મુલાકાતી નંબર: 430,125

Ebook
20 ટીન એઈજ દીકરી અને પિતા
થોડા વખત પહેલા મારા એક લેખક મિત્ર તેમની દીકરીઓની વાત કરી રહ્યા હતા. તેમણે તેમની મોટી દીકરી જે વિદેશમાં ઉચ્ચ અભ્યાસાર્થે ગઈ છે તેને એક વખત જણાવ્યું કે મને અંગેજી ભાષામાં પ્રવચન આપવાનું હોય તો તકલીફ પડે છે. તેણે તરત પિતાને સુચન કર્યું કે મારી નાની બહેન જે ઈંગ્લીશ મિડીયમમાં ભણે છે તેની સાથે ઇંગ્લિશમાં વાતો કરો, તેને થોડું ભણાવો અને તમારા દરેક લેખનું ઈંગ્લીશ ભાષામાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરો. દીકરીએ થોડીક ક્ષણોમાં જ લેખક પિતાની સમસ્યા ઉકેલી આપી. આમ પણ પિતાનું શ્રેષ્ઠતમ દીકરી સિવાય કોઈ ના લાવી શકે કારણકે દીકરી પિતાની પ્રત્યેક નબળાઈઓથી વાકેફ હોય છે. દીકરી પિતાના હૃદયમાં છેક ઊંડાણ સુધી પહોંચીને ડોકીયું કરી શકે છે. આ બે સંબંધો વચ્ચે મૌનથી જ એકબીજાને સમજવાનું તાલમેલ પણ અદભુત હોય છે. ક્ષણવારમાં પિતાના આંસુને હાસ્યમાં કઈ રીતે ફેરવાય તે માત્ર દીકરી જ જાણતી હોય છે. દીકરી પોતાના પિતા દુનિયા સમક્ષ કેવા દેખાશે અને લોકો સમક્ષ કઈ રીતે તેમની પ્રતિભા બહાર આવે તે માટે ખુબ જ સભાન હોય છે. થોડા વખત પહેલા એક SMS પણ આવ્યો હતો કે દીકરીને tension ના ગણો કારણકે તેનું પ્રદાન પિતા માટે ten sons (દસ દીકરા) જેટલું હોય છે. દીકરી જ્યારે નાની હોય અને ઘરમાં ઝાંઝર પહેરીને આમતેમ દોડાદોડી કરે છે ત્યારે તેના ઝાંઝરનો મધુર રણકાર ઘરના વાતાવરણને જીવંત બનાવી દે છે. દીકરી અને પિતા એવા શ્રેષ્ઠ મિત્રો હોય છે કે જ્યાં બન્ને પક્ષે એકબીજાને વધુને વધુ નિસ્વાર્થભાવે આપવું જ હોય છે. દીકરી ક્યારેક પિતા પર ગુસ્સો કરે તો તેના ગુસ્સામાં પણ છલોછલ પ્રેમ જ રહેલો હોય છે. દિલથી કરેલા ગુસ્સા બાદ નાનકડા સ્મિતથી તે તરત જ પપ્પાને પીગળાવી પણ દે છે. દરેક દીકરી તેમના પપ્પા સાંજે ઝડપથી ઘરે આવે તેની રાહ જોતી હોય છે. જો ઘરે આવતા સહેજ પણ વાર થાય તો તે પિતાને વળગીને પ્રશ્નોની ઝડી વરસાવશે. ૧૯૬૮માં ‘તકદીર’ નામની એક હિન્દી ફિલ્મ આવેલ તેમાં ‘પાપા જલ્દી ઘર આના....’નામના એક ગીતમાં દીકરી પિતાની ઘરે આવવાની કાગડોળે રાહ જુવે છે તે વ્યથા સુંદર રીતે વ્યક્ત થઇ હતી. એક દીકરીને પૂછવામાં આવ્યું કે ‘તને તારા પપ્પા ગમે છે ને?’ દીકરીનો જવાબ હતો ‘મને પપ્પા કરતાં સાંજ વધુ ગમે કારણકે પપ્પા તો ફક્ત રમકડાં લાવે છે પણ સાંજ તો મારા પપ્પાને લાવે છે.’ બાપ અને દીકરીમાં એક વાત સરખી હોય છે કે બંનેને પોતપોતાની ઢીંગલી બહુ વહાલી હોય છે. દીકરી જ્યારે ટીન એઈજમાં પ્રવેશે ત્યારે અચાનક જ પિતાને તેની ટકોર વધતી જાય છે. તમે ઘરે મોડા આવો છો, તમે યોગ્ય કપડા પહેરો, તમારી વાતચીતમાં બદલાવ લાવો ...વગેરે. પિતાને પણ અંદરખાને આ બધી ટકોરથી દીકરી પ્રત્યે વહાલ વધતું જ જાય છે. પિતાને માટે દીકરી એટલે માત્ર ઘરમાં જ નહીં પરંતુ હૈયે, હોઠે અને શ્વાસમાં વસેલી વસંત. દીકરી અને પિતાના સંબધોની મીઠાશ અને માધુર્ય સતત વધતું જાય છે કારણકે બન્નેને એકબીજા પાસેથી કશું જ લેવું નથી. પહેલા માત્ર પત્નીના સૂચનો પર જ આધાર રાખતા પિતા હવે મોટી થતી દીકરીનું પણ સાંભળતા થઇ ગયા હોય છે. ટીન એઈજ દીકરી પ્રત્યે પિતાએ મિત્રતા કેળવવી જોઈએ. દરેક પિતા માટે શ્રેષ્ઠ, સંસ્કારી અને ચારિત્ર્યવાન દીકરીનું નિર્માણ કરવાનો શ્રેષ્ઠ મોકો દીકરીની ટીન એઈજ કહી શકાય. ટીન એઈજ દીકરી ઘરમાં હોવા છતાં જે પિતા તેના તરફ દુર્લક્ષ સેવે તેને ખુબ મોટી કમનસીબી કહી શકાય. જ્યારે પિતાને આ ભૂલ સમજાય અને પસ્તાવો થાય ત્યારે દીકરી ઘરમાં હશે નહીં અને ખુબ મોડું થઇ ગયું હોય છે. દીકરી એટલે ઈશ્વરે માતાપિતાને કરેલું કન્યાદાન. દરેક પુત્રી કેમ પોતાના પિતાને સૌથી વધુ પ્રેમ કરે છે? કેમકે તેને ખબર છે કે આખી દુનિયામાં આ એક જ એવો પુરુષ છે જે તેને ક્યારેય દુઃખી નહીં કરે. જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે ‘દીકરી અને પિતાના સંબંધોનું ઋણાનુંબંધન જ અનેરું હોય છે. જ્યારે પણ દીકરી પિતા પાસે આવે ત્યારે પિતાને કાયમ એવું થાય કે હું દીકરીને કાંઈ આપું પણ જ્યારે દીકરી જાય છે ત્યારે પિતાને ખ્યાલ આવે છે કે તે કેટલું બધું આપીને ગઈ. કુદરતના સર્જનહારે પણ આ સંબંધોમાં કેટલો બધો પ્રેમ ઠાંસી ઠાંસીને ભર્યો છે.’ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ કહેલું કે ઇન્દિરા ગાંધીમાં ટીન એઈજમાં જ રાજકારણના પ્રશ્નોની એટલી બધી સમજણ આવે ગઈ હતી કે મને તેની સાથે ચર્ચા કરવામાં ખુબ મઝા આવતી. એક જનરેશન નાની દીકરી જમાના પ્રમાણે પિતામાં બદલાવ પણ સારા લાવી શકે છે. એક જાણીતા ઉદ્યોગપતિએ પણ તેમની આત્મકથામાં લખેલ કે મારી દીકરીએ ૧૦માં ધોરણની પરીક્ષા આપીને વેકેશનમાં જ મારી સાથે ઓફિસમાં આવતી થઇ ગઈ. થોડાક જ દિવસોમાં તેણે અસ્તવ્યસ્ત ઓફિસને સરખી કરી. તેનું ભણતર પૂરું થયું ત્યાં સુધીમાં અમારા બિઝનેસની આંટીઘૂંટી સમજી લીધી. પછી જેટલું કામ મેં ૩૦ વર્ષમાં કર્યું હતું તેટલું દીકરીએ પાંચ વર્ષમાં કરી બતાવ્યું. ઘણી વાર દિકરીઓ માટે માતાની મીઠી ફરિયાદ પણ હોય કે ‘તેઓને મોટી મેં કરી પણ હવે તેમને તેમના બાપા જ વહાલા લાગે છે.’ ઘરમાં એક લીલા પાનની જરૂર હોય પણ દીકરી તો આખી વસંત જ લઈને આવે છે. ઉપર જણાવેલ લેખક પણ કહેતા કે ‘અઠવાડિયું થાય અને જો મારે વિદેશમાં અભ્યાસ કરતી દીકરી સાથે વાત ના થાય તો મારા મનમાં નકારાત્મક લાગણી જન્મે. અઠવાડિયા દરમ્યાન મનમાં અને હૃદયમાં ભેગા થયેલા બધા જ ઉભરા દીકરી સમક્ષ ઠાલવી ના દઉં ત્યાં સુધી મને ચેન ના પડે’. આ લેખનું શિર્ષક જાણીતા ગાયક મનહર ઉધાસનું એક ગીત ‘દિકરી મારી લાડકવાઈ ..લક્ષ્મીનો અવતાર..’નું મુખડું છે. આ ગીત કોઈ પણ પિતાએ આખુ સાંભળવું હોય તો ખુબ કઠણ છાતી કરીને સાંભળવું પડે. એક પિતાએ દીકરીને પ્રશ્ન કર્યો,’ To whom would you love more? Me or your husband?’ દીકરીએ જવાબ આપ્યો, ‘ I don’t know really but when I see you I forget him and when I see him I remember you.’ કવિ બોટાદકરે દીકરી માટે સાચું જ કહ્યું છે, ‘દિકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી. જોઈ ના જોઈ વહી જતી રે વનપંખીણી જેવી.’ દીકરી જયારે તરુણાવસ્થામાં પ્રવેશે છે અને પિતાએ જયારે તેને સાસરે વળાવવાની હોય છે ત્યારે પિતાની આંખોમાં પોતાના વ્હાલના દરિયા માટે આંસુ પણ જાણે થીજી જતા હોય છે. કોઈએ સાચું જ કહ્યું છે, ‘સૂર્યના ઘરે દીકરી હોત અને એને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને પણ ખબર પડત કે અંધારું કોને કહેવાય’. ( સપ્ટેમ્બરનું ચોથું અઠવાડિયું ‘વર્લ્ડ ડોટર વીક’ તરીકે અને ૧૨મી જાનુઆરી ‘વિશ્વ દીકરી દિવસ’ તરીકે ગણાય છે. )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો