ઘરમાં બીજા બાળકનું આગમન થાય ત્યારે પહેલા બાળકની ઉમર મોટેભાગે ૨ થી ૫ વર્ષની વચ્ચે હોય છે. બીજા બાળકનું આગમન આમ તો પહેલા બાળક માટે જ છે એમ કુટુંબીજનો કહેતા હોય છે.
બીજા બાળકના આગમન પછી પહેલા બે–ત્રણ દિવસ પહેલા બાળકને થોડું ઘણું મહત્વ મળે છે. થોડા સમયમાં જ ઘરના સભ્યોને પહેલા બાળકની પ્રવૃત્તિઓ–હરકતો તોફાની લાગવા માંડે છે. તું બાજુ પર ખસ, નાના ભાઈ કે બહેનને અડીશ નહીં, એક જ જગ્યાએ બેસી રહે, બિલકુલ સમજતો નથી…..જેવા વાક્યો મોટા ભાઈ કે બહેને સાંભળવા પડે છે. અહીં એવું નથી કે કુટુંબીજનોનો પહેલા બાળક પ્રત્યે પ્રેમ ઘટી ગયો છે, પણ બીજા બાળકના આવ્યા પછી પહેલા બાળક સાથેના વર્તનની પધ્ધતિ ખોટી હોય છે.
એક લેખકને એક બાળકે સરસ પ્રશ્ન પૂછ્યો,” જ્યારે હું મારા નાના ભાઈને ખોળામાં લેવાની વાત કરું છું તો મને કહેવામાં આવે છે કે તું નાનો છે, અને જ્યારે કોઈ વસ્તુની વહેચણીની વાત આવે તો મને કહેવામાં આવે છે કે તું મોટો છે. મને જ સમજાતું નથી કે હું નાનો છું? કે મોટો?”
એવું નથી કે હવે પહેલા બાળકને સમય વધુ આપવો જોઈએ. પણ જે સમય આપો તે બહુ જ smartly આપવો. બાળકને એમ જ લાગવું જોઈએ કે મારા માતા–પિતાની પ્રાથમિકતા હજું પણ હું જ છું. પિતાએ ઓફિસથી આવ્યા પછી ઘરમાં દાખલ થતા જ સૌ પ્રથમ પહેલા બાળકને ઉચકી લેવું. તેને દિવસ કેમનો રહ્યો?, સ્કુલનાં અને મિત્રોના ખબર–અંતર પૂછવા. પાંચ–સાત મિનિટની ધમાલ–મસ્તી બાદ પહેલા બાળકને જ પ્રશ્ન પૂછવો…” હવે આપણે નાના બાબુની ખબર લઈએ?” મોટા બાળકનો પ્રતિભાવ ચોક્કસ ઉત્સાહપૂર્ણ હશે.
દિવસમાં એક વખત નાના બાળકને સરસ લપેટી સલામત રીતે મોટા બાળકનાં ખોળામાં ૫ મિનિટ માટે આપી દેવું. બહારથી આવતા કુટુંબીજનોએ ફક્ત મોટા માટે જ કોઈ ભેટ લાવવી. ધારો કે મોટું બાળક પ્રશ્ન પૂછે કે નાના માટે કશું લાવ્યા છો? ..એ તો મને યાદ જ ના આવ્યો..મને તો ફક્ત તું જ યાદ આવ્યો..ચાલ હવે આપણે બન્ને ભેગા થઇ તેના માટે ખરીદી કરશું.. જેવા વિધાનો મોટા બાળકમાં નાના બાળક માટે હકારાત્મક લાગણી ઉભી કરે છે.
મોટા બાળકની સિદ્ધિઓને ખુબ વખાણવી અને અમુક ભૂલોને માફ કરવી. બીજા બાળકના કામો જેમ કે ખવડાવવું, નવડાવવું અને સુવડાવવું.. એમાં માતા એ પહેલા બાળકને બને એટલું સાથે રાખવું. બીજા બાળકની અમુક ખરીદીમાં જેમ કે કપડાં, બુટ, રમકડામાં પાહેલા બાળકનો અભિપ્રાય લેવો અને તેને વખાણવું.
જ્યારે તમે પહેલા બાળકનું કોઈ કામ જેમ કે ભણાવવું કે કપડા પહેરાવવા કરી રહ્યા હોવ તે જ સમયે જો નાનું બાળક રડે તો તુરત માતા મોટા બાળકને પડતો મૂકી નાના તરફ દોડી જાય છે, તેવું પણ ના કરવું જોઈએ. એ સમયે માતા કુટુંબના કોઈ પણ સભ્યને કહી શકે કે હમણાં ૧૦ મિનિટ માટે તો હું ફક્ત મોટાનું કામ જ પૂરું કરીશ હાલ તમે કોઈ નાના બાળક ને એટેન્ડ કરો. આ જ પરિસ્થિતિ ચાલુ રહે તો નાનું બાળક સમજણું થતા મોટા બાળક પર દાદાગીરી કરતા અને મોટા ભાઈ કે બહેન આગળ પોતાની મનમાની કરતું થઇ જાય છે.
ઘરે આવતા ખુબ જ નજીક ના સગા જેઓ અત્યાર સુધી ઘરમાં આવતા જ મોટા બાળકને ઉચકી લઇ પ્રેમ કરતાં, બચીઓ ભરતાં અને ભેટ લાવતા તેઓ હવે ફક્ત નાના માટે જ કપડા કે રમકડાં લાવ્યા હોય, નાના બાળકને રમાડતી વખતે તેઓનું ધ્યાન પણ મોટાની તરફ ના હોય તે ઘટના મોટા બાળક માટે ખુબ આઘાત જનક હોય છે.
ધારો કે કોઈ ઓફિસમાં તમે દસ વર્ષથી નિષ્ઠાપૂર્વક કામ કરો છો, હવે નવા આવેલા એક કર્મચારી તરફ બોસ વધુ ધ્યાન આપે, તેને વધુ મહત્વ આપે, તેનો પગાર પણ ઝડપથી વધારી દે તો જુના સ્ટાફની(તમારી) જે સ્થિતિ થાય તે જ સ્થિતિ બીજા બાળકના આવ્યા પછી પહેલા બાળકની થતી હોય છે. એમાં પણ નાના બાળકને રમાડતી વખતે અને મોટા બાળકનું નામ લઇ ઘણા સગાઓ નાના બાળકને કહેતા હોય છે કે તું મોટા જેવો તોફાની ના થઈશ, ડાહ્યો થજે, મોટો તો છે જ ગાંડો વગેરે..
ઘરના કામો, નાના બાળકની જવાબદારીઓ અને કામના ભારણના દબાણ વચ્ચે ક્યારેક માતા મોટાને મારે કે બાથરૂમમાં પૂરી દે અથવા મારે તેવી વારંવાર ઘટનાઓથી મોટા બાળકનો સ્વભાવ ચિડીઓ થાય છે. તેની ભૂખ અને ઉંઘ પર પણ અસર પહોચે છે.
બીજા બાળકના આગમન પછી કુટુંબીજનો દ્વારા મોટા બાળકના કામો માટે તે કામો તે જાતે કરે, તેના રમતિયાળ વર્તન અને વાણીમાં એકદમ જ તે સુધારો લાવે તેવી અપેક્ષાઓ વધી જતી હોય છે. મોટું બાળક તેનામાં સુધારો લાવે તેના કરતાં માતા–પિતા તેની સાથે સ્માર્ટલી વર્તન કરશે તો મોટામાં આત્મવિશ્વાસમાં વધારા સાથે તે બીજા બાળકને બહુ જ ઝડપથી તેમના કુટુંબનું એક સભ્ય ગણી લેશે.
બીજા બાળકને પહેલા બાળક કરતા શું વિશેષ ફાયદા મળતા હોય છે?
- પહેલા બાળક વખતે માતાપિતાનું પેરેન્ટિંગ પહેલું હોય છે. બીજા બાળક વખતે તેઓ અનુભવી થઇ ગયા હોય છે. ‘આવું તો થાય’, ‘બે દિવસમાં મટી જશે’ ..જેવું વિચારી થોડા સ્ટ્રેસ મુક્ત રહે છે.
- બીજા બાળકને પહેલા બાળકની કંપની મળશે. તે પહેલા બાળકનું અનુકરણ કરી ઘણી વસ્તુઓ ઝડપથી શીખશે.
- માતાપિતાને બાળઉછેરનું ટાઈમ મેનેજમેન્ટ સરસ રીતે આવડી ગયું હોય છે.
- માતાપિતા વચ્ચેની એકબીજા માટેની સમજણ અને જતું કરવાની ભાવના સરસ વિકસી હોય છે.
- માતા સાસરામાં નવા ઘરમાં સરસ રીતે ગોઠવાઈ ગઈ હોય છે.
- માતાપિતાની આર્થિક સ્થિતિ પહેલા બાળકના સમયે હોય તેનાથી સારી હોય છે.