થોડા સમય પહેલા એક બહેને તેમના દીકરાની આડાઅવળા સમયે નાસ્તા કરવાની અને તેની વસ્તુઓ ઘરમાં જેમતેમ રાખવાની આદત વિશે થોડા દુખ અને થોડા ગુસ્સા મિશ્રિત સ્વરે ફરિયાદ કરી કે તેને આ વિષે ૫૦૦ વખત કીધું હશે, સમજાવ્યું હશે પણ તેનામાં કશોજ ફેર ના પડ્યો. સાચી વાત તો એ છે કે તેમણે તેમના દીકરાને ૫૦૦ વખત કીધું એટલેજ ફેર ના પડ્યો. જો તેઓ પાંચ જ વખત કહી અટકી ગયા હોત તો ચોક્કસપણે તેમના દીકરાએ તેમને સાંભળવાની અને સમજવાની તો શરૂઆત કરી હોત.
પોતાના બાળકને સંપૂર્ણ બનાવવાના દબાણ હેઠળ માતા–પિતાની કેટલીક અસામાન્ય વર્તણુક બાળકની કુદરતી શક્તિને ક્ષીણ કરે છે અંતે બાળકનો આત્મવિશ્વાસ ઘટાડે છે. આવી અયોગ્ય વર્તણુકને જાણીએ અને સમજીએ.
- બાળકની નાની નાની ભૂલોને ખુબ મહત્વ આપી તેને વારંવાર મહેણાં–ટોણાં કહી તેની ભૂલો તેને યાદ કરાવ્યા કરવી.
- (પોતે)માતા–પિતાએ તેના માટે ફાળવેલા સમય, શક્તિ અને નાણાને વારંવાર યાદ કરવા.
- બાળકની સરખામણી તેનાં મિત્ર કે ભાઈ–બહેન સાથે વારંવાર કરવી અને તેઓની સરખામણીમાં સતત તેને નીચો પાડવો.
- તેના ભૂતકાળના કોઈ અયોગ્ય વર્તન,ભૂલો કે કોઈ ખરાબ પરિણામ ને વારંવાર યાદ કરવું.
- તે કોઈ નવું કાર્ય શરૂ કરે ત્યારે તેમાં આવનારી સંભવિત તકલીફો કે ભૂલો વિશે તેને સતત સલાહ આપવી.
- તેને જાણે નવરા બેસવાનો હક્કજ ના હોય તેમ તે નવરો બેઠો હોય ત્યારે તેને તેની દિનચર્યા કે ભણતર વિશે વારંવાર પ્રશ્નો પૂછવા.
- ઘરના વધુ લોકો દ્વારા અલગ અલગ સમયે વારંવાર અપાતી સલાહ.
- ઈતર પ્રવૃતિમાં કે ભણતરમાં માતા–પિતા અને બાળકે સાથે નક્કી કરેલા ધ્યેય( target) બાળકથી પુરા થાય કે તુરત જ તેને નવા target માટે શરૂઆત કરાવવી.
- બાળક તેને પોતાને અનુકુળ પદ્ધતિથી કામ કરે તેના કરતા માતા–પિતાએ પોતે ઈચ્છેલી અને વિચારેલી પદ્ધતિથી બાળક કામ કરશે તો તેને ચોક્કસ સફળતા મળશે તેવું તેને વારંવાર સમજાવવું.
- ઉંમર વધવા છતાં ઘણીવાર બાળક સાથે તે ખુબ નાનું બાળક હોય તેવું બાલિશ વર્તન કર્યા કરવું( જેને લીધે સમયસર બાળકમાં પુખ્તતા આવે જ નહીં)
- બાળક સાથે સલાહ વિનાનો હળવો સાહજિક સમય ભાગ્યેજ વિતાવવો.
- ઘરમાં કશું નુકશાન થાય તો તેનું કારણ બાળક જ છે તેવું વારંવાર પુરવાર કરવું(blaim).
- બાળક પર ઘણા બંધનો લાદવા અને સામાજિક રીતે તેને છુટથી હળવા ભળવા દેવો નહીં(એવું વિચારને કે લોકો સમક્ષ તે કોઈ અઘટિત વર્તન કરશે તો)
- તેની અંગત વસ્તુઓ જેમકે ડાયરી, મોબાઈલ, બેગ કે પર્સની વારંવાર તપાસ કરવી અને તેની પાસે પૈસાનો બહુ કડકાઈથી હિસાબ માંગવો.
- તેને મુક્ત જિંદગીથી વંચિત રાખવો.. જેમકે રજાના કે પરીક્ષા પત્યાના બીજા જ દિવસે પણ તેને મોડા સુધી સુવા ના દેવો, તે નિશ્ચિત સમયેજ ઘરે આવી જાય અને નિશ્ચિત સમયેજ હંમેશા જમી લે તેવો કાયમ આગ્રહ રાખવો.
- માતા–પિતા તેમને પડતી વ્યવસાયિક કે સામાજિક તકલીફો નો ગુસ્સો અવારનવાર બાળક પર ઉતારે.
- માતા–પિતા એકબીજા સાથે પણ નાની નાની વાતોમાં ઝગડ્યા કરતા હોય.
- માતા–પિતા પોતાના સમયનાં સંઘર્ષમય જીવનને અને પોતાને પડેલી તકલીફોને વારંવાર યાદ કર્યા કરતા હોય.
- માતા–પિતા પોતેજ બાળકની ક્ષમતા ઓછી આંકી તેને પુરતી તક ના આપે અથવા તેઓ બાળકને ક્યારેય જોખમ ઉઠાવવા ના દે.
- બાળકને તેની નાની ભૂલમાં પણ તેને ઘાટા પાડી ખુબ ખખડાવી નાખવો.
- તેના દૈનિક કાર્યમાં અને બિનજરૂરી મુદ્દાઓમાં પણ ખુબ રસ લેવો, પ્રશ્નો પૂછવા અને વણમાગી સલાહ આપવી.
- તેની અસફળતાની વાતો ઘરે આવેલા સગા કે મિત્રો સાથે વારંવાર કરવી.
(૫ થી ૧૫ વર્ષના લગભગ ૫૦ બાળકોના મંતવ્યોનો આ સાર છે.)
માતા–પિતાએ તેમના બાળકોની ભૂલો ઉદાર દિલે સ્વીકારવાની જરૂર છે. તેને વધુ તક આપવાની જરૂર છે. તેનાં માટે વિચારેલા થોડા ધ્યેય (target) ઘટાડવાની જરૂર છે. તેની ક્ષમતા, બુધિપ્રતીભા, અને તેનાં વ્યક્તિત્વ ને માન આપવાની જરૂર છે અને થોડું કુદરત–ઈશ્વર પર છોડી દેવાની જરૂર છે. તેમના માટેના spoken શબ્દોથી તેમનું હૃદય broken નાં થાય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.