મુલાકાતી નંબર: 430,031

Ebook
2 પ્રભાતનો પહેલો પહોર
પ્રભાતનો પહેલો પહોર
એમનું નામ ગોદાવરીબહેન ભરવાડ. વ્યવસાયે પશુપાલનનું કામ. મેમનગર પાસે આવેલા જાદવનગરમાં ત્રણ બાળકો, તેમના પતિ, અને છ ભેંસો આ તેમનો પરિવાર. ઈશ્વર પ્રત્યે અપાર શ્રદ્ધા. ધાર્મિક સ્થળોની યાત્રામાં તેમણે ભારતભ્રમણ કરી લીધું છે. ભારતમાં ઘણા ધાર્મિક સંસ્થાનોમાં હું નથી જઇ શક્યો પણ ગોદાવરીબહેનને લીધે ત્યાંનો પ્રસાદ મને અચૂક ખાવા મળ્યો છે. તેમના બે દીકરા અને એક દીકરીને કોઈ તકલીફ પડે તો તેઓ મને મળવા આવે. સમાજમાં ગૌરવ લઇ શકાય એવું એક અદભુત કામ ગોદાવરી બહેને કર્યું. દરેક સફળ સંતાનોની સફળતા પાછળ તેમના માતાપિતાની કોઈને કોઈ સ્ટ્રેટેજી હોય છે. પછી ભલેને માતાપિતા વધુ ભણેલા હોય કે વધુ ગણેલા હોય તેમાં કોઈ ફેર નથી પડતો. તેમણે ત્રણે બાળકોને શહેરની પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. તેઓ કહેતા, ‘હું તો બે ચોપડી ભણેલી છું અને મારા ઘરેથી(મારા પતિ) ચાર ચોપડી જ ભણેલા છીએ. છોકરાઓને ભણાવીએ તો હવેના જમાના પ્રમાણે તેઓ આગળ વધી શકે. અંગ્રેજી માધ્યમમાં મુકતા થોડો ડર લાગતો હતો પણ ત્રણેય જાતે ભણી લે છે. અમે બાળકો માટે ટ્યુશન પણ રાખ્યું છે. ગુજરાતી વિષય પણ તેઓ ભણે છે.’ ખુબ ભણેલા કોઈ પણ માતાપિતા જેવા તેમના વિચારો હતા. સાથે ૧૦ વર્ષ પછીના ભવિષ્યનું સુંદર વિઝન પણ તેમની પાસે હતું. તેમના પાસેથી શીખવા મળેલી બીજી સુંદર વાત. મેં જ્યારે પૂછ્યું કે ‘ત્રણે બાળકો બરાબર ભણી લે છે? તમને ક્યારેય કોઈ મુશ્કેલી ના પડી?’ તેમણે કહ્યું, ‘ભાઈ, મુશ્કેલી તો ઘણી પડી. મોટી શાળાઓની ફી કેટલી બધી હોય છે? પણ કાનુડાએ મારું બધું જ સાચવી લીધું છે. છોકરાઓ તો શું ભણે એ મને કાંઈ ગતાગમ ના પડે. પણ મેં ત્રણેય માટે એક નિયમ કડકપણે રાખ્યો છે. મેં તેમને કહ્યું હતું કે ફરજીયાત પ્રમાણે તમારે રાત્રે વહેલા સુઈ જવાનું. આમેય તેમના જેટલા ૧૫ વર્ષના જુવાનિયાઓ રાત્રે ગામની ભાગોળે મોડા સુધી જાગે, મસાલા ખાય અને મોબાઈલમાં ફોટુ જોયા કરે. ઈ બધું કશું કામમાં લાગવાનું નથી. અમે બધા સાંજે સાત વાગ્યે વાળુ કરી લઈએ. અમે બધા અમારું કામ નવ વાગ્યા સુધીમાં પતાવીને સાડા નવ સુધીમાં તો બધા જ સુઈ જાઇએ. હું સવારે ચાર વાગ્યે ઉઠું. મારે પહોર થતા પહેલા દૂધ દોહવાનું હોય. બાળકો સાડાચાર સુધીમાં ઉઠી જાય. બે કલાક ભણે અને તૈયાર થઇ આંઠ વાગ્યે તો શાળાએ જતા રહે.’ કેટલી અદભુત અને જીવનમાં ઉતારવા જેવી વાત ગોદાવરી બહેને કરી. હવે આ વાતનું થોડું પોસ્ટમોર્ટમ કરીએ. અમુક વિદ્યાર્થીઓને અપવાદરૂપ ગણીએ એ સિવાય મોટાભાગના રાત્રે જાગીને સમયની બરબાદી જ કરતા હોય છે. રાત્રે જાગીને ખવાય વધુ, આડી અવળી બિનરચનાત્મક પ્રવૃત્તિઓમાં જ સમય વેડફાઈ જતો હોય છે. મોટા લોકો હવે વાંચનની જગ્યાએ મોબાઈલ અને કમ્પ્યુટરમાં તેમના સમયનો વ્યય કરતા હોય છે. વળી રાત્રે સુવાના સમયની ડેડલાઈન નહીં હોવાથી કેટલા કલાકો આપણે વેડફી નાખ્યા તેનો ખ્યાલ જ નથી રહેતો. રાતના ઉજાગરાની અસર બીજા દિવસની કાર્યક્ષમતા પર ચોક્કસ પણે પડે જ છે. હવે સવારે વહેલા ઉઠીને તમે કામ કરો ત્યારે તમે રાત કરતાં દોઢ થી બે ગણું વધુ કામ કરી શકો છો એ વાત વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી છે.. તમારા શરીરમાં ઉર્જાનું વધુમાં વધુ પ્રમાણ સવારે હોય છે. વહેલી સવારે ઘણા રચનાત્મક અને હકારાત્મક વિચારો આવે. સવારે લીધેલા નિર્ણયોનો અમલ મોટાભાગે ત્વરિત અને સફળતાપૂર્વક થતો હોય છે. સૌથી મોટી વાત સવારે વહેલા ઉઠેલા ક્યારેય એક પણ મિનિટ વેડફતા નથી. સવારે વહેલા ઉઠીને કામ વિનાનું મોબાઈલમાં ચેટિંગ કરવાનું કોઈને ના ગમે. સવારે ૫ વાગીને ૪૮ મિનિટનો સમય દિવસનો શ્રેષ્ઠ સમય ગણાય છે. ઉગતા સૂર્યના કિરણો શરીરના અંગે અંગમાં નવું ચેતન પ્રગટાવે છે. સરવાળે આપણું આરોગ્ય પણ સ્વસ્થ રહે. વહેલા ઉઠવાની ટેવ પાડવી પડે. મહાત્મા ગાંધીજી પત્રોના જવાબ આપવા માટે સવારના સમયને જ ઉત્તમ ગણતા. લગભગ ૨૫ વર્ષ પહેલા આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી એન.ટી.રામારાવ તેમના મંત્રીઓને અને પત્રકારોને મળવા સવારના ચાર થી પાંચ વચ્ચેનો જ સમય પસંદ કરતા તેવું એ વખતના છાપાઓમાં વાંચેલું યાદ આવી ગયું. ઘણા લેખકો તેમનું શ્રેષ્ઠ સર્જન સવારે જ કરતા હોય છે, ઘણા ચિત્રકારોને તેમની કલ્પનાની દિવ્ય અનુભૂતિ પ્રભાતના પહેલા પહોરે જ થતી હોય છે, સંગીતકારો તેમની સાધના માટે સવારનો જ સમય પસંદ કરે છે, દુનિયાની શ્રેષ્ઠ કવિતાઓ સવારે જ લખાયેલી છે. ઘણા વૈજ્ઞાનિકોએ તેમની આત્મકથાઓમાં તેમની મહાન શોધોનો છેલ્લો તબક્કો વહેલી સવારનાં જ પૂરો થયેલાનું નોધ્યું છે. સૌથી અગત્યની અને અનુભવેલી વાત અમારા તબીબી વ્યવસાયમાં ઘણા સર્જન ડોકટરો તેમના પ્લાન કરેલા ઓપરેશનો માટે વહેલી સવારનો જ સમયને શ્રેષ્ઠ ગણે છે. ખરેખર ગોદાવરી બહેને દિલથી કહેલી વાત દિમાગને સ્પર્શી ગઈ. ( મૂળ વ્યક્તિનું બદલેલું નામ ગોદાવરી બહેન છે )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો