બરાબર વાસણને હલાવવાથી વાસણની દિવાલ પર ચિપકી રહેલા કોષો EBM સાથે ભળી જશે.
 • માતા કુલ ૨૦ મિનિટથી ૨૫ મિનિટ પ્રયત્ન કરી શકે. દુધનો સ્પ્રે આવે તો સમજવું કે બ્રેસ્ટમાં હજુ દૂધ ઘણું છે. ટીપા આવે તો સમજવું કે બ્રેસ્ટ હવે ખાલી થઇ ગઈ છે. એ જ વાસણમાં બીજી બાજુનું દૂધ મેળવવાનું શરૂ કરી શકાય
 • EBM એક પ્રેક્ટીસ છે. શરૂઆતના ૨ થી ૩ દિવસ ખુબ ઓછુ આવશે. જેમ જેમ માતા તેનો પ્રયત્ન કરશે તેમ તેમ તેનો જથ્થો વધતો જ જશે. ધાવણમાં બને છે તેમ પહેલા ૨ થી ૩ દિવસમાં ૨૫ થી ૩૦ મિલી. જેટલું જ આવે. ૧૦માં દિવસે ૧૦૦ થી ૧૨૦ મિલી. જેટલું, ૧૫ થી ૧૭ દિવસ બાદ ૩૫૦ થી ૪૦૦ મિલી. જેટલો જથ્થો પણ આત્મવિશ્વાસ સભર માતામાં શક્ય હોય છે.
 • ત્રીજા કે ચોથા માસ બાદ સર્વિસ શરૂ કરતી માતા માટે આટલો EBM નો જથ્થો તેની ૫ થી ૬ કલાકની ગેરહાજરીમાં તેના બાળક માટે પુરતો છે. બાળકને જીવાણુંમુક્ત માતાનું જ ધાવણ મળે છે. ઉપરાંત માતા જ્યાં પણ હોય ત્યાં તેને એટલી બધી માનસિક શાંતિ મળે છે કે મારી ગેરહાજરીમાં પણ મારું બાળક મારું જ દૂધ મેળવે છે. આમ તે નકારાત્મક વિચારોથી પણ દુર રહે છે. તે બાળક, પતિ, કુટુંબ અને ઓફીસ બધાને સાચવી શકે છે.
 • EBM કાઢવાથી ધાવણ ઘટતું નથી. ધાવણ આપવાનાં સમયે તો ધાવણ તો હંમેશા બનતું હોય તેટલું બને જ છે.
 • માતા સાંજે ૫ થી ૬ વાગ્યે ઘરે આવે ત્યારથી સવારે ૧૦ થી ૧૧ ના સમયે સર્વિસ જાય તે વચ્ચે અલગ અલગ નાની સ્ટીલની કે કાચની ડબ્બીમાં ધાવણ કાઢી ભેગું કરી શકે. બને ત્યાં સુધી પ્લાસ્ટીકના વાસણો EBM ભેગું કરવા વાપરવા નહીં. તેમાં ખાંડ કે અન્ય કોઈ વસ્તુ ઉમેરવી નહીં.
 • ક્યારેક કોઈ પણ કારણસર બાળક ખુબ રડે ત્યારે તેને ચૂંકના ટીપાં કે ઉપરના દૂધ કરતાં EBM આપવાથી બાળકમાં જાણે જાદુઈ અસર થઇ હોય તેમ બાળક શાંત થઇ જાય છે.
 • જે માતા EBM સાથે ધાવણ આપવાનું પણ ચાલુ રાખે છે ( બાળક ચુસવાનું ચાલુ રાખે છે ) તેને ધાવણના જથ્થામાં કોઈ ફેર પડતો નથી અને સફળતાપૂર્વક આપવું હોય ત્યાં સુધી ધાવણ આપી શકે છે. જે માતા ફક્ત EBM આપે છે જે માતાનું બાળક ચુસતું નથી તેને ધીરે ધીરે ધાવણનો જથ્થો ઓછો થવાની શક્યતા રહે છે. ખુબ મજબુત મનોબળવાળી માતાને બાળક ના ચુસતું હોય તો પણ ૪ થી ૫ મહિના સુધી EBM આવી શકે છે.
 • છ માસ બાદ ઉપરનો ખોરાક ચાલુ કરતી વખતે અમુક ખોરાકમાં પણ EBM ઉમેરવાથી બાળક તુરત તે ખોરાક લેતા શીખી જાય છે. જેમ કે બાફેલું બટાકું, ભાત કે ખીચડીમાં ૪ થી ૫ ચમચી EBM ઉમેરી શકાય. બાળક સહેલાઈથી આ ખોરાક પચાવી પણ શકે છે.
 • બાળકનો ચિરાયેલો હોઠ ( cleft lip ), બાળકના તાળવામાં કાણું ( cleft palet ), અધૂરા માસે જન્મેલા અને ઓછા વજનવાળા બાળકો જે માતાની નીપલ બરાબર ચૂસી શકવા સક્ષમ નથી તેમજ અતિશય દૂધથી ભરાયેલા માતાનાં સ્તન ( engorgment of breast ) જેવી સ્થિતિમાં પણ EBM માતા અને બાળક બંને માટે આશિર્વાદરૂપ છે.
 • ઘણીવાર નાના ગામડામાં પણ EBM ની કેટલી જાગૃતિ હોય છે તે જાણવા માટેનો એક રસપ્રદ કિસ્સો જણાવું. લગભગ ૧૯૯૫ના અરસામાં ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાં ઓસ્ટીન નામના યુરોપિયન દેશની બ્રેસ્ટમિલ્ક બેંક માટે કાર્યરત ટુકડી આવી ત્રણ મહિના જેટલું તે ગામમાં રહી હતી. આ ગામના લોકો EBM નો ઉપયોગ કરતા હતા તેવું તેમને જાણવા મળ્યું હતું. આ ગામના લોકો માંદી માતાના બાળકોને તથા ઓછા વજનવાળા બાળકોને અન્ય માતાનું દૂધ કેવી રીતે આપે છે તે વિશે તેમણે રસપ્રદ અભ્યાસ કર્યો અને તારણો દુનિયા સમક્ષ રજુ કર્યા. તે પછી આપણા દેશનું આરોગ્ય ખાતું આ ગામને ઉત્તરપ્રદેશના નકશામાં શોધવા સફાળું જાગ્યું હતું.
 • વધારે ધાવણ આવતું હોય તે માતા EBM નો પોતાના બાળક માટે કે અન્ય બાળકને દાન કરી   વ્યવસ્થિતપણે ઉપયોગ કરી પોતાને breast engorgement ( સ્તનમાં દૂધ ભરાવું ), mastitis અને abscess ( છાતી પાક્વી ) જેવી તકલીફોથી બચાવી શકે છે.
 • માતાની ગેરહાજરીમાં બહારનું દૂધ કે પાવડરના ડબ્બાનું દૂધ આપવું અને તેની હાજરીમાં ધાવણ આપવાથી બાળક મૂંઝાઈ જાય છે. જ્યારે માતાની ગેરહાજરીમાં પણ EBM આપવાથી બાળકને એકધારુ તેનું જ દૂધ મળે છે. તેનો સુંદર શારીરિક અને માનસિક વિકાસ તો થાય જ છે ઉપરાંત તેનામાં રોગોનું પ્રમાણ પણ ઘટે છે. EBM ના વ્યવસ્થિત ઉપયોગથી બાળમૃત્યુનું પ્રમાણ પણ ઘટે છે.
( દિવ્યભાસ્કર ૦૫/૦૮/૨૦૦૮ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો