મુલાકાતી નંબર: 430,070

Ebook
માતાનું દૂધ બને છે કેવી રીતે?
 • માતાનું દૂધ તેના સ્તનમાં બને છે. સગર્ભાવસ્થા દરમ્યાન સ્તનમાં દૂધ બનાવતી કેશીકાઓ વિકાસ પામે છે. બાળકના જન્મ સુધીમાં તે ધાવણ બનાવવા માટે સક્ષમ થઇ જાય છે.
 • દૂધ કુપીકા( Milk sacs) : દૂધ કુપીકાને દૂધ બનાવનાર થેલી(sac) પણ કહી શકાય. દૂધ કુપીકા દૂધ કેશીકા, દૂધ નળી અને દૂધ વાહિની (દૂધ નાડી ) ની બનેલી હોય છે.
 • દૂધ કેશીકા( Milk secreting cells-alveoli) : ધાવણ બનવામાં સૌથી અગત્યનો ફાળો દૂધ કેશીકાઓનો છે. અહી દૂધ બને છે અને સંગ્રહિત થાય છે. સ્તનમાં અસંખ્ય દૂધ કેશિકાઓ હોય છે જે ધાવણ સંગ્રહવા અને નીકાળવાનું કાર્ય કરે છે. તે સગર્ભાવસ્થા દરમ્યાન વિકાસ પામે છે.
 • દૂધ નળી( Lactiferous ducts or tubes) : ઘણી બધી દૂધ કેશીકાઓ ભેગી થઇ દૂધ નળીમાં ખુલે છે. દૂધ કેશિકાઓ અને દૂધ નળીઓ સ્તનના ચરબીવાળા અથવા જેલી જેવા ભાગમાં જ હોય છે. ઘણી બધી દૂધ નળીઓ એકલી અથવા જોડાઈને પહોળી બને છે. આ પહોળો ભાગ એરીઓલામાં ખુલે છે. એરીઓલા નીપલની આજુબાજુનો ઘેરો કાળો ભાગ છે. અહીં ઘણી દૂધ નળીઓ ખુલે છે.
 • દૂધ વાહિની(દૂધ નાડી)(Lactiferous sinuses) : દૂધવાહિનીઓ એરીઓલાની પાછળ રહેલી હોય છે. દૂધ કેશીકામાં બનેલું દૂધ દૂધ નળી મારફતે દુધવાહિનીમાં પહોંચી ત્યાં સંગ્રહીત થાય છે.
 • નીપલ(ડીટડી) : એરીઓલાના મધ્યભાગ માં નીપલ આવેલી હોય છે. અહીં બહુ સચેત નસો આવેલી હોય છે. જ્યારે બાળક સ્તનપાન વખતે નીપલ ચૂસે ત્યારે એકલી નીપલ જ નહીં પરંતુ કાળોભાગ એરીઓલા પણ તેના મોમાં જવો જોઈએ. એરીઓલા બાળકનાં મોમાં જશે અને દબાશે તોજ દુધવાહિનીઓ દબાશે અને દબાણથી તેમાં સંગ્રહાયેલું દૂધ બહાર આવશે.
 • દૂધ સંગ્રહ થવાની પ્રક્રિયા(prolactin reflex) : જ્યારે બાળક નીપલને ચૂસે ત્યારે નીપલમાં રહેલી નસો ઉત્તેજિત થઇ જાય છે. ઉત્તેજિત નસો મગજમાં પ્રોલેક્ટીન અંતઃસ્ત્રાવ બનાવવાનો સંદેશો પહોંચાડે છે. આ પ્રોલેકટીન મગજમાં ઉત્પન્ન થઇ લોહીમાં ભળી સ્તન સુધી પહોંચે છે. સ્તનમાં રહેલી અસંખ્ય દૂધકેશીકાઓમાં દૂધ બને છે અને દુધવાહિનીઓમાં સંગ્રહીત થાય છે. આ નીપલ ઉત્તેજિત થવાથી માંડીને સ્તનમાં દૂધ બનવા સુધીની પ્રક્રિયાને ‘પ્રોલેક્ટીન રિફલેક્સ’ કહે છે.
 • બાળક વધુ ચુસસે તેમ વધુ દૂધ બનશે : આપણે જોયું તે પ્રમાણે બાળક જેટલું વધારે ચુસસે તેમ દૂધ ઉત્પન્ન કરતો અંતઃસ્ત્રાવ પ્રોલેકટીન વધુ બનશે. પ્રોલેકટીન વધુ બનશે તેમ દુધનો જથ્થો વધુ બનશે. આથી જો બાળક ચુસવાનું બંધ કરી દેશે અથવા જન્મ પછી ચુસસે જ નહીં તો ધાવણ બનશે જ નહીં. જોડિયા બાળકોમાં બે બાળકો ચુસસે આથી સ્તન બે બાળકોને પૂરું થાય તેટલું દૂધ બનાવશે. આને ‘જરૂર પ્રમાણેનો પુરવઠો પૂરો પાડવો’ એવો નિયમ કહે છે ( law of demand and supply ).
 • રાત્રે ધાવણ વધુ બનશે : રાત્રે પ્રોલેક્ટીન અંતઃસ્ત્રાવ બનવાની ગતિ વધુ ઝડપી હોય છે. રાત્રે સ્તનપાન કરાવવાથી ધાવણનો જથ્થો વધુ માત્રામાં બનશે.
 • દૂધ વહેવાની પ્રક્રિયા(oxytocin reflex) : એરીઓલાની પાછળ આવેલી દુધવાહિનીઓ દબાય તેમાંથી દુધનો સ્ત્રાવ નીપલમાંથી થાય અને આ દૂધ બાળક સુધી પહોંચે તે માટે ઓક્સિટોસીન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. ઓક્સિટોસીન અંતઃસ્ત્રાવ પણ પ્રોલેકટીન અંતઃસ્ત્રાવની જેમજ બાળક નીપલ ચૂસે અને નીપલમાં રહેલી નસો ઉત્તેજિત થાય તેને લીધે બને છે. ઓકસીટોસીન અંતઃસ્ત્રાવનું કાર્ય શરીરની બધીજ માંસપેશીઓને સંકોચવાનું છે. અહીં સ્તનમાં પણ દૂધકેશીકા(alveoli)ની આજુબાજુમાં આવેલી માંસપેશીઓ સંકોચાય છે. પ્રોલેક્ટીનના કારણે બનેલા દુધનો દૂધકેશીકાઓ અને દુધવાહિનીઓમાં સ્ત્રાવ થાય છે. અને તે નીપલ તરફ વહે છે. આમ ધાવણ ના સ્ત્રાવ અને વહેણની પ્રક્રિયાને ઓક્સિટોસીન રીફ્લેકસ કહે છે.
 • માતાના સ્તનમાં બનેલું દૂધ બાળક સુધી પહોચાડવાનું અદભુત કાર્ય કરતો અંતઃસ્ત્રાવ - ઓક્સિટોસીન : બાળકના નીપલ ચૂસવાથી તુરત ઓક્સિટોસીન બની જાય છે. બનેલા દુધનો સ્તનમાંથી સ્ત્રાવ અને વહેણ જેવું અતિ અગત્યના કાર્યની જવાબદારી ઓક્સિટોસીન અંતઃસ્ત્રાવે લીધેલી છે. આ કામ માટે બાળક ચૂસે તો જ આ કામ પતે છે. આથી ઘણી વાર એવું માની લેવામાં આવે છે કે માતાના સ્તનમાં દૂધ બનતું નથી. પણ હકીકત એવી હોય છે કે દૂધ તો સ્તનમાં બનેલું જ છે પણ કોઈ પણ કારણસર બાળક ચૂસે નહીં અથવા ઓછુ ચૂસે એટલે બાળકને ઓછુ દૂધ મળે છે.
 • ઓક્સિટોસીન ક્યારે વધુ બનશે : ઓક્સિટોસીન બનવાની પ્રક્રિયા માતાની મનોસ્થિતિથી પ્રભાવિત થાય છે. સારા વિચારો, બાળક પ્રત્યે પ્રેમ, મારે મારા બાળકને મારું જ દૂધ આપવું છે અને મારું દૂધ જ મારા બાળક માટે સર્વોત્તમ છે તેવી લાગણી, પોતાના બાળક માટેના વિચારો તેમજ પોતાના બાળકના રડવાનો અવાજ સાંભળવો અને તેની સામે જોવું જેવી ક્રિયાઓને લીધે મગજમાં ઓક્સિટોસીનનું પ્રમાણ વધે છે. માતામાં આવી હકારાત્મકતા રહે તે માટે કુટુંબીજનોનો સહકાર ખુબ અગત્યનો ભાગ ભજવે છે અને માતાનો આત્મવિશ્વાસ વધારે છે.
 • ઓક્સિટોસીન કયારે ઓછો બનશે : દુઃખ, ચિંતા, ગભરામણ, બાળકની જાતિ અસ્વીકાર્ય હોય, સર્વિસની ચિંતા, ઘરનો કાર્યબોજ, મનમાં કોઈ પણ પ્રકારની શંકા-કુશંકા, સગાઓ દવારા બાળક માટે નકારાત્મક પ્રતિભાવો જેવી ભાવનાઓ ઓક્સિટોસીનનું પ્રમાણ ઘટાડે છે.
 • ઓક્સિટોસીન રિફલેક્સ(દૂધ વહેવાની પ્રક્રિયા)ની માતાને ખબર કેવી રીતે પડશે :
  • ધાવણ આપવાના થોડા સમય પહેલા અથવા આપવાની શરૂઆતમાં જ સ્તન સંકોચાતું હોય તેમ લાગે, સ્તનમાં ખંજવાળ ખંજવાળ આવે.
  • બાળકના રડવાનો અવાજ સાંભળીને અથવા તેના વિચાર માત્રથી સ્તનમાંથી દૂધ ઝરવા લાગે.
  • બાળક એક સ્તનમાંથી ચુસતું હોય ત્યારે બીજા સ્તનમાંથી દૂધ ઝરે.
  • કોઈ કારણસર અચાનક બાળક ચુસવાનું બંધ કરે તો પણ સ્તનમાંથી દુધની ધાર થતી હોય.
  • બાળક ચૂસે ત્યારે માતાને ક્યારેક ગર્ભાશય સંકુચિત થવાનું દર્દ અનુભવાય.
  • બાળક ધીમેથી પણ ખેચીને ચૂસે અને દૂધ ગળે તે માતા પણ કયારેક અનુભવી શકે છે.
 • એક સ્તનમાં ઓછું અને બીજા સ્તનમાં વધારે દૂધ બને તેવું બને? હા બને. જો બાળક એક સ્તનમાંથી વધુ ચૂસે અને અને એક સ્તનમાંથી ઓછુ ચૂસે તો ઓછું ચૂસે તે સ્તનમાં દૂધ ઓછુ બનશે અને વધુ ચૂસે તે સ્તનમાં વધુ દૂધ બનશે અને તે સ્તન થોડું મોટું પણ લાગશે.

સ્તન ક્યારેક દૂધ બનાવવાનું બંધ કરે તેવું બને?

હા બને. સ્તનમાં સતત દૂધ બને તે માટે સમયસર સ્તન ખાલી થાય તે પણ જરૂરી છે. લાંબો સમય સ્તનમાં દૂધ ભરાયેલું રહે અને નીકળે નહીં તો ધાવણમાં જ ધાવણનું ઉત્પાદન ઘટાડતું તત્વ(inhibiter) સક્રિય થાય છે. ધાવણના દૂધનું ઉત્પાદન ઘટાડતું તત્વ સક્રિય થાય પછી દૂધકેશીકા વધુ દૂધ સંગ્રહવાનું જ બંધ કરી દે છે. આને કારણે સ્તનમાં અમુક જથ્થાથી વધુ દૂધ ભરાતું કુદરતી રીતે જ અટકે છે અને વધુ ભરાયેલા દુધની આડઅસરથી પણ સ્તન બચે છે. બાળક કોઈ પણ કારણસર અચાનક દૂધ ચુસવાનું બંધ કરે પછી ભરાયેલા દુધને સ્તન દબાવીને કાઢી લેવું જોઈએ. એક વાર ભરાયેલું દૂધ નીકળી જાય તેની સાથે દૂધનું ઉત્પાદન ઘટાડતું તત્વ પણ બહાર નીકળી જશે. પછી જ સ્તન ફરીથી નવું દૂધ બનાવવાનું ચાલુ કરશે.

બાળકમાં જોવા મળતી સક્રિયતા.

આવડત(skill) : માતાને જેવીરીતે બાળકને પકડતા આવડી જાય છે તેમ બાળકને પણ સ્તન શોધતા અને મોમાં લેતા આવડી જાય છે. શોધવું(rooting reflex) : જેવું કોઈ વસ્તુ બાળકના હોઠને અડે તેવું તરત તેનું મો ખુલે છે. જીભ નીચી અને ચૂસવાની તૈયારી સાથે આગળ પડતી આવી જાય છે. ચૂસવું(sucking reflex) : બાળકના તાળવાને કોઈ પણ વસ્તુ અડે કે તરત જ તે ચુસવાનું ચાલુ કરી દે છે. ગળવું(swalloing reflex) : જ્યારે મો દૂધથી ભરાય કે તુરત બાળક ગળે છે. સર્વિસ કરતી એક માતાનો અનુભવ : સાંજે પાંચ વાગ્યે હું મારા સ્કૂટર પર પાછી આવતી હતી અને રસ્તામાં જ મેં અનુભવ્યું કે મારા સ્તન દૂધથી ભારે થઇ રહ્યા છે. ઘરે આવીને ડોરબેલ વગાડું છું ત્યાં સુધી તો ડ્રેસ આખો દૂધથી પલળી ગયો. .......છે ને કુદરતની કમાલ . પોતાના બાળકના વિચાર માત્રથી સ્તનમાં દૂધ ભરાવાનું ચાલુ થઇ જાય છે. S-3-9 પિક્ચર મુકવું.  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો