- મોબાઈલ ફોનનો ઉપયોગ ગર્ભસ્થ માતાએ પ્રેગનન્સીના ચોથા કે પાંચમાં મહિનાથી જ ટાળવો જોઈએ. વધુ ફોનના ઉપયોગથી બાળકની ગર્ભાશયમાં મૂવમેન્ટ વધી જાય છે. વધુ મોબાઈલ ફોન વાપરનાર માતાને કોઈ પણ રીતે ખલેલ પડ્યા જ કરે છે. થોડો સ્ટ્રેસ વધવાને કારણે તેનું બ્લડ પ્રેસર વધી શકે છે. વહેલી પ્રસુતિ થવાનો ડર રહે છે. ઘણીવાર નેટ પરથી માતાને ખોટી માહિતી પ્રાપ્ત થાય આનાથી પણ તે તાણમાં રહે છે.
- સારું વાંચન અને સારું સંગીત માનસિક શાંતિ આપે છે.
મોબાઈલ ફોનમાં ચેટિંગ માનસિક તાણ વધારે છે.
- બાળકના જન્મ પછી ધાવણ આપતી માતા પણ જો મોબાઈલ ફોનનો ઉપયોગ ચાલુ રાખે તો ધાવણ આપતી વખતે તેને કારણ વિના સામાજિક અને વ્યવસાયિક કારણોથી તાણનું પ્રમાણ વધે છે. આને કારણે બાળક પણ ઇરીટેબલ રહે છે. કારણ વિના રડ્યા કરે છે.
- પ્રેગનન્સીમાં તેમજ ધાવણ આપતી માતા મોબાઈલ ફોનનો ઉપયોગ વધુ કરે તો બાળકમાં હાયપરએક્ટિવીટી અને બેધ્યાનપણું ( ADHD ) થવાની શક્યતા પાંચ ગણી વધી જાય છે.
- બાળક નાનું હોય અને જમે નહીં તો તરત કુટુંબીજનો મોબાઈલમાં ફોટા અને ગીતો વગાડે છે આનાથી બાળક જ તેની આદતવાળું થતું જાય છે. બાળકને મોબાઈલ ફોનના ઉપયોગ આવડે તો કુટુંબીજનો ખુશ થાય છે. આ જરાય ખુશ થવાની વસ્તુ નથી. આ બાળક કુદરતી વસ્તુના સાનિધ્યથી દુર થતો જાય છે. તેને સાચા પશુ, પંખી, ઝાડ અને પર્વત ગમતા નથી પણ મોબાઈલમાં દેખાતા પક્ષીઓ, પ્રાણીઓ કુત્રિમ દ્રશ્યો વધુ ગમે છે. આ વસ્તુ જો તમારા બાળકમાં જોવા મળે તો ચેતી જજો. દસ વર્ષ સુધી તો બાળકને કુદરતી વસ્તુઓનું જ સાનિધ્ય આપવું તે માતા–પિતાની ફરજ છે. ધીરે ધીરે તેને માણસોનું સાનિધ્ય ઓછુ ગમે છે અને તે મોબાઈલમાં દેખાતા પાત્રોને પ્રેમ કરતો થઇ જાય છે.
- બાળકે ટેકનોલોજી અને વિજ્ઞાન પણ શીખવાનું જ છે પણ તેનો યોગ્ય ઉપયોગ તો જ તે કરી શકશે જો કુદરતી વસ્તુઓનું સાનિધ્ય તેણે મન ભરીને માણ્યું હોય. મોબાઈલમાં ગેઈમ રમતા બાળકોને સાચા માણસોના સામજિક સંપર્કો ગમતા નથી, નાની નાની વસ્તુઓમાં તેઓ ચિડાઈ જાય છે. તેઓ શારીરિક શ્રમ ઓછો કરે છે. મેદાનો પરની રમતો તેમને ઓછી ગમે છે પણ બોનસ પોઈન્ટ આપતી મોબાઈલની ગેઈમ તેમને વધુ ગમે છે.
- બાળકના વિકસતા કુમળા મગજ પર રેડિયોમેગ્નેટિક વેવ્સ સામાન્ય ગુસ્સાથી માંડીને કેન્સર જેવા રોગોને નિમંત્રણ આપે છે તે વસ્તુ તો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી છે.
- અતિશય મોબાઈલ ફોનના સંપર્કમાં રહેતા બાળકોને ‘વર્ચ્યુઅલ ઓટિસમ’ નામનો રોગ થાય છે. જેમાં બાળકના વર્તન, સ્પીચ અને સામાજિકપણામાં અસરો જોવા મળે છે.
- સહેજ બાળક મોટું થાય અને ટીન એઈજ ચાલુ થાય એ પહેલા જ તે ઈન્ટરનેટના અન્ય દૂષણોની ઝાપટમાં આવી જાય છે. માતા–પિતાએ બાળકને મોબાઈલ ફોન નાં જ આપવો કે દેખાડવો એવું કહેવાનો આશય નથી પણ આવતા વર્ષોમાં બાળકને કુદરતી વસ્તુઓ બતાવી અને ટેકનોલોજી શીખવાડવી તે જ સફળ પેરેન્ટિંગ ની કસોટી હશે.
મોબાઈલ ફોનની ટેવ બાળકને કેવી રીતે છોડાવવી?
- નાનપણથી જ તેને ફોન કે ટીવીના બદલે નાની વાર્તા, જોડકણા અને પ્રસંગો કહેવાની ટેવ પાડવી.
- બાળકને ફોન ઓછો જો કહેવાથી તે ફોન નહીં મુકે પણ તે જોશે કે માતાપિતા ફોન ઓછો
જુવે છે? માતા પિતા મોબાઈલ ફોનના સંપર્કમાં ઓછા રહેતા હશે તો જ તે ફોન ઓછો જોશે.
- ઘરમાં જ છાપા અને પુસ્તકોનું વાંચન થતું હોય તેવું વાતાવરણ ઉભું કરવું.
- ઘરમાં કોઈ પણ એક કલાક કોઈ જ ફોન ના જુવે અને પુસ્તકો કે છાપાનું વાંચન કરી એકબીજાને સંભળાવે તેવું વાતાવરણ ઉભું કરવું.
- બાળકને દર મહિને એકવાર પુસ્તકની દુકાનમાં લઇ જવો. દર મહિને એક પુસ્તક ખરીદવું. કોઈને ભેટ આપવા માટે પણ પુસ્તક લેવું.
- વાઈફાઈ કે મોબાઈલ ડેટા સતત ચાલુ જ હોય તેવું ના રાખવું.
- બાળકને હોમવર્ક કે ભણતી વખતે મોબાઈલ ફોન આપવો પણ બને તો માતાપિતાએ હાજર રહેવું.
- વેકેશનમાં અને રજાના દિવસોમાં ઘરના સભ્યોએ પણ બાળકો સાથે ફીઝીકલ રમતો જેમ કે દોડપકડ, સત્તોલિયુ, થપ્પો તેમજ કેરમ કે ચેસ જેવી રમતો રમવી.