મુલાકાતી નંબર: 430,030

Ebook
34 વ્યાસન મુક્ત માતાપિતા – બાળકને અમુલ્ય ભેટ
બીડી, સિગારેટ, મસાલા તેમજ મદિરા જેવા વ્યસનો માતાપિતા દવારા થાય તો તેની તુરત અને લાંબાગાળે ઉદભવતી આડઅસરોનો ભોગ તેમના નિર્દોષ સંતાનોએ બનવું પડતું હોય છે. આપણા દેશમાં પુરુષ વર્ગ વધુ ધુમ્રપાન કરે છે. જ્યારે પણ માતાપિતા ઘરમાં, ગાડીમાં કે બંધરૂમમાં ધુમ્રપાન કરે ત્યારે ઉચ્છવાસમાં કાઢેલો ધુમાડો બાળકોના શ્વાસમાં જાય છે. આમ પરોક્ષ રીતે બાળકોએ પણ ધુમ્રપાન કર્યું કહેવાય(passive smoking). બાળકોમાં તેની તુરત અને લાંબાગાળે આડઅસરો જોવા મળે છે. જ્યારે સગર્ભા માતા ધુમ્રપાન કરે ત્યારે નિકોટીન અને કાર્બન મોનોક્સાઈડ નામના ઝેરી તત્વો માતાના લોહીમાંથી નાળદ્વારા ગર્ભસ્થ શિશુમાં પ્રવેશે છે. આ ઝેરી તત્વો તેના અલ્પવિકસિત ફેફસા અને અન્ય અંગો પર ગંભીર આડઅસર કરે છે. માતાના ધુમ્રપાનને લીધે ગર્ભસ્થ બાળકનું ગર્ભમાંજ મૃત્યુ, અધૂરા માસે અને ઓછા વજન વાળા બાળકનું જન્મવું, નવજાત શિશુમાં ફેફસાની તકલીફો જેવી ગંભીર અસરો જોવા મળે છે. જન્મથી પહેલા બે વર્ષમાં બાળકનું ફેફસું અલ્પવિકસિત હોય છે. આ દરમ્યાન તેના સંપર્કમાં રહેતી કોઈ પણ વ્યક્તિ ધુમ્રપાન કરે તો બાળકને દમ, શ્વાસની તકલીફો, વારંવાર શરદી-ખાંસી, વિવિધ એલર્જીઓ તુરંત જોવા મળે છે. પરોક્ષ ધુમ્રપાનને કારણે આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી રહે છે જેના કારણે તેઓમાં કાનમાં રસી, ન્યુમોનિયા અને મેનીન્ગોકોકલ વિષાણુંનો ચેપ વધુ જોવા મળે છે. ધુમ્રપાન કરતા માતાપિતાના બાળકોમાં લાંબાગાળે જોવા મળતી આડઅસરોને ધીમા ઝેરથી થતા મૃત્યુ સમાન ગણી શકાય. ધુમ્રપાન કરતી વ્યક્તિઓની ચામડી,વાળ અને કપડા પર નિકોટીન અને કાર્બન મોનોક્સાઈડ સહિત ૭૦ જેટલા ઝેરી તેમજ પ્રાણઘાતક સંયોજનો ઓળખાયા છે. આ વ્યક્તિઓ જ્યારે નાના બાળકોને રમાડવા ઉચકે, ખોળામાં લે કે ચુંબન કરે ત્યારે આ ઝેરી તત્વો નિર્દોષ બાળકમાં પ્રવેશે છે. આવા ઝેરી તત્વોના સતત સંપર્કને લીધે આ બાળકોમાં ઉદભવતી લાંબા ગાળાની શારીરિક તકલીફોમાં ટીન એઈજમાં દમ, ખરજવું, આનુવાંશિક રોગો, લ્યુકેમિયા અને લીમ્ફોમાં જેવા કેન્સર, કરોડરજ્જુ, યકૃત, અને મૂત્રાશયની તકલીફોને ગણી શકાય. વ્યસની માતાપિતાના બાળકોમાં કોઈ પણ પ્રકારનું કેન્સર થવાની શક્યતા વ્યસન ન કરતા માતાપિતાના બાળકો કરતા ૩૫% જેટલી વધુ હોય છે. કોઈ પણ પ્રકારના વ્યસની માતાપિતા (ધુમ્રપાન, આલ્કોહોલ, ગુઠકા, પડીકીઓ)ના બાળકોમાં લાંબાગાળે જોવા મળતી માનસિક તકલીફોમાં ચંચળવૃત્તિ (ADHD), વાંચવા, લખવા, બોલવા અને વિચારવાની તકલીફ જોવા મળે છે. આ બાળકો પણ ઝડપથી વ્યસન કરતા શીખી જાય છે. મોટા ભાગના વ્યસનીઓના ઘરમાં સતત પૈસાની ખેંચ રહેતી હોવાને ઘરમાં કજિયા અને કંકાસ રહે છે જેને કારણે બાળકની માનસિક ક્ષમતા રૂંધાય છે. આ બાળકોના સારા કહી શકાય તેવા મિત્રો ઓછા હોય છે. આ બાળકોની ડ્રગ્સના રવાડે ચઢી જવાની શક્યતા વધુ હોય છે. વ્યસની માતાપિતાને કારણે ઘણી જગ્યાએ તેમના બાળકો પણ સામાજિક રીતે અસ્વીકૃત રહે છે. આથી તેમનામાં પણ અસલામતી, નકારાત્મકતા, અને લઘુતાગ્રંથીની ભાવના વધુ જોવા મળે છે. વ્યસની માતાપિતામાં છુટાછેડાનું પ્રમાણ પણ સહેજ વધુ જોવા મળે છે તેમજ વ્યસની વ્યક્તિમાં અકાળે મૃત્યુનું પ્રમાણ પણ વધુ હોઈ તેમના સંતાનોને અનાથ થઇ જવાનો ભય રહેતો હોય છે. વ્યસની વ્યક્તિના બાળકો તેમના માતાપિતાની સરખામણી તેમના એવા મિત્રોના માબાપ સાથે કરે છે જેઓ વ્યસન નથી કરતા અને હીનતાની લાગણી અનુભવે છે. વ્યસની માતાપિતાઓ એ નક્કી કરવું જોઈએ કે તેમણે તેમના સંતાનોને જીભનું કેન્સર, પેટમાં પિત્ત, ફેફસામાં દમ, તેમજ ફેફસામાં કેન્સર પ્રકારના રોગો તેમજ ક્યારેક ગેન્ગરિન ને લીધે કપાયેલા હાથ પગ, લકવાગ્રસ્ત શરીર જેવી વ્યસનને લીધે ઉદભવેલી તકલીફોથી પીડાતા, રીબાતા વ્યસની માતાપિતાની સેવા કરાવી તેમના બાળકોનું જીવન બરબાદ કરવું છે કે પોતે વ્યસનમુક્ત રહી અથવા સમયસર વ્યસન છોડી પોતાના સંતાનોને જીવનમાં આગળ વધવાની અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક આપવી છે. આપણા ભારતીય સમાજમાં વ્યસનને લીધે પણ પીડાતા, રીબાતા પોતાના માતાપિતાને અવગણીને બાળક સામાન્ય જીવન જીવી શકવાનો નથી. વ્યસની માતાપિતાએ સમજવું જોઈએ કે વ્યસનના એક છેડે હંમેશા અગ્નિ હોય છે અને બીજા છેડે મુર્ખ વ્યક્તિ. તેમના સંતાનોને અંધકારમય ભવિષ્ય અને લાખો રૂપિયાનું દેવું ભેટમાં આપવાનો તેમને કોઈજ અધિકાર નથી. સારા ટ્યુશનો, સારી સ્કુલોમાં પ્રવેશ અને સારી પોલીસીઓ કરતા તેઓ કોઈ પણ પ્રકારના વ્યસનથી મુક્ત રહે તે માતાપિતા દવારા તેમના સંતાનોને અને તેમની આવનારી પેઢી માટે અમૂલ્ય ભેટ ગણી શકાય.  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો