મુલાકાતી નંબર: 430,097

Ebook
25 વડીલોના સંસર્ગમાં
લગભગ ઈ.સ ૨૦૦૦ના વર્ષનો ઓગસ્ટ મહિનો હતો. મારા પૂ.પિતાશ્રી સુબોધભાઈનું પગની ઢાંકણી બદલવાનું ઓપરેશન ( knee replacement ) કરાવ્યું હતું. અમે ડોકટરો કોઈને પણ જરૂર હોય તો પુરતો સમય કાઢી શકીએ છીએ પણ અમારા જ કુટુંબીજનને જરૂર હોય તો અમારા માટે સમય કાઢવાનું ખુબ અઘરું પડે છે. આમ તો પહેલો ઓપરેશનનો દિવસ નીકળી જાય પછી દર્દીની ખાલી પોસ્ટ ઓપરેટીવ સંભાળ જ રાખવાની હોય. અને એ કામ જ્યાં ઓપરેશન થયું હતું તે હોસ્પિટલનો સ્ટાફ પુરતી કાળજી સાથે રાખતો જ હતો, છતાં મને થયું પપ્પા સાથે સમય ગાળવાનો આ ઉત્તમ મોકો છે. મેં મારો કન્સલ્ટીંગ સમય સવારનો અને સાંજનો એમ અલગ અલગ હતો તેના બદલે થોડા દિવસ પુરતો બપોરે ૧૨ થી ૪ એમ સળંગ રાખવાનું વિચાર્યું જેથી સવારે અને સાંજે થોડો સમય પિતાજી સાથે રહી શકાય. શરૂઆતમાં ૨ થી ૩ દિવસ થોડું મને અને દર્દીઓને અઘરું પડ્યું, કારણકે જે વર્કિંગ પેરેન્ટસ હોય તેમને માટે આ સમયે આવવું થોડું મુશ્કેલ પડે. આ સમયે મેં અનુભવ્યું કે આ ગોઠવણને લીધે બાળદર્દીઓને લઈને તેમના ગ્રાન્ડપેરેન્ટસ વધુ આવતા હતા. તેમની સાથે કામ કરવાનો આ નવો જ અનુભવ હતો. પેરેન્ટસ તેમના વર્ક અને રોજબરોજની ઘરની જવાબદારીને લીધે હંમેશા થોડા સ્ટ્રેસમાં રહેતા હોય અને તેની અસર બાળક બીમાર પડે એટલે તેમનામાં પણ દેખાય. બાળક ક્યારે ઝડપથી સારું થશે?, કોઈ ટેસ્ટ કરાવવા હોય તો કરાવી લઈએ, એવી એન્ટીબાયોટીક આપો કે તે ઝડપથી સારો થઇ જાય વગેરે વિધાનો તેમના દબાણને લીધે તેઓમાં જોવા મળતા. ક્યારેક છોકરાને તાવ આવે તેટલી વાર બાળકના મમ્મી કે પપ્પાનો ફોન અમારા પર આવે. હવે ગ્રાન્ડપેરેન્ટસ સાથે કામ કરતી વખતે આખી અલગ જ પરિસ્થિતિ જોવા મળી. બિલકુલ શાંતિથી કામ કરવું. વધુ પ્રશ્નો પણ નહીં. તેમને ડોકટરોની કાર્યક્ષમતા પર પૂરો વિશ્વાસ હોય. જરૂરી જ દવા લખજો તેવું તેઓ કહેતા. કોઈ ટેસ્ટ માટે ત્રણ-ચાર દિવસ પછી હું સામેથી કહું તો જ કરાવે. બીજી વાર આવવું પડે તો પણ હસતા હસતા જ બતાવવા આવે. તેમને પણ ચિંતા તો થતી જ હોય પણ સામેની વ્યક્તિને આ ભાવ તેઓ કળાવા દેતા નહીં હોય. બહાર થોડું વેઈટીંગ વધુ આવે તો પણ ઉતાવળ નહીં. અમુક વડીલો તો સામે આવેને જ તેમનો હસતો ચહેરો જોઈ હ્રદયમાં હળવાશની લાગણી અનુભવાતી. અહીં માતાપિતાનો વાંક નથી પણ તેમના ઉતાવળિયા સ્વાભાવને તેમની પરિસ્થિતિ પ્રમાણે સમજી શકાય. ખરેખર વડીલો સાથેનો આ ફરજીયાત સંસર્ગ મને ખુબ ગમ્યો. માનસિક શાંતિથી કામ કરવાનું તેમની પાસેથી ઘણું શીખવા પણ મળ્યું. તેમને પણ તેમના ગ્રાન્ડ ચાઈલ્ડ માટે માતાપિતા જેટલી જ ચિંતા થતી હોય પણ જીવનના ઉતાર ચઢાવવાળા અનુભવના ભાથાને લીધે તેઓ ઘણી ધીરજથી બધું કામ કરી શકે. પછીથી પિતાજીને સારું થયા પછી પણ મેં આજ સુધી મારો નિયમિત સમય જ સવારે ૧૧ થી સાંજના ૫ સુધીનો કરી નાખ્યો કે જેથી હું વધુને વધુ વડીલોના સંપર્કમાં રહી શકું. તેમના પાસેથી મને સુંદર પુસ્તકો ભેટમાં મળ્યા છે. ઘણી વાર તેમના મોઢે ‘બેટા’ શબ્દ સાંભળીને હું ધન્યતા અનુભવતો અને જીવનમાં ઉપયોગી ઘણી વસ્તુઓ શીખવા મળી. આપણે આપણું કામ શ્રેષ્ઠ અને માનસિક શાંતિથી કરવું હોય તો કોઈને કોઈ વડીલના સંસર્ગમાં હંમેશા રહેવું જોઈએ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો