મુલાકાતી નંબર: 430,125

Ebook
29 અમે તો ‘ચોકલેટ ડે’ રાખ્યો છે.
લગભગ બે વર્ષ પહેલા ક્રિસમસની આજુબાજુનો દિવસ હતો. મારા ટેબલ પર દવાની એક કપનીએ આપેલ આકર્ષક ગીફટપેક સાથેનું ચોકલેટનું પેકેટ પડ્યું હતું. પેશન્ટ કન્સલ્ટીંગ રૂમમાં આવે એ પહેલા આ પેકેટને બાળકોની નજરે ના ચઢે એ રીતે મુકવાનું મારાથી પણ રહી ગયું. લગભગ સાત વર્ષનું એક બાળક તેના માતા પિતા સાથે રૂમમાં આવ્યું કે તરત બાળકની નજર પેલા પેકેટ પર પડી. મેં તરત એ પેકેટ તોડી તેમાંથી એક ચોકલેટ એ બાળકને આપી. મારા આશ્ચર્ય વચ્ચે એ બાળકે ચોકલેટનો અસ્વીકાર કર્યો. બાળકોને તો કલરફૂલ અને સરસ પેકમાં હોય તેવી ચોકલેટો લેવાની ઈચ્છા થાય જ. તેના પપ્પાએ વિશ્વાસથી કહ્યું, ‘એ ચોકલેટ નહીં જ લે. ૩૦ તારીખે જ અમે તેને આપશું ત્યારે જ તે ચોકલેટ લેશે.’ હવે મારી ઉત્સુકતા તેમની પાસેથી તેમનું બાળક ચોકલેટ કેમ નહીં લે અને તેમણે કહેલા દિવસે જ કેમ લેશે તે જાણવા માટે ખુબ વધી ગઈ હતી. તેમણે મને ખુબ સુંદર સમજણ આપી. તેમણે કહ્યું, ‘અમે મારા બાળક માટે ચોકલેટ ડે રાખ્યા છે. અમે ઘરમાં ક્યારેય ચોકલેટો રાખતા નથી. કોઈ વિદેશથી આવે અને ભેટમાં ચોકલેટો આપે તો અમે તે ચોક્લેટોને મારા બાળકોને હાથે જ ગરીબ બાળકોમાં વહેંચાવી દઈએ છીએ. દર મહિનાની ૧૦, ૨૦ તથા ૩૦ તારીખ એટલે આમારા ચોકલેટ ખાવાના દિવસો. હું કે તેના મમ્મી આ દિવસે અમારું ગમે તેટલું કામ હોય તો પણ સમય કાઢી તેને પાર્લર પર કે કોઈ મોલમાં લઇ જઈએ અને ખુબ જ સારી ક્વોલિટીની બ્રાન્ડેડ ચોકલેટ અપાવીએ પછી ભલેને થોડી મોંઘી હોય. અમે ક્યારેય તેને લાલ પીળી એમ કલરવાળી ચોકલેટ અમારા બાળકને અપાવતા નથી. અમારો આ ક્રમ ચાર વર્ષથી ચાલે છે. આને લીધે મારું બાળક ચોકલેટ પણ અમુક શિસ્તથી ખાતા શીખ્યું. તે જેવી તેવી કલર વાળી અને ઓછી ગુણવત્તાવાળી ચોકલેટ ક્યારેય ખાતો નથી. સ્કુલમાં કોઈની બર્થડેટ હોય અને ચોકલેટ વહેચાય તો પણ તે ચોકલેટ ઘરે લાવશે પણ ત્યાં ખાશે નહીં. એને ખાતરી જ છે કે દર દસ દિવસે મને મારા મમ્મીપપ્પા ચોકલેટ અપાવવાનાં જ છે. કોઈના ઘરે જઈએ ત્યારે કોઈ ચોકલેટ ધરે તો પણ તેને આકર્ષણ નથી રહેતું. તેને ક્યારેય કોઈ કામ કઢાવવા કોઈ ચોકલેટની લાલચ આપે તો પણ તે લાલચની અસરમાં નહીં આવે. ક્યારેક ૧૮ કે ૨૮ તારીખ આવે ત્યારે તે જ હસતા હસતા યાદ અપાવે કે પપ્પા ૨૦ તારીખનું કામ યાદ છે ને. અમે પણ તેને આપેલું પ્રોમિસ ક્યારેય તોડતા નથી. ૨૦ તારીખે ખુબ કામ હોય અને રાત્રે ૧૦ વાગે તો મોડા પણ તેને લઇ જઇ તેને આપેલું પ્રોમિસ પૂરું કરીએ. આ વખતે આજે શક્ય નથી પણ તને ૨૧મીએ અપાવશું એવું અમે ક્યારેય કર્યું નથી.’ ખુબ સુંદર કેળવણી. બાળકોને જેવી દિશા આપો તે રસ્તે તેઓ આગળ વધે. તેમના મગજનું એક ચોક્કસ પ્રકારથી નાનપણથી જ ઘડતર કરવામાં આવે પછી તેઓ તે પ્રમાણે જ આગળ વધશે. સાથે તેમને એ પણ ખાતરી છે કે અમને આ વસ્તુ નહીં જ મળે એવું નથી પણ ચોક્કસ સમયે અને સારી શિસ્ત સાથે એ વસ્તુ અમને અમારા માતા પિતા જ અપાવી દેશે. તેમનામાં નકારાત્મક લાગણી આવશે જ નહીં ધીરે ધીરે તેની દરેક જરૂરિયાતમાં એક ડીસીપ્લીન સાથે તે માંગશે અને સમજશે. પેરેન્ટ્સનું સ્ટ્રેસ પણ નહીં વધે. ક્યારેક કોઈ વસ્તુની ના પાડવી પડે તો પણ તે સમજશે અને ખોટી જીદ તે ક્યારેય નહીં કરે. સાથે એ પણ ધ્યાનમાં રહે કે ઘરમાં ચોકલેટ રાખવી અને બાળક ના માંગે તે અપેક્ષા બાળક પર અત્યાચાર સમાન છે. અને ઘરના કોઈ પણ સભ્યએ બાળક રડતું હોય ત્યારે શાંત કરવા કે કોઈ કામ કઢાવવા ‘લે તું ચોકલેટ લઇ લે’ તેવી લાલચ આપી તેને ચોકલેટની ટેવ પણ ના પાડવી.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો