મુલાકાતી નંબર: 430,093

Ebook
30 દાદા દાદી અને નાના નાની
દાદા દાદી અને નાના નાની
થોડા સમય પહેલા ટીવી પર આવતી લોકપ્રિય ગુજરાતી સિરિયલ ‘તારક મહેતાના દુનિયાને ઉંધા ચશ્માં’ માં ટપુડાના દાદા ચંપકલાલે એક સુંદર સામાજિક સંદેશો આપ્યો હતો. તેમના પ્રમાણે દાદા દાદીનું ઘડપણ ત્યારે જ સફળ થયેલું ગણાય જ્યારે તેમનો સમય તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે રમી-ઝગડીને તેઓ વિતાવી શકે. દાદા-દાદી કે નાના-નાનીને તો પોતાના વ્યાજના વ્યાજ રૂપી પૌત્ર-પૌત્રીઓ સાથે તેઓ જેટલો વધુ સમય વિતાવી શકે ત્યારે તેમને જીવન સફળ થયેલું લાગે. ખરેખર તો ગ્રાન્ડપેરેન્ટ્સનો સમય અને પ્રેમ મેળવી શકનાર બાળક જ નસીબદાર ગણાય. માતા-પિતા અને શિક્ષક પણ જે નથી આપી શક્યા તેવા સંસ્કારોનું સિંચન બાળકોમાં ગ્રાન્ડપેરેન્ટસ સાથેના સહજીવનથી થાય છે. ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, વડીલોને આદર જેવા ગુણો બાળકોને ક્યારેય કોઈ પાઠશાળામાં શીખવા મળવાના નથી હોતા જે તેમનામાં ગ્રાન્ડપેરેન્ટસ સાથે માત્ર રહેવાથી ઉતારવાના હોય છે. અમારા બાળકોના ડોકટરો પાસે પણ જે બીમાર બાળકોને તેમના પેરેન્ટસ લઈને આવે છે તે પેરેન્ટ્સ પોતાના વર્કસ્ટ્રેસને કારણે બાળક કેમ કરતા જલ્દી સારું થાય અને જરૂર પડે તો ભારે દવા અથવા કોઈ ટેસ્ટ કરાવી લો તેમ કહેતા હોય છે. જ્યારે જે બાળકોને લઈને ગ્રાન્ડપેરેન્ટસ આવે છે તેઓ ડોક્ટરને તેમના પ્રમાણે કામ કરવા દે છે અને ટેસ્ટ પહેલા તેઓ ત્રણ-ચાર દિવસ સુધી રાહ જોવા પણ તૈયાર હોય છે. ગ્રાન્ડપેરેન્ટ્સ પાસે આખા જીવનના સુખ-દુઃખનું તેમજ અનુભવોનું ભાથું હોય છે. જે વસ્તુઓ તેઓ પોતાના સંતાનોને નથી આપી શક્યા તે હવે તેમના સંતાનોના સંતાનોને આપવા ઉત્સુક હોય છે. એક દાદાએ વાત કરી હતી કે હું મારા દીકરાને ભણાવતો હતો ત્યારે તેના પર ખુબ ગુસ્સે થતો અને ક્યારેક તેને મારતો પણ હતો પણ હવે તેના દીકરાને ખુબ સરસ રમતા રમતા ભણાવું છું અને ક્યારેય ગુસ્સો આવતો નથી. દરેક માતાપિતાની ફરજ છે કે તેમના સંતાનોને તેઓ તેમના ગ્રાન્ડપેરેન્ટસની ત્રુટિઓ અને ખામીઓ કહે તેનાં કરતા તેમના ગુણોની વાતો કરે જેથી બાળકોને પણ તેમના ગ્રાન્ડપેરેન્ટ્સ સાથે રહેવા મળવાની ઈચ્છા થાય. વર્કિંગ પેરેન્ટસના સંતાનો અને તેમના ગ્રાન્ડપેરેન્ટસ શ્રેષ્ઠ મિત્રો બની શકે છે. બાળકો તેમના દાદાના વાળ કે ચશ્માં ખેચે તે પણ દાદાને તો ગમતું જ હોય છે. બાળકોને પણ તેમના દાદા-દાદીને હેરાન કરવાના અને તેમની જોડે હસી-મજાક કરવાના સંભારણા જીવનભર યાદ રહે છે સામે ગ્રાન્ડપેરેન્ટ્સને પણ તેમના પોત્રોના આ કરતુત ગમતા હોય છે. જ્યારે પોત્રો-પૌત્રીઓ મોટા થાય છે અને ગ્રાન્ડપેરેન્ટસ આ દુનિયામાં નથી હોતા ત્યારે તેઓ તેમની યાદો અને તેમની સાથે ગાળેલા સમયમાં મેળવેલા સંસ્કારોથી પોતાની ત્રુટિઓ દુર કરવાનો પ્રયત્ન કરે છે. અફસોસ એ છે કે અત્યારનું સામાજિક ચિત્ર બદલાઈ ગયું છે. ઘરડાઘર ગ્રાન્ડપેરેન્ટ્સથી ઉભરાઈ રહ્યા છે અને પૌત્રો-પૌત્રીઓએ બેબી સીટીંગમાં રહેવું પડે છે. જે વર્કિંગ પેરેન્ટસ તેમના બાળકોને ગ્રાન્ડપેરેન્ટસથી દુર રાખે છે તેઓ કમાઈને પણ અનેકગણું ગુમાઈ રહ્યા હોય છે. એવું કહેવાય છે કે માણસે સદા યુવાન રહેવું હોય તો વડીલો અને બાળકો સાથે વધુને વધુ સમય પસાર કરવો જોઈએ. જ્યારે વડીલો અને બાળકો જ એકબીજા સાથે વધુને વધુ રહે તો તેઓ એકબીજાની કેટકેટલી જરૂરિયાતો પૂરી કરી શકે અને એકબીજાને કેટલી હુંફ આપી શકે તે વિચારો. ( દિવ્યભાસ્કર : ૦૯/૦૨/૨૦૧૬ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો