બે થી સાત વર્ષના બાળકની ઉંમર જિજ્ઞાસાવૃત્તિવાળી ઉંમર કહેવાય. આ ઉંમરમાં તેને નવું નવું જોવું હોય, નવું જાણવું હોય. બધે અડવું હોય. આવું કરીએ તો શું થાય? તેમ તેનું મગજ વિચારતું હોય છે. આ ઉંમરમાં જોવા મળતા સ્વભાવગત લક્ષણો જેમ કે
- બુમો – ચીસો
- મારવું – માંગવું
- તોડવું – ફેંકવું
- જીદ – રીસાવું
- પ્રશ્નો – વિરોધ કરવો
- ચિડિયાપણું – ગુસ્સે થવું
- બધી વસ્તુઓ મોમાં નાખવી.
- આવી વસ્તુઓ ૨ થી ૭ વર્ષના બાળકમાં જોવા મળે ત્યારે ડરવું, ગભરાવું નહીં.
- તેની સામે માતાપિતાએ શાંત, સ્વસ્થ અને નમ્ર રહેવું.
- તેને સામું મારવું, બાથરૂમમાં પૂરવું, તેની સામે અપશબ્દો બોલવા કે હાથ ઉપાડવા જેવું વર્તન ના કરવું.
- આવું કરવાથી બાળકની વૃત્તિ શાંત નહીં થાય. તે વધુ હિંસક બનશે.
- ક્યારેક તેણે ધારેલું માતાપિતા સામે નહીં પણ ચોરી છુપીથી કરશે.
- માતાપિતાએ જ શાંત રહી પોતાનામાં અને પોતાની આજુબાજુ એવા પોઝીટીવ વાઈબ્રેશન ઘડવા કે બાળક ધીરે ધીરે નમ્ર અને શાંત થતું જાય.
- જો બાળકની તોડફોડ કરવાની વૃત્તિ સાથે તે તેની ઉંમરના લોકો સાથે હળીભળી શકતું નાં હોય અથવા સ્કુલમાંથી એવી ફરિયાદ આવે કે અન્ય બાળકો તેના લીધે ડિસ્ટર્બ થાય છે તો બાળકમાં ‘બેધ્યાનપણું’ ‘ADHD’ ના લક્ષણો છે કે નહીં તે માટે તપાસ કરાવવી જોઈએ.
- થોડી ધીરજ, થોડું શાંત રહેવાથી બાળકો પણ ધીરે ધીરે શાંત અને ધીરજવાળા થશે જ.
આંઠ વર્ષની ઉંમરના એક બાળકની માતાનો પ્રશ્ન
પ્રશ્ન :
ડોક્ટર સાહેબ મારો આદિત્ય આંઠ વર્ષનો થયો, ખુબ જીદ કરે છે, તેનું ધાર્યું કરાવવા પ્રયત્ન કરે છે. તેની માંગણી પૂરી ના થાય ત્યાં સુધી બોલ બોલ કરે, હું ખુબ શાંતિ રાખું તો પણ અકળાઈ જઈ મારે ગુસ્સે થવું પડે તેવું વર્તન કરે છે. આવું તે ક્યાં સુધી કરશે? મારે શું કરવું?
જવાબ :
“બહેન, ચિંતા ના કરો. સાત થી દસ વર્ષના બાળકોમાં સમજણ અને નોલેજ (જ્ઞાન, માહિતી) આવી ગઈ હોય છે. તેમની ક્યુરિયોસીટી (શું થશે તેની ઉત્સુકતા કે વિસ્મયતા) ટોચ પર હોય છે. આ પરીસ્થિતિનો અખતરો તે માતાપિતા પર જ કરે છે. એક વખત ધીમેથી, ઓછા શબ્દોમાં તેની આંખમાં આંખ પરોવી તેને સાચું જણાવી દો. તેની સાચી જીદ હોય તો થોડા સમય પછી કે અમુક કામ પૂરું થયા પછી મળશે તેમ જણાવો. ખોટી જીદ હોય તો કેમ પૂરી નહીં થાય તેનું સાચું કારણ જણાવો.
‘નહીં મળે’. ‘નહીં થાય’ અથવા ‘હમણાં દુર જા’ એવા શબ્દોથી પરીસ્થિતિને ટાળો નહીં. તેના પર ગુસ્સો ના કરો, અપશબ્દો ના બોલો. લગભગ દસ વર્ષ થાય પછી શરીરમાં નવા અંત્સ્ત્રાવો બને પછી પુખ્તતા આવે છે. ‘મારે આવું વર્તન નાં કરવું જોઈએ’ તે સમજણ આવે છે. તેને સમજાવો તો માની જાય છે. તેના સાતથી દસ વર્ષનો ‘સમજણથી પુખ્તતા (મેચ્યોરીટી કે પાકટતા)’ સુધીનો સમય સાચવી લેવો તે દરેક માતાપિતાની ફરજ છે.”