મુલાકાતી નંબર: 430,120

Ebook
33 દોરીની ગુંચ અને કાલા કપાસ
થોડા સમય પહેલા એક સફળ ન્યુરોસર્જન મિત્રને મળવાનું થયું. વાત વાતમાં તેઓએ તેમના બાળપણના દિવસો યાદ કરતા કહ્યું, “નાના હતા ત્યારે ઉતરાયણ જાય પછી બાપુજી આખા ગામમાંથી દોરીની ગુંચો ભેગી કરાવે, મારે તે ઉકેલવાની અને તેનું પીલ્લું તેઓ ૧૦ પૈસામાં વેચતા. નાનપણના આ અનુભવને કારણે હવે મગજની અટપટી ગુંચો ઉકેલવાની સર્જરી અઘરી નથી લાગતી”. વાત નાની હતી પરંતુ દરેક માતાપિતાને એક સંદેશો આપનારી હતી. બાળકો નાનપણમાં મહેનત, શ્રમ અને તકલીફો લેતા હોય તો લેવા દેવી. ખુબ મહેનત બાદ માતાપિતા જે તબક્કે પહોચ્યા છે તે તબક્કે બાળકોને સીધાજ ઉચકીને મૂકી દેશો તો તેઓ ઘણા બધા ક્ષેત્રોમાં પાછળ રહી જશે. આગળ જતા માતાપિતાએ તૈયાર કરીને આપેલું સામ્રાજ્ય તેઓ સફળતાપૂર્વક લાંબો સમય ટકાવી શકશે નહીં. સુંદર અને મોટી ઈમારતના પાયા તો મજબૂત હોવાજ જોઈએ. બાળકો સફળ બને અને લાંબો સમય સફળ રહી શકે તેવી મંઝિલનું તેમનું નિર્માણ તો જ થશે જો નાનપણમાં તેઓએ બધાજ પ્રકારનો શ્રમ અને અસુવિધા ભોગવી હશે. મહાન અદાકાર રાજકપૂરજીએ પણ કહ્યું હતું કે ૧૯૩૫ થી ૧૯૪૫ના સમયમાં અર્થાત તેમનાં ટીન એઈજ ગાળામાં તેઓને પિતા પૃથ્વીરાજ કપૂરની સાથે તેમની નાટક મંડળીમાં ભારત ભ્રમણ કરવાનો મોકો તેમને મળ્યો હતો. નાનપણમાં જ થયેલું ભારતના અદના આદમીનું અને ગામડાનાં ભારતીય સમાજનું દર્શન તેમના બાળમાનસ પર ઊંડી અસર કરી ગયું હતું. સાથે તેઓએ પિતા પૃથ્વીરાજ કપૂરને પણ અતિશય શ્રમ કરતા, નાટકના નાના નાના પાસામાં ડૂબતા, અને નાના માણસ સાથે પણ માનવીય વ્યવહાર કરતા જોયા હતા. બાળકો ૫ થી ૧૫ વર્ષના તબક્કામાં ભણવા સિવાયની કોઈ પણ પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહે તો તેમને તેમની મનગમતી પ્રવૃત્તિ કરવા દેવી જેમકે નૃત્ય, રમત-ગમત, રસોઈ વગેરે. કારણકે આ ઉમરે તેમની વિચારશક્તિ અને કલ્પનાશક્તિ અદભુત હોય છે. તેમનું મગજ સર્જનાત્મક હોય છે અને તેઓ તેમના વિચારોને વાસ્તવિક સ્વરૂપમાં જોવા માટે પોતાનામાં રહેલી બધીજ શક્તિનો પુરેપુરો ઉપયોગ કરતા હોય છે. અનુંવંશશાસ્ત્રના પિતા ગણાતા મહાન વૈજ્ઞાનિક મેન્ડેલે પોતાના પિતા ફળબાગની ખેતી કરતા તેમની સાથે કલાકોના કલાકો રહેતા અને કલમ કરી ફળઝાડની ગુણવત્તા કેમ સુધારાય તે કામ તેમણે બાળપણમાં જ શીખી લીધું હતું. આજ પ્રેરણાથી આગળ જતા તેમણે વટાણાના છોડ પર અવનવા પ્રયોગો કર્યા. ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત રચનાર અન્ય મહાન વૈજ્ઞાનિક ન્યુટન પણ પોતાની ૫ થી ૧૫ વર્ષની ઉમર દરમ્યાન નાના પૈડાવાળા રમકડા અને રમકડાંની ગાડીઓ વચ્ચે કલાકોના કલાકો રૂમમાં ભરાઈ રહેતા હતા. આ ઉમરે બાળકોમાં થતા અંતઃસ્ત્રાવોના ફેરફારોના લીધે તેમનામાં થોડી સાહસવૃત્તિ, થોડી જીદ, થોડી તોડફોડ કરવાની વૃત્તિ અને જીવનનો કોઈપણ પ્રકારના સ્ટ્રેસમુક્ત સમય હોય છે. આ ઉમરે તેમણે મેળવેલો અનુભવ કોઈ પણ વિદ્વાન શિક્ષકો કે કોઈ પણ મેનેજમેન્ટની કોલેજો તે પછી નહી આપી શકે. બાળક પોતે બસમાં કે અન્ય બાળકો સાથે સ્કૂલવાન દ્વારા સ્કૂલે જવા ઈચ્છતો હોય તો તેને તકલીફ પડશે તેવું વિચારી સામેથી તેને વાહનની ચાવી આપીને અથવા ડ્રાયવર દ્વારા સ્કૂલે મુકવા લેવાની વ્યવસ્થા કરવાની જરૂર હોતી નથી. છેલ્લે એક સર્જન મિત્રએ પોતાના વિશે કહેલું સાંભળવા જેવું અને પોતાના બાળક માટે યાદ રાખવા જેવું વાક્ય,” અમે નાના હતા ત્યારે ગામડામાં સળંગ ૮થી ૯ કલાક બેસી બે ગુણો કાલા-કપાસ ફોલતા આથી હવે સળંગ ૬ થી ૭ કલાક ઓપરેશન ટેબલ પર ઉભા રહી સર્જરી કરવાનો થાક કે કંટાળો આવતો નથી”. ( ફેબ્રુઆરી ૨૦૧૫ – દિવ્યભાસ્કર )    

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો