મુલાકાતી નંબર: 430,127

Ebook
24 રોજ એક પોઝીટીવ વાત લખવી
એક વખત એક નવજાતશિશુ સાથે તેની માતા અને તેના પિતા કન્સલ્ટીંગ રૂમમાં બેઠા હતા. તેમની પાછળ એક વડીલ તેમના પૌત્ર માટે કોઈ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા તે બેઠા હતા. તેઓ આ નવા માતાપિતાની વાતો સાંભળતા હતા. માતા નવજાતશિશુને ધાવણ આપવામાં પડતી તકલીફો વિશે વાત કરતી હતી. માતાએ કહ્યું, ‘ઘરે સગાઓ આવે છે તેમાં તેઓની કેટલીક ટીપ્પણી મને બહુ હેરાન કરે છે.’ માતાની વાત સાચી હતી. ઘણી વાર સગાઓ તો એક વાક્ય બોલીને જતા રહે જેમકે, ‘તારું બાળક શ્યામ દેખાય છે. તારા બાળકને વાળ ઓછા છે. અમારા બાજુવાળનું બાળક તો સામે જોઇને એવું હસે કે જાણે આપણી સામે વાતો કરે.’ આવા નકારાત્મક વાક્યો ધાવણ આપતી માતાનાં મગજમાં સતત ઘુમરાયા કરે. મારા બાળકમાં આ વસ્તુ કેમ નથી એવા નકારાત્મક વિચારોની અસર તેના ધાવણના પ્રવાહ અને જથ્થા પર પડે. માતાએ નકારાત્મક વિચારો ના કરવા એવું અમારી ડોક્ટરની ફરજના ભાગ રૂપે અમે માતાને સમજાવીએ. પણ માત્ર નકારાત્મક વિચારો ના કરો તેવું કહેવાથી કોઈના નકારાત્મક વિચારો અટકી જતા નથી. હવે માતાની વાત સાંભળી વડીલે વચ્ચે ઝુકાવ્યું. તેમણે મારી પરવાનગી લઇ માતાને એક સલાહ આપી. તેમણે કહ્યું, ‘બેટા, તું પાંચ મિનિટનો સમય કાઢી રોજ એક હકારાત્મક વસ્તુ એક ડાયરીમાં લખ. જ્યારે આપણે આપણા સાથે બનેલી દિવસની ઘટનાઓમાંથી હકારાત્મક વસ્તુ શોધીને લખીએ તે પછી આપણને અને આપણા મગજને હકારાત્મક વસ્તુઓ જ વિચારવાની ટેવ પડશે. તારે માત્ર એક જ હકારાત્મક વસ્તુ લખવી.’ દાદાની સલાહનું પરિણામ અદભુત હતું. ૧૫ દિવસ પછી તેઓ મને ફરી બતાવવા આવ્યા ત્યારે તેમણે તેમનો અનુભવ કહ્યો. ‘શરુઆતના બે-ત્રણ દિવસ કોઈ ફેર નહતો પડ્યો. ચોથા દિવસે એક હકારાત્મક વિચાર લખતા મેં અનુભવ્યું કે મારા સાથે દિવસ દરમ્યાન બનેલી ઘટનાઓમાંથી એક જ હકારાત્મક ઘટના મારે શોધવાની હતી. પણ મારી સાથે તો ઘણી બધી હકારાત્મક ઘટના બનતી હતી. તેમાંથી સારામાં સારી એક જ ઘટના લખવાની હતી. ધીરે ધીરે મારી સાથે બધું જ સારું જ થતું હતું. મને ધાવણ પણ સારું આવવા લાગ્યું. મારું બાળક પણ સંતોષી અને શાંત રહેવા લાગ્યું.’ આમ જ્યારે તમે તમારી સાથે બનતી ઘટનાઓમાંથી ફક્ત હકારાત્મક જ ઘટના વિશે વિચારવાની ટેવ પાડો છો તો હકીકતમાં તમારી સાથે બધું સારું જ થશે. કારણકે આપણી સાથે એવી જ વસ્તુઓ બને છે જેવું આપણે વિચારીએ છીએ. કહે છે ને કે “દ્રષ્ટી એવી સૃષ્ટિ”.  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો