મુલાકાતી નંબર: 430,023

Ebook
4 બાળકનો શાળામાં પ્રવેશ
બાળક માંડ ૨ વર્ષ પુરા કરે ત્યાં માતા-પિતાનું મુખ્ય કામ તેના માટે સારી શાળા શોધવાનું હોય છે. ઘરનાં સૌને પ્રશ્ન થતો હોય છે તેના માટે કઈ શાળા પસંદ કરવી? મા, માતૃભુમી અને માતૃભાષાનું જેટલું મહત્વ બાળકના જીવનમાં હોય છે તેટલું જ મહત્વ બાળકની માતૃશાળા અર્થાત તેની પ્રથમ શાળાનું હોય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના મતે શાળા એવી હોવી જોઈએ જે બાળકને જીવનમાં આગળ વધવાનો માર્ગ અને દિશા બતાવે અને એ માર્ગ પર બાળકને જાતે આગળ વધવાનો મોકો, પ્રોત્સાહન અને શિક્ષણ આપે. નર્સરી કે પ્લેગ્રૂપમાં પ્રવેશ લઇ શાળાકીય જીવન શરૂ કરતા બાળક માટે શાળા ઘરની નજીક હોવી જોઈએ. બાળકને માતા-પિતા મુકવા-લેવા જાય કે બાળક વાનમાં આવે-જાય પણ તેની મુસાફરી લાંબી અને કંટાળાજનક ના હોવી જોઈએ. શાળાએ આવવા-જવાના લાંબા સમયને લીધે તેના રમવાના અને સુવાના કલાકો ઘટવા ન જોઈએ. નર્સરીના કલાકો ૧.૫ કે ૨ જેટલા પૂરતા છે. શાળા કોઈ પણ માધ્યમની હોય બાળકને માતૃભાષાનું જ્ઞાન અવશ્ય મળવું જોઈએ. બાળકના વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર ઘડતરના પાયા માતૃભાષાથી જ ચણાતા હોય છે. ૨ થી ૫ વર્ષ વચ્ચે બાળકે રમતો રમતા રમતા ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનું હોય છે. અડધા દિવસના નાના પ્રવાસ, નાટક, વેશભૂષા અને વાર્તા કહેવાના કાર્યક્રમો ઘડતી શાળામાં બાળક ઝડપથી ગોઠવાઈ જતું હોય છે. શાળામાં તહેવારોની ઉજવણી ખાસ થવી જોઈએ. તહેવારોની સમજણ બાળકને દેશની સંસ્કૃતિ વિશે સમજ આપે છે. આ પ્રકારના શાળાકીય કાર્યક્રમો દ્વારા બાળક સરસ બોલતા શીખે છે. બાળકના શાળાના કલાકોમાં બાળકના માતા-પિતાનું સ્થાન શાળાના શિક્ષકો લેતા હોય છે. સિનિયર કેજી સુધી શાળાએ બાળકની કોઈ પણ પ્રકારની ફરિયાદો તેના માતા-પિતાને કરવી જ ના જોઈએ. માત્ર તેની પ્રવૃતિઓનું ધ્યાનથી નિરીક્ષણ કરી તે વિશે જાણકારી તેના માતા-પિતાને આપતા રહેવું જોઈએ. શિક્ષકો સાથે માતા-પિતા મોકળાશથી હળી મળી શકે અને સમસ્યાનું સમાધાન કરી શકે તેવું વાતાવરણ હોવું જોઈએ. શિક્ષકોએ અને માતા-પિતાએ એકબીજાની ભૂલો કાઢવા અને એકબીજાને ઉતારી પાડવામાં તેમની શક્તિનો વ્યય ના કરવો જોઈએ. માતા-પિતાએ પણ તેમણે ફી ભરી એટલે એમની ફરજ પૂરી થઇ એવું વર્તન ન કરવું જોઈએ. પ્રાથમિક શાળાના સંચાલકોએ પણ માત્ર વ્યવસાયિક નહિ પરંતુ પોતાના આંનદ માટે કામ કરવાનો અભિગમ રાખવો જોઈએ. શાળાએ પણ દરેક બાળકને તેની ક્ષમતા પ્રમાણે પૂરું સન્માન મળે તેનું ધ્યાન રાખવું જોઈએ. પહેલા ધોરણ સુધીના બાળકોને શિક્ષા તો હોય જ નહી, શિસ્તનો પણ અતિરેક ના હોવો જોઈએ. શાળાએ ચોખ્ખાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ, નાના ભૂલકાઓને ઘણા ચેપી રોગો શાળામાં પુરતી ચોખ્ખાઈ ના હોય તો થઇ જતા હોય છે. ખાસ કરીને સ્ટાફના સભ્યોની અંગત ચોખ્ખાઈ અને બાથરૂમ, સંડાસ ચોખ્ખા રહેવા જોઈએ. પૌષ્ટિક નાસ્તાની આદત શાળા વધુ સારી રીતે પાડી શકે છે પરંતુ ખોરાકની ગુણવત્તા પુરતી જળવાવી જોઈએ. જો તે શક્ય ના હોય તો શાળાએ બાળકોને તેમના નાસ્તા ઘરેથી લાવવાની પરવાનગી આપવી જોઈએ. સીનીઅર કેજી સુધી એક ક્લાસમાં ૨૫ જેટલા બાળકો પૂરતા છે. આ બાળકોને અંગત ધ્યાનની ખાસ જરૂર હોય છે. આ બાળકો માટે દર ૯ બાળકો વચ્ચે એક શિક્ષક એ આદર્શ આંતરરાષ્ટ્રીય ધોરણ છે. હવા ઉજાસ અને ખુલ્લા રમત ગમત માટેના મેદાન સહિતની શાળામાં બાળક વધુ પ્રફુલ્લિત રહે છે. ઘણી નર્સરીની સ્કૂલો ભાડે લીધેલા બંગલામાં ચાલતી હોય છે જ્યાં રમત-ગમતના મેદાનનો અભાવ હોય છે. નર્સરી અને પ્લેગ્રૂપ માં શાળાએ ગીત-સંગીત, ડાન્સ, ચિત્રકામ, માટીકામ, પશુ-પંખી, ફૂલ-ઝાડ વિશેના જ્ઞાન પર જ ધ્યાન આપવું જોઈએ. તો આગળ જતા આ બાળક મેમરી મશીન બનતું અટકશે. બાળક પર લખવાનું શીખવાડવાની જરાય ઉતાવળ ના કરવી જોઈએ. કોઈ બાળક અઢી વર્ષે A,B,C,D લખવા-વાંચવાનું શીખવાનું શરૂ કરશે તો તેને સંપૂર્ણ A,B,C,D લખતા-વાંચતા ચાર વર્ષે આવડશે અને જો કોઈ બાળક આજ કામ ચાર વર્ષે ચાલુ કરશે તો તેને આ વસ્તુની સંપુર્ણ આવડત સાડાચાર વર્ષે આવશે. પણ ગુમાવ્યું કોણે? ૧૫ થી ૨૦ કિગ્રા જેટલું માંડ વજન ધરાવતા બાળક માટે આ ઉમરે સ્કૂલબેગનું વજન નહિવત હોવું જરૂરી છે. આ બધા માપદંડો કોઈ એક શાળામાં હોય તે લગભગ અશક્ય છે, પરંતુ ઉપરનામાંથી ૮૦% માપદંડો ધરાવતી શાળાને શ્રેષ્ઠ શાળા કહી શકાય. બાળકનું પહેલું ધોરણ ૫.૫ વર્ષથી ૭ વર્ષ વચ્ચે અને તેમાં પણ બને તેટલું મોડું હોવું જોઈએ. બાળક ૫.૫ વર્ષ પહેલા પ્રથમ ધોરણ માટે માનસિક રીતે તૈયાર હોતું નથી. બાળક ૧ વર્ષ મોડું ભણીને બહાર પડે તેની ચિંતા ના કરવી પરંતુ તેને ૫ થી ૭ વર્ષની ઉમર વચ્ચે ૧ વધુ વર્ષ તેને ખુલ્લા મેદાનમાં રમવા-દોડવા મળે તો તેના અને માતા-પિતાના બીજા ૧૨ વર્ષ દબાણ વિના ચોક્કસપણે જશે. બાળક શાળાએ હસતા હસતા જવું જોઈએ અને હસતા હસતા શાળાએથી પાછુ આવવું જોઈએ. કોઈ પણ બાળક રવિવારે અને રજાના દિવસે શાળાએ જવાની જીદ પકડીને રડે તે શાળાની મોટી સિધ્ધિ કહેવાય. ( દિવ્ય ભાસ્કર : ૨૩/૦૬/૨૦૧૫)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો